આપણા તિર્થસ્થળો, વડગામનો ઇતિહાસ

ગુરુ ધૂંધળીનાથ અને સિદ્ધનાથ – શ્રી સંજયભાઈ જોશી

અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ‘ગુરુના ભોખરા’ઉપર ગુરુ ધૂંધળીનાથે બાર વર્ષ કરતા પણ વધારે વર્ષો સુધી કઠીન તપશ્ચર્યા કરી હતી. જુદી જુદી કિવદંતી ઓ અનુસાર ગુરુ મહારાજે આબુના પર્વત ઉપર, ગીરનારના પર્વત ઉપર, ગુરુના ભોખરા ઉપર, કચ્છના ધીણોધર પર્વત ઉપર અને બીજાસ્થાનકોએ એમ કૂલ અડતાલીસથી વધુ વરસો સુધી કઠીન તપશ્ચર્યા કરી હતી.આ ઉગ્ર તપસ્યાઓ વડે મહારાજે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીહતી. આ સિદ્ધિઓ વડે મહારાજ એવી અસલ સ્થિતિએ પહોચ્યા કે જે પરમાત્મા જ પ્રાપ્ત કરી શકે. આ અનેક સિદ્ધિઓ લોકહિત માટે માટે અનંત વર્ષોનું ભાથું બની રહી. એક વાર ધૂંધળીનાથ અરવલ્લીની ટેકરીઓની હારમાળાઓમાં સૌથી ઊંચા શિખર ઉપર તપશ્ચર્યા કરતા હતા. આ સમયે શિવરાત્રીના મેળામાં ગુરુ દત્તાત્રેય અને નવનાથ જુનાગઢના ગીરનાર પર્વત ઉપર ચલમ પીવા બેઠા હતા. ગુરુ દત્તે ચલમની ચુસકી મારી અને ધૂંધળીનાથે ચલમની બીજી ચુસ્કી લેવા અરવલ્લીની ગિરિમાળામાંથી હાથ લાંબો કર્યો અને બીજી ચુસ્કી લેવાનો ગુરુ દત્ત પછી અધિકાર મેળવ્યો. નવનાથોએ પૂછ્યું, ‘ આપણા કુંડાળામાં આ કોણ આવ્યું?’ગુરુ દત્તે હસીને ધૂંધળીનાથ નો પરિચય આપ્યો અને નવનાથના કહેવાથી ગુરુ ધૂંધળીનાથ મહારાજ ને ‘નવનાથ ચોર્યાસી સિદ્ધ ગુરુ ધૂંધળીમલ’ નું બિરુદ આપ્યું. આ સમયથી ગુરુ મહારાજ સમગ્ર લોકમાં ‘નવનાથ ચોર્યાસી સિદ્ધગુરુ ધુંધલીમલ’ તરીકે પૂજાય છે.

ગુરુદેવ દત્તે ધૂંધળીનાથને નવનાથ સાથે દસમા નાથ તરીકે પ્રસ્થાપિત કર્યા અને કહ્યું, “ નવનાથ ભેળા દસમા ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે.” તેજની જીવત જ્યોત જેવા ગુરુદેવ ધૂંધળીનાથ જગતમાં ઘુમવા લાગ્યા અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી. ઘૂમતે ઘૂમતે અરવલ્લીને ડુંગરે ચિત્તોડગઢમાં એમનું આવવું થયું. ચિત્તોડના રાણાએ ગુરુને ઝાઝા માન દીધા. ગુરુ ના ચરણ પખાળી રાણાએ રડતી આંખે દીકરાની યાચના કરી. ચિત્તોડના રાણાને સવાશેર માટીની ખોટ હતી. ગુરુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું,”રાણાજી હું બાર વરસે પાછો આવીશ.તારે ઘેર બબ્બે કુંવર રમતા હશે.ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો અને એક મારો. તૈયાર રાખજે, હું બાર વર્ષે પાછો આવું છું.” ગુરુના આશીર્વાદથી રાણાના ઘેર બબ્બે દીકરાઓના પારણા બંધાયા. તે દિવસથી આજદિન સુધી લોકો સંતાન પ્રાપ્તિ માટે ગુરુની બાધા રાખે છે અને ગુરુ દરેકની આશા પૂરી કરે છે. બાર વરસના તપ પછી ગુરુદેવે ચિત્તોડને પાદરે અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બન્ને રાજકુંવરને આંગળીએ લઇ બહાર નીકળ્યા. બેમાંથી એક ઘરેણા અને રાજાશાહી લુઘડા વડે સજ્જ અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી કપટ કરીને તેજીલો દીકરો રાખવા માંગતા હતા.પણ તેજની વિભૂતિ કઈ મેલે કપડે ઢાંકી રહે ? ધૂંધળીનાથે મેલાઘેલા જોગીને જ ઉઠાવી લીધો. બાર વરસના રાજકુવરને માથું મૂંડાવી લોકહિત કાજે ભગવા પહેરાવ્યા.કાનમાં ગુરુમંત્ર ફૂંક્યો અને ચેલાને ‘સિદ્ધનાથ’ નામ ધારણ કરાવ્યું.

