માદરે વતન વડગામની યાદ : ભાગ -૧
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૧ અત્રે પ્રસ્તુત છે ]
વડગામ આજથી વર્ષો પહેલા એટલે કે ઈ.સ. 1971 આસપાસના સમયે હાલ જ્યાં આપણી ગ્રામ પંચાયત છે, ત્યાં ગોંદરૂ હતું તથા ફક્ત સ્ટેશન ઉપર તાલુકા પંચાયત છે ત્યાં એક વિશાળ વડલો હતો આના પરથી જ ગામનું નામ પડેલ છે. હાલ જે ગામ ખેડા ની માતાજી બ્રહ્માણી માતા તથા કાળીકા (રુદ્રાણી) માતાજીનું મંદિર પ્રાચીન હતું. આ મંદિરનું શિલ્પકામ જોતા યંત્ર ઉપર ચોક્કસ ગણિતના માપથી કરેલ છે, જેમાં કોઈ ખામી નથી. પછી પાછળથી ભૈરવજી ને બેસાડેલ છે. એમ કહેવાય કે આ મંદિરથી ઉત્તર દિશાએ જ્યાં હાલ કોર્ટ છે ત્યાં જુનું વડગામ ગામ હતું. પરિવર્તનના આધારે આ મંદિરની દક્ષિણ દિશાએ હાલ ગામ લોકો વસવાટ કરે છે. વડગામના શક્તિનગર વિસ્તારમાં એક વિશાળ આંબો હતો. જે આંબો અમારા પાંચ તપોધનોને કુવા તથા ઘર ચણવાની મજૂરી પેટે આપેલ જેની કેરીઓ અમે પણ ખાધેલ છે. જ્યારે માતાજીમાં સાધુબાવાની જમાત આવતી એ ત્યાં જ માતાજીમાં જ રહેતી સાધુ બાવા ચાર પાંચ દિવસ ગામમાં ફરી પછી બીજા ગામે જતા આ કાર્ય અમે જોયેલ.બીજું ભણવા માટે ગામમાં ચોરો શાળા નંબર એક હતી જેના પછી તાલુકા પંચાયત તાલુકા સંઘ ગુજરાતી શાળા , ફોજદારને રહેવા બંગલો વિગેરે બનેલ. આ સમયે ખૂબ વરસાદ આવતા હતા તથા સમશેરસાગર તળાવ કાયમી ભરેલું રહેતું. કમોદ, ચણા, શેરડી, જેવા પાકો ખેડૂતો લેતા. કઠોળ પણ પુષ્કળ થતું. લાઈટો કે અન્ય સાધનો ન હોવાથી રાત્રે ફોનસ બત્તી લઈ ખેતરોમાં જતા આવતા પછી થોડો સમય પછી નવી નવી લાઈટો આવવાનું શરૂ થયું જે પ્રોજેક્ટ નરાસળના સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલના હસ્તે થયેલ પરંતુ આ વિજળીથી લોકો ડરતા અને કોઈ લેતુ ન હતુ. શાંતિ કાકાના મકાનમાં લાઈટની ઓફિસ શરૂ થયેલ. ખેતીના પિયત માટે ચામડીયા કોશ પણ ચાલે. દરમિયાન નરાસળ ગામે સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલે વિજળી (લાઈટ) કનેક્શન લીધેલ પછી ધીરે ધીરે બધા ખેડૂતો લેવા લાગ્યા.
કોઈ નોકરી પણ લાઈટ ખાતામાં કરવા માગતું ન હતું. પરંતુ વડગામના મહોતભાઈ પટેલ તથા ડોસુમિયા મુસલમાનને જબરજસ્તી હેલ્પરમાં રાખેલ તથા વડગામમાં એ સમયે અમુક વિસ્તારમાં લાઈટ ફીટીંગ એમના કરેલા હતા, જે જુના થવાથી તોડી પાઇપ ફિટિંગમાં દિનેશભાઈ મુળચંદભાઈ તપોધન રાવલ તથા ગણેશભાઈ ચેલાભાઈ પ્રજાપતિ તથા બીજા અન્ય લોકોએ કરેલ. આપણા રાધાકૃષ્ણ મંદિરમાં મહાદેવનું તથા હનુમાનનું જુનું મંદિર હતું, જેની સામે ઠાકોરજીનું ઘર મંદિર હતું જ્યાં હીરાકાકા વ્યાસ લોજ વીસી ચલાવતા તથા પાટલા ઉપર પીરસી ભોજન કરાવતા તથા મહાદેવની સેવા પૂજા તપોધન બ્રાહ્મણો કરતા. શિવરાત્રીનું વરઘોડું પણ તપોધન બ્રાહ્મણો કાઢતા તથા રામજી મંદિર મહાદેવ મંદિર અને બ્રહ્માણી માતાના મંદિરની તમામ સેવા પૂજા વડગામના રાવલ તપોધનો કરતા. હાલ પણ આ પરંપરા મુજબ પૂજા થાય છે. આ મંદિરની ફરતે કાંટાની વાડ હતી તથા કાકડી તેમજ શાકભાજીની વાડી કાંતિભાઈ દેવીપુજક ચલાવતા અને હાલ જ્યાં ધૂણી છે, ચબૂતરો છે ત્યાં પાણીની કુઈ પણ હતી. જે ધૂણી ચબૂતરો તથા વડગામમાં રાધાકૃષ્ણ મંદિર નવું બને તે કામ કવિ આનંદી (કાળુ કાકા) હસ્તક થતું. મંદિરની બાજુમાં વાવ હતી. ગામ લોકો પગથિયાં ઉતરીને પાણી ભરવા જતા. ત્યાર પછી ધીરે ધીરે એન્જિન તથા પંપ દ્વારા કૂવામાંથી પાણી કાઢી પશુઓ માટે હવાડા ભરાતા તથા મંદિરના દરવાજા પાસે ચોરસ પાણીની ટાંકી હતી જેની ફરતે નળ હતા અને ગામ લોકો ત્યાંથી પાણી ભરી ઘેર લઈ જતા . આજુબાજુના ખેતરોમાં વરયાળી, કમોદ તથા શેરડીઓ પાકતી કોલુ ચાલતા.
ગામમાં લાઈટો ન હતી. પરંતુ મહોલ્લા પ્રમાણે લાકડાના થાંભલા ઉપર બત્તીઓ હતી જે કેરોસીન થી ચાલતી.
આપણી વાવ નો ઇતિહાસ લાંબો પુરાણો છે બોબડા અક્ષરથી લખેલું વાંચવા વાળા મળ્યા નથી પરંતુ ટૂંકમાં કહું તો એ સમયે જાનવરોથી માલસામાની હેરાફેરી થતી તો આપણા ધાંણધાર પંથક એટલે કે ધનની ધારા નો તમામ માલ વણઝારાઓ દ્વારા પાટણવાડા જતો અને વડગામ આ વણઝારાઓ તાલુકા સેન્ટર હોવાથી રહેતા એમને તથા એમના જાનવરોને પાણી માટે લાખાભાઈ વણઝારા આ પ્રાચીન વાવ બનાવી.પછી પાછળથી વડગામ મંદિરનો જીર્ણોદ્વાર શિવગીરી તથા સોમપુરી અને વાસુદેવ મહારાજના વિચારો પ્રમાણે કરેલ જે સમયે શિવગિરિ મહારાજ વડગામ પધારેલ અને જાહોજલાલીથી હરખભેર ગામ લોકોએ જીર્ણોદ્વાર કરી મંદિરમાં શિવલિંગ જેમ છે તેમ રાખી ફક્ત દરવાજાની દિશા જે પૂર્વમાં હતી તે પશ્ચિમમાં કરેલ તથા હનુમાનદાદા નું જૂનું મંદિર પાછળ રાખી આગળ નવીન મંદિર બનાવેલ. મફતલાલ કાળીદાસ જોશી તથા ગામના તમામ જ્ઞાતિ પ્રમાણે ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોના સહકારથી કરેલ આ સમયે ખાસ બધી ઓફિસો જુના પોલીસ સ્ટેશન પાસે હતી જ્યાં હાલ જુના મકાનો છે પોલીસ સ્ટેશન હતું સામે મામલતદાર કચેરી હતી પોલીસ સ્ટેશનમાં ગુનેગારને પૂરવા તપોધનીના મહોલ્લા સાઈડ એક કોટડી (રૂમ) હતી પછી ગામમાં ઢોર કોઈના ખેતરમાં ભેલાણ કરતાં તો આમને પૂરવાનો એક ઢોર ડબ્બો ફરતો . કોટ તથા તથા એક દરવાજો હતો જેમાં પૂરી દેતા જેનો માલિક જે તે એ સમયે દંડ ભરી પોતાનું જાનવર પરત લઈ જતો.
કોઈપણ માણસ પંચાયતના ખરાબામાં કોઈ ઝાડ વાવે તૈયાર કરે તો ઝાડ એનું છે,એવી પંચાયતમાંથી રશીદ પાવતી પણ મળતી અને દવાખાને લોકો ખાસ જતા નહીં કોઈ તાવ-તરિયું શરદી-કફ થાય તો જાતે ઘરાઉ દવા કરતા તથા પંચાયતમાં ઉકાળા રાખવામાં આવતા આ ઉકાળા પીતા એટલે તાવ તરીયો મટી જતો. એ સમયે બરોડા બેંક ચમનભાઈ કરસનભાઈ પંડયા ની દુકાન પાસે હતી જેની આજુબાજુ જૈનોની દુકાનો હતી. બેંકના સામે બાબુભાઈ ઈશ્વરભાઈ કલાલ ની પ્રખ્યાત હોટલ હતી જે હોટલમાં બધાની બેઠક હતી જ્યાં શુદ્ધ ચા-પાણી મળતા. નાસ્તો પણ મળતો. પંડ્યાના પેંડા ભજીયા વખણાતા. એક દેવા કાકા દરજીની પણ જૂની કટલરીની દુકાન હતી આ જગ્યા ગામનો મેઇન ચોરો હતો તથા નાટક કંપની કંપનીઓ ત્યાં દર શિયાળામાં નાટક રમવા આવતી. ખેલ પેટે સીધુ સામાન એમને મળી જતું. જેમાં પ્રખ્યાત નાટક ભોપાનું. કેશુકાકા બારોટ મોટિયાવાળા લોકોના દિલ જીતી ભોપો ધુણાવતા. ગાયન કટ થતાં. માલણના ભિખુભાઈ મીર આ કંપનીમાં સ્ત્રી વેશ સુંદર રીતે ભજવતા.
તેથી આગળ ગામનો ચોરો શાળા નંબર-૧ કે જેમાં બધા ભણતા તથા આ ચોરાની આવકમાંથી ગામ ખેડા ની માતા નું વાર્ષિક નૈવેધ કરતાં .પાડા ની માતર થતી એ સમયે પાડો હાજર થતો તથા એના કાન ઉપર ટાંકણી કે સોય મારી એ લોહીથી તંબોળીને પછી પાડા ને છોડી મુકતા તથા બળેવના દિવસે બળેવીયા વધેરી શુકન લેતા જેમાં સુથાર હળ, કુંભાર ઘડો, ઠાકોર તોરણ અને બીજા અન્ય અને એમણે વરેલી વસ્તુઓ લઈ આવતા અને બળેવીયા વધેરી પાંચ ઘડાની વિધિ તપોધનો અથવા ભટ્ટ સાહેબ કરતાં પછી બાર માસના શુકન જોતા. દિવાળી દશેરના જવારાનો મહિમા પણ હતો, જે તપોધન બ્રાહ્મણો કરતા તથા સમગ્ર ગામમાં આગલા દિવસે ધારાવાડી આપી દશેરના જવારા આપતા. આ પ્રથા હાલ પણ રાવલ બ્રાહ્મણોની હક બંધ ચાલુ છે. જે શાળા ને પછી ગુજરાતી નિશાળ બનવાથી ફક્ત દીકરીઓ ભણતી એ સમયે કન્યાશાળા નામ આપવામાં આવેલ. ગોદડકાકા મોદીની પ્રખ્યાત કરિયાણાની દુકાન હતી તથા ચમનભાઈ મોદીના ત્યાં દુકાન અને રાઈ તથા તલ પીલવાની ધાણી હતી. બજારમાં જ બરોડા બેંક હતી એ સમયે આ બેંકમાં ડિસાના સોની સાહેબ મેનેજર હતા આ સોની સાહેબે વડગામ કિર્તીભાઈ રાવલને મળી રાધાકૃષ્ણ મંદિરની વાત ગામ લોકો સમક્ષ કરી અને સંપૂર્ણ નવીન મંદિર બનાવી પૂર્ણ કરેલ અને ગામલોકોના સહયોગ થકી સરસ મજાનું મંદિર બનેલ જે હાલ વિષ્ણુ ભગવાન લક્ષ્મી સાથે બિરાજમાન દર્શનીય છે ત્યાર પછી ગામલોકોના સહકારથી ગાયત્રી મંદિર બનાવેલ મહિલા મંડળે સત્સંગ હોલ બનાવેલ અને કાળુભાઈ મિસ્ત્રી ના નામથી ધર્મશાળા બનાવેલ. (ક્રમશ: )