ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

નિષ્ઠાવાન લોક સેવક – ગલબાકાકા

‘બનાસ’ કાંઠે આજે એવી ધોળી ધાર છલકાણી રે,
સુકી ધરતી આજે એવી લીલી થઇ લહેરાણી રે,
‘ગલબાકાકાનાં’ પગલે પગલે પ્રગટી એવી સરવાણી રે,
‘કિસંગ’ સુખીયા સઘળાં દેખી આજે ‘હેમાબાઇ’ હરખાણી રે.

૧૫ ફેબ્રુઆરી ૧૯૧૮ ના ફુલ, અત્તર અને તસવીર કલાનાં સંગમસ્થાન એવાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનાં નળાસર ગામમાં નાનજીભાઇ અને હેમાબાઇના કુખે એક પુણ્યશાળી બાળકનું અવરણ થાય છે. કહેવાય છે જિંદગી કદીયે એક સરખી રહેતી નથી. જિંદગી ક્ષણે ક્ષણે નવી હોય છે. મહાન જીવાત્માઓ સાથે થાય છે એવું જ આ બાળક સાથે થયું બે વર્ષની ઉંમરે મા-બાપની છત્રછાયા ગુમાવી ! પછી તો કાકા દલુભાઇ અને મેનાબહેનને ત્યાં મોટો થવા લાગ્યો. ઢોર ચરાવતાં ચરાવતાં મિત્ર ગલબા ભારથી સામે સંકલ્પ કરે છે ? ગમે તે થાય ભણી-ગણી આગળ વધવું છે. મારા જિલ્લાને એક ઉચ્ચ મુકામ સુધી લઇ જવો છે. પછાત ગણાતાં મારા બનાસને નવી જિંદગી આપવી છે !! આકાશ જેવી સફળતાં પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થ પણ પવિત્ર હોવો જોઈએ. જગતનો તાત કહેવાય એ ખેડુંનો આ દિકરો માત્ર ત્રણ ચોપડી જ ભણી શક્યો ને નક્કી કર્યું કે હવે તો જિંદગી જ અનુભવ શાળા રહેશે. ૨૨ વર્ષની ઉંમરે કંઇક કરી છુટવું એવી તમન્ના સાથે માયા નગરી મુંબઈમાં પગ મુકે છે. કુદરત પણ ક્યારેક આપણી જોડે જાણ્યે- અજાણ્યે કશુંક એવું મહત્વનું કામ કરાવતી હોય છે. વિશ્વ વ્યાપી મંદીમાં મુંબઈ છોડતી વખતે મનોમન એક સંકલ્પ કરે છે ”મુજે યકિન હૈ સિર્ફ ગાવ છોટે હોતે હૈ વહાં કે લોગ ઔર ઉનકે ખ્વાબ નહીં, મુજે યકિન હૈ હાર ઔર જીત કે બીચ કા ફાસલા બડા હૈ પર નામુમકીન નહીં.”

આ દુનિયામાં જે મહેનતું છે એમને તો કુદરત પણ ચાર હાથે આપવા તૈયાર બેઠો છે અને બન્યું પણ એવું ભાલ કાંઠાનાં મહાન મૂનિ સંતબાલજી અને મૂક સેવક રવિશંકર મહારાજનું સાંનિધ્ય પ્રાપ્ત થયું અને તેમનાં વાણી અને વિચારો હદયમાં ઉતરી ગયાં. આ મહાન સંતો સામે વાત મુકતાં કહ્યું મહારાજ મારે બનાસકાંઠાને ઉંધમાંથી જગાડવો છે, જગાડી બેઠો કરવો છે, બેઠેલાને દોડતો કરવો છે.આ તો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો ! અને મહાન સંતોનાં આશિર્વાદ મળી ગયાં. કામ થયું શરૂ ! ૧૯૫૨ માં રાજકીય ક્ષેત્રે પ્રવેશીને ધારાસભામાં ચુંટાયા, ૧૯૬૮ માં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ બન્યાં. પોતાનાં સ્વપ્નને સાકાર રૂપ આપતાં ૩૧ જાન્યુઆરી ૧૯૬૯ ના રોજ બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, પાલનપુર ખાતે નોંધણી કરાવી. એમને રોપેલ બાળતરૂ આજે તો વટવૃક્ષ બની ગયું છે. તેમને સ્ત્રી કેળવણી, કુરિવાજો, ખેતી, ગ્રામોધોગ સુધારણા, સહકારી ક્ષેત્ર અને અસ્પૃશ્યતા નાબુદી જેવા મહાન કાર્યો આજીવન કરતાં રહ્યાં.

