સંઘર્ષની વચ્ચે : કુમારપાળ દેસાઈ
પ્રકરણ – ૮
વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. “સંઘર્ષની વચ્ચે” એ પુસ્તકનું આઠમું પ્રકરણ છે.આ અગાઉ સાત પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.- તંત્રી : www.vadgam.com]
ઇ.સ. ૧૯૫૯ની ૩૦મી જૂને ઉત્તમભાઈએ ‘ટ્રિનિપાયરીન’ ટેબ્લેટનું ઉત્પાદન કરીને તેને વેચાણ માટે બજારમાં મૂકી. લાંબા સમયના અભ્યાસ અને અનુભવેને અંતે એમનો આ પ્રયાસ એમની કીર્તી વધારનારો બન્યો. એક અર્થમાં કહીએ તો દવા ઉદ્યોગના ક્ષેત્રે આ એમનું પહેલું ‘ટ્રમ્પ કાર્ડ’ હતું. આ દવાના વેચાણ માટે ઉત્તમભાઈએ રાત-દિવસ તનતોડ મહેનત કરીને પ્રયત્નો કરવામાં લેશ માત્ર કચાશ રાખી નહીં. બી.એસ.સી થયેલા આ સાયન્સ ગ્રેજ્યુએટ પેન્ટ, શર્ટ અને ટાઈ લગાવીને બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ધૂળિયાં ગામો ખૂંદવા લાગ્યા.
વહેલી સવારે ત્રણ વાગે ઊઠે. બે મોટી-મોટી બેગમાં મણ – દોઢ મણ વજન લઈને નાસ્તાના ટિફિન સાથે છાપીથી વહેલી સવારે ચાર વાગે ટ્રેનમાં નીકળી જાય. એટલે સાડા છ વાગે મહેસાણા પહોંચી જાય. મહેસાણા એ દૂર-દૂરનાં ગામડાંઓમાં જતી બસોનું વડું મથક. તેથી અહીં આવીને દૂર-દૂરના ગામડાઓમાં જવાની બસ મેળવવી પડે. એ ગામડામાંથી સાંજે પાછા ફરવાની બસ મળે તો એ બસ દ્વારા છેક મોડી રાત્રે ને ક્યારેક મધરાત પછી પાછા આવે. મોટેભાગે બસના અભાવે આ દૂરના ગામોમાંથી એ દિવસે સાંજે પાછા ફરવું શક્ય બનતું નહીં, પરિણામે નાના ગામડામાં રાત રોકાઈ જવું પડતું હતું.
ડીસા અને એની આસપાસનાં ગામોમાં જાય, ત્યારે તો ઉત્તમભાઈ બે-ત્રણ દિવસ પછી પાછા ફરતા હતા. એમણે ઉત્પાદિત કરેલી દવામાં સારો એવો નફો હોવાથી થોડુંક વેચાણ થાય, તો પણ ઉત્તમભાઈને પારાવાર આનંદ થતો અને પોતાનો લાંબો પ્રવાસ અને જહેમત સાર્થક લાગતાં હતાં. પ્રારંભના આ તબક્કામાં એમને બનાસકાંઠાના ડૉક્ટરોએ હૂંફાળો સાથ આપ્યો.
એક તો ઉત્તમભાઈની રીતભાત એવી કે ડૉક્ટર એમનું સૌજન્ય જોઈને ખુશ થઈ જાય. બીજું એ કે ઉત્તમભાઈ બનાસકાંઠાના વતની હોવાથી ડૉક્ટરોનો પણ એમના પ્રત્યે સ્વાભાવિક પક્ષપાત હતો. વીસનગરના મોતીભાઈ ચૌધરી સાથે ઉત્તમભાઈને છેક ’૬૦-૬૧થી પરિચય હતો. ડૉ. મોતીભાઈ ચૌધરીને મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે ઉત્તમભાઈ મળવા જતા હતા, માત્ર દોઢેક વર્ષમાં તો એમની સાથે આત્મીય સબંધ બંધાઈ ગયો. ડૉ. મોતીભાઈ ચૌધરી પણ એવા સૌજન્યશીલ વ્યક્તિ કે કોઈ પણ એમ.આર આવે તો એને આદર આપે. અવગણનાની તો વાત જ નહીં. વળી એને ચા પીવડાવ્યા વિના તો જવા જ ન દે. છેક ૧૯૬૦થી ૧૯૭૫ સુધી દવાના વેચાણ માટે ઉત્તમભાઈ ડૉ. મોતીભાઈ ચૌધરીને મળવા આવતા હતા.
