પૂ. હિતરુચિવિજયજી મહરાજ સાહેબના લેખો

મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાથે એક મુલાકાત : ભાગ -૧

( વડગામની ધરતીના પનોતા પુત્રરત્ન અતુલ શાહ ( હાલ પૂ. મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ) એ આધ્યાત્મિક ક્ષેત્રે ધાણધાર પંથકને ગૌરવ બક્ષ્યુ છે. મહારાજ સાહેબના વિચારો આજની આપણી જીવનશૈલી તેમજ કહેવાતી આંધળી પ્રગતિ તરફની દોટ તરફ આંખ ઉઘડનારા છે. પૂજ્ય શ્રી મહારાજ સાહેબના વિચારો આપણા સુધી પહોંચે તેવા શુભ આશયથી આ વેબસાઈટ ઉપર પૂજ્યશ્રીએ લખેલ પુસ્તકોમાંથી લેખમાળા સ્વરૂપે તબક્કાવાર મુકવામાં આવશે.   )

 

પ્રશ્ન :  દીક્ષા લીધા પછીના સમયમાં તમે જે આશય સાથે દીક્ષા લીધી હતી, એ દિશામાં કેટલી પ્રગતિ થઈ ? તમને તેનાથી સંતોષ છે ?

ઉત્તર : દીક્ષા સ્વીકાર પાછળનો એકમેવ આશય વાસ્તવિક નિજાનંદની પ્રાપ્તિ અને જગતના ચોગાનમાં એ આનંદની વહેંચણી કરવાનો અને લુંટાવવાનો હતો. જૈનદર્શનમાં સ્વર્ગલોકના વર્ણનમાં સૌથી છેડે ‘અનુત્તર’ દેવલોકની વાત આવે છે. એ દેવલોકના નામમાંથી જ સ્ફૂટ થતા અર્થ અનુસાર એનાથી ઉત્તરમાં, જગતમાં એનાથી ચડિયાતું કોઈ ભૌતિક સુખ અસ્તિત્વ ધરાવતું નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે, ૩૬૦ અહોરાત્રિનું સાધુપણાનું પાલન વ્યક્તિના જીવનમાં આનંદની એવી અમીરાત પેદા કરે છે જે અનુત્તર વિમાનમાં ભૌતિક જગતના સુખની પરાકાષ્ઠાએ જીવતા દેવના સુખને પણ ટપી જાય. અનુત્તર વિમાનમાં વસતા દેવનું સુખ કેવું હોય છે, તેના વાસ્તવિક બોધ વગર એમ તો કેમ કહી શકું કે, એથીય વધુ આનંદમાં જીવી રહ્યો છું. પણ એટલું તો ચોક્કસ કે, સામાન્ય લોકોને ન સમજાતા-ઉપભોગના અભાવના અનિર્વચનીય આનંદને સાધુપણામાં ઘણીવાર માણ્યો છે. સંતોષ તો જે ધ્યેય સાથે નીકળ્યા છીએ, તેની પૂર્ણ પ્રાપ્તિ સુધી થાય તેમ નથી, પણ એ દિશામાં થતી યત્કિંચિત પણ પ્રગતિ મંઝિલે પહોંચવાની આશાયેશ જરૂર બંધાવે છે.

પ્રશ્ન : દીક્ષા લીધા પછી તમારા જીવનની નાનીમોટી ક્રિયાઓમાં શું પરિવર્તન આવ્યું, તે વિસ્તારથી જણાવશો ?