કોઇપણ જાતનાં ભભકા વિનાનાં વસ્ત્રો, ટુંકું ખાદીનું ધોતિયું, ઈસ્ત્રી વગરનો ઝભ્ભો, માથે ટોપી ને નિર્દોષ ચહેરે, નિર્મળ ગુલાબી હાસ્ય વેરતાં-વેરતાં જીવનની દરેક પળે ગરીબોનાં દુઃખ દર્દ ઓછાં કરવાનું, નિયમ પણ એવો કે કર્મ કરવું ને ફળ ઈશ્વર પર છોડી દેવું. સતત મથામણ કર્યા કરવી એમાંથી કંઈક નવનીત પ્રગટાવવાનું એ એમની કાર્યશક્તિનો અદ્ભુત પુરાવો. સાદગી, નમ્રતા, પ્રામાણિક અને વિવેક લઇ મુરઝાયેલા હૈયાંને ઉત્સાહ પુરો પાડતાં, લોક હિતાર્થે કાર્યો કરતાં કરતાં, ગામઠી ભાષા, સચ્ચાઇ, બીજાને સમજાવવાની આવડત અને સ્વમાનના ગુણો લઇ આજીવન સેવાને વરેલા લોક-સેવક, જિંદાદિલી અને નેકદિલીનું નરવું સ્વરૂપ, ભારતનું ગૌરવ અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઇ નાનજીભાઇ પટેલ.

તેમના કેટલાંક જીવન પુષ્પો…

– – અસ્પૃશ્યતા નાબુદી
એક વખત રતનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મેઘવાળ સમાજનું દૂધ ન લેવાનો નિણર્ય થયો ને ફરિયાદ ગઈ ગલબાકાકા પાસે‌ તત્કાળ કડકાઈથી કહેવડાવ્યું કે સૌ માનવ સમાન છે. સૌને હક્ક મળવો જોઇએ. સૌને વિકસવાની સમાન તક આપવી જોઈએ ને દૂધ ભરવાનું થયું ચાલું.

– – સ્ત્રી કેળવણી અને ઉત્થાન
દૂધનાં પૈસા બહેનોને જ મળવાં જોઈએ એવું ગલબાકાકા સ્પષ્ટપણે માનતાં તેઓ કહેતાં પુરુષો કદાચ પૈસા વ્યસન પાછળ ખર્ચી નાખશે ! પણ તમને ખબર છે બહેનો ‌છાણનો પોદલો ઉપાડે, મોં પર ભેંસનું મુત્ર રેલાય, આંધળી મહેનત કરે, દૂધનો ધંધો કેટલો કષ્ટદાયક છે. મારી બહેનો કેટલો ભાર વહન કરે છે‌. માટે જ બહેનોને પૈસા મળવાં જોઇએ.

અંતે આવા તો ગલબાકાકાના અઢળક જીવન પ્રસંગો છે. ૩ જાન્યુઆરી ૧૯૭૩ના રોજ આ માટીનાં મહામાનવ, વિશ્વ વિભૂતિ પંચમહાભૂતમાં વિલિન થયાં. ગલબાકાકા રોજ કહેતાં “મારા જિલ્લાનાં છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન પણ દૂધનો વ્યાપાર કરી સ્વમાનભેર જીવન ગુજારી શકે, પોતાના બાળકોને એક હાથે ઉછેરી શકે તેવું કશુંક કરી છુટવું છે.”

… તમારો કવિ કિરણ ચૌધરી ‘કિસંગ’

પ્રેરણા, સંદર્ભ અને ગ્રાફિક્સ;
વિશેષઃ આભાર …
– – – હસમુખા અને હેતાળવા માનનીય ડો. અતુલભાઈ ચૌધરી સાહેબ (સ્પર્શ ડીવાઇન ટચ, ડીસા)
– – – માનનીય નિતિનભાઈ એલ. ચૌધરી સાહેબ (વડગામ)
– – – વહાલાં સુરેશભાઈ બી. ચૌધરી (પ્રિન્સ ગ્રાફિક્સ, પાંથાવાડા)