૨૧મી સદીનું આદર્શ ગામ કેવું હોવું જોઈએ?
ભારત એટલે ગામડાઓનો દેશ.મહાત્મા ગાંધીજીએ આથી જ કહ્યું હતું : “ તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંઓમાં જવું જોઈએ.” દેશની એક અબજની વસ્તીમાંથી ૭૪% વસ્તી આજે ગામડાઓમાં વસે છે.પરંતુ આઝાદીના ૬૦ વર્ષ પછી આપણા આ ગામડાઓ જીવનજરૂરી આવશ્યક સુવિધાઓથી વંચિત છે !
દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતો ત્યારે આપણાં ગામડાં ગરીબ અને બિચારા ગણાતા હતાં.આજે આઝાદી પછી પણ આપણું ગામડું ગરીબ અને બિચારું જ રહ્યું છે. આમ કેમ ? ગામડાંમાં આજે પીવાનું પર્યાપ્ત પાણી નથી,પણ મિનરલ વોટરની બોટલોનું હાઈ-વે પરની દુકાનોમાં વેચાણ થતું હોય છે.
ગાંધીજી કહેતા હતા કે,ગામડા કાચા માલનું ઉત્પાદન કરે છે,જ્યારે શહેરો કાચા માલને પાકા માલમાં રૂપાંતર કરવાની કાર્યવાહી કરે છે.પરંતુ નફાનો મોટો ગાળો શહેરી વિસ્તારને મળે છે.જ્યારે ગામડાને ભાગે મજૂરી ખર્ચ પણ છૂટતો નથી.ટૂંકમાં આર્થિક વ્યવસ્થા અને હાલની બજાર યંત્રણાને કારણે જ ગામડાની આ હાલત છે.
ગાંધીજીએ કહેલું : “ ભારતના ગામડાંઓનો સર્વાંગી વિકાસ સધાશે તો જ દેશ સમૃદ્ધ બનશે અને એ જ સાચુ ગ્રામસ્વરાજ.” પરંતુ આજે ૨૧મી સદીના આરંભે પણ આપણા દેશના ગામડાની હાલત દયનીય છે.ગામડા અંગે શહેરીજનોમાં અનેક ભ્રમો ઘર ઘાલી બેઠા છે.આ જ શહેરોનાં દૂષણો,વ્યસનો અને ઋણના ભારે બોજા ગામડાંને ભાંગી રહ્યા છે.
દેશના ગામડાના ઉદ્ધાર માટે,અનેક યોજનાઓ બની છે અને બનતી રહે છે પરંતુ આ યોજનાઓનો લાભ ગામડાંને કેટલા પ્રમાણમાં મળે છે એ આપણે સહુ જાણીયે છીયે.કોઈ પણ ગામડું હોય તેને પીવા માટે સ્વચ્છ પાણી,પાકી સડક અને વિજળીની સુવિધા જેવી જીવનજરૂરી આવશ્યક સુવિધાઓ મળવી જ જોઈએ.પરંતુ આજે દેશના સેકંડો ગામડા એવા છે જે પાયાની આ સુવિધાઓથી હજુયે વંચિત જ છે.[વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.]