ઉત્તર : દીક્ષા પછી જીવનની નાની-મોટી બાબતોમાં આવનારા પરિવર્તનની બાબતોમાં માનસિક સજ્જતા પહેલેથી હતી જ. એટલે આમ જોઈએ તો, કોઈ ‘થ્રીલીંગ ચેન્જ’ અનુભવ્યો હોય એવું તો નથી લાગ્યું. પણ સાધુની જીવનશૈલી સંસારીઓ કરતાં અનેક રીતે વિશિષ્ટ હોવાથી પરિવર્તનનો અહેસાસ તો જરૂર થાય છે. ટેબલ ખુરશી પર બેસીને કામ કરવા ટેવાયેલું શરીર આખો દિવસ દેશી ઊનના આસન પર બેસીને શાસ્ત્રવાંચન કરે, ત્યારે કે ખાતાપીતા પણ ‘સ્પીક’ ના બટન પર મૂકી રાખેલ ફોનથી ચર્ચા કરવા ટેવાયેલું મન જે ઘરમાં વર્ષો ગાળ્યાં હોય તેનો ટેલિફોન નંબર પણ ભૂલવા લાગે ત્યારે કે જરૂરિયાત મુજબ થાળીમાં એક એક રોટલી અને ચમચી-ચમચી શાક પીરસાવી ક્ષુધા સંતોષતું પેટ ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા લાવી, એકસાથે જ એક કાષ્ટપાત્રમાં કુલ કેટલો આહાર જોઈશે, તે નક્કી કરતા શીખી જાય, ત્યારે આ નવીનતા સાથે તાલ નિભાવવાની પણ એક મજા હોય છે. હીરાબજારની પેઢીમાં બેસી વેપાર કરતી વખતે ડોક્યુમેન્ટસ પર સહી કરવા માટે પેનનું ઢાંકણું પણ કોઈક પગારદાર કર્મચારી ખોલીને આપે, તેવા સંજોગોમાંથી પોતાના કપડા ધોવાં (કાપ કાઢવો) કે પોતાના આહારના પાત્રો જાતે સાફ કરવાથી લઈને પોતે જે સ્થાનમાં નિવાસ કરતા હોઈએ, તેનો કચરો (કાજો) જાતે કાઢવો, રાત્રે સૂવા માટેનું પાથરણું પણ જાતે પાથરવા સુધીની અનેકવિધ દૈનંદિન ક્રિયાઓમાં સ્વાવલંબીપણું જાળવવાની જૈન-શ્રમણોની જે પરંપરા છે, તેમાં એડજસ્ટ થવાનો રોમાંચ પણ અનેરો હતો.

પ્રશ્ન : તમારી દિનચર્યા વિગતવાર જણાવશો ? આ તમામ પ્રવૃત્તિઓ કરવાથી શું ફાયદા ? તેનાથી આધ્યાત્મિક દિશામાં શી રીતે આગળ વધાય ?

ઉત્તર : સામાન્ય દિનચર્યા જણાવું તો, મોટા ભાગનું જગત આગલી રાત્રે મોડે સુધી જોયેલ ટી.વી., વીડિયો સિરિયલોના ફલસ્વરૂપ જગત જ્યારે ઘોરતું હોય તેવા સમયે, વહેલા ઊઠી જઈ ગુરુજનોના ખોળામાં માથું મૂકી, તેમના આશીર્વચનો સાથે થતા દિવસના મંગળ પ્રારંભમાં પરમાત્માના અને પૂર્વસૂરિઓના નામસ્મરણ સાથે વીતેલ રાત્રી દરમિયાન ‘મનસા વાચા કે કર્મણા’ થયેલ નાનકડા પણ અસદ્દ વિચાર-વાણી કે વર્તનની જાત તથા ગુરૂની સાક્ષીએ ગર્હા કરીને સ્વાધ્યયમાં પરોવાઈ જવાનું હોય છે. પૂર્વાચાર્યોના અદ્દભૂત જ્ઞાનવારસાને કેવળ અર્થથી સમજી લેવા ઉપરાંત તેને કંઠસ્થ રાખવાની ઉમદા પરંપરા પણ જૈન શ્રમણ-શ્રમણીઓએ ટકાવી રાખી છે. અને પરિણામે કો’ક દિલાવર રાજવી જે શ્લોકના એક એક શ્લોક દીઠ લાખ લાખ સોનૈયા આપી દે, એવા હજારો સંસ્કૃત-પ્રાકૃત શ્લોકો જિહાગ્રે હોય છે. આવા અદ્દભૂત સાહિત્યને ગોખીને આત્મસાત કરવામાં પરોવાયેલા મનને , થોડીકવાર માટે મંદિરમાં પરમતત્વ સાથે ગોઠડી કરીને મધ્યાહનનો સમય થતા ત્યાં ‘એકાશન’ ની વેળા થયેથી ભોજનમાં પરોવવાનું હોય છે, તે પછી આવશ્યક નિર્યુક્તિ, અનુયોગદ્વાર, દશવૈકાલિક જેવા આગમગ્રંથો, ઓધનિર્યુક્તિ જેવા આચારગ્રંથો તથા ઉપદેશ રહસ્ય જેવા ઉપદેશ-યોગવિષયક ગ્રંથોનો અભ્યાસ ચાલુ હોય છે. સાંજ પડે, ત્યારે સૂરજને પણ ધડીભર થોભી જવાનું કહેવાનું મન થાય, પણ પ્રકૃતિના અવિરત ચાલતા ચક્રને તો કોણ રોકી શક્યું છે ? સાંયસંધ્યા સમયે ફરી એકવાર દિવસ દરમિયાન થયેલા દુષ્ક્રુત્યોનું આલોચન, પ્રાયશ્ચિત કરીને રાત્રિનો પહેલો પહોર વીતે ત્યાં સુધી દિવસ દરમિયાન કરેલી જ્ઞાનગૌચરી વાગોળવાનું ચાલતું હોય છે. અને હા, આ દરમિયાન આર્યવર્ત અને જૈનદર્શનના આ અણમોલ જ્ઞાનવારસાની પરબનું પાણી પીવા આવતા જાત-ભાતના લોકો સાથે શ્રમણ મર્યાદાનુસાર વિચારોનું આદાન-પ્રદાન તો ચાલુ જ હોય છે. સમાજજીવનના વિધવિધ પ્રવાહોથી વાકેફ રહેવા ઉપરાંત આવો મર્યાદિત લોકસંપર્ક, પ્રાપ્ત થયેલ યત્કિંચિત ગુણાંશના વિનિયોગમાં અને બીજાને ઉપદેશ આપતી વખતે જાત તરફ જતી નજરને કારણે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિમાં પણ સહાયક બનતો હોય છે.

