મેમદપુર (વડગામ) ના કલ્પે બાળ વયે દિક્ષા ગ્રહણ કરી.
જૈન સંપ્રદાયમાં દિક્ષાનું વિશેષ મહત્વ હોય છે. સંસારના તમામ સુખ-સવડ અને પારીવારિક માહોલને છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરનારા મુમુક્ષુઓ સમગ્ર સંપ્રદાય માટે આદર્શ ગણાય છે.
જે મહત્વ જીવનનું છે એ જ મહત્વ દિક્ષાનું છે. સુખ અને દુ:ખ, માન અને અપમાન, રાગ અને દ્વેષ જેવા પરિતાપથી પર તરફની ગતિ એ દિક્ષા. સંસારની અનેક ભૂખથી તૃપ્તિના સરોવર તરફનું ગંતવ્ય એટલે દિક્ષા. આત્મા એ આનંદપૂર્વક અંગીકાર કરેલો અલૌકિક શૃંગાર એટલે દિક્ષા. આત્માને પરમાત્મા તરફ સન્મુખ કરે તે દિક્ષા. એક જ્યોતનું મહાજ્યોતમાં મળી જવું તે દિક્ષા.
અનુભવે એવું સમજાય છે કે મોટાભાગના લોકો સંસારની ઘટમાળમાં અમૂલ્ય જીવન વેડફી મારતા હોય છે ત્યારે માત્ર અગિયાર વર્ષની બાળવયે સંસારનો ત્યાગ કરી આત્મ કલ્યાણ અર્થે જીવન સમર્પિત કરી દેવું એ કોઈ નાની સુની વાત નથી.
આ.રાજરત્નસૂરીશ્વરજી મ.ના હસ્તે કાંદિવલીમાં મૂળ વડગામ તાલુકાના મેમેદપુર ગામના લીલાબેન ગીરધરલાલ નગીનદાસ મહેતા ના પૌત્ર કલ્પનો માગશર સુદિ છઠ્ઠના દિને ભવ્ય દિક્ષા સમારોહ યોજાઈ ગયો. કલ્પને બાળ વયે સંસારને બદલે જીવનનો સાચો સંયમનો માર્ગ સમજાઈ જતા તેઓ દિક્ષા લઈ ઉર્ધ્વગમનની દિશામાં આગળ વધશે અને આઘ્યાત્મક જગતમાં વડગામ તાલુકાનું નામ રોશન કરશે.
બાળવયે દીક્ષા ગ્રહણ કરનાર બાળ પરિવારના પરિવારજનો ને વડગામ.કોમ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે.
નૂતન દિક્ષિત અમર રહો…