આપણા તિર્થસ્થળો

નગાણાનું વારાહી માતાનું રમણિય સ્થાનક.

વડગામ તાલુકાના પીલુચા અને નગાણા વચ્ચેથી પસાર થતી સરસ્વતી નદી અને આ નદીના કાંઠે અડીને આવેલુ આસ્થાના પ્રતિક સમુ વારાહી માતાજીનું સ્થાનક મોટાભાગના વડગામવાસીઓ માટે આજદિન સુધી અજાણ જગ્યા રહી છે. નીરવ શાંતિ અને પક્ષીઓના મધુર અવાજો વચ્ચે નાની પણ કુદરતના સાનિધ્યમાં આવેલુ વારાહી માતાજીના મંદિર વિશે કોઈ વિશેષ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી પણ એવુ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ જગ્યાએ નગાણા ગામ વસ્યુ હતું અને એ સમયે આ મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે. કાળક્રમે લોકો આ જગ્યા છોડી થોડેક દૂર આવેલ જગ્યામાં રહેવા ગયા પરંતુ મંદિરની જગ્યા મૂળ જગ્યાએ જ રાખવામાં આવી છે. નાની દેરીની જગ્યાએ થોડુક મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે પરંતુ ધાર્મિક વિધિઓ તો મૂળ નાના મંદિરમાં જ કરવામાં આવે છે.

આ જગ્યામાં દર વર્ષે મહાસુદ પાંચમના રોજ ગામ લોકો દ્વારા હવન યોજાય છે. આ દિવસે ગામલોકો દ્વારા લાડુ અને દાળ-ભાતના જમણની સામુહિક વ્યવસ્થા કરવામાં આવે છે. આ જગ્યાએ વિવિધ માનતાઓ આજુબાજુના ગ્રામજનો દ્વારા માનવામાં આવે છે. તાંબાનો ગરબો, પાશેર ધી ની થાળી અને એક અગરબત્તીનું પડીકું માતાના ચરણે ધરવામાં આવે છે.

Palli-Naganaનગાણા ગામના બધી જ જ્ઞાતિના લોકો ગામ માં આવેલ વેરાઈ માતાજીના મંદિર પ્રત્યે અપૂર્વ આસ્થા-શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. સરસ્વતી નદી ના કિનારે વસેલ પ્રાચીન નગાણા ગામનું વેરાઈ માતાજી મંદિર પણ ગામની સ્થાપના સમયે જ બનાવવામાં આવેલ. ગામમાં મંદિર નો પાયો ખોદતા વેરાઈ માતાજીની મૂર્તિ મળી આવેલ હતી. અત્યારના સમયમાં તો મંદિરનું નવનિર્માણ કરી મોટું ભવ્ય મદિર બનાવવામાં આવ્યું છે.ભાદરવી બીજના રોજ વેરાઈ માતાજીના મંદિરે ખીર બનાવવામાં આવે છે. બાધા જ ગ્રામજનો દ્વારા આ દિવસે ખીરનો પ્રસાદ લેવામાં આવે છે તેમજ બધા ગ્રામજનો દ્વારા એ દિવસનું પોતાના પશુઓ દ્વારા મેળવેલ  સપૂર્ણ દૂધ ઘરે જ રાખી આ દૂધ ની પોત –પોતાના ઘેર પણ ખીર બનાવવામાં આવે છે.નવરાત્રીના સમયે નવમાં નોરતે ગામામાં વેરાઈ માતાજી ની પલ્લી નીકળે છે આ પલ્લી પરંપરા મુજબ કુંભાર જ્ઞાતિ ના વડીલ શ્રી દ્વારા ઉપાડવામાં આવે છે. આ પલ્લી કુંભારના ઘરેથી વડીલ લઈને નીકળે તે પહેલા ગામના પરમાર રાજપૂતોના કોઈ એક યુવાને આ પલ્લી માંથી ઘી લઈને ગામના દરેક મંદિરે દિવા પ્રગટાવવા પડે છે. ગામના બધા જ મંદિરે દિવા  કર્યા બાદ અંતે વિરાઈ માતાજી મંદિરે પલ્લી આવે તે પહેલા વેરાઈ માતાજીના દીવામાં ઘી રેડવાનું ફરજીયાત હોય છે.

