વ્યક્તિ-વિશેષ

સ્વાતંત્રિય વીર કાળીદાસ ભોજક

બનાસકાંઠા જિલ્લા ના વડગામ ગામ ના વતની શ્રી કાળીદાસ લક્ષ્મીચન્દ ભોજક કવિ આનંદી નો જન્મ સવંત ૧૯૬૦ ના ચૈત્ર સુદ -૫ ના રોજ થયેલ. તેઓએ ગુજરાતી ધોરણ પહેલા નો અભ્યાસ કરેલ હતો.બાર વર્ષે કવિ થવાની ઇચ્છા જાગ્રુત થવાથી પોતાની ધગશ પુરી કરવા પંડિત રાધેશ્યામ (રહેવાસી બરેલી ,ઉ.પ્ર.) જેઓ હિન્દી કવિ હતા ,તથા મુળશંકર મુલાણી જેઓ ગુજરાતી કવિ હતા ,તેઓ ની પાસેથી પિંગળ અંગે નુ જ્ઞાન પ્રાપ્ત કરેલ. ત્યાર બાદ રાષ્ટ્રપિતા ગાંધિજી ના સંપર્ક મા વર્ધા મુકામે આવેલ. તે સમયે ગુજરાતી ગીત બનાવી ગાંધિજી ના ચરણો મા ધરેલ અને ગાંધિજી એ તેઓને કવિ આનંદી નુ  નામ આપેલ.

સવંત ૧૯૭૪ મા મુંબઈ નોકરી માટે ગયેલ અને રૂ. ૧૫-૦૦ ના માસિક પગાર થી ગુજરાતી નાટક કંપની મા જોડાયેલ.તે વખતે સ્વરાજ્ય ની ચળવળ ચાલતી હતી.સભાઓ ભરાતી અને સરઘસો નીકળતા ,આવી સભાઓ અને સરઘસોમા જવાની તેઓને આદત પડી ગયેલ. એ અરસા મા લોકમાન્ય તિલક મહારાજ નુ સને ૧૯૨૦ મા અવસાન થયુ.તેમની સ્મશાન યાત્રા નુ દ્રશ્ય તેમણે આલેખ્યુ હતુ. તેઓ એ લોક્માન્ય તિલક ના સ્મરણ મા અંજલી રૂપે આ કાવ્ય લખ્યુ …….

“ ગયો છે હિન્દ નો હીરો કમર કસજો તમે વીરો,

લડત લડજો સત્યાગ્રહથી કમર કરાજો તમે વીરો.”

અને તેની એક હજાર પ્રત છપાવી , ગલી એ ગલી એ ગાઈ અને વહેંચી. અને તે સાથે જ સ્વરાજ્ય માટે ચળવળ એ જીવન નુ ધ્યેય બન્યુ. જન્મ થી જ  કોઈ ના બંધન મા ન રહેવાની ,આદત હોવાથી કોઈ સંસ્થા મા જોડાતા નહી પણ ગુજરાત ના ગામડે ગામડે ફરતા અને સરકારી વેઠ ન કરવા લોકઓ ને સમજાવતા. તેમનો વિષય વગર પૈસે લેવાતી વેઠ બંધ કરવાનો  અને નાના ગામડાઓ મા ગામઠી શાળાઓ ખોલવાનો હતો.


સને ૧૯૩૨ થી ૧૯૪૨ દરમ્યાન તેઓ ને સત્યાગ્રહ માટે વારંવારપકડવામા આવતા હતા.

પાલણપુર રાજ્ય મા ચાલતી વેઠ ના ત્રાસ સામે તેમજ રાજ્પુતો ના ચોકીયાત પ્રશ્ન  માટે તેઓએ સંગઠન નુ કાર્ય શરૂ કર્યુ. નવાબ તાલેમાંહમદખાંનજી ના કાન ઉપર આ વાત જતા તેઓ ને જોરાવર પેલેસ મા બોલાવી રાજ્ય મા આ પ્રવ્રુતિ બંધ કરવા માટે જણાવેલ.

