જનરલ માહિતી

રોજબરોજમાં ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક કેટલું હાનિકારક -એક અભ્યાસ.

[ પ્રસ્તુત લેખ સફારી નાં ફેબ્રુઆરી અંકમાં પ્રકાશિત અને ડી.એન.કૌશિક દ્વારા લિખિત લેખમાંથી આંકડાકિય આધાર લઈને થોડાક ફેરફાર સાથે જનજાગૃતિ હેતુ વડગામ.કોમ ઉપર સાભાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે.]

 

આપણે ત્યાં દૈનિક વપરાશ માં તેમજ અવસર પ્રસંગે પ્લાસ્ટિકનો આંધળો ઉપયોગ થતો હોય છે. એ પ્લાસ્ટિક નાં ઝભલા હોય, ચા-કોફીના કપ હોય, કે પછી સ્વાદિષ્ટ ભોજન જમવાની ડીશો હોય. સગવડતા અને સરળતા ને નામે સ્વાસ્થ્ય પ્રત્યે આંખ આડા કાન થઇ રહ્યા છે અથવા તો જનજાગૃતિ નો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

Plastic Chart

ચાર્ટમાં બતાવેલ પ્લાસ્ટિક ની વસ્તુઓ સામે લખેલા ૨,  ૪ અને ૫ નંબરનાં પ્લાસ્ટિક એકંદરે સલામતીભર્યા છે, પણ નંબર ૩,  ૬ અને  ૭ નાં નહિ. નંબર ૧  થોડું સલામતીભર્યું, છતાં શક્ય હોય ત્યાં સુધી એવી બોટલોનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. શરીરસ્વાસ્થ્ય માટે જોખમ એ કે પ્લાસ્ટિક બનાવતી વખતે તેમાં કેટલાક હાનીકારક સંયોજનોનો ભેગ કરેલો હોય છે.

વિવિધ જાતનાં પ્લાસ્ટિકનાં સારાં-નરસાં ગુણધર્મો દર્શાવવા તેમને એનાયત કરેલા ૧ થી ૭ નંબરો આરોગ્યની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવા લાયક છે. મિનરલ વોટર, સોફ્ટ ડ્રિન્ક્સ, ફ્રુટ જામ વગેરેની Polyethylene terephthalate / PET પ્લાસ્ટિક બોટલો (૧) સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, પણ જો સુર્યપ્રકાશમાં લાંબો સમય રાખો તો એસ્ટ્રોજેન હોર્મોનના અતિરેક જેવી અસર જન્માવતાં અનિચ્છનીય સંયોજનો પ્લાસ્ટિક માંથી નીકળી પાણીમાં ભળે છે. શેમ્પુ તથા કંડિશનર બોટલનું High Density Polyethylene/HDPE એટલે કે (૨) બિનજોખમી ગણાય છે, કેમ કે તેમાં ભેળવેલા પૂરક સયોજનનું નિષ્કર્ષણ / leaching થતું નથી.

એક જોખમી પ્લાસ્ટિક (૩) મુખત્વે પ્લમ્બિંગ માટે વપરાતું polyvinyl / PVC છે. વજન પ્રમાણે જોતા તેમાં ૫૭% ક્લોરિન છે. કુડાકચરા ભેગા તે પાઈપ ને બાળવામાં આવે ત્યારે મુક્ત થતું હળાહળ ઝેર શારીરિક વિકૃતિઓ જન્માવે છે. બૌદ્ધિક શક્તિનું તથા રોગ પ્રતિકારક શક્તિનું સ્તર પણ તે જરા નીચું લાવી દે છે. વિયેતનામનાં યુદ્ધ પછી ત્યાં એક જ આંખવાળા સાત આંગળીઓ ધરાવતાં અને બીજી રીતે પણ કુરૂપ મુખાકૃતીનાં જે બાળકો જન્મ્યાં તેમની એ હાલત માટે અમેરિકાએ ત્યાં વનરાજીના નાશ માટે ટનબંધ છાંટેલું ડાયોક્સિન કારણભૂત હતું.

મીતાક્ષરોમાં LDPE અને પૂરા નામે Low Density Polyethylene (4) નામનું થેલીનું પ્લાસ્ટિક તથા દવાની બોટલના ઢાંકણાનું અને બિસ્કીટનાં પેકિંગ માટેનું PP/Polypropylene પ્લાસ્ટિક ખાસ નુકશાનકર્તા ગણાતું નથી, પરંતુ Polystyrene અથવા તો વ્યાપારી નામે થર્મોકોલ (૬) ભારે કેન્સરકારક છે. આ સિવાય કેટલાક પ્લાસ્ટિક (૭) ત્રણ – ચાર પ્રકારનાં મિશ્રણરૂપે હોય છે, જેમનાથી (દાખલા તરીકે ચા-કોફીના કપથી) દૂર જ રહેવું જોઈએ.