ગુરુએ અને શિષ્યે અનેક વર્ષો સુધી અરવલ્લીની ગિરિમાળાઓમાં તપશ્ચર્યા આદરી. એકવાર ગુરુ અને શિષ્ય પ્રેહપાટણ નગરીને કિનારે એટલે કે આજના ‘પાલનપુર’ નગરના કિનારે ‘ગુરુના ભોખરે’ આવી પહોચ્યા.ગુરુ એ ચેલાઓને કહ્યું, ‘ હું ‘ગુરુ ના ભોખરે’ બાર વરસની સમાધિ લગાઉં છું.તમે ઘરો ઘર ઝોળી ફેરવી અહી સદાવ્રત જગાવજો.ભૂખ્યા અને દુઃખીયારાને પોતાના ગણી પાળજો.’
ચેલાઓ નગરીમાં ઝોળી ફેરવે પણ કોઈએ ચપટી લોટ ના આપ્યો. સિદ્ધનાથે ચેલાઓને ‘પહાડમાં જઈ લાકડાં વાઢી નગરમાં જઈ ભારીઓ વેચી સદાવ્રત ચાલુ રાખીએ’ તેમ કહ્યું. પણ ચાર દાડા થતામાં તો કુહાડા મેલીને ચેલાઓએ મારગ કાપ્યા. બાકી રહ્યો એક સિદ્ધનાથ.સિદ્ધનાથ સવારને વહેલે પહોરે ઉઠે છે, આશ્રમને વાળીચોળી સાફ કરે, ઝાડવાને પાણી પાય, વનમાં જાય અને બળતણનો ભારો બાંધી શહેરમાં વેચી આવે. તેના નહિ જેવા નાણામાંથી લોટ ખરીદે. ગામમાં એક કુંભારની ડોશી તેમાંથી રોટલા ઘડી આપે. આ રીતે બાર વર્ષ સિદ્ધનાથે ભારીઓ ઉપાડી સદાવ્રતની જ્યોત અખંડ રાખી. બાર વરસે ગુરુનું ધ્યાન પૂરું થયું. આંખ ઉઘાડી આશ્રમ જોયો. લાકડાના ભારા ઉપાડવાથી માથું છોલાઈને ચેલાના માથા ઉપર પડેલી જીવાત જોઈ. કુંભારણ સિવાય દયા અને માયા વગરનાં લોક જોયા,પોતાના પ્રિય શિષ્ય સિદ્ધનાથને લોકોએ દુઃખ દિધા છે એમ જાણ્યું. અને કહેવાય છે કે ક્રોધે ભરાયેલા ગુરુએ પ્રેહ પાટણ નગરીના લોકોને શ્રાપ આપ્યો, ‘ પટ્ટણ સો દટ્ટણ અને માયા સો મીટ્ટી.’ કહેવાય છે કે પ્રેહ પાટણ સાથે બીજા ચોરાસી પાટણ ગુરુએ પોતાના ખપ્પર હેઠ ઢાંકી દીધા. ‘પટ્ટણ સો દટ્ટણ’ અને ‘માયા સો મીટ્ટી’ કર્યા પછી ગુરુ દત્તના આદેશથી ગુરુ મહારાજ કચ્છના ધીણોધર પર્વત ઉપર જાય છે અને ગુરુના ભયથી થરથર કંપતા પર્વતને પોતાની અગાધ યોગશક્તિથી શબ્દબાણ મારી સ્થિર કરે છે. કચ્છના રણ વિસ્તારને સજીવન કરે છે અને સોપારી ઉપર ઉંધા માથે શીર્સાસન યોગ અવસ્થામાં બાર વર્ષ તપ કરે છે. પર્વતની આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારને રહેવા યોગ્ય બનાવે છે. ગુરુજી આ વિસ્તારમાં ધર્મનો આહલેક જગાવે છે અને ‘ધોરમનાથ’ તરીકે વિખ્યાત થાય છે. આ બાજુ ગુરુના તપને જાળવવા સિદ્ધનાથે ફરીથી પ્રેહપાટણ નગરીને સજીવન કરી, તીર્થને પાણીવાળું બનાવ્યું, જે આજ લગી “પાણીયારી” તરીકે ઓળખાય છે. ઢાંક જેવા બનેલા નગરના ધોરીમાર્ગને સજીવન કર્યો. અને નાગજણ જેઠવાને ફરી પ્રેહ પાટણનો રાજા બનાવ્યો.

