મણિભદ્રવીરનું અસલ સ્થાનક : મગરવાડા.
(આ માહિતી સ્વરાજ્યના તીર્થ મહિમા વિશેષાંક (દિપોત્સવી અંક-૨૦૦૭) માંથી સાભાર લઈને અહીં લખવામાં આવી છે.આ લેખના મૂળ લેખક પાલનપુરના શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા છે.મગરવાડાના મણિભદ્રવીર વિશેનો આ બીજો લેખ છે,આ અગાઉ પ્રથમ લેખ સુપ્રસિધ્ધ શ્રી મણિભદ્રવીર…….. મુકવામા આવ્યો હતો જે અહી ક્લિક કરીને વાંચી શકો છો.)
ધારેલું સહુ કામ સિધ્ધ કરવા,
છો દેવ સાચા તમે,
ને વિઘ્નો સઘળા વિનાશ કરવા,
છો શક્તિશાળી તમે,
સેવે જે ચરણો ખરા હદયથી,
તેને ઉપાધી નથી,
એવા શ્રી મણિભદ્ર દેવ તમને,
વંદું ઘણા ભાવથી.
વિઘ્નોનો વિનાશ કરવા અને ઉપાધિઓ ટાળવા મટે શ્રધ્ધાળુઓ જેના ખરા ભાવથી દર્શન કરી મનથી સંતોષ મેળવે છે તે શ્રી મણિભદ્રવીરનું અસલ સ્થાન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલું મગરવાડા ગામ આજે ભવ્ય તીર્થસ્થાન બની ગયું છે.
મણિભદ્ર વિ.સં.ના પંદરમાં સૈકામાં માણેકશાહ નામે ઉજ્જેન નગરીમાં તપાગચ્છ ઓસવાળ જૈન જ્ઞ્યાતિમાં ધર્મપ્રિય શાહની પત્ની જિનપ્રિયાના કુખે જન્મ્યા.નાની ઉંમરે પિતાનું મૃત્યુ થતાં,માતાએ ધર્મ અને વ્યવહારિક જ્ઞ્યાન આપી તેમના પિતા જેવા જ શાહ સોદાગર બનાવ્યા અને પુખ્ત થતાં ધરાનગરીના જગમશહુર ભીમશેઠની આનંદરિત નામે કન્યા સાથે લગ્ન કરાવ્યાં.
જૈન ધર્મમાં મૂર્તિપૂજા કરવી કે નહિ એ વિશે માણેકશાહના મનમાં દ્રિધા ઉભી થતાં,તે સમયે ઉજ્જૈન પધારેલ પૂ. આણંદવિમલસૂરિજી મહારાજ સાહેબની શાખના આચાર્ય પૂ. હેમવિમલ સૂરિજી પાસેથી એમને શંકાનું સમાધાન મળતાં તેમને ગુરૂ તરીકે સ્વીકારી મહા સુદ ૫ ના દિવસે સમક્તિ મૂલ બારે વ્રતો ઉચ્ચાર્યા.સંઘમાં લહાણી કરી.દીન દુ:ખિયાને અનુકંપા દાન કર્યુ. હંમેશા અષ્ટપ્રકારી પૂજા શરૂ કરી.
ધર્મ અને ધંધામાં ઓતપ્રોત બનેલા માણેકશાહને એકવાર વેપારના કામે આગ્રા જવાનું થયું.ત્યાં ગુરૂ મહારાજ પૂ. હેમવિમલ સૂરિજી ચાતુર્માસ બિરાજમાન હતા.આ જાણીને મુનિમને ધંધો સોંપી દઈ માણેકશાહ ધર્મ ક્રિયામા લાગી ગયા.
ગુરૂદેવના મુખેથી શ્રી શત્રુંજય મહાત્મય ગ્રંથના વાચન દ્વારા માણેકશાહે જાણ્યું કે શત્રુંજય તીર્થની છ’રી પાળતા (પગે ચાલતા) જે કરે ,ત્યાં જઈ નવ્વાણું યાત્રા કરે,ચૌવિહારો છઠ્ઠ રાયણ વૃક્ષ નીચે ધ્યાન ધરે અને રાયણમાંથી તેના પર દૂધ ઝરે તે મનુષ્ય ભવ પરિમિત બને.
માણેકશાહે આ સાંભળી આવું કઠીન તપ પાળવાનો નિર્ણય કર્યો અને ગુરૂના આશિર્વાદ લઈને આગ્રાથી ચાલતા (છ’રી પાળતા) શત્રુંજય-પાલિતાણાની આસો સુદ ૫ ના દિવસે યાત્રાની પ્રતિજ્ઞ્યા લીધી અને કાર્તકી પૂર્ણિમા પછી નવકાર મંત્રનું સ્મરણ કરતાં તેનો આરંભ કર્યો.
