વડગામ તાલુકા સદ્દભાવના બેઠક યોજાઈ.
આજ રોજ તા.૧૧.૧૦.૨૦૧૫ને રવિવારના રોજ તાલુકા મથક વડગામ મુકામે BRC ભવનમાં વડગામ તાલુકાની સૌ પ્રથમ સદ્દભાવના બેઠક યોજાઈ ગઈ. સર્વધર્મ સમભાવ તેમજ સમાજમાં વિકાસલક્ષી પરિવર્તન સાથે સમરસતા કેળવાય તે હેતુ આજની બેઠકમાં ઉપસ્થિત સર્વજ્ઞ્યાતિ સમાજમાંથી પધારેલા મહાનુભાવોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમાજમાં સમયાનુસાર વૈચારિક પરિવર્તન કેવી રીતે આવી શકે ?. તેમજ સમાજ વર્તમાનમાં કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે વિશે ચિંતન મનન કરવામાં આવ્યું. આજની બેઠકમાં ઉપસ્થિત વડગામવાસીઓમાંથી અનેક મહાનુભાવોએ વિષયાનુસાર પોતાના અનુભવો, વિચારો વ્યક્ત કર્યા હતા તેમજ પોતપોતાના ગામમાં થતી પ્રેરણાદાયી પ્રવ્રુતિઓની જાણકારી ઉપસ્થિત શ્રોતાગણને આપી હતી. સમાજમાં, ગામમાં બનતી સકારાત્મક બાબતોનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને અન્ય લોકો પણ આ બાબતમાંથી પ્રેરણા મેળવે તેવો વિકાસલક્ષી અભિગમ આજની બેઠકમાં જોવા મળ્યો. સમાજમાં પ્રવર્તતી આભડછેટ, અંધશ્રધ્ધા, કુરિવાજો, સ્વચ્છતા વગેરે બાબતો ઉપર પ્રકાશ પાડી ઉદાહરણરૂપ કાર્ય કરવાની સાથે સમાજસુધારાની દિશામાં પ્રયત્નશીલ રહેવા વિચારમંથન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. નિખિલ ખમાર કે જેઓ પાટણમાં આંખના ડૉક્ટર તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમજ જેઓ બાલ્યકાળથી સ્વયંસેવક છે તેમજ મહેસાણા વિભાગના સંમ્પર્ક પ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તેઓ શ્રી મુખ્ય વકતા તેમજ માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શંકરભાઈ પટેલ કે જેઓ ધાનેરા વતની છે તેમજ પાલનપુર જિલ્લા કાર્યવાહક તેમજ ધાનેરા તાલુકામાં બાપલા હાઇસ્કૂલમાં પ્રધાનાચાર્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે તેઓશ્રીએ આજની સભામાં ઊપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર બેઠકનું સંચાલન વડગામ તાલુકા કાર્યવાહક શ્રી ભરતસિંહ સિસોદીયા તેમજ શ્રી અલ્પેશભાઈ ત્રિવેદીએ સુંદર રીતે કર્યુ હતું.
– www.vadgam.com