રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત મૂળીબેન કેદારભાઈ જાદવ.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ દ્વારા શ્રેષ્ટ શિક્ષિકાના સર્વોચ્ચ બહુમાનથી વિભૂષિત બનાસકાંઠાના વડગામ તાલુકાના નારીરત્ન મૂળીબેન કેદારભાઈ જાદવ.
વડગામ તાલુકાન કોદરામ ગામના પ્રસિધ્ધ કવિરાજ અને જૂની રંગભૂમિના સિધ્ધહસ્ત કલાકાર પંડિત કેદારનાથ કસ્તુરભાઈ જાદવ ના ધેર તા. ૦૧.૦૪.૧૯૪૬ના રોજ મૂળીબેનનો જન્મ થયો હતો. માતૃશ્રી સંતોકબા પણ નાટ્યગીત, લોકગીત, ભજન વિ. માં નિપુણ હતા. સંગીત અને સાહિત્યને સમર્પિત કલાકાર કુટુંબમાં જન્મનાર મૂળીબેનને બાળપણથી કળા અને શિક્ષણના સંસ્કારો સાંપડ્યા.
કોદરામ એક નાનકડું ગામ ગણાય. છોકરી એટલે ઘરકામ કરે અને લગ્ન થયા પછી ઘરગૃહસ્થી સંભાળે તેને ભણવાની કોઈ જરૂર ન હોય એવી માન્યતાથી બધ્ધ સમાજમાં આજથી લગભગ ૬૨ વર્ષ પહેલા દૂરંદેશી પિતાશ્રી કેદારનાથજીએ ગામમાં સૌ પ્રથમ મૂળીબેનને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો આ જોઈને ગામના અન્ય નાગરિકોએ પણ પોતાની દિકરીઓને શાળામાં દાખલ કરી. મૂળીબેન બચપણથી ભણવામાં અવ્વલ નંબર અને માતા પિતા પણ કહે બેટા જે કામ કરો તે નિષ્ટાપૂર્વક કરી પહેલો નંબર લાવવો. આ બોધ કાયમ માટે મૂળીબેનના માનસપટ પર અંકિત થઈ ગયો. ૧૯૬૨માં મૂળીબેને પ્રાથમિક શાળાની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ૧૯૬૯માં પીટીસી પણ પ્રથમ વર્ગમાં પાસ કરી. પિતા પંડિત કેદારનાથજીને તે વખતે ઘણા લોકો કહેતા કે કવિરાજ છોકરીને ભણાવીને પછી શું કરશો ? ત્યારે તેઓ આત્મવિશ્વાસથી કહેતા કે મારી દિકરીને શિક્ષિકા બનાવીશ.
લગભગ આ દાયકામાં વડગામ તાલુકાના નળાસર તાલુકાના મેધાવી નરરત્ન સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અને સંજોગોવસાત કોદરામ ગામે પધાર્યા. પંડિત કેદારનાથને એ વખતે કવિ તરીક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ખ્યાતિ પથરાયેલ હતી. પંડિત કેદારજીની સાથે ગલબાભાઈ નાનજીભાઈની સારી મૈત્રી પણ હતી. ગલબાભાઈએ કહ્યું કવિરાજ સાંભળ્યું છે કે તમારી દિકરીએ ફાઈનલ પાસ કરી છે તે શું સાચુ છે ? ત્યારે મૂળીબેનના પિતાજીએ કહ્યું “હા” આપની વાત સાચી છે. તો માનનિય ગલબાભાઈએ કહ્યું કે હમણાં નવી શિક્ષિકાઓની ભરતી કરવાની છે તો તમારી દિકરીને ફોર્મ ભરાવી દો. નોકરી હું અપાવી દઈશ તો મૂળીબેનના પિતાજીએ કહ્યું કે હજુ તેની ઉંમર ૧૮ વર્ષની નથી થઈ. ૧૮ વર્ષ પુરા થવામાં થોડાક મહિના ખૂટે છે તો ગલબાભાઈએ કહ્યું કે એકવાર ફોર્મ તો ભરાવી દો જ્યારે ઇન્ટરવ્યુ થશે ત્યારે તમારી દિકરીને ઉંમર પણ ૧૮ વર્ષની થઈ જશે. પરિણામ એ આવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ મહિલા શિક્ષિકા થવાનું સૌભાગ્ય મૂળીબેનને પ્રાપ્ત થયું અને ૧૯૬૫માં કોદરામ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા તરીકે જોડાયાં. એ વખતે એમના પિતાજીને કે ગલબાભાઈને ખ્યાલ નહોતો કે આ શિક્ષિકા તરીકે શિક્ષણ ક્ષેત્રમાં પર્દાપણ કરનાર મૂળીબેન ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષિકાના બહુમાનથી વિભૂષિત થશે. પણ તેમના આશીર્વાદ અને હાર્દિક શુભેચ્છાથી જ તે સાકાર થયું છે તેમને મૂળીબેન નિ:શંક માને છે.