Varahi-Murti-Nagana
ખોદકામ દરમિયાન મળી આવેલ માતાજી ની મૂર્તિ

આ પરંપરા મંદિરના સ્થપાના સમયથી ચાલી આવે છે આ પલ્લી કુંભાર વડીલ શ્રીના ઘરેથી ઉપડ્યા બાદ માત્ર પરમાર રાજપૂતોના ઘર આગળ ઉતરે છે કેમ કે પરમાર રાજપૂતોએ આ ગામની સ્થાપના કરી હતી. પરમાર રાજપૂતોના ઘર આગળ આ પલ્લી માં ઘી પુરવામાં આવે છે. આ પલ્લીમાં કુલ નવ ખંડ હોય છે જેમાં પહેલો ખંડ કુંભારનો બીજો ખંડ પરમાર રાજપૂતોનો ત્રીજો ખંડ ઢોલીનો અને તે જ રીતે આગળ વધતા ગામની સર્વ જ્ઞાતિઓના ખંડ હોય છે. આ પલ્લી વેરાઈ માતાજીનો જય બોલતા ૧.૨ કિ.મી જેટલું અંતર કાપી વેરાઈ માતાજીના નિજ મંદિરે ઉતરે છે. પલ્લી ને સાથે સાથે ગામની સર્વે જ્ઞાતિની સ્ત્રીઓ દ્વારા વેરાઈ માતાજી ના ગરબા ઉપાડવામાં આવે છે. આમ દર વર્ષે ગામ માંથી ભવ્ય પલ્લી વેરાઈ માતાજી નિજ મંદિરે આવે છે ત્યારબાદ ગ્રામજનો માતાજીના દર્શન કરે છે. સમસ્ત ગ્રામજનો આજે પણ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી ભવ્ય ઉત્સવ ની જેમ વેરાઈ માતાની  પલ્લી નું આયોજન પ્રાચીન સમયથી દર વર્ષે ઉત્સાહપૂર્ણ રીતે કરે છે.

દર વર્ષે નવરાત્રીમાં અહીં નવે નવ દિવસ ગરબાનું આયોજન થતું હતું પરંતુ છેલ્લા ધણા વર્ષોથી ગરબાનું આયોજન અનિવાર્ય કારણોસર બંધ છે પણ નવરાત્રિના નવે નવ દિવસ સુધી મુલાકાતીઓ માટે ચા-પાણીની વ્યવસ્થાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. અ ઉપરાંત ગ્રામજનો દ્વારા દશેરાના દિવસે બ્રાહ્મણોને ભોજન જમાડવામાં આવે છે.

વારાહી માતાજી મંદિર – નગાણા

અગિયારસને દિવસે જે લોકો એ બાધા-આખડી ,ઉપવાસ રાખ્યા હોય તેઓ તેમજ ગ્રામજનો સામુહિક ભોજન લે છે અને બાધા-આખડી તેમજ ઉપવાસ વાળા પોતના ઉપવાસ છોડે છે.

પંચવટી યોજના અંતર્ગત વારાહી માતાના આ સ્થાનકને વધુ સુંદર બનાવવામાં આવ્યું છે. લગ્ન બાદ નવદંપતિઓ આ જગ્યાએ હવનકુંડની આજુબાજુ ફેરા ફરીને વડના ઝાડ નીચે મીંઢળ છોડે છે. વિવિધ સમુદાયો દ્વારા આ જગ્યાએ વિવિધ પ્રસંગોએ જમણવારનું આયોજન કરવામાં આવે છે.

પાણી, વાસણો અને મગબાફણા, મજૂરની સુવિધાને કારણે આ રમણિય જગ્યાએ સરળતાથી ભોજન સાથેના પ્રવાસનું આયોજન થઈ શકે છે. માત્ર સીધુ-સામાન અને રસોયાની વ્યવસ્થા કરવાની હોય છે. જમવા સાથેના મુલાકાતની વ્યવસ્થાના આયોજન કરતા અગાઉ આપ મંદિર પરિસરની સારસંભાળ રાખનાર સ્થાનિક વડીલ ગંગાબેનના મો.નં. ૯૯૦૪૦૫૪૪૯૩ ઉપર પૂછપરછ કરી શકો છો

વારાહી માતાજી મંદિર – નગાણા

– નિતિન એલ પટેલ.

www.vadgam.com