જનરલ માહિતી

વડગામ મહાલમાં સહકારી માળખાનો ઉત્તમ નમુનો – છાપી નાગરિક બેંક…..

www.vadgam.com

[પ્રસ્તુત લેખ “વડગામ ગાઈડ” પુસ્તક માંથી સાભાર લેવામાં આવ્યો છે.આ લેખ આ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ સંપાદક શ્રી સૈયદ શરીફભાઈ ચશ્માવાલા નો આભાર. પુસ્તક પ્રાપ્તિ ની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

બનાસકાંઠા જિલ્લાના વર્તમાન વડગામ તાલુકાના છાપી ગામે સને ૧૯૬૯-૭૦માં તદ્દન નાના પાયે શરૂ થયેલી છાપી નાગરિક સહકારી બેંક આજે આપણી સામે વટવ્રુક્ષ બનીને ઉભી છે.જેનો શ્રેય બેંકના પાયાના શિલ્પીઓને જાય છે.સને ૧૯૬૫-૬૬ની સાલમાં ફક્ત ત્રણેક હજારની વસ્તી ધરાવતું છાપી જિલ્લાનું અગ્રગણ્ય વેપારી હતું.અહીંના વેપારીઓ પોતાનો માલ મહેસાણા,સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં મોકલતા હતા.જ્યારે છાપીમાં પણ લોકો દુર દુર થી વ્યાજબી ભાવે માલની ખરીદી કરવા આવતા હતા.એ સમયે છાપીમાં શરાફી પેઢીઓ અસ્તિત્વમાં હતી.આ પેઢીઓ લોકોની બચત જમા કરતી અને જરૂરતમંદ વેપારીઓને ઉંચા માર્જિન થી તેનું ધિરાણ કરતી.તદઉપરાંત છાપીમાં એ સમયે ખાનગીમાં ધિરાણ કરનાર શાહુકારો પણ પગદંડો જમાવી બેઠા હતા.આ શરાફી પેઢીઓ અને શાહુકારોના શોષણથી ત્રાસેલા લોકોએ એ જમાનાના સમાજ સેવકો ડૉ. શ્રી ચંદ્રદત મણીલાલ જાની (કટારી),અને બાબુલાલ કે દોશી જેવા સહદયી માનવીઓને મળીને પોતાને આ શોષણગીરીમાંથી મુક્ત કરાવવા વિનંતી કરતા.લોકોનું હિત આરંભથી જ જોનારા આ સમાજ સેવકોનું દિલ આ વિનંતી સાંભળી ભરાઈ આવ્યું અને શરાફી પેઢીઓ અને શાહુકારોની ચુંગાલમાંથી વેપારીઓ અને આમ લોકોને છોડાવવા આ બંને સમાજ સેવકોને એક સંસ્થા ઉભી કરવાનો વિચાર આવ્યો.આ સંસ્થા એટલે આજની ધી છાપી નાગરિક સહકારી બેંક લિ.

બેંકના તત્કાલીન ચેરમેન અને પાયાના શિલ્પી સ્વ.શ્રી બાબુલાલ કે દોશીએ એમના એક લેખમાં નોંધ્યું છે કે,”નાગરિક શરાફી સહકારી મંડળીની રચના માટે રૂ. ૨૫/- નો એક એવા શેર લઈ સભાસદ બનાવવાનું નક્કી કરાયું.અમારી શુભ શરૂઆત ૯૧ સભ્યોથી મે.રજીસ્ટ્રાર સાહેબ પાસે નોંધાવી અને ૮ જણના બનેલા સંચાલક મંડળને ખભે વહીવટી જવાબદારી સોંપી.”

આ સંચાલકોમાં શ્રી ડૉ.ચંદ્રદત્ત જાની (કટારી),શ્રી બાબુલાલ કે.દોશી,શ્રી લલ્લુભાઈ અંબારામ મોદી,શ્રી ગફુરભાઈ વાલચંદ શાહ,શ્રી ઇસ્માઇલ નુરમહંમદ કડીવાલ,શ્રી મહેમુદભાઈ દોસ્તમહંમદ નેદરિયા,શ્રી સોમાભાઈ કાળીદાસ મેવાડા,તથા શ્રી માનજીભાઈ ફતાભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ પ્રથમ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ.ચંદ્રદત્ત જાની(કટારી) અને મંત્રી તરીકે શ્રી જેઠાભાઈ ગોદડભાઈ પટેલ (મજાદર વાળા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી અને આ સંચાલકોની શુભ નિષ્ટાને લઈ બેંકે શરૂઆતથી જ પ્રગતિના સોપાન સર કરવા માંડ્યા.

પરંતુ જેમ કોઈપણ સફળ વ્યક્તિ કે સફળ સંસ્થાના હરીફો હોય તેમ છાપી નાગરિક બેંકની શરૂઆત કેટલાક હરીફોને આંખમા કણાની જેમ ખૂંચવા માંડી.અરે, આ હરિફોએ તો બેંકને નાટક મંડળી ગણીને મજાક પણ ઉડાવી હતી.પરંતુ સફળ થવાન મક્કમ નિર્ધાર સાથે મેદાને પડેલા આ સંચાલકોએ આવી ક્ષુલ્લક મજાકો પરત્વે ધ્યાન આપવાના બદલે બેંકની પ્રગતિ કઈ રીતે કરી શકાય એ બાબતનું જ ધ્યાન રાખવા લાગ્યા.

