વ્યક્તિ-વિશેષ

સખી દાતા શ્રી સેવંતીલાલ શાહ……

વડગામની નાનકડી હાઈસ્કુલ …….વિધ્યાર્થીઓમા ખૂબ જ પ્રિય અને શાળા સમય સિવાય પણ ગમે ત્યારે ભણાવવા તત્પર એવા ગણિત શિક્ષક હા મા હા ન કરવાના સ્વભાવના કારણે મેનેજમેન્ટ  સાથે મેળ ન રહેતા કંટાળીને શાળા છોડી જતા વિધ્યાર્થીઓ એ હડતાળ પાડી છે, ગણેશભાઈને પાછા લો ના નારા લગાવતા છોકરાઓની આંખ માં સત્યનિષ્ટ માણસને થયેલા અન્યાય પ્રત્યેનો રોષ તગતગે છે. આજુબાજુના ગામડાઓમાં આ એક જ હાઈસ્કુલ હોવાથી અનેક ગામના વિધ્યાર્થીઓ અહી  ભણે છે.આ વિધ્યાર્થીઓના વાલીઓને મેનેજમેન્ટ યેનકેન પ્રકારે સમજાવી વિધ્યાર્થીઓ પાસે માફી મંગાવીને હડતાલને સમેટાવી લે છે. બધા જ વિધ્યાર્થીઓ માફી માગી લે છે પરંતુ એક કિશોર સ્વમાન છોડીને ખોટી રીતે માફી માગવા તૈયાર નથી. પછી તે મુંબઈ જાય છે શાળા માંથી નામ પણ નીકળી જાય છે. આમ પાંચ મહિના પસાર થઈ જાય છે. એક દિવસ આકસ્મિક રીતે જ શાળાના ચેરમેનશ્રી ગલબાભાઈ પટેલ મળી જાય છે. ઉમરનો તફાવત છતાં વાત્સલ્યભર શબ્દોથી ગલબાભાઈ પેલા કિશોર ને કહે છે. શેઠીયા….હઠ ન કરાય…..પેલો કિશોર કહે છે …..મારી હઠ છે જ નહિ, જેમા મારી ભૂલ નથી તેની માફી શા માટે માંગીએ ? ચેરમેન પ્રેમથી  આ વાત કબૂલ રાખે છે, એટલુ જ નહિ બધી કડવાશ ભૂલીને શાળાના આચાર્ય, શિક્ષણાધિકારીની મંજૂરી લઈ વિધ્યાર્થી નુ નામ પુન: દાખલ કરે છે. દશમા ધોરણની વાર્ષિક પરીક્ષાને એક મહિના ની વાર છે. વિતેલા સમય નો અભ્યાસ એક મહિના મા પૂર્ણ કરવાનો છે, પેલો કિશોર વાર્ષિક પરીક્ષામા પાસ થાય છે અને પછીના વર્ષ મા તો પ્રથમ નંબર નું સ્થાન મેળવી લે છે. સત્ય ખાતર ઝઝૂમનાર અને નહિ ઝુકનાર આ કિશોર યુવાન થઈને હીરા ઉદ્યોગ મા ઝંપલાવે છે ,અને એક દિવસ ઉધોગ ના ટોચના સ્થાને બિરાજી વડગામને ગૌરવ અપાવે છે એ અન્ય કોઈ નહિ પરંતુ આજના હિરા ઉધોગના અગ્રણી શ્રી સેવંતીલાલ શાહ.

વડગામ મહાલમા વિશા ઓશવાલ જ્ઞાતિય પરિવારની ચર્ચા થાય તો સૌ પ્રથમ પ્રેમચંદ ઇશ્વરલાલ શાહ પરિવારનો ઉલ્લેખ થાય. આતિથ્ય , સત્કાર , વિનય, વિવેક, નમ્રતા, જીવદયા અને ધર્મ પરાયણતાના વૈભવથી શોભતા આ પરિવારની વાત જ સાવ નોખી છે, તો આ પરિવારના એસ.પી. ના હુલામણા નામથી ચોમેર ખ્યાતિ પામેલા શ્રી સેવંતીભાઈની વાત સાવ અનોખી છે.