પાલનપુરના ડૉ. રાજેન્દ્ર શાહના પિતાશ્રી ડૉ. રમણભાઈ શાહ સાથે ઉત્તમભાઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ફર્સ્ટ ઇયર સાયન્સમાં હતા ત્યારથી પરિચય હતો. ઉત્તમભાઈ સેન્ડોઝ કંપનીમાં કામગીરી બજાવતા હતા ત્યારે એમણે ડૉ. રમણભાઈ શાહને એકવાર કહ્યું હતું કે આ કંપનીની કાર્યશૈલી એમને બહુ પસંદ નથી. એ પછી ટ્રિનિટી કંપનીના નામે દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું, ત્યારે તો ઉત્તમભાઈ સાઈકલ પર બેસીને રમણભાઈને મળવા આવતા હતા. રમણભાઈ દર્દીઓને તપાસતા હોય તો થોડો સમય શાંતિથી બહાર બેસતા હતા. બીજા એમ.આર. ની માફક એ સહેજે અકળાય નહીં. આંટા મારે નહીં કે ઉતાવળ કરે નહીં. ઉત્તમભાઈને ખ્યાલ કે એમના મિત્રને બગીચાનો ભારે શોખ છે, તેથી એ રમણભાઈ માટે છોડના કૂંડાઓ ઉપાડીને લાવતા હતા. એ સમયે ડૉ. રમણભાઈને ત્યાં દર્દીઓની ભારે ભીડ જામતી હતી. એમની પ્રેક્ટિસ ખૂબ ચાલતી હતી, પણ ક્યારેય ઉત્તમભાઈ તેઓ પોતાની પ્રોડક્ટ લખે તેઓ આગ્રહ રાખે નહીં. અંગત સબંધ તો એટલો થયો કે ઉત્તમભાઈ આવે ત્યારે એમને પોતાને ત્યાં ભોજન કરાવ્યા વિના નીકળવા દે નહીં.
એ સમયની ઉત્તમભાઈની સખત અને અવિરત મહેનતનું સ્મરણ ડૉ. કે.એચ.મહેતાને આજેય એટલું જ તાજું અને તાદ્દશ્ય છે. ૧૯૫૯માં ડૉ. કે.એચ મહેતા પાલનપુરથી એકસો કોલોમીટર દૂર આવેલા બાપલા ગામમાં સારકારી ડૉક્ટર તરીકે કામ કરતા હતા. ઉત્તમભાઈ એમને મળવા આવતા. આ માટે તેઓ પહેલાં તો છાપીથી પાલનપુર આવતા હતા; પછી પાલનપુરથી બસ મારફતે ડીસા જાય. ડીસાથી વળી બસ મેળવીને ખીમત ગામમાં ઉતરે. આ ખીમત ગામથી બાપલા જવા માટે એ સમયે કોઈ વાહન નહોતું. બાપલા ગામ જવા માટે ઊંટ પર બેસીને પહોંચવું પડતું. ઉત્તમભાઈ ખીમતથી બાપલાનું ચૌદ કિલોમીટરનું અંતર ઊંટ પર સવારી કરીને પસાર કરતા હતા.