ગુરુ સિદ્ધ,તપસ્વી અને સ્વભાવે કઈક કઠોર હતા, આથી તેમના જીવન વિશેની અનેક લોકવાર્તાઓ લોકોને મોઢે ચડી ગઈ છે. ઝવેરચંદ મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ માં ‘ધૂંધળીનાથ અને સિદ્ધનાથ’ નામે લોકકથા લખી છે. આ લોકવાર્તાનો કેટલોક ભાગ આપણે અહી લીધો છે પણ આ લોકકથામાં ગુરુના નામે પ્રચલિત અનેક વાર્તાઓનું ઉમેરણ કરવામાં આવ્યું છે, જે સર્વાંશે સાચું નથી.જુઓ એ.કે.ફાર્બસ લિખિત ‘ગુજરાત નો ઈતિહાસ’ અથવા ‘રાસમાળા’ પેજ નંબર – 18. ટૂંકમાં એટલુંજ કે ગુરુ સિદ્ધ, તપસ્વી અને લોકોની મનોકામનાઓ સિદ્ધ કરનારા હતા. કાપાલિક સંપ્રદાય જે શરૂઆતમાં શિવ ભક્તિ સાથે શરુ થયેલ. ધીમે ધીમે આ સંપ્રદાય ભોગ, વિલાસ, કામ પિપાસાને શાંત કરવાનું સાધન અને અનેક વિકૃતિઓથી ભરાઈ ગયો. સિદ્ધપુર અને પાટણના નદી કિનારાના કેટલાક સ્થળો આ ગુપ્ત અને વિકૃત વિદ્યાના કેન્દ્રો બની ગયા હતા. આદિ શંકરાચાર્ય મહારાજે આ અનૈતિક આચરણોનો વિરોધ કરેલો. તેમના ઉપર પણ તંત્ર વિદ્યાના પ્રયોગો કરવામાં આવેલા. ગુરુ મહારાજે પણ ક્રોધે ભરાઈ આ અનૈતિક આચરણો કે જેને ધર્મનું સ્વરૂપ આપી દેવામાં આવેલું તેનો વિરોધ કરેલો, અને ‘ સ્થળ સો જળ’ એટલે કે આ ખોટા શાસ્ત્રોને બળાય તો નહિ એટલે તેને નદીમાં પધરાવી દીધેલા. આથી કાપાલિક સંપ્રદાયના લોકો જે ધર્મના નામે વિકૃતિઓ ફેલાવી રહ્યા હતા તેઓ પણ ગુરુ મહારાજ ઉપર રોસે ભરાયા હતા. અસ્તુ.

આ સમગ્ર ઘટનાઓ ગુરુ મહારાજનો સમયકાળ નિશ્ચિત કરવા આપણને ઉપયોગી થઇ પડે છે. પુરાણા સમયમાં દરેક નગર સાથે પાટણ શબ્દ લગાવવામાં આવતો. જેમકે પ્રેહ પાટણ એટલે આજનું પાલનપુર. અણહિલપૂર પાટણ એટલે આજનું સિદ્ધપુર પાટણ અને પ્રભાસ પાટણ એટલે આજનું સોમનાથ. ઈ.સ. 1298 થી 1304દરમિયાન અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્ય દ્વારા આ ત્રણેય નગરોનો અને બીજા અનેક નગરોનો વિનાશ કરવામાં આવ્યો હતો. આ વિનાશથી પ્રજા એટલી ડરી ગઈ કે આ સમગ્ર ઘટનાક્રમને દૈવી પ્રકોપ સાથે જોડી દેવામાં આવ્યો. મુસ્લિમ સુલતાનો નગરોનો વિનાશ કરી દેતા, ત્યારબાદ સુલતાનના મુસ્લિમ ઈતિહાસકારો હિંદુ પ્રજાની સહનાભૂતી મેળવવા તે ઘટનાને હિંદુ દેવી -દેવતાઓના શ્રાપ કે આશીર્વાદ સાથે જોડી દેતા.

