વડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.
વડગામ નિવાસી સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજક પ્રથમ પંક્તિના જૈન સંગીતકાર તરીકે સમગ્ર દેશમાં નામના મેળવી હતી. બચપણથી સંગીતનો ભારે શોખ પણ નાની ઉંમરે હરજીવનદાસે પિતાની છત્રછાયા ગુમાવી જેન કારણે ઘણી નાની ઉંમર માં તેઓશ્રી એ ઘરની જવાબદારી ઉપાડવી પડી પરિણામે પાંચમાં ધોરણ પછી અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. એકાએક આવી પડેલી આકસ્મિક જવાબદારીને પહોંચી વળવા તેમણે નાયક કંપનીમાં જોડાઈ હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું. સંગીતમાં પોતાની પકડ મજબૂત બનતા ધીમે ધીમે જૈન ધર્મમાં ભક્તિ-સંગીતના કાર્યક્રમો કરવાનું શરૂ કર્યું અને એમાં પારંગત થઈ જૈન સંગીતકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. જૈન પરંપરામાં ભક્તિ સંગીતનો દિવ્ય મહિમા છે. જિનાલયમાં પ્રવેશ કરીએ અને કોઈએ મધુર સ્વરમાં ગાતું હોય ત્યારે આકાશમાંથી વરસતા વરસાદની ભીની થયેલી માટીનો સુંગધીદાર અનુભવ થાય અને આનુભવ કરવાની ક્ષમતા વડગામના સ્વ.શ્રી હરજીવનદાસ ભોજકમાં કુદરતે આશિર્વાદરૂપે વરસાવી હતી.
માત્ર પાચં ધોરણ સુધીનું શાળાકીય શિક્ષણ મેળવ્યું હોવા છતાં સ્વબળે સંગીતમાં ઉચ્ચતમ પ્રવિણતા મેળવી ભારત ના અલગ અલગ રાજ્યો ના મુખ્ય શહેરો જેવા કે કલકત્તા ,મુંબઈ ,બેંગલોર ,ઉજ્જેન , સોલાપુર – કોલ્હાપુર વગેરે જગ્યાઓએ પોતાની સંગીત પ્રતિભાને ઉત્તમ રીતે ઉજાગર કરી જૈન સંગીતરસિકોની ખૂબ પ્રસંશા હાંસલ કરી. જૈન મુનિ આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજની તેમના ઉપર વિશેષ કૃપા હતી. મુનિ આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજીને હરજીવનદાસની ગાયકી અતિ પસંદ હતી. સ્વ.શ્રી હરજીવનદાસે વિપરીત સંજોગોના લીધે સંગીતની કોઈ વિશેષ તાલીમ ન લીધી હોવા છતાં તેઓ શાસ્ત્રીય સંગીત પણ ખૂબ સુંદર રીતે ગઈ શકતા હતા. શાસ્ત્રીય અને દેશી રાગમાં ગાઈને તેમણે ભક્ત હ્રદય ને છલકાવી દીધા હતા. એમની એ ખૂબી હતી કે કોઈ સંગીતકારે જે ગીતની ધૂન બનાવી હોય એ ગીતની ધૂન પોતાની રીતે સરળ બનાવી ગાઈ શકતા જેથી બીજા લોકો પણ એમની સાથે ગાઈ શકે. એ સમયના જૈન ધર્મના મોટાભાગના દરેક સંગીતકારો સાથે કામ કરેલું. મધુર કંઠ અને શબ્દ પાસેથી કામ લેવાની તેમની અનોખી કળા તેમને ક્યારેય ભૂલવા નહી દે.
સ્વ. શ્રી હરજીવન ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી. સ્વ. શ્રી એ સંગીત સાધના કરીને જે દિવ્યતા છલકાવી હતી તેણે ભક્તોના હર્દય ને ધર્મના અમૃતથી ભરી દીધું હતું. દેશી ઢાળ માં ગવાતા સ્તવનો લોકાકંઠમ ચિરંજીવ થઈ ગયા તેનું કારણ ગીતની સરળતા અને રજૂઆતની મધુરતામાં હતી અને આ કળા આપણા સો ના ગૌરવરૂપ સંગીતસમ્રાટ સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકની હાથવગી હતી. ઉત્કૃષ્ટ સંગીતકાર તરીકે તેઓ શ્રીનું અનેકવાર સન્માન કરેલુ. સ્વ. શ્રી આજે તો રહ્યા નથી પણ તેમણે જે મધુર ગાન કરેલું તે અનેકો ના હ્રદયમાં ગૂંજે છે અને તેમની નોધ ગુજરાત સમાચાર ની કોલ,મ્ આંખ છીપ અંતર મોતી કોલમ માં પણ આચાર્ય શ્રી વાત્સલ્યદીપસૂરિજી એ લઈને અપણને આપણા વડગામની ધરતીના પનોતા પુત્ર સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકનો સુપેરે પરીચય કરાવ્યો છે જે માટે આચાર્યશ્રીનો વંદન સહ આભાર.
