આપણા તિર્થસ્થળો, વડગામનો ઇતિહાસ

અતિ પ્રાચીન શેઁભર તીર્થ.. : – ડૉ.બાબુ પટેલ (સલીમગઢ)

“હું આંખો બંધ કરું અને આપોઆપ પહોંચી જવાય એવું ગમતું આરાધ્ય તીર્થ એટલે શેઁભર તીર્થ..”
જ્યાં અરવલ્લીની ટેકરીઓમાં વર્ષોથી ભગવાન વાસુકીનો રાફડો આવેલો છે. ગિરિમાળાથી છૂટી પડી ગયેલી સાત પોલી ટેકરીઓ અને મા સરસ્વતીના ઝરણા જેના ચરણ પખાળે છે એવી પવિત્ર એકાંત જગ્યાએ વિશાળ વડની બખોલમાં પાંચ ફેણવાળા નાગ માહરાજની મૂર્તિ પૂજાય છે. ઉગમણી ટોચે ગુરુનો ભાખરો અને આથમણી ટેકરી પર ચામુંડાના બેસણા છે. બરાબર એની તળેટીમાં જ નાગદેવતાનો પ્રાચીન રાફડો અને 1008 ફેણવાળું રમણીય મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં વિશાળ ધર્મશાળા, યજ્ઞ કુંડ, પ્રાચીન વડ, પારાના શિવલીંગવાળું શિવમંદિર, ગૌશાળા અને પૂજારી નિવાસની અલાયદી વ્યવસ્થા છે. મંદિરનો વહીવટ સેંભર દેવસ્થાન ટ્રસ્ટ, ચાણસોલ(ખેરાલુ)ના સ્થાનિકો કરે છે. આ મંદિરમાં કોઈ જાતની અંધશ્રદ્ધા કે ગેરમાન્યતાઓને સ્થાન નથી. કોઈ બાધા કે આખડી નહીં, કોઈ દોરા કે ધાગા નહીં..ભક્તો નાગ માહરાજ સાથે જ સીધો આત્મીય સંવાદ કરે છે. નાગદેવતાના ભક્ત તરીકે નિવૃત્ત ફોરેસ્ટ ઓફીસર સોમાભાઈ સાહેબ ચોવીસે કલાક પોતાની સેવાઓ આપે છે. ઈશ્વરકૃપાથી એમના આવ્યા પછી મંદિરનો ભર્યોભાદર્યો વિકાસ થયો છે અને દૂરદૂરથી કેટલાય ભક્તો અનંત શ્રદ્ધાથી સેંભર દર્શને આવે છે..

