શ્રી મગરવાડા તીર્થની વિકાસગાથા
[શ્રી રશ્મિકાંત જોશી અને યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ પ્રસ્તુત પુસ્તક યક્ષધિરાજ શ્રી માણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી આ લેખ સાભાર વડ્ગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. માણિભદ્રવીર મંદિર મુખ્ય પ્રવેશદ્વારનો ફોટોગ્રાફ્સ શ્રી કાર્તિકભાઈ મિસ્ત્રી દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. ].
દિવ્ય ચમકૃત તીર્થોની શ્રેણીમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલાં શ્રી મગરવાડા તીર્થની પોતાની આગવી ઓળખ ને અનોખી પહેચાન છે. અહિંયા બિરાજમાન પ્રગટ પ્રભાવી જાગૃત શ્રી માણિભદ્ર વીર દાદાના દરબારમાં દેશવિદેશથી લાખો ભક્તો પ્રતિવર્ષ હાજરી પુરાવીને દર્શન, ભક્તિ, પૂજા, અર્ચનાનો લાભ પ્રાપ્ત કરે છે. અનેક દીન દુ:ખિયા ભક્તો હરખથી પદયાત્રા કરી પ્રત્યેક માસની શુકલ પંચમીના દિવસે દાદાના દર્શન કરી પાવન થાય છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા બદલ દાદા પ્રત્યે અહોભાવ પ્રગટ કરે છે. દયાળુ દાદાના દરબારમાં હિંદુ, જૈન, મુસ્લિમ…પ્રત્યેક કોમ અને જ્ઞાતિના ભક્તો દ્રષ્ટિગોચર થાય છે.
આસો સુદ પાંચમ, નવરાત્રિના પર્વમાં અહીં એક સાથે લાકો ભક્તો દર્શનાર્થે પધારતા સુંદર ભક્તિસભર મેળા જેવું વાતાવરણ જામે છે. ભક્તિભાવ અને શ્રધ્ધામાં તરબોળ ભક્તો અહીં જે આનંદોલ્લાસ ને ઉમંગથી સ્વયં શાંતિ ને શિસ્તપાલન સાથે દાદાના પ્રેમથી દર્શન કરે છે, તે દ્રશ્ય અવર્ણનીય હોય છે.
વીરદાદાના મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ
વિક્રમની સોળમી શતાબ્દીમાં આચાર્યદેવેશ શ્રી હેમવિમલ સૂરીશ્વર મ.સા. ના વરદહસ્તે શ્રી માણિભદ્ર્ર વીર્ દાદાની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ.
વિ.સં. ૧૫૭૫ માં આચાર્યદેવના શિષ્ય શ્રી આનંદવિમલ સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણા તથા નિશ્રામાં શ્રી માણિભદ્ર વીર દાદાના મંદિરનું નિર્માણ થયું.
તપાગચ્છની ૬૦ મી ગાદીએ બિરાજમાન થયેલા આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ વીર દાદાનાં મંદિર પર શિખરનું નિર્માણ કરાવડાવ્યું.
શ્રી મણિભદ્ર વીરદાદાના સભામંડપનું નિર્માણ તપાગચ્છની ૭૦ મી ગાદીએ આવેલા આચાર્ય શ્રી વિજયરાજ સૂરિજી દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યું.
વિ.સં. ૧૭૩૩માં આચાર્ય શ્રી શાંતિસોમસૂરિજીએ મગરવાડા તીર્થમાં ૧૨૧ ઉપવાસની અખંડ આરાધના કરીને શ્રી વીરદાદાને પ્રગટ કર્યા અને આગલોડમાં તેમના સ્થાનકનું નિર્માણ કરાવડાવ્યું.
