ગામડાઓ નો પરિચય

જલોત્રા….

પાલનપુર – દાંતા રોડ પર આશરે ચૌદેક કિલોમીટર ના અંતરે પૂર્વ દિશામા વસેલુ જલોત્રા ગામ દક્ષિણ દિશામા મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતુ હોવા છતા પ્રગતિશીલ રહ્યુ છે. આ ગામ માં  મુખત્વે ચૌધરી પટેલોની વસ્તી છે, ઉપરાંત બ્રાહ્મણ, ઠાકોર ,રાવળ, જૈન અને સોની તથા અન્ય ઇત્તરકોમો પણ ગામ મા વસે છે.વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો જલોત્રા ગામ ની વસ્તી અંદાજે  ૮ થી ૯ હજાર ની હશે.મધ્યકાળથી આ ગામ પોતાની આગવી પ્રતિભા ધરાવે છે. આ ગામ ના લોકો એ મુખત્વે ખેતી,સહકારી અને શેક્ષણિક ક્ષેત્ર માં  વિશેષ યોગદાન આપ્યુ છે.

જલોત્રા ગામ ની પૂર્વ મા થૂર – કરનાળા, ઉત્તર માં  ધાણધા, પશ્વિમે  ગોળા અને દક્ષિણે વણસોલ – ઘોડીયાલ ગામો આવેલા છે. આ બધા ગામો ના કેન્દ્ર સ્થાને જલોત્રા ગામ આવેલુ હોઈ જલોત્રા વેપાર નું  મુખ્ય કેન્દ્ર બનેલ છે.

જલોત્રા ગામ ની વાત કરતા હોઈએ ત્યારે આ ગામ ના ફલજીભાઈ ડોસજીભાઈ પટેલ ને યાદ કરવા જ પડે એવુ તેઓનું  વ્યક્તિત્વ હતુ, ફલજીભાઈ પટેલ સને ૧૯૬૭ થી ૧૯૭૧ માં  મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં  ધારાસભ્ય હતા.સને ૧૯૧૩ માં  જલોત્રા ગામે જન્મેલા ફલજીભાઈ એ પ્રાથમિક શિક્ષણ ગામ ની ગામઠી શાળા માં જ મેળવ્યુ હતુ. ધોરણ-૪ સુધીનો અભ્યાસ કરનાર પરંતુ અનુભવે ખૂબ્ પહોંચેલા ફલજીભાઈને યુવાવસ્થા થી જ સમાજસેવા ,ખેતી અને ખેડૂતોના હિતની ચિંતા રહેતી હતી. સંજોગોવસાત તેઓ વધુ ભણી શક્યા ન હતા.પરંતુ તેઓએ સહકારી,શેક્ષણિક ક્ષેત્રે મહત્વનુ યોગદાન આપી આવનારી પેઢીઓ માટે પ્રગતિનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

ફલજીભાઈ પટેલ જિલ્લા સંઘની સ્થાપના સાથે સ્થાપક સભ્ય બન્યા હતા તો પાલનપુર માર્કેટયાર્ડમાં   પણ તેઓ ચાર્ટડ મેમ્બર હતા.તેઓ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે સરકાર માં  ધારદાર રજૂઆતો કરી ખેડૂતોની પોતાની માલિકીના સર્વે નંબરો માં  ઉભેલા વ્રુક્ષો ની સરકારી માલિકી રદ કરાવી ખેડૂતોને વ્રુક્ષોના માલિક બનાવ્યા હતા. આખાબોલા અને સતવચન સાથે ચાલનારા ફલજીભાઈ પોતાના આવા સ્વભાવ ના કારણે લોકો માં  અળખામણા થતા પણ સૌને સાથે લઈને ચાલતા હોઈ તેઓની સામે બોલવાની કોઈ હિમંત ન કરતુ. પાલણપુર સ્ટેટ માં  નવાબ ના શાસન વખતે ફલજીભાઈને માનની દ્રષ્ટિએ જોવાતા.પાલનપુર માર્કેટયાર્ડના ચાલુ વહીવટ દરમિયાન સને ૧૯૭૫ માં  તેઓનો સ્વર્ગવાસ થયો હતો. આજે લોકો તેઓએને “ફલુભા” ના હુલામણા નામે પ્રેમેથી યાદ કરે છે.

આ જલોત્રા ગામ વરી – કમોદ અને શેરડીના ઉત્પાદન માટે પણ એક જમાનામાં  ખૂબ જાણીતુ હતુ. આ ગામ ના એક “રતન ફઈ” ની કથા પણ જૂના લોકો માં  મશહૂર છે. આ રતન ફઈ દૈવી શક્તિ ધરાવતા હોઈ તેની અદેખાઈમાં  તેમને તેમના ભાભીઓએ ખૂબ હેરાન કર્યા હતા. પરંતુ દૈવી શક્તિના પ્રતાપે તેઓ દરેક મુશ્કેલીમાંથી બહાર આવી જતા હતા. રતનફઈ એ આ બધી બાબતો થી કંટાળીને સતી થવાનો નિર્યણ લીધો હતો. ફલજીભાઈ પટેલ ના મોટા ભા (મોટા દાદા) ગમાનભાઈ પટેલે તેમને ઘણુ સમજાવ્યા છંતા તેઓ સતી થઈ ગયા હતા અને જતા જતા તેમને “સદાય તમારી ચડતી થજો” એવા આશિર્વાદ પણ આપ્યા હતા.આબુરોડથી અણાદરા થઈ કરોંઠી થઈને જવાય છે,ત્યા આજે આ “રતનફઈ” અરજ્ણી માતા તરીકે પૂજાય છે.ગામ માં  આજે પણ “રતનફઈ” ની સમાધીનું  સ્થળ હયાત છે, અહી ચૌધરી પટેલ સમાજના લોકોની સાથે અન્ય જ્ઞ્યાતિ ના લોકો પણ શ્રધાપૂર્વક દર્શાનાથે  આવે છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)