WWW.VADGAM.COM સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકની ગૌરવપ્રદ સંગીતયાત્રાને યાદ કરી સંગીત જગતમાં વડગામ પંથકને ગૌરવ અપાવવા બદલ યાદ કરી તેઓશ્રીના ચરણકમળોમાં શ્રધાંજલી અર્પે છે.
- નિતિન એલ.પટેલ (વડગામ)
www.vadgam.com
નોંધ :- સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકના ગાયેલા ગીતો ના કોઇ વાંચક પાસે ઓડીયો / વીડીયો ફાઈલ હોય તો Email : myvadgam@gmail.com ઉપર મોકલી આપવા વિનંતી છે.
વડગામ નગરના ભોજક શ્રી મુલચંદ ભાઈ કે જેઓએ “જય જય આરતી આદિ જિનંદા” જૈન આરતીની રચના કરી હતી. જે આજે વિશ્વમાં કોઈપણ જિનાલય માં આરતી સમયે ફરજિયાત ગાવામાં આવે છે. તેઓના વિશેનો ઇતિહાસ પ્રગટ કરીને જૈન સમાજમાં તેઓની કૃતાર્થ ભાવનાના દર્શન કરાવશો. ધન્યવાદ.
જય જય આરતી આદિ જિણંદા, નાભીરાયા મરુદેવી કો નંદા..
????જિન મંદિરમાં રોજ સંધ્યા સમયે જે પાવન આરતી ગવાય છે તેની સત્યકથા।
✍️આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજી
વસંતઋતુ હોય, આસોપાલવનું વૃક્ષ હોય, પ્રાત:કાળની વેળા હોય અને કોયલનો ટહૂકો ઉમેરાય ત્યારે સવાર કેવી સરસ બની જાય !
ભગવાનનો દરબાર હોય, ભક્તનું હૃદય હોય, વૃક્ષ પરથી પર્ણનો મર્મર ધ્વની ગૂંજતો હોય અને પૂજારીના હોઠમાંથી ભક્તિનો સૂર રેલાય તો એ દૃશ્ય કેવું પાવન હોય !
કેસરિયાજી તીર્થમાં એ સાંજે એવી જ એક પાવન ઘટના બની.
કેસરિયાજી તીર્થમાં લાખો ભક્તો પ્રતિવર્ષ આવે અને પ્રભુના દર્શન કરીને જીવન ધન્ય બનાવે. કેસરિયાજી તીર્થમાં બિરાજતા શ્રી આદિનાથ ભગવાન એટલે વિશ્વના લાખો જૈનોનું શ્રદ્ધા સ્થાન. યુગોથી પૂજાતી પ્રતિમાની પૂજા કરીને કેટલાય આત્માઓ સંસાર તર્યા હશે એ કેસરિયાજી તીર્થમાં એક પૂજારી ભગવાનની વર્ષોથી પૂજા કરે.
સવારથી સાંજ સુધીમાં અગણિત યાત્રિકો ત્યાં આવે, ભગવાનને પૂજે અને ભજે. એ સૌ યાત્રિકો કેટલાંય વર્ષોથી આ પૂજારીને જોયાં કરે. એ પૂજારી આજે તો વાર્ધક્યને આરે પહોંચ્યા પણ બાળવયથી અહીં પૂજારી તરીકે આવ્યા અને પૂરું જીવન ભક્તિમાં વીતી ગયું.
મૂળ એ વડનગરના
મૂળચંદદાસ એમનું નામ.
સૌ એમને મૂળચંદ કહે, લગ્ન થયા બે દિકરીઓ થઈ, સૌ વડનગર રહે, મૂળચંદ અવારનવાર ત્યાં જાય પણ પાછા જલદી કેસરિયાજી આવી જાય એમને થાય કે જન્મોજન્મથી મારું વતન કેસરિયાજી તીરથ જ છે. એ કેસરિયાજી આવી જાય ત્યારે એમને શાંતિ થાય.
સવારથી સાંજ સુધી ભગવાનની પૂજા, પ્રક્ષાલ, આરતી, મંગળદીવો વગેરે કાર્યો હેતથી કરે. એ તમામ કાર્યોમાં પૂજારીનું દિલ રેડાય. જે જુએ તે પણ સમજે કે પૂજારી ભગવાનની ભક્તિ ખરા દિલથી કરે છે. યાત્રિકોને પણ તેમાંથી પ્રેરણા મળે.