આહીં આવી તેઓ ડૉ. કે. એચ. મહેતાને પોતાની પ્રોડક્ટની વાત કરતા અને સાથે થોડો ઓર્ડર પણ લઈ જતા. એમની શરૂઆતની દવા ટ્રિનિપાયરીન હતી. એની એક હજાર ગોળીની કિંમત છેંતાલીસ રૂપિયા હતી. ડૉ. કે.એચ.મહેતા એમને એક હજાર ગોળીનો ઓર્ડર આપતા હતા. જો એ વખતે રક્મ ન હોય તો એ રકમ એકાદ-મહિને મળતી. આ છેંતાલીસ રૂપિયાનું ઉત્તમભાઈને મન ઘણું મૂલ્ય હતું અને તેથી સહેજે થાક્યા કે કંટાળ્યા વિના તેઓ એમના ધંધાનો પરિશ્રમપૂર્વક વિકાસ સાધતા રહ્યા.
ડૉ. કે.એચ.મહેતા પાસે બાપલા આવે ત્યારે એમને રાત્રે રોકાણ કરવું પડતું. એ પછી બીજે દિવસે સવારે બાપલાથી નીકળીને પાલનપુર તરફ જતા. છેક બનસકાંઠાના વાવની સરહદ સુધી નાનાં ગામોમાં જઈને પણ ઓર્ડર લાવતા હતા.
એ સમયના ઉત્તમભાઈમાં ત્રણ વિશેષતા ડૉ. ખૂબચંદભાઈ મહેતાને નજરે પડી. સખત પરિશ્રમ, મક્કમ સંકલ્પબળ અને પ્રામાણિકતા. ઉત્તમભાઈ પરિશ્રમથી આગળ વધ્યા. મક્કમ સંકલ્પબળે એમને ટકાવી રાખ્યા અને પ્રામાણિક્તાએ એમને પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા અપાવી.
ઉત્તમભાઈ કહેતા પણ ખરા કે બીજાઓ જો સારી રીતે અને સફળતાથી ધંધો કરી શકે છે, તો એટલી સૂઝ અને અભ્યાસ પછી હું કેમ ન કરી શકું ? આ સમયે બીજા એક ડૉક્ટરને મળવા માટે સિધ્ધપુરથી કાકોશી બસમાં જતા. આ પરિસ્થિતિમાં આર્થિક પરિસ્થિતિને કારણે ઉત્તમભાઈને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.
પોતાના વ્યવસાયમાં વિકાસ હાંસલ કરવાની ઉત્તમભાઈમાં અદમ્ય ધગશ જોવા મળતી. પાટણના ડૉ. વી.ડી.રાવળ ૧૯૬૨ના માર્ચથી પાટણમાં પ્રેક્ટિસ કરતા હતા. પાટણ આવ્યા પછી માત્ર છ મહિના બાદ જ એમને યુ.એન.મહેતાની મુલાકાત થઈ. ડૉ.રાવળનું કન્સલ્ટિંગ રૂમ મોડી રાત સુધી ચાલતું અને છેક રાતના સાડા અગિયાર-બાર સુધી તેઓ કામ કરતા હતા. એ પછી તેઓ ઉત્તમભાઈને મળતા હતા. ઉત્તમભાઈ આટલો લાંબો વખત ધીરજથી બેઠા હોય. ડૉક્ટરનું દર્દીઓ તપાસવાનું પૂર્ણ થાય એટલે તેઓ ઉત્તમભાઈને ઓફિસમાં બોલાવે . આટલું બધું મોડું થયું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ બીજા એમ.આર. અકળાઈ જાય. ક્યારેક કોઈના ચહરા પર આવી અકળામણ ઉપસી આવતી હતી. પરંતુ ઉત્તમભાઈ જયારે બોલાવે ત્યારે તેઓ પોતાના લાક્ષણિક સ્મિત સાથે અંદર પ્રવેશતા અને મીઠાશથી કહેતા કે, “ડૉક્ટર, હું તમારી ફક્ત બે જ મિનિટ લઈશ.”
