ઘર આંગણાનું શિક્ષણ – આજની અનિવાર્યતા.
દિવસે દિવસે શિક્ષણ મોંઘુ થતુ જાય છે અને એમાંય ગ્રામિણ ક્ષેત્રમાંથી ગાડરીયા પ્રવાહની જેમ વિધ્યાર્થીઓએ સારુ શિક્ષણ મેળવવા શહેર તરફ જે આંધળી દોટ મૂકી છે તેવા સમયે ધર આંગણે શ્રેષ્ઠ શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓની અનિવાર્યતા વધી ગઈ છે. પોતાના ગામમાં અથવા તાલુકા મથકે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જો સકારાત્મક અભિગમ સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપવાના પ્રયત્નો કરવામાં આવે તો શિક્ષણ હેતુ કરવા પડતા વધારાના ખર્ચાઓમાંથી ગ્રામીણ ક્ષેત્રના પરિવારોને ખાસી એવી રાહત મળી શકે એમ છે.
સાયન્સ પ્રવાહમાં ૯૦ ટકા ઉપરનું પરિણામ એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે આકરી મહેનતનું મહેનતાણું ગણી શકાય અને એ જે તે સંસ્થાની પ્રતિષ્ઠા માં વધારો કરનારુ પરિબળ માની શકાય અને એમાંય ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા વિધાર્થીઓને તૈયાર કરવાનું કપરું કામ એટલે કે અભ્યાસમાં વિદ્યાર્થીઓ ને ઝીરો માંથી હિરો બનાવવાનું બિડું અમુક સંસ્થાઓ ઉપાડી લેતી હોય છે આવું જ કાર્ય વડગામમાઃ આંગણીના વેઢે ગણી શકાય એવી થોડીક સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે જે શૈક્ષણિક જગતમાં હરખના સમાચાર ગણી શકાય.
વડગામ પંથકના શૈક્ષણિક જગતમાં છેલ્લાં કેટલાક સમયથી શ્રેષ્ઠ શિક્ષણ આપવાની તંદુરસ્ત હરિફાઈ ચાલી રહી છે જે સરવાળે વિધાર્થીઓ માટે લાભકર્તા છે તો તેમના વાલીઓ માટે સુખદ સમાચાર છે.
આજે શિક્ષણ હરીફાઈ યુગમાં પ્રવેશી ચૂક્યું છે માટે આ ક્ષેત્રમાં ટકી રહેવા અન્ય કરતાં કંઈક વિશેષ વિદ્યાર્થીઓને આપવું પડે તે પછી શિક્ષણ હોય, કેળવણી હોય, પ્રોત્સાહન હોય કે પછી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ની વિવિધ પ્રવૃત્તિઓ હોય આ તમામમાં જે શૈક્ષણિક સંસ્થાઓ શ્રેષ્ઠ આપી શકે એ હરીફાઈમાં ટકી શકે એ દિવા જેવી સ્પષ્ટ બાબત છે.
Innovative ideas નો અમલ કરીને બહુ જ ટૂંકા ગાળામાં વડગામ તાલુકામાં અગ્રહરોળની શૈક્ષણિક સંસ્થાઓ માં ગણના પામનાર ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ એક ઉત્તમ ઉદાહરણ છે. બોર્ડ પરીક્ષામાં સફળતાની ટકાવારી ઉત્તરોતર ઊંચે લઈ જઈ ને શિક્ષણપ્રેમીઓ નો વિશ્વાસ તો સંપાદિત કર્યો જ છે સાથે સાથે સમાજ પ્રત્યે પણ પોતાની સંસ્થાની કોઈ જવાબદારી બને છે તે સિધ્ધ કરી બતાવ્યું છે.
તદુપરાંત સાયન્સ પ્રવાહમાં બોર્ડમાં પોતાની શાળામાંથી પ્રથમ આવનાર ત્રણ વિદ્યાર્થીઓને દર વર્ષે અનુક્રમે રૂ. ૫૦૦૦૦, ૨૫૦૦૦ અને ૧૫૦૦૦ નું રોકડ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવાનો નવીન અભિગમ પણ અપનાવ્યો છે જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે પણ સાયન્સ પ્રવાહમાં માં આ શાળાનું પરિણામ ૯૩ % ઉપર નોંધાયું છે જેમાં શાળામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓએ અનુક્રમે ૯૪%, ૯૩% અને ૯૦% જેટલું પરિણામ મેળવી ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ નું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આટલું સારૂ પરિણામ કોઈ પણ જાતના કોચિંગ ક્લાસ સિવાય મેળવવું તે શાળા પરિવાર માટે તો ગૌરવપ્રદ ધટના છે જ સાથે સાથે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રેરણાદાયી છે.
વડગામ તાલુકામાં આવેલી દરેક શૈક્ષણિક સંસ્થાઓ પોતાની શાળાના Best Performance માટે પ્રયત્નશીલ હશે જ અને હોવી પણ જોઈએ અને એ એક આવકારદાયક બાબત છે જેથી ગ્રામીણ ક્ષેત્રના વધુમાં વધુ વિધાર્થીઓ કોઈ પણ વઘારાના આર્થિક બોજ સિવાય ગુણવત્તાયુકત શિક્ષણ ધરઆંગણે મેળવી શકે.
વડગામ તાલુકામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ માંથી શિક્ષણ મેળવી બોર્ડ ની પરીક્ષામાં નોંધપાત્ર સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.