આજનું કરમાવાદ એ જ પુરાણોમાં વર્ણવાયેલી ‘કર્ણ નગરી’ કે હિરવાણી નગરી ! એના અવશેષોમાં કૂવા પર પડેલા રસ્સીના ઘસારા વાળા પથ્થરો, શિલ્પ કામના નમુના અને પર્વત પર મુકવામાં આવતી તોપ રાખવાની ભીંતો, આજે પણ કરમાવાદ ગામની સીમમાં જોવા મળે છે.આજે આ વિસ્તાર ‘મોતી મહેલ’ (મોતી મોલા) તરીકે જાણીતો છે.વિધર્મીઓ એ આપણા દેશના અનેક નગરોની જેમ ‘કર્ણ નગરી’ નો નાશ કર્યો. વિધર્મીઓના હુમલાથી બચવા લોકો અન્યત્ર નાશી ગયા. હા, ગુરુ મહારાજની સેવા પૂજામાં વિધ્ન ના આવે તે માટે કેટલાક લોકો લપાઈ છુપાઈને રહી ગયા છે, જેમના વારસદારો અત્યારે કરમાવાદ અને આજુબાજુના ગામડાઓમાં રહે છે. નવનાથ ચોર્યાસી સિદ્ધ ગુરુ ધૂંધળીનાથ મહારાજે જગ કલ્યાણ અર્થે અનેકવિધ અવતારો ધારણ કર્યા. મહારાષ્ટ્રમાં ગુરુજીએ ઈ.સ. 1606માં સમર્થ સ્વામી રામદાસ નામે અવતાર ધારણ કર્યો, શિવાજી મહારાજના ગુરુ બન્યા અને સમાજના યુવા વર્ગને સ્વસ્થ અને સુસંગઠિત બનાવ્યો. અનેક સ્થળોએ રામજીમંદિર અને હનુમાન મંદિરોનું નિર્માણ કરાવ્યું.

ગુરુ ધૂંધળીનાથે વરસો સુધી ‘ગુરુના ભોખરા’ ઉપર તપશ્ચર્યા કરી અને ત્યાંજસમાધિ લીધી. ત્યારબાદ કાળક્રમે અનેક વર્ષો સુધી આ સ્થાન અખંડ રહ્યું,700 થી વધારે વર્ષો સુધી ગુફામાં ગુરુ મહારાજની પાદુકાઓનું પૂજન થતું રહ્યું અને અખંડ દિવા ની જ્યોત પૂજાતી રહી. ગુરુ મહારાજના પરચા અને કાર્યો અનેક સ્વરૂપે લોકો સમક્ષ આવતા રહ્યા. પરંતુ ધૂંધળીનાથ કેવા હતા ? અને તેમના સ્વરૂપની આવનારી પેઢીઓને ઝાંખી મળી રહે તે માટે ધૂંધળીનાથના તેજો સ્વરૂપ એવા ગુરુ મોતીરામ મહારાજે આજથી 85 વર્ષ પહેલા સિદ્ધપુરના છટ્ઠા પદના માઢમાં જન્મ ધારણ કર્યો. શ્રદ્ધાળુઓને ગુરુ મહારાજના સ્વ સ્વરૂપની ઝાંખી કરાવવા આશરે 85 વરસ પહેલા ગુરુ મોતીરામ મહારાજે ‘ગુરુ પર્વત’ ઉપર ગુરુદેવની મૂર્તિની સ્થાપના કરી.

 

શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો જીવન ચરિત્ર અને પરિચય

લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી (+91 8849932083)

પ્રકાશક :- શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવ્સ્થાન સમિતિ કરમાવાદ – જલોતરા