ઉત્તમભાઈ એમના બોલાયેલા શબ્દોને ચુસ્તપણે વળગી રહેતા. કહે કંઈ ને કરે કંઈ તેવું નહીં. ધીરે ધીરે ડૉ. વી. ડી. રાવળ સાથે આત્મીયતા બંધાઈ ગઈ. આથી છાપીમાં ‘ટ્રિનિટિ’ લેબોરેટરી ચલાવતા ઉત્તમભાઈને મજાકમાં ડૉ.રાવળ એમ કહેતા કે તમારી ‘ફેક્ટરી’ એટલે ‘થ્રી પ્રોડક્ટ એન્ડ વન મેન’. ટ્રિનિહેમીન, ટ્રિનિબિયોન અને ટ્રિનિકામ – એ એમની ત્રણ પ્રોડક્ટ હતી, એના પ્રચાર માટે તેઓ એકલા પંડે જ મહેનત કરતા હતા. એકલવીર યોદ્વાની માફક સ્વબળે પુરુષાર્થ ખેડતા હતા.
તેઓ જ્યારે ડૉ. વી. ડી. રાવળને સેમ્પલ આપતા ત્યારે સામાન્ય રીતે એમ.આર. દસ ગોળીનું સેમ્પલ આપે, બહુ બહુ તો એક સો ગોળીનું સેમ્પલ આપતા હોય; પરંતુ ઉત્તમભાઈ એમને એક હજાર ગોળીનું સેમ્પલ આપતા હતા. આ જોઈને ડૉ.રાવળને અત્યંત આશ્વર્ય થતું. એ વિચારતા પણ ખરા કે આટલી બધી ગોળીનું સેમ્પલ કેમ આપતા હશે ? આટલી બધી ગોળીઓ આપે એટલે ડૉ.રાવળના દવાના સ્ટોરમાં પણ એમનો માલ દર્દીને ઉપલબ્ધ રહેતો. આ સમયે ઉત્તમભાઈ વજનદાર બેગ ઊંચકીને બધે ફરતા હતા. ડૉ. રાવળ ક્યારેક એમ કહે કે તમે ઘણી મહેનત કરો છો, ત્યારે ઉત્તમભાઈ એમ કહેતા કે માણસ કામ કરે તો જ ઊંચો આવે છે.
આજે ઉત્તમભાઈની એ વાતનું સ્મરણ કરતાં ગદ્દગદિત બનીને ડૉ. રાવળ કહે છે કે ઉત્તમભાઈની જિંદગી એ પરિશ્રમગાથા જેવી હતી. એમણે શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું.
ઉત્તમભાઈના ધૈર્યની વાત તો પાલનપુરના ડૉ.જીવણલાલ શાહ પાસેથી જાણવા મળે. તેઓ કહે કે બીજા એમ.આર. “પહેલા મને બોલાવો, પછી બીજાને બોલાવજો” એમ આગ્રહપૂર્વક કહેતા હોય. જ્યારે એમ.આર. તરીકે ઉત્તમભાઈ ધીરજથી બેસતા અને ડૉ. જીવણલાલ શાહને કહેતા કે “પહેલા બીજા બધાનું પતાવો પછી મારું વિચારજો.” આથી જરૂર પડે બે કલાક રાહ જોઈને બેસી રહેતા. ક્યારેક તો રાત્રે સાડા અગિયાર જેવો સમય થઈ જતો. ખૂબ ધીમેથી પણ વિગતવાર રીતે પોતાની દવાની વિશેષતાની વાત કરતા હતા. પછી એમને સેમ્પલ આપતા. કોઈ ડૉક્ટર એમની દવા લખતા નહીં તો પણ એમને મળવા જતા હતા. એક વાર નહી, પણ ચાર-પાંચ વાર મળવા જાય.
