વતનપ્રેમી લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ
www.vadgam.com
વડગામ તાલુકાના કોદરામ ગામ ના વતની શ્રી લવજીભાઈ પ્રજાપતિ ને તા.૦૩.૦૬.૨૦૧૨ ને રવિવારના રોજ તેમના વતન કોદરામ મુકામે મળવાનું થયુ અને શ્રી લવજીભાઈ ની ગામ માટેની ઉમદાભાવના અને તેમના ધ્વારા ગામ વિકાસના થઈ રહેલા પ્રેરણાદાયી કાર્યો વિશે જાણી વિશેષ આનંદ થયો.તો ચાલો આપણે જાણીયે વતનપ્રેમી શ્રી લવજીભાઈને.માત્ર ૬ ચોપડી સુધી અભ્યાસ કરેલ આ સરળ અને સાદગીના પ્રતિક સમા વ્યક્તિનો જન્મ વડગામ તાલુકાના કોદરામ ગામે તા.૦૩.૦૨.૧૯૪૮ના રોજ થયેલ.તેમના અભ્યાસની વાત કરીએ તો કુટુંબની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાના કારણે તેઓ ૬ ધોરણ સુધી જ અભ્યાસ મેળવ્યો પરંતુ ભણતરની મર્યાદા કોઈપણ દિવસ એમની પ્રગતિની મર્યાદા બનવા દીધી નથી અને બાંધકામ ક્ષેત્રે એન્જિનીયર જેટલી જ કુશળતા ધરાવે છે.નાનપણ થી જ તેઓ ખુબ જ પરિશ્રમ કરનાર વ્યક્તિ છે તેઓ લગભગ ૧૯૭૦ની સાલમાં સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા.શરૂઆતમાં હીરા ઉધ્યોગના વ્યવસાયમાં આવ્યા બાદ હીરા ઉધ્યોગ ક્ષેત્રે સફળ રહ્યા, ત્યારબાદ ૧૯૮૩માં બાંધકામ વ્યવસાય સાથે જોડાઈ સુરતમાં “ સરગમ બિલ્ડર્સ” ના નામે પેઢી ચાલુ કરી.હીરા ઉધ્યોગની જેમ બાંધકામ ક્ષેત્રે પણ ખુબ નામના મેળવી અને આજદિન સુધી પણ વ્યવસાયમાં કાર્યરત છે.
તેમના કુટુંબમાં પત્નિ મેનાબેન ખુબ જ સરળ તેમજ પ્રેમાળ સ્વભાવનાં છે.તેમને પુત્ર મનોજભાઈ તથા બે પુત્રીઓ છે.તેમણે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ તેમજ સંસ્કાર આપેલ છે.એક માતા સો શિક્ષકની ગરજ સારે છે તે ઉક્તિને સાર્થક કરતા હોય એમ મેનાબેન પોતે તો ન ભણી શક્યા પણ તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી.તેમના બાળકોની વાત કરીએ તો પુત્ર મનોજભાઈ કે જેમણે બી.કોમ,એલ.એલ.બી થઈ એડવોકેટ થયેલ છે તથા તેમના જ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સારી નામન મેળવી રહ્યા છે.તેમના પુત્રવધુ કમુબેન સરળ સ્વભાવના છે.તેમની પુત્રીઓ પિંકીબેને તથા જયાબેન પણ ગ્રેજ્યુએટ થયેલ છે.તેમજ તેમની બે પૌત્રીઓ વિભૂતિ અને ઉત્સવી પણ એટલી જ હોંશિયાર છે,જે તેમના સંસ્કારોનું દર્પણ પુરુ પાડે છે. “ ડગલુ ભર્યુ ને ના હટવુ” એ તેઓના જીવનનો ગુરૂમંત્ર રહ્યો છે.હાથમાં લીધેલું કામ ક્યારેય હારી-થાકીને પડતું મુકવું નહી અને દરેક પ્રતિકુળ પરિસ્થિતિને સાનુકુળ બનાવીને જીવનમાં આગળને આગળ વધતા રહેવું એ તેમના સ્વભાવની વિશેષતા છે.
તેઓનું કહેવું છે કે જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો વિચારોની સ્પષ્ટતા, સુનીચ્છિતતા, ધ્યેય અને ખંત એ ત્રણ સૌથી મહત્વની બાબતો છે.તેઓ સરગમ કંસ્ટ્રકશન પ્રા.લિ.માં ડિરેક્ટર છે.તેમજ સુરત માનવ સેવા સંચાલિત છાંયડો સંસ્થાના ટ્રસ્ટી પણ છે,આમ સામાજીક પ્રવ્રુતિઓમાં પણ વિશેષ યોગદાન રહેલ છે,તેમજ સમાજ પ્રત્યે પણ હંમેશા ઉદાર નિતી દાખવેલ છે,તથા જ્યારે જ્યારે સમાજને તેમની જરૂર પડી ત્યારે ત્યારે તેઓ સાથ-સહકાર આપતા આવેલ છે અને હજી પણ સમાજ માટે નવા નવા વિચારો રજુ કરતા આવેલ છે,તથા સમાજને શીખ પુરી પાડતા આવેલ છે.