મૂળીબેને ૧૯૬૫ થી ૨૦૦૪ દરમિયાન બનાસકાંઠાના વિવિધ ગામોમાં શિક્ષિકા તરીકે તથા આચાર્ય તરીકે નિષ્ટાપૂર્વક શિક્ષણજગતની સેવા કરી છે. તેમણે કોદરામ, માહી, થરાદ, વારાહીમાં ઉપશિક્ષક તરીકે અને અમીરગઢ અને મોરિયામાં આચાર્યપદે સેવા આપી છે. સને ૧૯૭૧માં થરાદ ગામની શાળાઓની શ્રેષ્ટ શિક્ષિકા તરીકે બહુમાન પ્રાપ્ત થયું ત્યારપછી તેમના કાર્યની સુવાસ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રસરી.
મૂળીબેન જાદવના અભ્યાસકાળ અને શિક્ષણ અધ્યાપન દરમિયાન મહાનુભાવો સાથેની મુલાકાત અને બહુમાન નીચે મુજબ છે.
૧) તેમના અભ્યાસકામ દરમિયાન સંત વિનોબાભાવે, પંડિત રવિશંકર મહારાજ અને શ્રીમંત મહારાજા ફતેસિંહ ગાયકવાડ જેવી વિભૂતિઓ જ્યારે તેમની શાળામાં પધારી ત્યારે મૂળીબેનના હસ્તે તેમને તિલક કરી કંકાવટી અર્પણ કરી હતી.
૨) તા.૧૪.૦૪.૧૯૯૯ના રોજ પાલનપુર તાલુકાની મોરિયા પ્રાથમિક શાળાની મુલાકાતે આવેલા ન્યુઝીલેન્ડ
ના મિસ્ટર ફેડરીલ અને ભારત સરકારના અધિકારીઓ શ્રી ગુપ્તાજી, શ્રી નંદન અને રાજ્યના શિક્ષણ સચિવ શ્રી માંકડ, ડી.પી.ઇ.પીના એડીશનલ ડાયરેક્ટર શ્રી હીંગુ તથા જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ શ્રી આચાર્યએ મોરિયા પ્રાથમિક શાળાને શ્રેષ્ટ શાળા ગણાવી શાળાના આચાર્ય મૂળીબેન જાદવની કામગીરીની પ્રશંસા કરી હતી અને ન્યુઝીલેન્ડથી આવેલા મિસ્ટર ફેડરીલે પણ આચાર્ય મૂળીબેન જાદવની કાર્યશૈલીથી અને હાજર જવાબીપણાથી અત્યંત પ્રભાવિત થયા હતા.
૩) ઇ.સ ૨૦૦૨માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી મૂળીબેન જાદવનું ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારી અને તત્કાલિન શિક્ષણમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા ગુજરાતના શ્રેષ્ટ શિક્ષિકા તરીકે બહુમાન થયું જે શિક્ષણજગતનું રાજ્યકક્ષાનું સર્વોચ્ય બહુમાન માનવામાં આવે છે.
૪) ૨૦૦૨માં ગુજરાત તુરી બારોટ સેવા સંઘ તરફથી મૂળીબેનને “સમાજરત્ન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
૫) ૨૦૦૩ ૫મી સપ્ટેમ્બરે (શિક્ષકદિન નિમિતે) મૂળીબેન જાદવને ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામના કરકમલો દ્વારા શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડૉ. કલામે દરેક સન્માનિત શિક્ષિકાઓ સાથે વ્યક્તિગત મુલાકાત આપી હતી અને શિક્ષણજગતમાં તેમણે કરેલા પ્રદાનની નોંધ લઈ આગામી જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સન્માન સમરંભ દરમિયાન તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંધ, અર્જુનસિંધ અને અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત થઈ હતી તેમણે પણ મૂળીબેનના શૈક્ષણિક પ્રદાનની નોંધ લીધી હતી અને તેમની કાર્યપધ્ધતિને બિરદાવી હતી.
નાના મોટા અનેકાનેક એવોર્ડથી સન્માનિત મૂળીબેન અત્યારે પાલનપુર તેમના પતિ શ્રી શામળદાસ બારોટ (નિવૃત પી.એસ.આઈ) અને પરિવાર સાથે આનંદથી જીવન વિતાવી રહ્યા છે અને શિક્ષણજગત માંથી આવનાર દરેકને ઉદારતાથી માર્ગદર્શન આપે છે અને પોતાની સુદીર્ધ શૈક્ષણિક કારકીર્દીના અનુભવો જિજ્ઞાસુશિક્ષણપ્રેમીઓ સાથે સહભાગી કરે છે.
મૂળીબેન જાદવ એ ફક્ત વડગામ તાલુકાનું જ નહિ પરંતુ ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારનાર શિક્ષણગુરૂ છે.
www.vadgam.com