વડગામમાં રેકોર્ડબ્રેક રક્તદાન – ૨૦૧૮

Blood Donation-Rajput Samaj-2018-1

છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની. નયે દૌર મે લિખેંગે મિલકર નઈ કહાની….

 

હિન્દી  ફિલ્મ ના ગીતની આ કડીઓને આજના સુશિક્ષિત યુવાનો સમાજ ઉપયોગી કાર્યો થકી સાર્થક કરી રહ્યા છે એ હરખની બાબત છે.સંગઠન બે પ્રકારના હોય એક સંગઠન એવું હોય જે સમાજને પતનના માર્ગે લઈ જાય જેમકે વ્યસનો, કુરિવાજો, અન્ય સમાજ પ્રત્યે નફરત, બિનજરૂરી આંદોલનો અને સંકુચિત વિચારો સાથે માંદા સમાજની રચના સાથે બંધિયાર પાણી જેવું રહી જાય. સાથે એક સંગઠન એવું હોય કે જે સકારાત્મક વિચારસરણી સાથે સમાજને ઉન્નતિ ના માર્ગે લઈ જાય જેમા શિક્ષણ, કુરિવાજો ની નાબૂદી, વ્યસનમુકતિ અને સમાજ સેવાની ભાવના સાથે તંદુરસ્ત સમાજ રચનાનુ નિર્માણ કરતું હોય.

સદ્દભાગ્યે સમાજના દરેક વર્ગ ના યુવાનો આજે સંગઠીત શક્તિનો  સદુપયોગ કરી રહ્યા છે તે સમાજ જીવનની ઉજ્જ્વળ આવતીકાલની નિશાની છે અને એનું આપણને સૌને અભિમાન હોવું જોઈએ એવું મારુ દ્રઢપણે માનવું છે.40 ડિગ્રી ઉપર ના મહત્તમ તાપમાન વચ્ચે એક જ સમાજના યુવાનો દ્વારા માત્ર ૭ કલાકની અંદર ૩, ૮૫, ૨૦૦ મી. લી. રક્ત દાન કરવું એ સમાજ સેવાની પરાકાષ્ઠા ની નિશાની છે. આ આંકડાઓને જો ઘ્યાનમાં રાખવામાં આવે તો ઉતર ગુજરાતમાં આ રક્તદાનનો રેકોર્ડ હશે જ કદાચ રાષ્ટ્રીય રેકોર્ડ પણ બની શકે.

તા. ૦૮.૦૪.૨૦૧૮ ને રવિવારના રોજ બાવનવાંટા રાજપૂત શક્તિ યુવા મંડળ દ્વારા તાલુકા મથક વડગામની ભૂમિ પર આયોજિત રકતદાન કેમ્પમાં 1284 બોટલ રક્ત એકત્ર કરી યુવાનોએ ઉત્સાહપૂર્વક સમાજનું રૂણ અદા કર્યું. અત્રે ઉલ્લેખનિય છે કે ઇ.સ. ૨૦૧૬માં બાવન વાંટા રાજપૂત સમાજના યુવાનો દ્વારા ૫૦૧ બોટલ રક્ત એકત્ર કરાયુ હતું તો ઇ.સ.૨૦૧૭માં ૧૦૨૧ બોટલ રક્ત એકત્ર થયુ હતું. એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં ક્ષત્રિય યુવાનો દ્વારા ૨૮૦૬ બોટલ રક્ત સમાજને ચરણે અર્પણ કરવામાં આવ્યુ છે જે રક્ત થકી આજસુધી કેટલાય અનામી લોકોનો જીવનમાં અજવાળું પથરાયું હશે.

રક્તદાન  પ્રસંગની સાથે સાથે પક્ષીઓને પીવાના પાણીના ૧૫૦૦ કુંડા તેમજ ૨૫૦ જેટલા પક્ષીઘરનું વિતરણ કરી સંગઠન દ્વારા જીવદયાનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો. વિશેષમાં પાલનપુર સ્થિત દેવડા હોસ્પિટલના ઓરથોપેડીક સર્જન ડૉ. અજયસિંહ દેવડા દ્વારા રકતદાતાઓને ૧૩૦૦ જેટલી દિવાલ ધડીયાળ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમાજ ઉપયોગી દ્રષ્ટાંતરૂપ કાર્ય થકી વડગામભૂમિને ગૌરંવિત કરવા બદલ બાવનવાંટા યુવા સંગઠન ના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, તમામ રકતદાતાઓ તેમજ આ પ્રેરણાદાયી કાર્ય માં સહયોગી તમામ આગેવાનો ને વડગામ. કોમ અભિનંદન પાઠવે છે.