માણેકચંદ થી માણિભદ્રવીર – મગરવાડા
શ્રી આનંદવિમલસૂરી ઉજજયીનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધવૅમસાણમાં ધ્યાને બેઠા હતા .ત્યાં તેમણે એક માસોપવાસનો તપ કર્યો હતો. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યુ કે તું આનંદવિમલસૂરિને વહોરવા – તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં મસાણમાં પરીક્ષા કરવા ગયા. તેમણે અંધારામાં મશાલ સળગાવી અને આનંદવિમલસૂરિની દાઢીપર ધરી તેથી તેમની દાઢીના વાળ બળી ગયા અને તેમનું મુખ દાઝ્યું , તોપણ મૌન-શાંત રહ્યા, તેથી માણેકચંદ શેઠને તેમના સાધુત્વની શ્રદ્ધા થઇ અને ગુરૂના પગે પડ્યા. આનંદવિમલસૂરિએ તેમને બોધ આપ્યો. તેથી તે ગુરૂભક્ત બન્યા. માણેકચંદ શેઠની પાલીમાં દુકાન હતી. ત્યાં આનંદવિમલસૂરિ ચોમાસું રહ્યા. ત્યાં આનંદવિમલસૂરિએ શત્રુંજયમાહાત્મ્ય વાંચ્યું. તેથી સિદ્ધાચલની યાત્રા કરવા માણેકચંદને ઘણોભાવ થયો અને સિદ્ધાચલનાં દર્શન કર્યા વિના ભોજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી તપ આદર્યું. અને યાત્રા કરવા ચાલ્યા.
સાતમા દિવસના ઉપવાસે તે પાલણપુર અને સિદ્ધપુરની વચ્ચેના મગરવાડામાં આવ્યા, ત્યાં તે વખતે ગામ નહોતું, ત્યાં રાત્રીએ તેમને ભિલ્લોએ લુંટી લીધા અને મારી નાંખ્યા. મરતી વખતે તે સિદ્ધાચલના ધ્યાનમાં તથા પંચપરમેષ્ટિમંત્રના ધ્યાનમાં આરૂઢ થયા હતા, તેથી મરીને વ્યંતર નિકાયમાં માણિભદ્ર વીર તરીકે ઘણા દેવોના ઉપરી થયા. તે સમયમાં ખંભાતમાં ખરતરગચ્છ અને તપાગચ્છના યતિયોમાં મતભેદે ઝઘડો થયો હતો અને ખરતરગચ્છના યતિયોએ તપાગચ્છના યતિયોને ભૈરવની આરાધના કરી મારી નંખાવ્યા. પાંચસો યતિ મરી ગયા તેથી આનંદવિમલસૂરિએ પાલણપુર તરફ વિહાર કર્યો. તે મગરવાડાની ઝાડીમાં આવી ઉતર્યા. ત્યાં રાત્રે આનંદવિમલસૂરિ ધ્યાન ધરતા હતા, તેમની પાસે માણિકચંદ્ર શેઠે આવી દર્શન દીધાં. સૂરિએ તેમને ઓળખ્યા. માણેકચંદે પિતાનું મરણુ વૃત્તાંત વગેરે સર્વ હકીકત કહી. માણિભદ્ર વીર તરીકે પિતાની ઉત્પત્તિ કહી, તથા સેવાચાકરી માટે યાચના કરી. આનંદ વિમલસૂરિએ કહ્યું કે ખરતરગચ્છના યતિયેએ ભૈરવ આરાધી અમારા ગચ્છના સાધુઓ પર મૂકે છે, તેનું નિવારણ કરે અને તપ ગચ્છના આચાર્ય સાધુઓ, યતિઓ વગેરેની સહાય કરો.
મણિભદ્રે કહ્યું હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવનો ઉપદ્રવ ટાળીશ , પણ મારી માંગણી છે કે ,તપાગચ્છના ઉપાશ્રયોમાં તથા દેરાસરોમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. સૂરિએ કહ્યું કે તમોને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવે છે. તેજ જગ્યાએ માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવી. મગરવાડા તરીકે તે સ્થાન પ્રસિદ્ધ થયું. માણિભદ્રવીરે ભૈરવને વારી ઉપદ્રવ દૂર કર્યો. માણિભદ્રના કહ્યા પ્રમાણે ભૈરવ પ્રવર્તીને શાંત થયે. તપાગચ્છના આચાર્યો જે નવા પાટપર બેસતા તે ત્યાં પ્રથમ જતા અને મગરવાડામાં રહી માણિભદ્ર વીરને અઠ્ઠમ કરી પ્રત્યક્ષ કરતા હતા. તે પ્રમાણે શાંતિસોમે મગરવાડામાં રહી માણિભદ્રનું આરાધન કર્યું અને તેમના પગને વા ઢીંચણને કંઈક અંશ આગલોડ લઈ ગયા અને ત્યાં માણિભદ્રવીરના કથન પ્રમાણે દેરૂ બાંધી ત્યાં સ્થાપના કરી.
(REF : શ્રી આધ્યાત્મક જ્ઞાન પ્રસારક મંડળ)