ઉત્તમભાઈના આ સંઘર્ષકાળના જીવનમાં મેથાણના ડૉ. એમ.આર.શર્મા આગવું સ્થાન ધરાવે છે. ડૉ. શર્માએ એમને આપેલો ઉમળકાભર્યો આવકાર અને સારો એવો ઓર્ડર ઉત્તમભાઈને જીવનભર યાદ રહ્યા હતા. ડૉ.શર્મા એમના ઉત્તમભાઈ સાથેના સબંધને કૃષ્ણ-સુદામાની દોસ્તી તરીકે ઓળખાવતા હતા, તેઓ હસતા હસતા કહેતા કે “અમે સુદામા રહ્યા અને એ દ્વારકાનાથ થઈ ગયા હતા.” જોકે આમ બોલ્યા બાદ એમ પણ કહેતા કે “તેઓ જીવનભર આ સુદામાને સહેજે ભૂલ્યા નહોતા.”
એ સમયે છાપી ગામથી મેથાણ ગામ પહોંચવા માટે ચાર ગાઉ ચાલવું પડતું હતું. ઉત્તમભાઈની બેગમાં દવા, ઇંજેક્શન વગેરેનું સાતેક કિલો વજન હોય. પેન્ટ, શર્ટ અને બૂટ પહેરીને આટલા વજન સાથે તેઓ મેથાણ પહોંચે ત્યારે બાર વાગ્યા હોય એટલે ડૉ.ભોજન માટે નિમંત્રણ આપીને એમની સાથે ધેર લઈ જતા. બીજા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ ખૂબ વાચાળ હોય. જોકે ઉત્તમભાઈ બહુ ઓછું બોલતા હતા. શાંતિથી પોતાની વાત રજૂ કરે. પહેલી વાર ઉત્તમભાઈ એમને મળ્યા ત્યારે એક્સો રૂપિયાના ઓર્ડરની ધારણા રાખી હતી, પરંતુ શર્માએ એક હજાર રૂપિયાનો ઓર્ડર આપતાં પોતાનો આ પહોલો પ્રયાસ જવલંત સફળતાભર્યો લાગ્યો હતો.
ક્યારેક ડૉ. શર્મા એમને પરસેવાથી રેબઝેબ થયેલા આવતાં જુએ એટલે કહેતા કે તમે એમ.આર. નથી, પરંતુ કંપનીના માલિક છો. તમારે કોઈ માણસ રાખવો જોઈએ. આમ બે-ત્રણ વર્ષ સુધી ઉત્તમભાઈ મેથાણ ગયા અને ડૉ.શર્માનું આતિથ્ય અને ઓર્ડર બનેંનો સહિયારો આનંદ પામ્યા. ડૉ. શર્માને ત્યાં પહેલીવાર ગયા, ત્યારે એમને પિત્તળની થાળીમાં ભોજન પીરસ્યું હતું. ઉત્તમભાઈને આ પસંદ પડ્યું નહીં. તેથી તેઓ ફરી વાર ડૉ.શર્માને મળવા આવ્યા ત્યારે એમના ઘરને માટે સ્ટીલની થાળી, વાટકી અને ગ્લાસના છ સેટ લેતા આવ્યા હતા. ઉત્તમભાઈ કોઈ પણ વ્યક્તિ સાથે માત્ર વ્યહવારનો સબંધ રાખતા નહીં, કિંતુ એમની આત્મીયતાથી એની સાથેનો સબંધ સ્નેહબંધન બની જતો ! બુધ્ધિથી બંધાયેલો સબંધ હર્દયનો બની રહેતો.
