મેમદપુર ગ્રામજનોનું માણસાઈ ને દિપાવતું પ્રેરક કાર્ય : રામરોટી
અન્નદાન એ સર્વશ્રેષ્ઠદાન છે. અમારા ગામમાં કોઈ અન્ન ના અભાવે ભુખ્યુ ન સુવે એ પવિત્ર સંકલ્પ ગામ લોકો રાખે એ ગામની શાખ છે. છેલ્લા ત્રણ વર્ષ થી વડગામ તાલુકાના મેમદપુર ગામમાં ગામલોકોના સામુહીક સહકાર થકી ગામના નર્મદેશ્વર મહાદેવમાં શ્રી ભોળાનાથની કૃપાથી અને ગામના ધાન અને ધનના દાનવીરોના સહયોગથી માનવતાને દિપાવતો સત્કાર્યરૂપી યજ્ઞ ચાલી રહ્યો છે. અહીં કોઇપણ વ્યકિત કોઇને દાન કરવા કયારે પણ દબાણ કે ફરજ પાડતા નથી. પણ આવા ઉદાર સત્કાર્યો જોઇ ગામલોકો અનાજ, કઠોળ, તેલ, ઘી, ખાંડ વગેરે અન્નમંદિરમાં સ્વાધીન કરી બહુ જ પૂણ્યનું મહાફળ પ્રાપ્ત કરી લે છે.
સમાજ પ્રત્યે પણ આપણી કોઈ જવાબદારી છે એ ઉકતીને સાર્થક કરતા અને સમજતા સજ્જન લોકો પોતાનો યથાયોગ્ય ફાળો ઈશ્ચરીય કાર્યો માટે કે સામાજિક વિકાસના કાર્યો માટે સમયાંતરે સહયોગ આપતા રહેતા હોય છે અને એના લીધે જ માનવતાને મહેંકાવતી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. કોઈ ધાન આપે તો કોઈ ઘન આપે. મેમદપુર ગામમાં રામરોટી નામનું રસોડું એક અનોખી સેવા અને સુવિધા થકી સદા પ્રજ્વલિત રહે છે.આ રામરોટી રસોડાનો લાભ કોઇ પણ જરૂરીયાતમંદ વ્યક્તિ લઈ શકે છે. ગામમાંથી દૈનિક સરેરાશ 50 લોકો ને રામરોટી રસોડાથી ટીફીન સેવા ઉપલબ્ધ છે.સમૃધ્ધ લોકો પણ યથાયોગ્ય ફાળો આપી આ રામરોટી રસોડાનો લાભ લઈ શકે છે જેથી અમીર ગરીબ જેવા ભેદભાવ પણ અહીં જોવા મળતા નથી.
રામરોટી થકી માનવતાના સેવાકીય કાર્યમાં સહભાગી મેમદપુર ગામના ગ્રામજનો ને વડગામ.કોમ અભિનંદન પાઠવે છે.