વડગામ તાલુકાએ કચ્છી ઘોડી નૃત્ય પરંપરાનો કલાકાર ગુમાવ્યો….!!

વડગામના મેતા ગામના ડાહ્યાભાઈ અને તેમના સ્વર્ગસ્થ બે દીકરા
વડગામના મેતા ગામના ડાહ્યાભાઈ અને તેમના સ્વર્ગસ્થ બે દીકરા -ત્રણ પેઢી એક સાથે એક મંચ ઉપર …ગાંધીનગરમાં આ એ સ્ટેજ છે જ્યાં આખા ભારતનાં લોકકલાકારો પોતાની કલા રજુ કરતા હોય છે. આ સ્ટેજ કે જ્યાં છેલ્લા ૨૫ વર્ષ થી વસંતોસ્તવ ઉજવાય છે તે સંસ્કૃતિકુંજ.

 

કચ્છી ઘોડી નૃત્ય પરંપરા વડગામ પંથકમાં પ્રચલિત હતી  વડગામ તાલુકાના મેતા અને ચાંગા ગામમાં કચ્છી ઘોડી નચાવનાર કલાકારો રહેતા હતા.મેતા ગામના કચ્છી ઘોડીના બુઝર્ગ કલાકાર ખુશાલભાઈ તુરીના જણાવ્યા પ્રમાણે પહેલા તો અમારા વડવાઓ ઢોલ, શરણાઈ વગાડવાનું અને બહુરૂપી નાં વેશ ભજવવાનું કામ કરતા એ વખતે લગ્ન પ્રસંગે જાનમાં રાજસ્થાનથી કેટલાક લોકો આવતા ને લગ્નમાં ઘોડો નચાવતા એ જોઈને ખુશાલભાઈ નાં દાદા એ હૈયા ઉક્લતથી કચ્છી ઘોડી નચાવી . લગ્નવાળાએ સારું ઇનામ આપીને રાજી કર્યા બસ ત્યારથી તેઓ વંશપરંમપરા એ કચ્છી ઘોડા રમાડીએ છીએ.

વાંસ ની ઘોડી બનાવી એને શણગારી કેડે બાંધીને ઢોલ,શરણાઈનાં તાલ સાથે નચાવતા નચાવતા સવારીમાં નીકળતા અને જોનારા શહેરીજનો નું મનોરંજન કરતા.

Kachchi Ghodi-1
મેતાનો સ્વર્ગસ્થ કલાકાર

વડગામ તાલુકાના આ જ મેતા ગામના ડાહ્યાભાઈ નાયક અને એમનો પરિવાર પણ છેલ્લા ઘણા સમયથી આ પ્રાચીન કલામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતો હતો. કચ્છી ઘોડી નૃત્ય કલામાં પારંગત અને કલા જગતમાં વડગામ તાલુકાના ગૌરવસમા આ પરિવારમાં થોડા સમય પહેલા એક પછી એક બનેલ કરૂણ ઘટનાઓ એ પરિવારને નિસહાય પરિસ્થિતિમાં લાવી મૂક્યો. કરૂણ ઘટના એ બની કે ડાહ્યાભાઈ નાં મોટા પુત્ર ભીખાભાઈ નું ૫ -૭ વર્ષ પહેલા ભરજુવાનીમાં અવસાન થયું અને આ આધાત સમે તે પહેલા તેમના નાના અને પરિવાર માટે એક માત્ર આજીવિકા રળનાર પુત્ર કનુભાઈનું પણ આ વર્ષે અચાનક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. કુટુંબ નો આધારસ્તંભ છીનવાઈ જતા તેમજ કમાણીનું અન્ય કોઈ સાધન ન હોવાથી એમના પરિવારમાં બે વિધવા સ્ત્રીઓ તેમના નાના બે બાળકો અને વૃદ્ધ માતા-પિતા માથે આફત નું આભ તૂટી પડ્યું છે.

મેતાનો સ્વત્ગસ્થ કલાકાર
મેતાનો સ્વત્ગસ્થ કલાકાર

કલાકાર કુટુંબ નાં આ પરિવાર ને સાંત્વનારૂપે વડગામ તાલુકો જેટલી પણ શક્ય મદદ કરી શકે તેટલી ઓછી છે આ બાબતે કલાકાર જગતનાં નામાંકિત લોકો તો આગળ આવ્યા છે કે જેઓ વડગામ તાલુકામાં લોકડાયરામાં  પોતાનું કોઈ પણ મહેનતાણું લીધા સિવાય આ પરિવારને શક્ય તેટલી મદદ કરવા આતુર છે તેવા સમયે વડગામ તાલુકાની પણ ફરજ બને છે કે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે આ આયોજન માં પૂરો સહકાર આપી મદદરૂપ બને તો વડગામ તાલુકાનાં આ કલાકાર પરિવાર ને થોડોક જરૂરી આર્થિક સહયોગ સાંપડી શકે….!!

નોધ :

તાલુકા મથક વડગામ  ટૂંક સમયમાં ડાયરનું આયોજન વિચારાધીન છે. જેની જાહેરાત www.vadgam.com સોશિયલ મીડિયામાં કરવામાં આવશે . આ વિશેષ ડાયરામાં કોઈ પાસ કે ટીકીટ રાખવામાં નહિ આવે …જાહેર આમંત્રણ આપી ઉપસ્થિત લોકો પોતાની જે યથાયોગ્ય રકમ આપશે તે સ્વર્ગસ્થ કલાકારની વિધવાઓને સુપ્રત કરવામાં આવશે.

વડગામના કોદરામ ગામના વતની અને ગુજરાત નાં પ્રસિદ્ધ ગીતકાર – કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવ નાં પ્રયત્નોથી ગુજરાતના લોકપ્રિય લોકગાયક જીગ્નેશ કવિરાજ અને રાજલ બારોટ સાથે અન્ય કલાકારો આ ડાયરાની જમાવટ કરશે.

પ્રશાંતભાઈ એ www.vadgam.com નાં માધ્યમથી વડગામ તાલુકાના ના સુખી -સંપન્ન પરિવારોને વડગામ તાલુકાના આ લોકકલાકાર ના પરિવારજનો ને મદદરૂપ થવા ખાસ અપીલ કરી છે .