પ્રશ્ન : જૈન સાધુપણું પાળવાથી આજની સમસ્યાઓથી ઘેરાયેલા સમાજનો ઉદ્વાર થઈ શકે એમ તમને લાગે છે ? આ દિશામાં અત્યાર સુધીમાં તમે પ્રેક્ટિકલી કંઈ એચીવ કર્યું છે ખરું ?

ઉત્તર : ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી, ગુંડાગીરી જેવી આજની સઘળીયે સમસ્યાઓના મૂળમાં પશ્વિમપ્રેરિત અમર્યાદ ભોગલાલસા છે. હિંસા અને શોષણના પાયા પર ઊભી થયેલી પશ્વિમી જીવનશૈલીના આધારે  ૧૯૪૭ પછી આ દેશમાં વિકસેલી અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા આ અનિષ્ટોના મૂળમાં છે. વધુને વધુ ચીજવસ્તુઓ પેદા કરી, વધુમાં વધુ કમાઈને વધુમાં વધુ ભોગવવાની આસુરી લાલસાને સ્થાન આપ્યુ ન હોત તો, કારખાનાઓની સંસ્કૃતિ પેદા થઈ જ ન હોત અને તો બેકારી અને તેના ફલસ્વરૂપે ગરીબી, મોંઘવારી, બીમારી કે ભ્રષ્ટાચાર આટલાં ફૂલ્યાંફાલ્યાં ન હોત, એટલે આજની સમસ્યાઓનો વાસ્તવિક ઉકેલ બેચાર સ્કૂલ કોલેજ કે હોસ્પિટલ, અનાથાઆશ્રમ કે ઘરડાઘર ઊભા કરી દેવામાં નથી. તેનાથી તો માત્ર ‘કોસ્મેટિક’ પરિવર્તન જ આવશે. જ્યારે આજની સમસ્યાઓ તો મૂળગામી સર્જરી માંગે છે. ‘ઓઝોન લેયર’માં પડેલા ગાબડાંથી લઈને વીજમથકો દ્વારા પેદા થતાં પ્રદૂષણ સુધીના સઘળાયે પર્યાવરણવિષયક પ્રશ્નોનો ઉકેલ જ્યાં સુધી ‘ખાઓ, પીઓ અને મજા કરો’ ની ઉપભોક્તાવાદી સંસ્કૃતિને પોટલું વાળીને અરબી સમુદ્રમાં ફેંકી દેવામાં નહિ આવે, ત્યાં સુધી આવવાનો નથી અને જૈન સાધુપણાની ખરી પ્રસ્તુતા અહીં જ છે.

