છાપીના સર્વોદય સેવક બી.કે. દોશી………….
વડગામ મહાલ ની અનેક વિશેષતાઓમા એક વિશેષતા એ છે કે વડગામ, ફતેગઢ ,તેનીવાડા ,મેમદપુર,નળાસર,મોરીયા,રૂપાલ,શેરપુરા,મેતા અને છાપી વગેરે ગામો બે ત્રણ અને ચાર અક્ષરો ના જ છે. બે ત્રણ અને ચાર નો કુલ સરવાળો નવ થાય છે. આંકડામા રહેલા અંકોનો સરવાળો નવના શુકનિયાળ ગણાતા આંકડામાં પરિણમે છે. બે, ત્રણ,ચાર અક્ષરો વાળા ગામોની કેટલીક વ્યક્તીઓ એ દેશ-વિદેશ માં વડગામ મહાલ નું નામ રોશન કર્યુ છે. “વડગામ મહાલ” નો ઇતિહાસ ભવ્ય છે. “વડગામ ગાઈડ” ના નામ થી જ ઐતિહાસીક પુસ્તક પ્રગટ થતુ હોય ત્યારે તેમા વડગામ મહાલ ની વિશિષ્ટ વ્યક્તિઓને કઈ રીતે વિસારી શકાય ?
નવના શુકનિયાળ ગણાતા આંક ની વાત હોય તો બાબુલાલ કેશવલાલ ના નામના અક્ષરોનો સરવાળો પણ નવનો જ થાય છે. આ વિરલ વ્યક્તિ પણ બે અક્ષરના છાપી ગામની જ વ્યક્તિ છે.
બાલ્યાવસ્થાથી તેઓ ખૂબ જ બુધ્ધિશાળી હોવાથી અભ્યાસ માં પારંગત હતા. યુવાવસ્થા માં પગ માંડતાની સાથે જ કઈંક કરી બતાવવાની ભાવના સાથે માધ્યમિક શાળા કાળ થી જ યુવાન મિત્રો નુ મંડળ બનાવી ગરીબ વિધ્યાર્થીઓને , ગામ ના ગરીબ દર્દીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે દિશા માં વિચારી ઘરે થી લાવેલ હાથખર્ચી માંથી બચત કરી તેનો સદ્પયોગ કરવા લાગ્યા હતા. તેઓ એ કુટુંબ ની કેટલીક જવાબદારીઓ સ્વીકારી,સામાજીક સેવાઓ માં પણ પોતાનુ યોગદાન આપતા રહ્યા. તેઓ એ નાનોસણા, ટીમ્બાચૂડી પ્રાથમિક શાળાઓમા અને જૈન પાઠશાળામા શિક્ષક ની સેવા પણ આપી હતી. ટીમ્બાચૂડી ગ્રામ પંચાયત ના (૧૯૫૬) મંત્રી તરીકે પણ તેઓએ એ સેવા આપેલ છે. છાપીના ગ્રામજનોની સર્વસમંતી થી સરકારશ્રી એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા (૧૯૬૭) તેઓને સલાહકાર તરીકે જવાબદારી સોંપતા તેઓ એ હોંસે હોંસે આ જવાબદારી સ્વીકારી,આરોગ્ય કેંન્દ્ર ના વિકાસ ની સાથે દર્દીઓને ઘણી અગવડો દૂર કરાવી તેઓ એ સારી એવી લોકચાહના મેળવી હતી. આમ ધીરે ધીરે છાપી પંથક મા બાબુલાલ ગામ ના “બાબુ” બની ગયા. કઈ નહિ કરી શકનાર ઇર્ષાળુઓએ હવન માં ઘણા હાડકા નાખવાના શરૂ કરેલા પણ શાંત સ્વભાવના બાબુલાલ કોઈની પરવા કર્યા વિના પોતાના સામાજિક કાર્યોને વધુ વેગ આપી કડવા અનુભવોને ભુલી જઈ મીઠા અનુભવોની જ ચર્ચા કરતા રહ્યા. અને કોઈ પણ જાતના વિવાદ માં પડ્યા વગર તમામ કોમ ના લોકો ને સાથે રાખીને “ધી ગેટ ઓફ બનાસ છાપીના સર્વોદય સેવક” બની ગયા.