એક દંતકથા મુજબ,
આબુરાજથી ભગવાન વાસુકી વાણીયાની વ્હારે સેંભર આવ્યા હતા અને વાણીયાના આગ્રહથી ત્યાં કાયમી રોકાઈ ગયા. એ વાત જગજાહેર છે.
મૂળ વાત એમ બની કે જૂના જમાનામાં શેઁભર સુખી સમૃદ્ધ રજવાડું હતું અને એ નગરમાં એક પવિત્ર વાણીયો રહેતો હતો. રાતે નગરમાં ચોરી થઈ અને વાણીયા ઉપર ચોરીનું આળ આવ્યું. અંધેરી નગરીના આ ગંડુ રાજાએ તરત જ ફાંસીનો હુકમ કર્યો એટલે જીવ બચાવવા વાણીયો રાતોરાત અરવલ્લીની ટેકરીઓમાં ભાગી ગયો. સવાર પડી ત્યારે એ આબુરાજની બ્રહ્મખાઈમાં બેઠો હતો. જ્યાં સ્વયં ભગવાન વાસુકીના બેસણાં છે. (એની પણ લાંબી કથા છે, એ વાત ફરી ક્યારેક કરીશ. નસીબજોગે હું એ પવિત્ર જગ્યાએ રાતવાસો કરી આવ્યો છું.) ઘનઘોર જંગલમાં નિરાશ વદને વાણીયાને બેઠેલો જોઈ ઢોર ચરાવતી દેવાંશીની દીકરીએ કારણ પૂછ્યું તો વાણીયાએ સઘળી હકીકત કહી બતાવી. એ દીકરીએ ત્યાં બેઠેલા ભગવાન વાસુકીને, વાણીયાને બચાવવા માટે વિનંતી કરી અને અહીં શેઁભરમાં સાચો ચોર પકડાઈ ગયો. એટલે રાજાએ શ્રદ્ધાથી પરત ફરેલા વાણીયાનું સામૈયું કરી કારભારી બનાવ્યો. પોતાની જિંદગીમાં બનેલો આવો અદ્દભૂત ચમત્કાર જોઈ વાણીયો ભગવાન વાસુકી એટલે કે નાગદેવતાનો પરમ ભક્ત બની ગયો અને જીદ કરીને નાગ માહરાજનું ભવ્ય મંદિર બનાવ્યું. પણ કાળક્રમે એક દિવસ સરસ્વતી ગાંડી થઈ અને મંદિર સમેત સમગ્ર નગરને તાણી ગઈ..જ્યાં નગર હતું ત્યાં ધૂળ-માટીના ટીંબા થઈ ગયા..
વર્ષો પછી ચાણસોલના ચૌધરીઓ આ રસ્તે ગાડા મારગે નીકળ્યા ત્યારે એમની નજર એક ચમકતા પથ્થર તરફ ગઈ. ઘેર ન્હાવા ધોવા આ પાટ કામ આવશે એવું સમજી એને ગાડામાં લઈ લીધી અને ગાડા ચાણસોલ બાજુ દોડાવી મૂક્યા. ગામ નજીક પહોંચવા આવ્યા ત્યારે ખૂબ ગરમી થઈ ગઈ હતી. એટલે ઘડીક પોરો ખાવા આ પ્રાચીન વડલા નીચે રોકાયા. થાક્યા હતા એટલે તરત જ આંખ મળી ગઈ. ત્યારે સ્વયં નાગ દેવતાએ સપનામાં આવીને કહ્યું કે, “તમે જે જગ્યાએ રોકાયા છો એ મારી મૂળ જગ્યા છે. તમે મને ગાડે બેસાડી મારી સાચી જગ્યાએ પાછો લાવ્યા છો એટલે હું તમારા પર રાજી થયો છું. તમે જેને કપડા ધોવાનો પથ્થર સમજીને લાવ્યા છો એ સામાન્ય પથ્થર નથી. એની પાછળના ભાગે જુઓ. પાંચ ફેણધારી સ્વયં શેષ હું પોતે છું. એટલે અહીં જ મારા પુનઃ બેસણા કરો અને ગામને ધુમાડાબંધ જમાડો. હું તમારા ખાટલે કયારેય ખોટ નહીં આવવા દઉં..” આવો આળપંપાળ અચાનક જોઈ આ ખેડૂતો ગભરાઈ ગયા. અને ગાડા જોડી ભાગવા લાગ્યા. પણ ગાડું તસુ જેટલુંય ખસ્યું નહીં એટલે એમને શ્રદ્ધા બેઠી. અને પેલી પાટ ઊંચકીને જોઈ તો ખરેખર પાંચ ફેણવાળા નાગદેવતાની અદ્દભુત મૂર્તિ હતી. આખું ગામ ભેગું થયું અને ભગવાનની વાજતે ગાજતે ત્યાં જ સ્થાપના કરી. જે મૂર્તિ આજે પણ એજ વડલા હેઠળ પૂજાય છે.
ટૂંકમાં, એ પવિત્ર આંજણાઓના બળદ ગાડે પધારેલા નાગદેવતાની પુનઃ એજ જગ્યાએ પધરામણી થઈ. આજે પણ એજ વાણીયા વખતની પ્રાચીન મૂર્તિ વડલાના ઝાડ નીચે પૂજાય છે અને નાગદેવતાની મહેરબાનીથી સેંભર નગર જેવું રજવાડું પુનઃ પ્રસ્થાપિત થઈ ગયું છે..
આજે આ જગ્યાએ દર અજવાળી પૂનમે મેળો ભરાય છે અને હજારો ભક્તો નાગરાજ સેંભરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પવિત્ર જગ્યા બનાસકાંઠાના વડગામ અને ખેરાલુ વચ્ચે ચાણસોલ ગામથી બિલકુલ નજીક પ્રકૃતિની ગોદમાં આવેલી છે. જ્યાં આવવા જવા માટે સરકારી બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.
છેક આબુરાજની બ્રહ્મ તળેટીથી માંડી સેંભરના ગોંદરા સુધીનો અતિભવ્ય અને દિવ્ય ઈતિહાસ છે. પણ સમય અને જગ્યાને કારણે ઘણી બધી વાતો ટાળુ છું. ફરી ક્યારેક એની વાતો નિરાંતે કરીશું…
ત્યાં સુધી રજા લઉં…!!
॥ જય જય મારા ગઢ સેંભરના જોગી ॥

આપનો,
ડૉ.બાબુ પટેલ (સલીમગઢ)
9427085012