વ્યક્તિ-વિશેષ

સ્વ.શ્રી સરદારભાઈ શાંમતાભાઈ પટેલ (લોહ)

તેઓ શ્રીનો જન્મ મેમદપુર મુકામે પટેલ શાંમતાભાઈ સવાભાઈને ત્યાં થયેલો.તે સમયે ભણવા માટે સુવીધા ન હોવાથી ગાયકવાડ સરકારમાં આવેલ ડીંડરોલ મુકામે તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.જ્યાં તેમની ફોઈના ઘરે રહીને ધોરણ પાંચ સુધી અભ્યાસ કરેલ હતો.તેઓને ધાર્મિક પુસ્તકો જેવાકે રામાયણ,મહાભારત અને ગીતાના પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હતો અને તેઓને આ પુસ્તકોનું સંપૂર્ણ જ્ઞાન  પોતે ધરાવતા હતા.

તેઓ મુત્સદી અને બાહોશ વાકછટાવાળા હતા.ગમે તેવા ચમરબંધીને પણ સાચુ કહેવામાં સહેજ પણ અચકાતા નહી અને સ્પષ્ટ વક્તા હતા.

પોતે ખેડૂત પૂત્ર હોવાથી તેઓએ ધંધા તરીકે ખેતીનો જ વ્યવસાય સ્વીકારેલો.તેઓ પોતે ગર્ભશ્રીમંત હોવાથી ખેતી પણ એવી કરાવતા જેને આદર્શ ખેતી કહી શકાય.

પોતે ખેડૂત પૂત્ર હોવાથી ખેડૂતોની સમસ્યાઓ અને પ્રશ્નોની વાચા આપવા માટે વડગામ અને પાલનપુર તાલુકાના આગેવાનો સાથે મસલતો કરી જે ખેડૂત મંડળની રચના થઈ તેમાં મહત્વનો ફાળો હતો.

ખેડૂતમંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રાજકારણથી વાકેફ કરી રાજકારણમાં સામેલ કર્યા અને દ્રિભાષી મુંબઈ રાજ્ય વખતે ખેડૂતપૂત્ર શ્રી ગલબાકાકા(ગલબાભાઈ નાનજીભાઈ પટેલ)ની સાથે રહી ટીકીટ અપાવવા માટે પ્રયત્નો કરી કોંગ્રેસની ટીકીટ તેમને અપાવી અને તેઓને પ્રથમ વડગામ તાલુકાના ધારાસભ્ય તરીકે વિજયી બનાવી મુંબઈ ધારાસભામાં મોકલવામાં તેમનો મોખરે ફાળો હતો.

તેમજ આંજણા સમાજના શિક્ષણ માટે પાલનપુર મુકામે નવાબ શ્રી તાલેમહમદખાન સાથે મસલત કરી હાલ જે બોર્ડીંગની જમીન છે તે બનાસકાંઠાના ચૌધરી આગેવનોને સાથે રાખી મેળવી અને સંસ્થા ઉભી કરવા માટે ગામડાઓમાં ફરી ભંડોળ એકત્ર કર્યું.અને બધાજ આગેવાનોએ મળી બોર્ડીંગ ઉભી કરી.

સમાજમાં પણ તેઓ એક અગ્રેસર સામાજીક આગેવાની નીભાવી હતી.

તેઓ જીવ્યા ત્યાં  સુધી પોતાના જીવનમાં શાહીઠાઠ સાથે જીવ્યા હતા.તેઓ ફરવા માટે કાયમી પોતાની પાસે ઘોડી રાખતા.

જન્મ તીથી: ૧૮૭૦ ,                                                          પૂણ્ય તીથી: ૧૨.૧૧.૧૯૬૪આશરે

( શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સ્મૃતિગ્રંથ -૨૦૦૨-૨૦૦૩ માંથી સાભાર )