તા.૧૧ ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે વડગામ તાલુકામાં તેમનો જન્મ થયો. બાળપણ થી જ  સ્વમાની સેવંતીભાઈ એ મોટા થઈ બાપદાદા ના ધીરધાર ના ધંધા ને વેગળો મુક્યો. સાહસની મુડીમાં આત્મવિશ્વાસનુ સિંચન કરીને ,મેટ્રીકની પરીક્ષા આપીને ,મોટાભાઈ શ્રી છોટુભાઈના હીરાના ધંધા માં જોડાવા ૧૯૬૫ની ૬ઠ્ઠી એપ્રીલે મુંબઈ આવ્યા અને સુરત માં ચાલતા મેન્યુફેક્ચરીંગ ના વિકાસ માટે તે જ વર્ષ ના જુન મહિના માં તેઓ સુરત આવીને વસ્યા. ત્યારથી માંડીને આજ્સુધી તેમણે પાછુ વળીને જોયુ નથી, તેમની વિકાસ ગાથા વડગામ થી વિશ્વના ફલક સુધી વિસ્તરી છે. ઉત્કૃષ્ટ કટ ધરાવતા ઉંચી કિમંત ના મોટા હિરા મેન્યુફેક્ચરીંગ કરતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તેઓની કંપની વિનસ જ્વેલ આશરે રૂ. ૧૪૦૦ કરોડ થી વધુનું ટર્નઓવર કરે છે. મુંબઈ મા મોટાભાઈ શ્રી રમણીકભાઈ અને ભત્રીજાઓ અનીલભાઈ અને રાજુભાઈ કારોબાર સંભાળે છે. સુરત માં તેમના અને ભત્રીજા હિતેશભાઈના માર્ગદર્શન હેઠળ ૧૪૦૦ થી વધુ નો સ્ટાફ કાર્યરત છે. સેવંતીભાઈની અદ્યતન ફેક્ટરીની મુલાકાત લો તો એમ જ લાગે કે તમે ભારત ને બદલે યુરોપ કે અમેરિકા માં છો. સંપૂર્ણ વાતાનુકુલીત,અત્યંત સ્વચ્છ, વિશાળ તથા આધુનિક ઉપકરણો થી સજ્જ ફેક્ટરીને નિહાળવા દેશ-વિદેશના મુલાકાતીઓ આવે છે.

મોટા અને મોંઘી કિમંત ના હીરાનુ  મેન્યુફેક્ચરીંગ ભારત મા શરૂ કરવાનુ શ્રેય સેવંતીભાઈના ફાળે જાય છે એટલુ જ નહિ બલ્કે અનેક બાબતો મા ભારતીય હિરા ઉધોગના તેઓ પથદર્શક બની રહ્યા છે. પ્રોવિડંડ ફંડ, ગ્રેજ્યુઈટી, ઈ.એસ.આઈ., બોનસ, કામના મર્યાદિત કલાકો જેવા કામદાર કલ્યાણ ના તમામ કાયદાઓ નું સચોટ પાલન ઉપરાંત સુપર એંન્યુએશન એટલે કે પેંનશન સ્કીમ જેવી સ્વૈચ્છિક યોજનાઓની શરૂઆત કરનાર શ્રી સેવંતીભાઈ હિરા ઉધોગ માં ખૂબ જ ઉંચા વેતનો આપવા માટે જાણીતા છે.

આયોજન અને મેનેજમેન્ટ સેવંતીભાઈના રસ અને શોખના વિષયો છે. માંડ પાંચ-સાત ચોપડી ભણેલા કારીગરોમા છુપાયેલા કૌશલ્યને બહાર લાવીને તેઓએ ડાયમંડ પ્રોસેસીંગનુ શ્રેષ્ટ કામ કરતા કર્યા છે. વાત આધુનિક ફેક્ટરીના નિર્માણ કાર્યની હોય કે હીરાના મેન્યુફેક્ચરીંગમા આધુનિક ટેકનોલોજી ના ઉપયોગની હોય કે કોમ્પ્યુટરોના મહત્તમ ઉપયોગ ધ્વારા વહીવટી સંચાલન ની હોય, સેવંતીભાઈ તેમના ટેબલ પરથી  આ બધુ જ શ્રેષ્ટ રીતે કરાવવા માં સફળ રહ્યા છે, હીરા ઉધોગને નડતી કાયદાકીય ગુંચના ઉકેલની વાત હોય કે સુરત માં આકાર લઈ રહેલા મહત્વાકાક્ષી જ્વેલરી પાર્ક નુ પ્લાનીગ હોય ,તેઓની સૂજ આ કામોને વધુ સુગમ બનાવે છે. દેશના શ્રેષ્ટ મુખ્યમંત્રીનુ બિરૂદ પામેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સફળતા તથા વિકાસ માટે પ્રશિક્ષણ આપતા રહેલા શિવ ખેરા અને જીતેન્દ્ર અઢિયા જેવા વિશેષજ્ઞો સેવંતીભાઈની ફેક્ટરીની મુલાકાત પછી તેમના મેનેજમેન્ટ થી અત્યંત પ્રભાવિત થયેલા છે. તેમના ભત્રીજા અતુલ શાહ ના વિશ્વ પ્રસિધ્ધ દિક્ષા મહોત્સવમા આશરે બે-લાખ લોકોને પીરસવાપૂર્વક જમાડવા સહિતના આયોજનો હોય કે ૧૯૭૭મા એમના પરિવાર ધ્વારા આયોજીત સુરતથી પાલિતાણા પદયાત્રા સંઘનુ આયોજન હોય ,સેવંતીભાઈનુ સુક્ષ્મ,સચોટ અને સર્વાંગી પ્લાનીગ સફળતાને સર કરે જ.