વિ.સં.. ૧૯૭૩-૭૪માં આચાર્ય શ્રી વિજય મુનિચંદ્રસૂરિજીએ શ્રી માણિભદ્ર વીરદાદાના મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
એક દીર્ધ પ્રતીક્ષાકાળ પછી શ્રી મગરવાડા તીર્થના ભાગ્ય સિતારા બુલંદ થતાં કેટલાક વર્ષો પૂર્વે સન ૨૦૦૦માં આ તીર્થના કાયાકલ્પના શ્રી ગણેશ મંડાયા, એકવાર શ્રી મગરવાડા તીર્થમાં શ્રી માણિભદ્ર વીરદાદાના સ્થાનકમાં ઉપાસના કરી રહેલા સૌમ્ય પ્રકૃતિના તથા મિતભાષી વર્તમાન વિમલગચ્છાધિપતિ શ્રી પ્રધ્યુમન વિમલસૂરિજી મહારાજ સાહેબના અંતરમાં ધ્યનવસ્થા દરમિયાન જ વીરદાદાની પ્રેરણાથી આ સ્થાનકમાં જીર્ણૉધ્ધારની અંત:સ્ફૂરણા થઈ અને ધ્યાન પૂર્ણ થતાં જ મંદિરમાં વીરદાદાની સન્મુખ તેમણે તીર્થસ્થાનનો જીર્ણોધ્ધાર કરવાનો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો. તેમણે પોતાના શુભ સંકલ્પની વાત તત્કાલિન ગાદીપતિ યતિવર્ય શ્રી મૃગેન્દ્ર સોમજી મહારાજને જણાવી. તેમણે આ શુભ વિચારને વધાવી લેતાં આ મંગલ કાર્યમાં પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી. તે સમયે યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ પણ મગરવાડા તિર્થમાં રહી યતિવર્ય શ્રી મૃગેન્દ્ર સોમજી મહારાજના કાર્યોમાં સહાયકની ભૂમિકા નિભાવતા હતા. તેમણે પણ તીર્થોધ્ધારના કાર્યમાં સક્રિય સહકાર આપવાની તૈયારી દર્શાવી.
શ્રી મગરવાડા તીર્થમાં રહેતા, ધગશશીલ, ઉત્સાહી ને વિચારશીલ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજે સ્વયં અનુભવ્યું હતું , કે વીરદાદાના અપાર મહાત્મયથી પ્રેરાઈને મગરવાડા તીર્થમાં આવતા હજારો જૈન જૈનેતર ભાવિકોને અહીંયા અપૂરતી સગવડોનાં કારણે ઘણીવાર પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.એ દ્રષ્ટિએ મગરવાડા તીર્થનો જીર્ણોધ્ધાર થાય એ આવશ્યક વાત હતી. એટલે તેમણે પણ તીર્થના જીર્ણોધ્ધારનો શુભ સંકલ્પ કરી વીરદાદાને સહાયતા કરવા પ્રાર્થના કરી. શ્રી વિજયસોમજીનો સાચા અંતરથી કરેલો સંકલ્પ ફળીભૂત થયો અને શ્રી પ્રધ્યુમ્નવિમલ સૂરિજીએ તીર્થોધ્ધારમાં સક્રિય ભૂમિકા નિભાવવા તૈયારી દર્શાવી.
યતિવર્ય શ્રી વિજયસોમજીએ કેટલાક ભક્તો સમક્ષ મગરવાડા તીર્થના વિકાસની અને મંદિરના જીર્ણોધ્ધારની ભાવના વ્યક્ત કરી. ભક્તોએ વાત સ્વીકારી લીધી. નાના પાયે કાર્યનો શુભારંભ થયો. શ્રી મગરવાડા તીર્થના જીર્ણોધ્ધારની વાત ફેલાતા જ દાદાના અનેક ભક્તોએ સામે ચાલીને મોટી રકમના ફાળા લખાવ્યા. પર્યાપ્ત ભંડોળ એકત્રિત થતાં જ જીર્ણોધ્ધારની રૂપરેખા તૈયાર કરવામાં આવી. યોજના અનુરૂપ નકશા તૈયાર થયા અને તીર્થોધ્ધારની યોજના કાર્યાન્વિત થઈ. આ યોજના અંતર્ગત મંદિરનો જીર્ણોધ્ધાર, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, યતિ આરાધના ભવન, પાણીની પરબ, ઉદ્યાન, સાર્વજનિક દવાખાનું, પુસ્તકાલય નિર્માણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો. આ તીર્થના જીર્ણોધ્ધારના કાર્યમાં ગુજરાતના ધાનેરા, સુરત, રાજસ્થાન, ભીનમાલ, મહારાષ્ટ્ર, મુંબઈ, પૂના ઇત્યાદિસ્થાનોના દાનવીરોએ ભરપૂર સહયોગ આપ્યો છે.તેમાં પણ સુરતના શ્રી સુમતિલાલ મોહનલાલ જૈન, શ્રી બી.કે.દોશી, શ્રી ચંપાલાલજી જામંતરાજજી શેઠ (ભીનમાલ) વગેરેનો સહકાર વિશેષ પ્રશંસનીય રહ્યો છે. આ ઉપરાંત મગરવાડા ગામના સઘળા ગ્રામજનોએ પણ ઉત્તમ સહકાર આપ્યો છે..
