વ્યક્તિ-વિશેષ

પ્રવિણ જોષી : નવલકથાકાર, બાળસાહિત્યકાર, વાર્તાકાર.

[ વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની શ્રી પવિણભાઈ જોષી એ સાહિત્ય ક્ષેત્રે સારી એવી  નામના મેળવી વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે તે બદલ શ્રી પ્રવિણભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે પ્રવિણભાઈ જોષી વિષે થોડો પરિચય મેળવીશું ત્યાર બાદ તેમની કલમે લખાયેલ સાહિત્ય કૃતિઓનો આસ્વાદ સમયાંતરે માણતા રહીશું. આપ શ્રી પ્રવિણભાઈનો તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૪૨૩૩૬૩ ઉપર સંપર્ક કરી શકો છો.]

 

પાલનપુરમાં નિવાસ કરતાં અને એમ. એ. એમ.એડ અને એલ.એલ.બી ની ઉચ્ચ ઉપાધિઓ ધરાવતા શિક્ષણશાસ્ત્રી શ્રી પ્રવિણભાઈ રામજીભાઈ જોષી એક ઉત્તમ વાર્તાકાર, નવલકથાકાર અને બાળ સાહિત્યકાર છે. તેમણે બાળવાર્તાઓ, બાળ કાવ્યો-ગીતો મોટી સંખ્યામાં લખ્યા છે. તેમની વૈવિધ્યસભર કૃતિઓ જયહિન્દ દૈનિક, ફૂલવાડી, બાળ સાપ્તાહિક, રખેવાળ દૈનિક, બનાસ ન્યૂઝ દૈનિક, જનસેતુ, વિજય એક્સપ્રેસ તેમજ અન્ય સામયિકો, દૈનિકોમાં છપાઈ ચૂકી છે, અને અવારનવાર છપાતી રહે છે.

૧૯૯૨થી ૨૦૧૫ સુધીમાં તેમના આઠ પુસ્તકો પ્રકાશિત થયા છે. જે આ મુજ્બ છે. (૧) વણસૂંઘ્યા ફૂલડા (નવલકથા), (૨) કોકીલ (કાવ્ય-સંગ્રહ-૧૯૯૬), (૩) કલંકિની (વાર્તા સંગ્રહ -૧૯૯૯), (૪) પરદેશના અનુભવો (સંપાદન-૧૯૯૯), (૫) પરણેતર (નવલકથા-૨૦૦૦), (૬) ઝરૂખો જુએ તારી વાત (નવલકથા-૨૦૧૪), (૭) ચમક ચમક ચમકે તારા (બાળગીત સંગ્રહ,૨૦૧૫), (૮) સંભારણા (પ્રેરક પ્રસંગો -૨૦૧૫)

૧૯૯૩માં તેમની સૌ પ્રથમ નવલકથા વણસૂંઘ્યા ફૂલડા પ્રકાશિત થતાં લેખક પ્રવિણ જોષી ઝૂમી ઊઠ્યા હતા. તેઓ ભારે રોમાંચિત બની ગયા હતા. તેમની અંતરની ઊર્મિઓમાં ઘોડાપુર આવ્યું હતું અને આવા પ્રસંગે પરિવારને તો આનંદ થાય જ ને ! પરિવારે તો પ્રથમ પુસ્તકના વિમોચનની તૈયારીઓ પણ કરી દીધી હતી !

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની શ્રી રામજીભાઈ જી. જોષી અને તેમના પત્નિ કુંવરબેન જોષીના શિક્ષિત અને સંસ્કારી પરિવારમાં પસવાદળ ગામે ૧૯૬૮ની ૭ મી જૂનના રોજ પ્રવિણભાઈનો જન્મ થયો હતો. તેમને એક ભાઈ અરવિંદ અને ત્રણ બહેનો વિજયા, દક્ષા અને અરૂણા છે. પ્રવિણભાઈનું બાળપણ પસવાદળ અને ભાભરમાં વિત્યું હતું તેમણે ભાભર તાલુકાના ખારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું હતું. આજ ખારા ગામની પ્રાથમિક શાળાના હેડમાસ્તર તેમના પિતા શ્રી રામજીભાઈ જોષી જ હતા, છતાં તેમણે આ તકનો કદી લાભ લીધો ન હતો. ત્યાર બાદ તેમણે ભાભરની શ્રી સર્વોદય વિદ્યામંદિરમાં મધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું અને ૧૯૮૪માં તેઓ એસ.એસ.સી થયા હતા. ત્યારબાદ પાલનપુરની જી.ડી.મોદી આર્ટસ કોલેજમાં આર્ટસમાં દાખલ થઈ ૧૯૯૦-૯૧ માં બી.એ થયા. ૧૯૯૬માં એમ.એ થયા હતા. દરમિયાન પાલનપુરની ડી.ડી.ચોક્સી કોલેજ ઓફ સેકંડરી એજ્યુકેશનમાં અભ્યાસ કરી ૧૯૯૪માં બી.એડ અને ૧૯૯૯માં એમ.એડ થયા અને સમયાંતરે કાયદાની ઉપાધિ એલ.એલ.બી. પણ તેમણે મેળવી હતી. આવા ઉચ્ચ શિક્ષિત પ્રવિણભાઈ હાલમાં ધાણધા ખાતેની શ્રી વિદ્યાનિકેતન માધ્યમિક શાળામાં ગુજરાતીના અદ્યાપક તરીકે કાર્યાન્વિત છે.