આ સમયગાળામાં બનેલી બનાસકાંઠા મેડિકલ ઓફિસર્સ એસોસિએશનની મિટિંગની ઘટના નોંધપાત્ર છે. ઉત્તમભાઈએ વિચાર્યુ કે સરકારી મેડિકલ ઓફિસર્સની મિટિંગમાં જઈએ તો ઘણા સંપર્ક થાય. બનાસકાંઠાની આ મિટિંગમાં એમને પ્રવેશ મળવો અશક્ય હતો. કારણ એ હતું કે બનાસકાંઠાના ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (ડી.એચ.ઓ) સ્વભાવના ઘણા કડક હતા. ઉત્તમભાઈએ ડૉ. કે.એચ.મહેતાને કહ્યું કે, “એમાં શું ? આપણે એમને નમ્ર બનાવી દઈશું. માત્ર જરા એમની મુલાકાત ગોઠવી આપો.”
સમય લઈને ડૉ. કે.એચ.મહેતા ઉત્તમભાઈને લઈને ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને મળવા ગયા. ઉત્તમભાઈના અભિજાત સૌજન્યએ એમનું હર્દય જીતી લીધું. ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર એમને છેક ઝાંપા સુધી મુકવા આવ્યા અને વિશેષમાં કહ્યું કે આજે સાંજે બનાસકાંઠા મેડિકલ ઓફિસર્સ એસોસિએશનની એક મિટિંગ છે. અનુકૂળતા હોય તો જરૂર પધારજો. તમે આ વિસ્તારના છો. તમને તમારા વિસ્તારના મેડિકલ અધિકારીઓ સાથે મળીને આનંદ આવશે. ઉત્તમભાઈ મિટિંગમાં ગયા અને બધા મિડિકલ અધિકારીઓને આનંદભેર મળ્યા. સમય જતાં કડક સ્વભાવના ડી.એચ.ઓ ઉત્તમભાઈના મિત્ર બની ગયા.
આમ છાપીના આ વસવાટ દરમિયાન ઉત્તમભાઈના જીવનમાં અપાર મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ કોઈ દ્રઢ મનોબળ ઉત્તમભાઈને ટકાવી રાખતું હતું. ડૉ. એમ.ડી.ચૌધરીના કહેવા પ્રમાણે ઉત્તમભાઈ એમની વરંવાર મળવા આવતા, પરંતુ એમના ચહેરા પર એમને ક્યારેય કોઈ નિરાશા દેખાતી નહીં. ‘મારે આમ કરવું છે’ એમ કહેતા ત્યારે એમની વાતમાં અભાવ કે અસંતોષ નહીં, બલ્કે સંકલ્પબળ પ્રગટ થતું હતું. ભાવનગરના ડૉ. વાડીભાઈ શાહને તો એ વખતથી જ એમ લાગતું કે ઉત્તમભાઈ બીજા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ જેવા નથી. એમની આગવી વિશેષતાઓને કારણે એ સમય જતાં જરૂર આગળ વધશે. અત્યારે ભલે એમનું ક્ષેત્ર નાનું અને મર્યાદિત હોય, પરંતુ ભવિષ્યમાં જરૂર ‘માસ્ટર’ બનશે. આવી જ રીતે ડૉ. ઉમાકાંત પંડ્યાને એમની સચ્ચાઈ અને પ્રમાણિક્તા પસંદ પડી. આ વ્યવસાયની એક રીત મુજબ બીજા લોકો ‘ગિવ એન્ડ ટેઇક’ ની વાત કરતા હતા. દવા વેચે તો વધુ ‘કટ’ આપવાની વાત થતી. ઉત્તમભાઈ ક્યારેય આવી પ્રલોભનયુક્ત વાત કરતા નહીં.
