વડગામના યુવાનોનું માનવીયસેવાનું પ્રેરણાદાયી કાર્ય.
कमर बांधे हुए चलने को यां सब यार बैठे है
बहुत आगे गए, बाकी जो है, तैयार बैठे है
સૈયદ ઇન્શા અલ્લાહ ખાન સાહેબની ઉપરોક્ત ઉક્તિ વડગામના નવયુવાનો માટે અત્રે લખી છે છેલ્લા અમુક વર્ષોથી જે દિશામાં વડગામ પંથકના નવયુવાનોએ પગલા માંડ્યા છે તે પંથકની ગરીમા ને ઉજાગર કરનારા છે.
સમાજ પ્રત્યે પોતાની પણ કોઈ જવાબદારી છે તેની સભાનતા, તેવી સમજ સ્વસ્થ સમાજના નિર્માણમાં પાયાની ઇંટનું કામ કરે છે અને આ સભાનતા અને સમજ વડગામ પંથકના યુવાનોમાં જોવા મળી રહી છે. શિક્ષણનો વ્યાપ વધે સાથે સાથે ધંધા-રોજગારમાં સહુ આગળ વધે તેવી દિશાના પ્રયત્નોના પરિણામો તાજેતરમાં જોવા મળી રહ્યા છે તો સાથે સાથે વિવિધ સમાજોના યુવાનો સમાજસેવા થકી એક આદર્શ સમાજ રચના તરફ આગળ વધી રહ્યા છે જે એક ગૌરવની બાબત છે.
તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ વિસ્તારના ગામોમાં જે કુદરતી આફત સર્જાઈ ત્યારે તાલુકા મથક વડગામ ગામના ચૌધરી યુવા પરિવારના યુવાનોએ કુદરતી આફતને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પ્રજાજ્નોને મદદરૂપ થવા કમર કસી. યુવાનોએ વડગામ ગામમાં ઘરે ઘરે ફરીને કપડા એક્ઠા કર્યા તો કોઈએ આટો, કરિયાણુ, પગરખાં અને જરૂરી માલ-સામાન મોટા પ્રમાણમાં એકઠો કરીને ૧૫ જેટલા યુવાનો સુઈગામના કોરોટી અને ભરડવા તરફ બે વાહન ભરીને પ્રયાણ કર્યુ કે જે ગામોમાં હજુ સુધી કોઈ સહાય સામગ્રી પહોંચી નહોતી કારણ માત્ર એટલુ જ કે વાવ આગળ જતા રસ્તા સારા ન હતા તેને લીધે તે ગામોમાં પહોંચવા માટે ખૂબ જ અગવડ પડે તેમ હતું તેવા સંજોગોમાં વતનથી દૂર અજાણી જગ્યાએ વડગામના યુવાનોએ રસ્તામાં ચાલીને તેમનુ રાહત સામગ્રી ભરેલું વાહન જાતે જ મહામહેનતે ગંતવ્ય સાથે જવા બહાર નીકાળ્યું. રસ્તા બંધ હોવાથી આ જગ્યાએ જવાનું કોઈ જોખમ નથી લેતું ત્યારે વડગામના યુવાનોએ મુશ્કેલીઓનો સામનો કરીને પણ પોતાનો માનવીય સેવાધર્મ નિભાવી પ્રેરણાદાયી કાર્ય કરીને ધાણધાર ધરાનું નામ ઉજ્જ્વળ કર્યુ. આ માનવિય કાર્યમાં સામેલ થયેલ સર્વે વડગામ ચોધરી યુવા પરિવારના યુવાનો તેમજ જે પણ લોકોએ તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સેવાકાર્યમાં મદદ કરી છે આ ઉપરાત જે પણ વડગામવાસીઓએ વ્યક્તિગત રીતે આફતગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડી છે તે તમામ સેવાભાવી લોકોનો www.vadgam.com આભાર માને છે અને અભિનંદન પાઠવે છે.