બાળપણથી જ તેમને વાંચન અને લેખનનો ખૂબ શોખ હતો. શાળાભ્યાસ દરમિયાન પણ તેઓ કંઈક ને કંઈક લખતા રહેતા. ભાભર હાઈસ્કૂલમાં ત્યારે બુધ સાહિત્ય સભા-બુધવારિયા તરીકે ઓળખાતી હતી. જેમના તેમના ગુરુજીઓ શ્રી જગદીશભાઈ રાવલ, શ્રી કનુ આચાર્ય અને શ્રી જગદીશભાઈ જોષી આવતા. તેમની પાસેથી પ્રવિણભાઈએ લેખનની પ્રેરણા, માર્ગદર્શન મેળવ્યા હતા.

તેમણે ૧૯૮૯માં એક કાવ્ય રચ્યું અને ડિસાથી પ્રસિધ્ધ થતાં રખેવાળ દૈનિકમાં મોકલ્યું અને તેમના ભારે આશ્વર્ય વચ્ચે અનહદ આનંદ વચ્ચે ૨૮મી માર્ચ ૧૯૮૯ના રખેવાળમાં અછાંદશ કાવ્યકૃતિ અંધકાર છપાઈ અને પ્રવિણભાઈની સાહિત્ય પ્રવૃત્તિમાં પ્રકાશ છાવાઈ ગયો ! તેમણે રખેવાળમાં છપાયેલી તેમની એ પ્રથમ કૃતિ કેટલીય વાર જોઈ અને પછીથી તો તેમને પ્રેરકબળ મળ્યું નવો આત્મવિશ્વાસ જાગૃત થયો અને તેમની કલમ સાહિત્યના માર્ગે દોડતી થઈ ગઈ. વાર્તાઓ, બાળવાર્તાઓ, કાવ્યો, ગીતો, નિબંધો સર્જાતા ગયા. નવલકથા પર હાથ અજમાવ્યો અને સફળ થયા. અત્યાર સુધીમાં તેમની ત્રણ નવલકથાઓ પ્રસિધ્ધ થઈ ચૂકી છે. તેમને નવલકથા વાંચવી અને લખવી વિશેષ ગમે છે. છતાં બાળસાહિત્યમાં વિશેષ સફળતા મળી છે.

તેમણે નાના-મોટા ઘણાં માન-સન્માન, પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી તારલા તરીકે તેમનું સન્માન થયું હતું. સહકારી ક્ષેત્રે નિબંધ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. સ્વામિ વિવેકાનંદ જન્મ જ્યંતિ ઉજવણી પ્રસંગે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં તેઓ પ્રથમ આવ્યા હતા. ભૂતપૂર્વ મંત્રી સ્વ. ફકીરભાઈ વાઘેલાના હસ્તે શ્રેષ્ઠ લેખક તરીકે તેમનું સન્માન પણ થયું હતું. તેમના અંગત પુસ્તકાલયમાં ૨૫૦થી વધુ પુસ્તકો સંગ્રહસ્થ છે. તેમના પત્ની રમીલાબહેન જોષી ગૃહિણી છે તેમની પુત્રી અંકિતા બી.એસ.સી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, પ્રવીણભાઈએ અંકિતા પ્રકાશનના નામે સાઈડમાં વ્યવસાય પણ કરી જોયો. પ્રયોગ સફળ થયો ન હતો. અતિવ્યસ્તતામાં યે પ્રવિણ જોષી આજે સાહિત્ય ક્ષેત્રે એટલા જ સક્રિય છે જેટલા શિક્ષણ ક્ષેત્રે છે.

— જગદિશ બિનીવાલે

——————————————————————————————————————————–

INVITATION

Tree-plantation-2015

For More Details Contact :  94294 07732