કાવ્યોત્સવ -૨૦૧૮ માં વડગામ ના કવિનું કાવ્યપઠન.

Kavyotsav-2018

તાજેતરમાં તા.૧૫.૦૪.૨૦૧૮ ના રોજ શ્રી નવીનચંદ્ર ડાહ્યાલાલ મોદી ભવન વિદ્યામંદિર પાલનપુર મુકામે શબ્દ સાધના પરિવાર – બનાસકાંઠા અને વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર દ્વારા કાવ્યોત્સવ -૨૦૧૮ નું આયોજન થયું હતું. આ પ્રસંગે વડગામ તાલુકાના જલોત્રા ગામના વતની શ્રી કમલેશભાઈ મકવાણા એ પોતાની તળપદી ભાષામાં સ્વરચિત મુક્તક અને ગઝલ નું પઠન કર્યું હતું .

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે શ્રી કમલેશભાઈ ને ‘કમલ પાલનપુરી’ નામ મળી ગયુ છે.

 

શ્રી કમલ પાલનપુરી પ્રથમ પોતાના મુક્તક અને ત્યારબાદ ગઝલ નું સુંદર રીતે પઠન કર્યું હતું .

 

તળપદી બોલીમાં અછાંદશ મુક્તક…

 

મારું ઓળસ્યું છાતીમાંય કોક જૂની બળતર જેવું છ,

એ ઇયાદ આવ ન હૂળ્ય જેવું ભાગ ન કળતર જેવુ છ,

 

આખો દાડી ઇયાદ કરી ન વાટ જોઇ ન થાચ્યે પછં હું,

મણનો નેહાકો નાંસ્યે, જાંણ્યે પરેમનું વળતર જેવું છ.

 

ગઝલ

 

સાવ એ નિષ્ઠૂર પણ આવે પછી,

ઘાવ તો નાસૂર પણ આવે પછી.

 

આ હ્રદયમાં આંસુઓ છે એકલાં,

તૂટશે તો પૂર પણ આવે પછી.

 

રોઇને થાકી જવાશે એટલે,

આંખનું એ નૂર પણ આવે પછી.

 

લાગશે માઠું અને ભીતર બળે,

દર્દ ચકનાચૂર પણ આવે પછી.

 

જીંદગીની વેદનાઓથી “કમલ”,

મોત છે તો દૂર પણ આવે પછી.

 

વડગામ.કોમ શ્રી કમલ પાલનપુરી ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે………..