મૂળચંદ સવારના ઉઠે ત્યારે ભગવાનની ભક્તિમાં લયલીન હોય એ ચોતરફ દોડાદોડી કરીને સુંદર પુષ્પો ચૂંટી લાવે. સુગંધિત પુષ્પોથી ભગવાનની આંગી કરે અને પછી સામે ચામર લઈને નાચે. લોકો કહે કે, મૂળચંદનું એ નૃત્ય જોવા દેવતાઓ આવતા હશે પણ મૂળચંદ કહેકે, કોઈઆવે કે ન આવે પણ મારી ભક્તિ મારા ભગવાન જુએ એટલે ઘણું !
એ મૂળચંદની હવે અવસ્થા થવા આવી હતી.
દિકરીઓ વારંવાર આવીને કહેતી કે બાપા હવે વડનગર ચાલો, હવે તમારી ઉંમર થઈ, તમારાથી એકલા ન રહેવાય. મૂળચંદ એ વાત ટાળ્યા કરે કેસરિયાજી તીર્થ છોડીને જવાનો જીવ ન ચાલે. મનમાં થાય કે મારાથી ભગવાન વિના કેમ જીવાય !!
કિંતુ એક દિવસ એવો આવ્યો કે, દિકરીઓની હઠ સામે મૂળચંદનું ન ચાલ્યું દિકરીઓએ કહ્યું કે હવે તો વડનગર ચાલો જ, મૂળચંદને થયું કે હવે તો જવું પડશે.
મન માનતું નહોતું. દિલમાં અપાર પીડા થતી હતી. ત્રણ જગતના નાથનો આ દરબાર એ તો પોતાનું જીવન હતું એ છોડીને જવું કેટલું વસમું લાગતું હતું. તે તો માત્ર મૂળચંદ જ જાણે….
મૂળચંદ સવારના ભગવાનના દરબારમાં ભગવાનની સામે હાથ આંખમાંથી આંસુની ધાર વહી ભગવાનની સામે હાથ જોડીને કહ્યું,..
ભગવાન સમજણો થયો ત્યારે આપના ચરણોમાં આવેલો. આજે હવે અવસ્થાને કારણે જવું જ પડશે. મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો.
મૂળચંદે દેરાસરમાંથી પાછા પગે બહાર નીકળવાની શરૂઆત કરી અને એ બેભાન થઈને ઢળી પડયો…
નજીકમાં ઉભેલી મૂળચંદની બંને દિકરીઓ અને બીજા પૂજારીઓ ધ્રુજી ગયા. સૌએ મૂળચંદને પવન વિંઝવા માંડયો…
થોડી પળો પછી મૂળચંદને ભાન આવ્યું એ જોરથી રડવા માંડયો. એ જ સ્થિતિમાં એના મુખમાંથી એક ગીત સરી પડયું…
જય જય આરતી આદિ જિણંદા;નાભીરાયા મરુદેવી કો નંદા. જય૦ ૧
પહેલી આરતી પૂજા કીજે; નરભવ પામીને લ્હાવો લીજે. જય૦ ૨
દૂસરી આરતી દીનદયાળા; ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય૦ ૩
તીસરી આરતી ત્રિભુવન દેવા; સુર નર ઇંદ્ર કરે તારી સેવા. જય૦ ૪
ચોથી આરતી ચઉગતિ ચૂરે; મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય૦ ૫
પંચમી આરતી પુણ્ય ઉપાયા; મૂલચંદે રિષભ ગુણ ગાયા જય૦ ૬
એક પવિત્ર પળે બોલાયેલું એ ગીત આજે તો સમગ્ર વિશ્વના જૈનો પ્રત્યેક જિનમંદિરમાં આરતીરૂપે ગાય છે અને મૂળચંદને યાદ કરે છે….
પૂજારી મૂળચંદદાસનો જન્મ અને અવસાન વિષે કોઈ ઉલ્લેખ મળતો નથી. તે વડનગરના હતા અને વડનગરમાં અવસાન પામ્યા તેટલું જાણવા મળે છે. તે કવિ પણ નહોતા પણ કેસરિયાજી તીર્થમાં જીવનભર રહીને જે પ્રભુભક્તિ કરેલી તે ગીત સ્વરૂપે સ્ફૂટ થઈ અને આરતીરૂપે અમર થઈ ગઈ. હૃદયમાંથી નીકળે તે સમયની પેલે પાર પહોંચી જાય છે…
સાભાર:- ગુજરાત સમાચાર