આપણા તિર્થસ્થળો, શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

સુપ્રસિધ્ધ શ્રી મણિભદ્રવીર……..

વર્તમાન વડગામ તાલુકા ના મગરવાડા નુ નામ બોલાય અને તેની સાથે જ ચિત્ત મા એક જ નામનો ઝબકારો  થાય તે નામ એટલે યક્ષાધિરાજ દાદા મણિભદ્રવીર. શ્રી મણિભદ્રવીર ના ત્રણ પ્રસિધ્ધ સ્થાનકો પૈકી એક સ્થાન મગરવાડા ગામ માં  છે. આ સ્થાનક આજુ બાજુ પંથક ના હજારો લોકો માટે એક માત્ર આશ્રયસ્થાન છે.શ્રધ્ધા અને આસ્થાપૂર્વક દાદા ના શરણે જનાર વ્યક્તિ અનેકવિધ ઉપાધીઓ થી મુકત થાય છે.પ્રવાસન વર્ષ દરમિયાન પર્યટક સ્થળ તરીકે પસંદગી પામેલ શ્રી મગરવાડા તીર્થ નો મહિમા અનેરો છે. શ્રી મણિભદ્રવીર દાદા પોતાના ભાવિક ભક્તો થકી જગ પ્રસિદ્ધ  છે. દાદા ની ખ્યાતિ ની સુવાસ અત્ર, તત્ર ,સર્વત્ર –ચોમેર ફેલાયેલી છે.

શ્રી મણિભદ્રવીર દાદા ની ખ્યાતિ નો એક અંદાજ મેળવવો હોય તો મગરવાડા તીર્થ માં  દર મહિના ની શુકલ પક્ષ ની પાંચમે ભરાતા મેળાનો લ્હાવો લેવા જેવો છે. આ મેળા માં  ઉમટતો વિશાળ માનવ મહેરામણ દાદા ની ખ્યાતિ નો પુરાવો છે. અહી દર સુદ પાંચમે આજુ બાજુ ના ગામો ઉપરાંત અમદાવાદ,વડોદરા ,સુરત ,નવસારી ,મુબઈ ,ચેન્નાઈ જેવા દુર ના શહેરો માંથી ભક્તિભાવપુર્વક ૨૫ થી ૩૦ હજાર ની સંખ્યા મા જૈન –જૈનેતર ભક્તો ઉમટી પડે છે , અને દાદા ના સ્થાન મા આવી દર્શન પૂજા અર્ચના કરી ,પ્રસાદ ચઢાવી કૃતાર્થ  થાય છે.

અહી દર સુદ પાંચમે આટલી વિશાળ જન મેદની ઉમટી હોવા છતા કોઈ પણ જાત ની અવ્યવસ્થા સર્જાતી નથી જેનો શ્રેય શ્રી જૈન મણિભદ્રવીર દેરાસર ધર્મશાળા ના ગાદીપતિ શ્રી વિજય સોમજી મહારાજ અને તેમના શુભેચ્છક સહયોગીઓના ફાળે જાય છે.

એક ઈતિહાસ મુજબ,વીર વિક્રમ ની સોળમી શતાબ્ધી માં મગરવાડા પંથક માં  તત્કાલીન પ્રભાવશાળી સિધ્ધાત્મા આચાર્ય શ્રી હેમવિમલ સૂરીશ્વરજી મ.સા. ના વરદ હસ્તે રાયણ ના વ્રુક્ષ તળે પિંડ સ્વરૂપે સ્થાપના થયા પછી સદાય જાગ્રુત એવા શ્રી મણિભદ્રવીર દાદા ની અવિરત કૃપા  તમામ આસ્થાળુઓ પર વરસી રહી છે. શુકલ પક્ષ ની પાંચમ ઉપરાંત આઠમ અને ચૌદસ જેવી તીથિઓ તેમજ રવિવાર,મંગળવાર અને ગુરૂવાર જેવા દિવસો એ અહી વિવિધ જાતિ ના લોકો સંઘો,મંડળીઓ તથા પરિવારજનો આવીને દાદાની ભાવથી ભક્તિ કરે છે ,દર્શન કરે છે.