ખાંડ ગોળ નો કંટ્રોલ આવેલો તે વખતે લોકો ને માથા દીઠ દસ તોલા ગોળ અને દસ તોલા ખાંડ મળતી હતી તેમા સંચાલકો એ ગોલમાલ ચલાવતા તે સામે પણ તેઓ એ લડત ચલાવેલ અને તે સમય ના કંટ્રોલ મિનિસ્ટર ડાહ્યાલાલ મણીલાલ મહેતા ની ઓફીસે ફરિયાદ દાખલ કરી ગોળ ખાંડ ન લેવાની ઝુંબેશઉપાડી હતી.

ગામડાઓ મા જ્યા શાળાઓ ન હતી ત્યા શાળાઓ ખોલાવી લોકો ને પ્રોઢ શિક્ષણ અક્ષર જ્ઞાન અને સ્વછતાનુ જ્ઞાન આપવાનુ તેઓ એ કાર્ય કરેલ. હરિજન બાળકો ને જાતે નિશાળ મા બેસાડી હરિજનો પ્રત્યે લોકો ને સુગ ન રાખવા તેઓ સમજાવતા તેમજ લોકો ની અંદરો અંદરની  તકરાર પંચાયત દ્વારા પતાવવા પણ તેઓ એ પ્રયત્નો કરેલ.

૧૯૫૪ ના અરસામા કવિ ની ઇચ્છા મુજબ આરભેલુ ઘણુ ખરુ કાર્ય પુરૂ થતા તેમજ લોકમાન્ય તિલક ની સ્મશાન યાત્રા માંથી ઉદ્દભવેલી પ્રેરણા પરિપુર્ણ થતા સીવેલા કપડા નહી પહેરવાની લેધેલી પ્રતિજ્ઞા તે વખત ના કલેક્ટર શ્રી વી. શંકરન ના કહેવાથી છોડી રૂપાલ મુકામે માતાજી નો હવન કરાવી સીવેલા કપડા પહેરવાની શરૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના આવા એ આજીવન સેવાના ભેખધારી કવિ આનંદી   કોઈ પણ જાત ના સ્વાર્થ વિના દેશની સ્વંત્રતા માટે તથા ગરીબો ના હક્કો ના રક્ષણ માટે ઝઝૂમ્યા  અને વૃધાવસ્થા મા પણ લોકો ને ગાંધી ના માર્ગે સ્વાવલંબી જીવનજીવવાની પ્રેરણા એટલા જ જુસ્સાથી આપતા રહ્યા. લોકો સમૃધ્ધ  થાય અને દેશ નો સર્વાગી વિકાસ થાય તેવા કાર્ય મા તેઓ સતત રસ લેતા રહ્યા …કવિશ્રી નુ તા. ૩૦.૧૦.૭૩ ના રોજ અવસાન થયુ.

સંપાદક :- સૈયદ શરીફ ચશ્માવાલા (વડગામ ગાઈડ પુસ્તક માંથી સાભાર)

ફોટોગ્રાફ્સ:- પ્રવિણભાઈ ભોજક અને સતિષ ભોજક  (વડગામ)

કવિ શ્રી વિશે વધુ માહિતી વાંચવા માટે ફાઈલ ડાઉનલોડ કરો -> કવિ શ્રી આનંદી

(બનાસકાંઠા કલા સાહિત્ય સંઘ ધ્વારા પ્રકાશિત અને  શ્રી કનુભાઈ આચાર્ય દ્વારા લિખિત સ્પંદન ભાગ-૨ પુસ્તક માંથી સાભાર)

નોધ:વડગામ તાલુકા ના અને વડગામ ગામ ના પનોતા પુત્ર સ્વાતંત્ર્ય વીર કાળીદાસ ભોજક ને આ પ્રસંગે વડગામ પંથક વતી લાખો સલામ.