એ સમયે ડૉ.એમ.સી.શાહ તો ઇંટરર્નશીપ કરતા હતા. સામાન્ય રીત એમ.આર. હોય તો, ઇંટરર્નશીપ કરનારા ડૉક્ટરને મળતા નહીં. સામે મળી જાય તો પણ ટાળે. જ્યાર ઉત્તમભાઈ પાલનપુર આવે ત્યારે એમને ખાસ યાદ કરીને મળવા જાય. એ પછી ડૉ.એમ.સી.શાહ પાલનપુરના સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ થયા ત્યાર એમનો મળવાનો તંતુ ચાલુ રહ્યો. જ્યારે પાલનપુરના ડૉ.એચ.બી.મહેતા એમની આત્મીયતાપૂર્ણ વાત કરવાની છટાથી પહેલી મુલાકાતે જ અભિભૂત થઈ ગયા હતા. બીજા એમ.આર. આગ્રહ કરે, દબાણ કરે, કોઈ ‘સ્કીમ’ લાવે, જ્યારે ઉત્તમભાઈ તો એવું કશુ કરવાને બદલે શાંતિથી પોતાની ‘પ્રોડક્ટ’ ની વાત કરીને ઊભા થઈને રજા માગતા હતા. ડૉક્ટરનો સમય બિનજરૂરી રીતે ન બગડે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખતા હતા.
આજે આ બધા બનાવોને દાયકાઓ વીતી ગયા છે. આમ છતાં બધા જ ડૉક્ટરોના ચિત્તમાં ઉત્તમભાઈની આવડતનું સ્મરણ લીલુંછમ છે. એ પછી ઉત્તમભાઈના જીવનમાં પ્રગતિના પથ પર ચાલ્યા, વિકાસની હરણફાળ ભરી, વિશાળ સમૃધ્ધિ મેળવી, તો પણ પોતાનો હાથ પકડનાર એ મિત્રોને કદીયે ભૂલ્યા નહોતા. ડૉ. શર્મા કહે છે કે એમની ઓફિસમાં જઈએ અને આવ્યાની જાણ કરીએ કે તરત જ સામે ચાલીને સ્નેહથી બોલાવી જાય.
ડૉ. જીવણભાઈ શાહ હજી એમની ચીવટને યાદ કરે છે. કોઈ પ્રસંગ હોય અને એમને નિમંત્રણ આપ્યું હોય તો પ્રસંગે એ જરૂર આવે. જો નાદુરસ્ત તબિયતને કારણે આવી શકે નહીં, તો એમનો જવાબ તો જરૂરથી મળે. ડૉ. હીરાભાઈ મહેતા અમદાવાદમાં પોતાની પુત્રીના લગ્નપ્રસંગમાં ઉત્તમભાઈએ કરેલી સહાયને સાદર સ્મરે છે. ઉત્તમભાઈ પોતાના પુત્રોના લગ્નપ્રસંગમાં અથવા તો કોઈ ઉજવણીના પ્રસંગમાં પોતાના આ પુરાણા મિત્રોને યાદ કરી-કરીને નિમંત્રણ પાઠવે, એટલું જ નહી પણ આવવા માટેનો આગ્રહ પણ કરે. જીવનના અંધારિયા, હતાશાભર્યા દિવસોમાં સાથ અને સથવારો આપનાર અને આર્થિક સધિયારો આપનારને કઈ રીતે ભૂલી શકાય ? આ સંઘર્ષકાળમાં પણ ઉત્તમભાઈનું વ્યક્તિત્વ પ્રગટતું રહ્યું. મેશ્કેલીઓ અને મૂંઝવણો સામે હોય અને વ્યક્તિ પોતાના સિધ્ધાંતો પર ટકી રહે, તે જ ખરો માનવી. વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈનનું એ વાક્ય ઉત્તમભાઈના મનમાં સતત ઘોળાતું હતું –
‘In the middle of every difficulty lies opportunity.”
પોતાની મુશ્કેલીઓને અવરોધરૂપ ગણવાને બદલે એમાં ભવિષ્યની ઊજળી શક્યતાઓ અને તકોનો સંકેત જોતા હતા.
- આ વેબસાઈટ ઉપર લખાયેકા ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો.
****
તમે તમારા બાળક માટે શું કર્યુ તે નહિ, પણ એમને એમની જાત માટે શું કરતાં શીખવાડ્યું- એ એમને વધુ બહેતર અને સફળ ઇન્સાન બનાવશે.
– એન લેન્ડર્સ