ઉત્તર ગુજરાતની ઘણી જ્ઞ્યાતિઓના લોકો દાદા ના સ્થાનક મા વિવિધ પ્રકાર ની માનતા માની તેને પૂર્ણ કરે છે.મોદી,કોઠારી,ભણશાળી,શાહ,પરિખ,ધાણધાર અને નાયી સમાજ ના લોકો અહી વર્ષો થી ,પરપરાગત રીતે કંદોરા ની માનતા માની તે માનતા પૂર્ણ કરે છે .કેટલીક જ્ઞ્યાતિઓમા તો આ બાબતે એવી પણ માન્યતા પ્રવર્તે છે કે ,જેની કંદોરા ની બાધા પુરી ન થઈ હોય તે વ્યક્તિ કમરે પટ્ટો પહેરી શક્તી નથી કે લગ્ન પણ કરે શક્તી નથી. ચૌધરી સમાજ ના લોકો તો બાબરી ની વિધી કરવા માટે પણ મગરવાડા તીર્થ  ખાતે આવે છે. જ્યારે ગામની દરેક જ્ઞ્યાતિના લોકો વિવાહ પ્રસગે દાદા ના આશિર્વાદ મેળવવા કે લગ્ન પછી દાદા ને પગે લાગવા આવે છે તો કેટલીક જ્ઞ્યાતિઓ લગ્ન બંધને  બંધાતા  છેડા-છેડી છોડવા પણ અહીં  આવે છે. અહીં  મણિભદ્રવીર દાદા નો જબરજસ્ત પ્રભાવ પણ એવો છે કે ,કોઈ પણ જ્ઞ્યાતિ ની જાન જો મગરવાડા ની સીમ માથી પસાર થાય તો તે જ્ઞ્યાતિ ના લોકો એ વિશિષ્ટ થાળી તૈયાર કરી દાદા ને નૈવેધ સ્વરૂપે ચઢાવવી પડે છે.એક માન્યતા એવી પણ છે કે ,જો આમા ચુક થાય તો વિઘ્ન પણ આવે છે.

આહી આસો સુદ પાંચમ ના દિવસે જગત ના તાત સમા ધરતીપુત્રો પણ અપાર શ્રધ્ધા થી પોતાના પરિવાર , વ્યવ્સાય તથા ઢોરઢાંખર ની સલામતી અને વૃધ્ધિ માટે ઘી ચઢાવવા આવે છે.

હજારો જૈન –જૈનેતર ભક્તોમા તારણહાર તરીકે ખ્યાતનામ થયેલા શ્રી મણિભદ્રવીર દાદા આ પંથક મા “શ્રી મગરવાડીયા વીર “ તરીકે પ્રસિધ્ધ છે. દાદા નુ સ્થાનક સૌથી પ્રાચીન સ્થાન ગણાય છે. શ્રી મણિભદ્રવીર દાદા ના સૌ પ્રથમ પ્રાગટ્ય ની ઘટના આ સ્થાને સાકાર  થઈ હતી.

શ્રી મણિભદ્રવીરદાદા ના પુર્વ જન્મ ના સક્ષિપ્ત અંશો જોઈએ તો તેમનુ નામ શ્રી માણેક શાહ હતુ.જ્યારે તેમના પિતાનુ નામ શ્રી ધર્મપ્રિય અને માતાનુ નામ શ્રી જિનપ્રિયા હતુ.તેમનો જન્મ ભૈરવ ગઢ ,ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ખાતે થયો હતો.તેમની પત્નિ નુ નામ આનદરતિ હતુ.જ્યારે તેમના ગુરૂ નુ નામ આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ હતુ.શ્રી મણિભદ્રવીર દાદાના જીવન ને સીધી રીતે સ્પર્શતી ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ ને અનુલક્ષી ને દાદા ના ત્રણ સ્થાનકો પહત્વપૂર્ણ ઘણાય છે.જેમા પ્રથમ છે ,મધ્યપ્રદેશ ની ઉજ્જૈન નગરી.અહી વીરદાદા પોતાના પુર્વભાગ મા મનુષ્યરૂપે જન્મયા હતા એટલે અહી વિશાળ વટવ્રુક્ષ નીચે રહેલા સુન્દર સ્થાનક મા દાદા નુ મસ્તક પુજાય છે.ગુજરાત મા વિજાપુર પાસે આવેલા આગલોડ નામના ગામ મા રહેલા વડ નીચે નિર્માણ પામેલા વિકસિત સ્થાન મા મણિભદ્રવીરદાદા  નુ ધડ પૂજાય છે.

જ્યારે મગરવાડા મા દાદા ની પિંડીઓનુ પૂજન થાય છે.અંતિમ સપ્ત વર્ષ થી શ્રી વિજય સોમજી મહારાજ ગાદિપતિ તરીકે શ્રી મગરવાડા તીર્થ મા બિરાજ્માન છે અને વિકાસધુરા સભાળી રહ્યા છે.

સંપાદક :- સૈયદ શરીફ ચશ્માવાલા (વડગામ ગાઈડ પુસ્તક માંથી સાભાર)

ફોટોગ્રાફ્સ:- નિતિન પટેલ (વડગામ)

મગરવાડા મણિભદ્રવીર વિશે વધુ જાણવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.

મણિભદ્રવીરનું અસલ સ્થાનક : મગરવાડા