વાલકેશ્વરના પોશ ફ્લેટમાં કે હીરાબજારની એરકન્ડીશન્ડ ઓફિસમાં બેઠા બેઠા પેટ્રોલ કે વીજળી ન વાપરવાની, કારખાનાનો માલ ન વાપરવાની અપાતી સલાહ લોકોના ગળે ઉતરતી નથી. જૈન સાધુ તરીકે વીજળીથી ચાલતાં સાધનનો જીવનમાં એકાદવાર પણ ઉપયોગ ન કરવાનું કે જીવનભર ખુલ્લાપગે ચાલવાનું, રાતી પાઈનો પણ પરિગ્રહ ન રાખવાનું તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિના સૂક્ષ્મતમ જીવોને જરાય પીડા ન પમાડવાનું વ્રત લોકોના દિલમાં ભોગની સામે ત્યાગની પ્રતિજ્ઞા ઊભી કરે છે. અમારે તો પ્રભુ માહાવીરે ચીંધ્યા રાહે ‘સાચા’ સાધુ જ બનવાનું છે. આદર્શનો એ ધ્રુવતારલો જો ખડો કરી શક્યા તો, ‘હેવ મોર કલ્ચર’ ના દરિયામાં અથડાતી અનેકોની જીવનનાવ સાચુકલા આનંદના કિનારે જરૂર લાંગરશે અને માટે જ કહ્યું છે ને કે, ‘વનમેન્સ પરફેક્શન કેન સર્વ ધ વર્લ્ડ’. ગુણસમૃધ્ધિની દ્રષ્ટિએ ઘણો ગરીબ હોવા છતાં મારી યોગ્યતા કરતાં પણ અધિક માનપાન મળતા જોયાં છે, ત્યારે એમ જરૂર થયું છે કે, ખરેખરો ગુણવૈભવ પ્રાપ્ત કરી શકું તો, સ્વ-પર કલ્યાણનું કેવું અનુપમ ફળ મળે !

પ્રશ્ન : દીક્ષા પછી થોડા જ સમયમાં તમારા ગુરુ પૂ. રામચંન્દ્રસૂરિશ્વરજીનું અવસાન થયું. તેને કારણે તમારા આધ્યાત્મિક વિકાસમાં કંઈ ધક્કો પહોંચ્યો ખરો ? ગુરુની ખોટ તમે કઈ રીતે પૂરી કરશો. ?

ઉત્તર : જીવનના દરેક ક્ષેત્રમાં ‘ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ’ નું ઘણું મહત્વ હોય છે, ત્યારે આદ્યાત્મના ક્ષેત્રમાં તો એ સવિશેષ જ હોય. મારા ગુરુદેવ અતિ નિર્મળ વ્યક્તિત્વના ધારક અને ઉત્કૃષ્ટ પ્રજ્ઞાના સ્વામી એવા એક સાચુકલા સાધુપુરુષ હતા. કાંઈક સારું કરી છૂટવાની ભાવના ધરાવતા અને છતાં સમજણની ઊણપને કારણે ખોટી દિશામાં જ મહેનત કરતાં લોકોથી જગત ઊભરાતું હોય ત્યારે આવા અનુભવબહુલ સાધુશ્રેષ્ઠનો ચિર-સંગ કોણ ન ઇચ્છે ? જાણે આપણને સર્વસંગત્યાગના માર્ગે પા-પા પગલી ભરતા કરી દેવા જ રોકાયા હોય, એમ દીક્ષા આપીને ગુરુ ૬૯ દિવસમાં જ અલવિદા કહી જાય ત્યારે તેમના શોક કરતાયં વધારે તો તેમની ખોટ સાલ્યા વગર ન રહે. પરંતુ નકારાત્મક વિચારોથી નિરાશ થઈ બેસી રહેનાર ક્યારેય અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરી શક્તો નથી. ‘રસનાં કૂંડા ન હોય’ ના ન્યાયે હું તો તેમણે ‘ચંદ ઘડીના સંગ’ માં અંતસ્તલના જે આશિષ ખોબલે ખોબલે વરસાવ્યા છે, તેને પાત્ર બની, તેમના આદર્યા અધૂરાને પૂરા કરવા મારી જાતને યોગ્ય બનાવવા પ્રયત્નશીલ રહી, તેમની પુણ્યસ્મૃતિને અંતરના ઓરડે સંધરી રાખવામાં જ મારી જાતને ધન્ય માનીશ. તેમણે પોતાની હયાતીમાં જે આપ્યું છે, તે માત્ર એક જન્મ નહિ, પણ જન્મોજન્મ ચાલે તેટલું છે, એટલે તેમની ખોટ કઈ રીતે પૂરી કરશો, તે સવાલ તો ઊઠતો જ નથી. વ્યક્તિ તરીકે તેઓ ભલે ચાલ્યા ગયા હોય, પણ ‘Mission’ તરીકે તો, ધ્યેય તરીકે તેઓ આપણી વચ્ચે હયાત છે અને રહેશે. (ક્રમશ: …)

 

(“આધુનિક જીવનશૈલી લોહીતરસી ચૂડેલ” પુસ્તક માંથી સાભાર…લેખક :- અતુલ શાહ (હાલ મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ)