ઘોડીયાલના વિશ્વપ્રસિધ્ધ ચિત્રકાર શ્રી સુમતીભાઈ મોહનભાઈ.

‘કળા અને હૃદય બનેં એકબીજાના પૂરક છે. હૃદયમાંથી જે મોજું ઉદ્દભવે છે.તેના થકી કળાનું સર્જન થતું હોય છે અને ખરા હૃદયથી તે ચિત્રને નિહાળનાર દર્શક જ ચિત્રનો સાચો મર્મ સમજી શકે છે.’ તેમ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં સ્થાયી થયેલા અને ચિત્રો થકી વિદેશમાં પણ કલાના કામણ પાથરનારા સુમતીમોહનનું માનવું છે.

વડગામ તાલુકાના ઘોડીયાલ ગામે જન્મેલા શ્રી સુમતીભાઈ મોહનભાઈએ ચિત્ર કલાકાર તરીકે વિશ્વના નામી ચિત્રકારોની હરોળમાં પોતાની ચિત્રકલાની કુશળતા દ્વારા સ્થાન મેળવીને ઘોડીયાલ ગામ તેમજ વડગામ તાલુકાને અનેરુ ગૌરવ બક્ષ્યુ છે.સુમતી મોહન તરીકે જાણીતા અને વિશ્વપ્રસિધ્ધ ચિત્રકાર નો જન્મ વડગામ તાલુકાના ઘોડીયાલ ગામે તા.૩૧ ઓક્ટોબર ૧૯૩૮ના રોજ થયો હતો.

આ એ સમયની વાત છે જ્યારે ઘોડીયાલ માં માત્ર ૫૦૦ થી ૧૦૦૦ લોકોની વસ્તી હતી,જ્યારે ગામમાં વિજળી,ટેલીફોન કે ઘડીયાળની કોઈ સુવિધાઓ નહતી,ગામમાં માત્ર એક જ વ્યક્તી પાસે ઘડીયાલ હતી.જ્યારે કોઈ બાળકનો જન્મ થતો ત્યારે તેના જન્મનો સમય નોંધવા માટે એકમાત્ર દુકાનમાં જવું પડતું જ્યાં ગામમાં એકમાત્ર ઘડિયાલ હતી.સંપૂર્ણ કુદરતી ખેતી આધારીત વ્યવસાય સાથે સંકળાયેલા ગામમાં બિજી કોઈ તકલીફ નહતી.જીવનની મૂળભૂત જરૂરિયાત સંતોષાતી હતી.કુવા માંથી પાણી હાથ વડે ખેંચીને મેળવાતુ હતું.

તેઓ ઘોડીયાલમાં દશ વર્ષ રહ્યા.જ્યારે તેઓ બીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા તે દરમ્યાન તેઓ શ્રીએ પોતાની કારકિર્દી ચિત્રના વિષયમા બનાવવાનું નક્કી કરી લીધુ હતું, તેમનું આ સ્વપ્ન નાના ગામમાં રહીને પરીપૂર્ણ કરવું શક્ય ન હોવાથી તેમને બહાર અભ્યાસ અર્થે જવું જરૂરી બની ગયું હતું.ગામમાં કોઈ સરકારી શાળા ન હતી,જેથી વધુ અભ્યાસ અર્થે તેઓ ઘોડીયાલથી ગોળા રહેતા પોતાના સબંધીઓને ત્યાં રહેવા ગયા અને થોડો સમય ગોળા માં અભ્યાસ કર્યા બાદ પાલનપુર મા જઈને હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યુ.

પોતાના ગામમાંથી તેઓ પ્રથમ હતા જેઓએ હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ નજીકના મોટા શહેર પાલનપુરમાં મેળવ્યું.તેઓ એ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમાં મેળવ્યા બાદ મુંબઈમાં સ્ટેટ હાયર આર્ટ દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરીને ફાઈન આર્ટ્સ માસ્ટરની ડિગ્રી મેળવી. ડ્રોઈંગમાં એક વર્ષની ટીચર ટ્રેનીંગ લીધા બાદ તેઓ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયા.તેઓનું હવેનું સ્વપ્ન કળાનગરી પેરિસ જવાનું હતું,પરંતુ આ દરમિયાન માંદગી દરમિયાન તેમના પુત્રનું અકાળે દુ:ખદ અવસાન થતા તેઓનું પેરિસ જવાનું સ્વપ્ન રોળાઈ ગયું. સુમતીમોહનના ચિત્રોના નાના- મોટા પ્રદર્શનો ભારતભરમાં યોજાયા જેમાં ૧૯૬૯માં ગાંધી ફિલોસોફી પર આધારિત ચિત્રોનું પ્રદર્શન દિલ્હીના મ્યૂઝિયમમાં યોજાયું હતું. મદ્રાસ, મુંબઇમાં પણ અનેક શો યોજાયા હતા. તેઓના ચિત્રો ‘ભારતમાં લોકપ્રિય થયા બાદ અમેરિકા ના આર્ટ સીટી ઓફ ધ ટાઉન તરીકે ઓળખાતા ન્યુયોર્ક માં જવાનું નક્કી કર્યુ,જ્યાં તેઓએ પ્રાટ ઇન્સ્ટીટ્યુટમાંથી માસ્ટર્સ ઓફ ફાઈન આર્ટસની ડિગ્રી મેળવી.તેઓશ્રી તેમના ગામમાંથી સૌ પ્રથમ વ્યક્તી હતા જેઓએ વિદેશ જવાનું સાહસ કરેલું. ત્યાં તેઓના ઘણા મિત્રો હતા તેમજ અભ્યાસમાં અંગ્રેજી તેમની સેકન્ડ ભાષા હતી,જેથી તેઓનું કામ સરળ બન્યું. તેઓના અમેરિકામાં અનેક ચિત્ર પ્રદર્શનો યોજાયા હતા. જેમાં રપ વર્ષ પહેલાં એક ચિત્ર ૭ હજાર ડોલરમાં વેચાયું હતું.’ ઉલ્લેખનીય છે કે, તેમના દરેક ચિત્રમાં કલાની સાથે કંઇક અર્થ અને છુપો સંદેશ હોય છે. તેમની કલાના કામણ તેઓએ અમેરિકામાં પણ પાથયૉ છે.

તેઓના એરેંજ્ડ મેરેજ થયેલા અને તેમની ભૂતપૂર્વ પત્નિ દ્વારા તેમને ત્રણ બાળકો થયેલા જેમનો જન્મ તેમના વતન ઘોડીયાલમાં થયેલો,જ્યાં તેઓ પણ જન્મ્યા હતા. ગામડામાં ગામઠી ભાષામાં સુમતીમોહન કહીને બધા બોલાવતા એટલે તેઓ તે જ નામથી આગળ વધ્યા હતા. તેઓ ખાદીના જ વસ્ત્રો પહેરે છે. તેમના ત્રણ સંતાનોના નામ પણ ચિત્ર સાથે જોડાયેલા છે. પુત્રીનું નામ સુરેખા અને બે પુત્રના નામ સુદર્શન અને સુચિત્ર રાખ્યા છે. તેમના ગામના યોગી અથવા તો સંત તેમના ફેવરીટ લોકો હતા જેમને મળવુ તેમને ગમતુ હતુ,જેઓ મંદિરોની સંભાળ રાખતા હતા અને બિમાર લોકોની મુલાકાત લઈને તેમના માટે પ્રાર્થના કરતા હતા.તેઓ લાંબા વાળ અને દાઢી રાખે છે જેથી સ્વયં એક ઉમદા કલાકાર તરીકે દેખાય છે.જૈન ધર્મમાં તેમની ખૂબ આસ્થા છે.તેઓ માને છે કે જરૂરિયાત કરતા વધુ વસ્તુના સંગ્રહથી છેવટે તો દુ:ખ જ આપે છે.સાદગીને વરેલા આ કલાકાર પોતે મોબાઈલનો પણ ઉપયોગ કરતા નથી.કોઈ વ્યસન નથી.સંપૂર્ણ જૈન વિચારધારા પર પોતાનું જીવન છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં વિતાવી રહ્યા છે.

www.vadgam.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. એમના એકાદ ચિત્ર જો સ્કેન કરી ને મૂકી શકાય તો વધુ શારુ