સફળ ઉધોગપતિ સેવંતીભાઈ, સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવામા હંમેશા અગ્રેસર રહે છે. વતન વડગામ મા કે પછી ડાંગ જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તાર મા કોલેજ, શાળા કે અન્ય સામાજીક કલ્યાણની યોજના હોય ,તેઓના દાનની સરવાણી હંમેશા વહે છે, જૈન તિર્થો જેવા કે પાવાપુરી,તારંગાજી,માનપુર,રાંતેજ…. માં તેમના પરિવાર ના દાન થકી ધર્મશાળાઓ અને યાત્રિક સુવિધાઓનુ નિર્માણ થયુ છે. ગુજરાત સરકાર ના કન્યા કેળવણી ફંડ મા રૂ. સવા કરોડ નુ દાન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંજિનિયરીંગ કોલેજ માં કોમ્પ્યુટર ફેકલ્ટી શરૂ કરવા પચાસ લાખ નું દાન….શિક્ષણ, આરોગ્ય, જીવદયા,સામાજીક સુધારણા, માનવતા, અનુકંપા અને વ્યસન મુક્તિ તેમજ કુદરતી આપત્તિઓ વખતે તેઓએ વહાવેલી દાનની સરવાણીની યાદી ઘણી લાંબી છે.

લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યિક માસિક અખંડ આનંદ ને પ્રકાશિત કરતા ભિક્ષુ અખંડાનદ ટ્રસ્ટ, ચેક ડેમો ધ્વારા જલક્રાંતિ સર્જ્નાર સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ ના તેઓ ટ્રસ્ટ્રી છે. સુરતની અગ્રણી સેવા સંસ્થાઓ અમ્બિકાનિકેતન મેડિકલ ટ્રસ્ટ, અશક્તાશ્રમ હોસ્પીટલ, કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણભવન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વિગેરેમા વિવિધ હોદ્દેદાર તરીકે તેઓ કાર્યરત છે.

કોઈ પણ કામ તેની શ્રેષ્ટ રીતે કરવાના આગ્રહી સેવંતીભાઈ કહે છે કે ૩૫ ટકા એ વિધ્યાર્થી પરીક્ષા માં પાસ ગણાય, ૪૮ ટકા એ સેકન્ડ ક્લાસ, ૬૦ ટકા એ ફર્સ્ટ ક્લાસ અને ૭૦ ટકા એ ડિસ્ટિકશન મેળવે  અને કદાચ ૯૪ કે ૯૫ ટકા એ રાજ્ય માં પ્રથમ આવે. મારે ત્યાં ૯૯ ટકા હોય તો પણ એક ટકો કેમ ઓછો આવ્યો તેની નિરંતર શોધ ચાલ્યા કરે. આખી ભીંત સફેદ હોય પરંતુ ક્યાંક કાળુ ટપકુ હોય તે સુધારવાની પ્રક્રિયા એ જ સફળતાનો રાજમાર્ગ છે.

વિશ્વના હિરા ઉધોગ મા ઝળકી રહેલા સેવંતીભાઈની સિધ્ધિઓથી વતન વડગામનુ ગૌરવ વધ્યુ છે. અને સહજ છે કે તેમના યશસ્વી ઉલ્લેખ વિના વડગામનો ઇતિહાસ અધૂરો ગણાય.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

(ફોટોગ્રાફ્સ:-ધવલ -(વડગામ)

———————————————————————————————————————————————-

Ref.Links: Pl.read more about Shri Sevantibhai Shah on following articles.

JEWEL CHIEF

Venus – A True Jewel in the Diamond Sector