શ્રી લવજીભાઈ ને પ્રથમ વખત મળતા હોઈએ ત્યારે તેમની વાતો પરથી એવુ લાગે કે સામાન્ય વ્યક્તિ હશે. સુરતમાં “સરગમ બિલ્ડર્સ” નો કરોડોનો ધંધો સંભાળતા સુખી સંપન્ન વ્યક્તિ પોતાના માદરે વતન માટે જ્યારે પોતાનો સમય અને આર્થિક મદદ કોઈ પણ જાતની અપેક્ષા વગર જ્યારે કરી રહ્યા હોય ત્યારે એ કહેવત યાદ આવ્યા વગર ના રહે “ જનની જણ તો કા દાતા કા સૂર નહિતો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર” આ ઉક્તી ને શ્રી લવજીભાઈ પ્રજાપતિ એ પોતાના કાર્યો થકી દાતા અને સૂર બની સાર્થક કરી બતાવી છે.દોમ દોમ સાયબી ના માલિક એવા શ્રી લવજીભાઈ ધારે તો સુરતમાં આરામની જિંદગી વિતાવી શકે અને તેમને બીજુ કશુ જ કરવાની જરૂર નથી એટલુ કુદરતે તેમને છૂટા હાથે આપ્યુ છે,પણ મારે સમાજ માટે, મારા વતન માટે કંઈક કરવુ છે તેવી ઉમદા વિચારના માલિક શ્રી લવજીભાઈને જંપ ક્યાથી વળે અને પોતાનો ધંધો પોતાના પુત્ર મનોજભાઈને સોંપી ને પોતે આવી પહોંચ્યા પોતાના વતન કોદરામ મુકામે હદય મા કેટલાય ગામ વિકાસના અરમાનો લઈને અને શરૂ કર્યા પોતાના થી બનતા પ્રયત્નો.
મહત્વની વાત એ છે કે પોતે પોતાનો કિમતી સમય આપીને ગામલોકોને ગ્રામ્ય વિકાસ માટે સમજાવવાના પ્રયત્નો કર્યા અને અડચણો આવી કારણ કે સારા કાર્યો કરવા જઈએ તો અનેક વિઘ્નો આવે કારણ કે ગામ હોય તેમાં જુદી જુદી માનસિકતા ધરાવતા લોકો હોય અને દરેકની સમજ સરખી ના હોય અને દરેક મા દિર્ઘદ્રષ્ટિ ના પણ હોય અનેક વિરોધો વચ્ચે મક્કમ મનોબળના વ્યક્તિ શ્રી લવજીભાઈએ ધિરે ધિરે લોકોને સમજાવવાનું ચાલુ રાખ્યુ,અળખા પણ થયા પણ જેને કંઈક સારુ કરવુ છે,જેની ભાવના સારી છે તેને કુદરત પણ મદદ કરતી હોય છે,તેમ લવજીભાઈએ લોકોને મનાવી,કોઈને બે કડવા વેણ કહેવા પડે તો કહીને પણ નાસીપાસ થયા વગર પોતાનુ કાર્ય ચાલુ રાખ્યુ કારણ કે તેમને તો મનમાં હતુ કે મારી પણ સમાજ પ્રત્યે ,ગામ પ્રત્યે કોઈ જવાબદારી છે અને મારે સમાજ માટે વતન માટે કંઈક કરવુ જોઈએ.આ વિચાર લઈને તેમને કોદરામ માં આવેલ મહાદેવ,ચામુંડામાતા અને હનુમાન દાદા ના વિશાળ પટાંગણ માં આવેલ મંદિર નું રીનોવેશન નું કામ ચાલુ કર્યુ.આ સંકુલ મા નરસંગપુરી મહારાજ જેમણે જીવતે સમાધી લીધેલ તેમનુ સમાધી સ્થળ અને ગુરૂ ની ગાદી પણ આવેલ છે.લગ્ન બાદ મીંઢળ છોડવા ગ્રામજનો આ મંદિરે આવે છે.રીનોવેશન બાદ હાલ આ સ્થળ બહુ જ નયનરમ્ય લાગી રહ્યુ છે.આ ઉપરાંત ગામ મા આવેલ ગોગ મહારાજ ની જગ્યાએ,સ્મશાનગ્રુહની જગ્યા,બ્રહ્માણીમાતા મંદિર,વિર મહારાજ ,પોતે ભણ્યા હતા તે પ્રાથમિક શાળા વગેરે જગ્યાઓએ રીનોવેશન કરાવી તેમજ અમુક જગ્યાએ તો મુખ્ય દાતા બની પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી પ્રેરણાદાયી કાર્યો પોતાના ગામ માટે કર્યા છે કરતા રહે છે.ધાર્મિક વ્રુતિ ધરાવતા શ્રી લવજીભાઈએ આજસુધી આ કાર્યો માટે પોતાનો સમયનો ભોગ તો આપ્યો જ છે સાથે આ કામ માટે રૂ.૨૫,૦૦,૦૦૦ જેવુ માતબર દાન પણ છૂટા હાથે આપ્યુ છે.આ તો થઈ તેમના ગામની વાત આ ઉપરાંત સુરતમાં પણ તેઓ માનવ સેવા સંઘ નામે સેવાકીય પ્રવ્રુતિઓ કરે છે અને પોતાનો ફાળો આપતા રહે છે.
આપે આપના કાર્યો થકી વડગામ તાલુકાના અનેક મહનુભાવો અને દાતઓની જેમ અમૂલ્ય યોગદાન આપી વડગામ તાલુકાનું નામ રોશન કરવામા યથાયોગ્ય ફાળો આપ્યો છે.આપ આવા નેક કાર્યો કરતા રહો અને પરમાત્મા આપને સ્વસ્થ રાખી દિર્ધાયુ બક્ષે તેવી વડગામ તાલુકાના લોકો વતી અભ્યર્થના…
Click Here for More Photographs
નોંધ:-
મારી સુરત મુલાકાત વખતે સુરત માનવસેવા સંસ્થા ધ્વારા ચાલતી છાંયડો સંસ્થાની મુલાકાતનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
very nice .i like this pageinfo