આગ્રાથી છ’રી પાળતા ચાલતા માણેકશાહ ગુજરાતમાં પ્રવેશી પાલનપુર નજીક મગરવાડા ગામની બાજુમાં તે સમયે જંગલ હતું ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ડાકુ ટોળીએ ત્રાડ પાડી તેમને રોક્યા. માણેકશાહ નવકાર મંત્રના રટણમાં અને શત્રુંજય યાત્રાની ધૂનમાં હતા એટલે એમણે ધ્યાન ન આપતાં આ વાણિયા પાસે કિંમતી માલ હશે તેમ માનીને ડાકુઓ તેના પર તૂટી પડ્યા અને રસ્તો રોકી તલવારના ઝાટકે માણેકશાહના મસ્તક,પગ અને ધડ જુદાં કરી નાખ્યાં.
આવો હિચકારો હુમલો થયા છતાં,માણેકશાહ એમના ધ્યાનમાં જરાય ચલિત થયા નહિ.શત્રુંજય ધ્યાનના પ્રભાવથી માણેકશાહ મ્રુત્યુ પામી મણિભદ્રદેવ-યક્ષોના ઇંન્દ્ર તરીકે દેવ થયા.
આ પછી,એમના ગુરૂના સાધુઓ ઉપર ઉપદ્રવ થવા લાગ્યો એ જોઈને ગુરૂ મંત્રના ધ્યાનમાં બેઠા.ત્યારે અધિષ્ઠાયક દેવની વાણી સંભળાયી અને મગરવાડા જઈને ધ્યાનમાં બેસવાથી આ ઉપદ્રવ દૂર થશે તેવું તે વાણી દ્વારા જણાવતાં ગુરૂ હેમવિમલ સૂરિજી મગરવાડા આવી ધ્યાનમાં બેઠા.આ હકીકતની મણિભદ્રવીરને જાણ થતાં તેમણે ગુરૂ પ્રત્યે ઉપદ્રવ કરનારા ભૈરવોને પોતાના શક્તિ બળથી વશ કર્યા અને પોતાના ગુરૂને દર્શન દઈ વિનંતી કરી કે,અહીં મગરવાડા ગામમાં મારા પગ પડ્યા છે,એ જગ્યાએ પગની પિંડીની તમારા શુભ હસ્તે સ્થાપના કરો જેથી સ્થાનનો અને જૈન ધર્મનો પ્રભાવ રહેશે.
આથી જૈનાચાર્ય પૂ. હેમવિમલસૂરિજીએ મહા સુદ પાંચમના શુભ મુહૂર્તે મણિભદ્રદેવના પગની પિંડી આકારની ધામધૂમથી મગરવાડા ગામે સ્થાપના કરી.
મણિભદ્રદેવના ત્રણ સ્થાનકો છે.ઉજ્જૈનમાં જન્મ છે ત્યાં મસ્તક પૂજાય છે.આગલોડમાં ધડ પૂજાય છે.મગરવાડામાં પિંડી પૂજાય છે.ડાકુઓની તલવારથી માણેકશાહના શરીરના જે ત્રણ ભાગ પડ્યા તે આ સ્થાને પડ્યા હોવાનું મનાય છે.દર સુદ પાંચમે વિશાળ સંખ્યામાં જૈન-જૈનેતરો અહીં આવે છે.અહીં ભાવથી સુખડી ધરે છે.આસો સુદ પાંચમે વિશાળ ભાવિકોની હાજરીમાં અહીં યજ્ઞ થાય છે.
મણિભદ્રવીરની આરતી,છંદ,સાખી ભાવિકો ભક્તિ ભાવથી ગાય છે.આવી સાખી-છંદમાં ઘણી જગ્યાએ મગરવાડાનો ઉલ્લેખ છે :
મણિભદ્રજી મગરવાડ મેં,
સબ મુલકાં ચાવા….
વિશ્વ લોકમેં હે ઉપકારી,
મુનીજન રાજકું મન ભાવા.
મગરવાડાના આ મણિભદ્રવીરના સ્થાનકે શ્રધ્ધાળુ જૈન-જૈનેતરો પોતાની બાધા,માનતા,આખડીઓ શ્રધ્ધા ફળતી જોઈ રહ્યા છે.અહીં ધર્મશાળા,ભોજનશાળા તેમજ સુખડી ધરાવવાની વ્યવસ્થા છે.
મગરવાડા પાલનપુરથી ૧૫ કિ.મી,વાયા વડગામ થઈને ૧૮ કિ.મી.,છાપી થી ૧૦ કિ.મી.અને વડગામ થી ૩ કી.મી.ના અંતરે આવેલુ છે.
many many thanx 4 this information !! jay vir maharaj !!