શ્રી મગરવાડા તીર્થના કાયાકલ્પના આ ભગીરથ કાર્યમાં આચાર્યશ્રી પ્રધ્યુમન વિમલ સૂરીશ્વરજી મ.સા, શ્રુતભાસકર આચાર્ય શ્રી ધર્મધુરંધર સૂરીશ્વરજી. મ.સા તથા અર્હત ધ્યાનયોગી પંન્યાસ પ્રવર શ્રી રવીન્દ્ર વિજયજી મ.સા. ના ભરપૂર સાથ સહકાર, આર્થિક સહયોગ, માર્ગદર્શન, પ્રેરણા તથા આશીર્વાદ અમૂલ્ય સિધ્ધ થયા છે.
આમ સમગ્ર રીતે જોતાં શ્રી મગરવાડા તીર્થના ઉધ્ધારનો યશ દાદાના ભક્તો, પ્રભાવશાળી ધર્મનિષ્ઠ આચાર્ય ભગવંતો તથા ઉમંગી, કર્તવ્યપરાયણને દ્રઢ નિશ્ચયી વર્તમાન ગાદીપતિ યતિવર્ય શ્રી વિજયસોમજીને આપવો ઘટે. જો કે આ મંગલકાર્ય શ્રી માણિભદ્ર વીરદાદાની અપાર કૃપા વિના કદાપિ આરંભાયુ ન હોત એ નિર્વિવાદ સત્ય છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૬ ને પ્રવાસન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું., જેમાં શ્રી મગરવાડા તીર્થનો પર્યટક સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. જે આ તીર્થની લોકપ્રિયતા તથા મહત્તા સિધ્ધ કરે છે.
મગરવાડા તીર્થની સર્વજનલક્ષી સર્વજીવહિતકારી સેવાભાવી યોજનાઓ….
જીવદયા :-
જીવદયા અને અહિંસા તો જૈન ધર્મના મૂળભૂત સિધ્ધાંત છે. શ્રી મગરવાડા તીર્થમાં પણ જીવદયાને અનુલક્ષીને વર્તમાનમાં શ્રી માણિભદ્ર વીર દાદાનાં મંદિરના પટાંગણમાં દાદાની સન્મુખ રહેલા પ્રવેશદ્રારમાંથી પ્રવેશતા જમણી બાજુ રહેલા ચોકમાં પ્રતિદિન પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. લીમડાની શીતળ છાયામાં અહીંયા દિવસભર ખિસકોલીઓ, ચકલા, કબૂતરો, કાબરો વગેરે પક્ષીઓ મોજથી ચણતા દ્રષ્ટિગોચર થાય છે.
સ્વાસ્થયરક્ષા :-
શ્રી મગરવાડા તીર્થના વર્તમાન ગાદીપતિ શ્રી વિજયસોમજી મહારાજની ભાવના તથા પ્રેરણા થકી તીર્થના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં એક સરસ પ્રાથમિક સારવાર કેન્દ્રનું નિર્માણ થવા પામ્યું છે. ટુંક સમયમાં જ આ સારવાર કેન્દ્ર કાર્યાવિંત થતા અહીંના સ્થાનિક તથા આસપાસના વિસ્તારના જરૂરમંદ લોકોને વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જનસેવાનું આ ઉત્તમ કામ છે.
જ્ઞાન પરબ:-
જ્ઞાન વિનાનો નર પશુ સમાન છે. ૨૧ મી સદીમાં ધાર્મિક તથા વ્યાવહારિક જ્ઞાન પ્રત્યેક વ્યક્તિ માટે અનિવાર્ય થઈ ગયું છે. યતિવર્ય શ્રી વિજય સોમજીની ભાવના છે કે જો શિક્ષણપ્રેમી દાતાઓનો સહયોગ સાંપડે, તો ભવિષ્યમાં તીર્થ સંકુલમાં એક સુંદર પુસ્તકાલયનું નિર્માણ કરાવવું. આ પુસ્તકાલયમાં જૈન જૈનેતર ધર્મના આધ્યાત્મિ, સામાજિક, ઐતિહાસિક તથા વૈજ્ઞાનિક એમ દરેક પ્રકારનાં સુંદર પુસ્તકો રાખવામાં આવશે.
દેવભાષાનો વિકાસ :-
આપણી દેવભાષા ગણાતી સંસ્કૃત વર્તમાનમાં ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. પ્રાચીન સંસ્કૃત ભાષામાં ઘણા અલભ્ય, જ્ઞાનપ્રચુર ગ્રંથો આલેખાયેલા છે. વર્તમાનમાં ભોતિક વિકાસ સાથે આધ્યાત્મિક વિકાસ અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન માટે સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી અહીંયા સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરાવવાની યતિ મહારાજની ઉત્તમ ભાવના છે.