ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ વડગામની અનોખી પહેલ.
ઉછરતા બાળકોને બચપણથી સંસ્કાર અને સમજણ આપવાનું કામ માતા-પિતાનું છે કે જે ઉત્કૃષ્ટ સમાજ રચના માટે જરૂરી છે. આજે માનવસમાજમાં જે અવ્યવસ્થા જોવા મળે છે તેના પાયામાં બચપણથી વ્યક્તિને જે યોગ્ય કેળવણી મળવી જોઈએ તેમાં રહી ગયેલી ચૂકનું પરિણામ છે. તાલુકા મથક વડગામમાં આવેલી ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સને વારંવાર યાદ કરવાનું એકમાત્ર કારણ એ છે કે આ શાળામાં ઓછા ખર્ચે સારુ શિક્ષણ તો મળે જ છે સાથે સાથે ખૂબ જ જરૂરી એવી બાળ કેળવણીના પાઠ પણ શીખવાડવામાં આવે છે જે આવનાર ભવિષ્યમાં વડગામ પંથકના સમાજ જીવનમાં ચોક્કસ અસરકારક સાબિત થશે.
તા. ૦૯.૦૭.૨૦૧૭ ના રોજ ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ દ્વારા આયોજિત વિદ્યાર્થીઓના વાલીઓની મીટિંગ યોજાઈ ગઈ આ પ્રસંગે શાળા મેનેજમેન્ટ દ્વારા ધોરણ-૧૨ સાયન્સ ના બોર્ડ્ની પરીક્ષામાં શાળામાંથી પ્રથમ ત્રણ આવેલ વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ.૫૦,૦૦૦/-, રૂ.૨૫,૦૦૦/- અને રૂ.૧૫,૦૦૦/- ના ચેક આપીને શાળા પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે ઐતિહાસિક બાબત ગણી શકાય.
વડગામ પંથકના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પ્રમુખ શ્રી કાનજીભાઈ ચૌધરી અને તમામ શાળા પરિવાર જે રીતે અવિરત અને યોગ્ય દિશાનો પ્રયાસ કરી રહ્યા છે તે બદલ www.vadgam.com અભિનંદન પાઠવે છે.