રેડક્રોસ સોસયટી, ઔધોગિક સોસાયટી,તેમજ વડગામ મહાલ કેળવણી મંડળના ફાઉન્ડર મેમ્બર ની તેમજ બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળ ના ઉપપ્રમુખ તરીકે પણ તેઓએ એ પ્રશંસનીય કામગીરી બજાવી સારી એવી લોકચાહના મેળવી હતી. તે સિવાય મગરવાડા, પાલીતાણા,આબુ તળેટી,છાપી વગેરે ધાર્મિક સ્થાનો માં પણ તેઓએ એ ભક્તિભાવપૂર્ણ સારી સેવાઓ આપી છે.
ગુજરાત રાજ્ય ગ્રામિણ બેંક , બનાસ બેંક, ગુજરાત રાજ્ય ઔધોગિક બેંક, પાલનપુર નાગરિક બેંક વગેરે સહકારી માળખાની બેંકો મા ડાયરેક્ટર તરીકે, સરકારી પ્રતિનિધિ તરીકે ,તેમજ પાલનપુર – વડગામ – દાંતા માર્કેટયાર્ડ સમિતિઓ માં તેઓએ સભ્યપદે સેવા આપી છે. ૧૯૬૫ના વર્ષ દરમ્યાન છાપી નાગરિક સહકારી મંડળી બનાવી માત્ર ૯૧ સભ્યો થી છાપી નાગરીક સહકારી બેંક નો પાયો નંખાયો ત્યારે ડો.ચન્દ્રકાંત મણીલાલ જાનીને (કટારી) પ્રમુખ અને બાબુલાલ કેશવલાલ દોશીને ઉપપ્રમુખ બનાવી સંચાલક મંડળની જવાબદારી સોંપવામા આવી હતી. તેઓએ એ જીવ્યા ત્યા સુધી ખુબ જ દુરંદેશી દ્રષ્ટિ થી સફળ વહીવટ ચલાવી એક માંથી ત્રણ ત્રણ શાખાઓ કરી સારી એવી નામના મેળવી હતી.
બાબુલાલ દોશી છાપીની નાડ પારખી ગયા હતા. છાપી ગામ ઈમારતી લાકડા, હાર્ડવેર, લોંખડ અને ગોળ માટે વ્યાપારી મથક બનવાની સાથે મહારાષ્ટ્ર અને ગુજરાત નું પણ વ્યાપારી પ્રવેશદ્વાર બની ગયુ હતુ. સને ૧૮૮૫ પછી મીટરગેજ રેલ્વે શરૂ થયા બાદ ગાયકવાડ રાજ્ય પછી નવાબી રાજ્ય નુ પાલણપુર નું પ્રથમ રેલ્વે સ્ટેશન હોવાથી અને નવાબી શાસન વખત થી વેરા માફી હોવાથી છાપીનો વિકાસ કુદકે ને ભુસકે વધેલ.ભૂતકાળની પધ્ધતિ અને તમામ શક્યતાઓને બાબુલાલ દોશીએ ધ્યાન માં લઈ સર્વધર્મ સમભાવની જેમ છાપીની આસપાસ અઢાર ગામોના વેપારી,ભેંસો નો વેપાર કરતા ખેડૂતોનો સાથ-સહકાર મેળવી છાપી નાગરિક સહકારી બેંકને ગુજરાત રાજ્ય ની ટોચની બેંકોની હરોળ માં લાવી દીધી હતી,માટે “ધી ગેટ ઓફ બનાસ છાપીના સર્વોદય સેવક બી,કે,દોશી” નુ બિરૂદ ઉચિત ગણાય.
(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)