આ બેંકના સંચાલકો બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક માંથી ધિરાણ મેળવી વેપારીઓને ધીરતા અને સાથે સાથે શેર ભંડોળ પણ વધારતા ગયા.પરંતુ આમા મુશ્કેલી એ હતી કે,દર વર્ષે ધિરાણ આપીને વળી વસુલ કરીને ફરી ધીરવું પડતું.આમ તો સંસ્થા અને વેપારનો વિકાસ ન થઈ શકે એવું સંચાલક મંડળને જણાતા તેઓએ સંસ્થાની ઓફિસ અને પૂર્ણ સમયના મંત્રી માટે નજર દોડાવી.સને ૧૯૬૬-૬૭માં આ નિર્ણય લેવાયો અને એ જ અરસામાં ઓફિસ ભાડે રાખવામાં આવી.આ સંજોગોમાં બેંકના મંત્રી શ્રી જેઠાભાઈ પટેલ બિમાર પડ્યા અને શ્રી રતુભાઈ એસ.પટેલ  એ વખતે બેંકને મેનેજર તરીકે મળ્યા અને તેમણે તા.૦૧.૦૪.૬૯ થી પોતાનો પદભાર સંભાળ્યો.

શ્રી રતુભાઈ પટેલના સંસ્થામા આગમન બાદ સંસ્થાને બેંકમાં તબદીલ કરવા માટે શેર ભંડોળ વધારવાનું કામ દિવસ-રાત શરૂ કર્યુ. પરિણામ સ્વરૂપ શ્રી રતુભાઈ પટેલની જહેમત,ઉત્સાહ અને કાર્યદક્ષતાથી બેંકના લક્ષ્યાંકો પાર પાડી શકાયા.જેના પરિણામે મંડળીની દરખાસ્તને તા.૦૧.૦૧.૭૦ના રોજ પરવાનગી મળી અને આ પરવાનગીને વધાવી લઈ બેંક શરૂ કરવામાં આવી.

આ માટે એ વખતના સહકારી અને રાજકીય અગ્રણીઓએ પોતાનો મહામૂલો ફાળો આપ્યો હતો.એ વખતે શ્રી શાંતિલાલ સ્વરૂપચંદ શાહ, તત્કાલીન બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સહકારથી છાપીમાં વિકાસ કાર્યોના ઉદઘાટનમાં માજી મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ આવ્યા ત્યારે એમની સાથે શ્રી બાબુભાઈ કે. દોશી એ વાત કરતાં તેઓશ્રીની સંપૂર્ણ મદદથી આ સંસ્થાને બેંકની મંજૂરી મળી હતી.જોગાનુજોગ શ્રી બાબુલાલ કે,દોશી એ વખતે છાપી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ સેવા આપી રહ્યા હતા.બેંકની મંજૂરી માટે બનાસ બેંકના અધિકારી મોહનભાઈ રાવલ,તત્કાલીન ચેરમેન શ્રી ઇશ્વરલાલ એમ.શાહ,વેપારી મંડળ બનાસકાંઠાના પ્રમુખ શ્રી ધુડાલાલ મંગળજીભાઈ મહેતાનો સાથ અને સહકાર બેંકને મળ્યો હતો.

છાપી નાગરિક બેંકની શુભ શરૂઆત ભાડાના મકાનમાં તા.૧૯.૦૨.૧૯૭૦થી ડૉ.ચંદ્રદત્ત મણીલાલ જાની (કટારી)ના પ્રમુખપદ હેઠળ અન્ય ૧૦ સભ્યોની કારોબારી બનાવીને કરવામાં આવી.આમ શરૂઆતમાં ૧૬૯ સભાસદોથી શરૂ થયેલી છાપી નાગરિક બેંક આજે વિશાળ વટવ્રુક્ષ બનીને આપણી સામે ઉભી છે.

આજે બેંક પ્રગતિના સોપાનો સર કરી રહી છે.વર્ષ ૨૦૦૮ના આંકડા મુજબ બેંકની કુલ થાપણો રૂ.૨૫,૧૧,૭૨,૮૦૩/-ની હતી,જ્યારે કુલ ધિરાણ રૂ.૧૦,૬૭,૮૩,૯૨૫/- નું હતું. રિઝર્વ બેંકે છાપી નાગરિક બેંકનો માન્ય કરેલ ગ્રેડ “અ” છે.જે બેંકની પ્રગતિમાં યશકલગી સમાન છે.બેંક તેના માજી હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર પ્રગતિ કરી છે તો તેના વર્તમાન હોદ્દેદારો પણ તેમના ખાતેદારોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

[પુસ્તક:-“વડગામ ગાઈડ”,પ્રકાશક-નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન,મોટા માળીવાસ,ફોફળીયા કૂવા,પાલનપુર-૩૮૫૦૦૧, મૂલ્ય- રૂ.૨૫૦/- મો.૯૮૭૯૫ ૮૯૪૯૨ ]