Blog

વડગામ હવામાન સમાચાર – ૨૦૧૭

Labal-2

૧૬.૦૮.૨૦૧૭ [ ૦૬ .૩૦ PM ]

સરકારી આંકડા પ્રમાણે વડગામ પંથકમાં ગત વર્ષે આ સમયે એટલે કે ૧૬ ઑગષ્ટ,૨૦૧૬ સુધી કુલ ૨૭૪ મી.મી (૧૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો જે વડગામ તાલુકાના એવરેજ વરસાદના ૩૮% જેટલો હતો જેની સરખામણીએ આ વર્ષે વડગામ પંથકમાં ૧૬ ઑગસ્ગ્,૨૦૧૭ સુધીમાં ૧૨૨૪ મી.મી (૪૯ ઇંચ) જેટલો વરસાદ વરસી ચૂક્યો છે એટલે કે એવરેજ વરસાદના ૧૬૬% ગણી શકાય. પુરતી લોકજાગૃતિ ના અભાવે અઢળક પાણી સંગ્રહવાની જગ્યાએ વહી ચૂક્યુ છે. પંથકમાં આવેલા ગણ્યાગાંઠ્યા થોડા જળસંગ્રહો ભરાયા હતા એટલે થોડીક આશા છે કે પાણીના તળમાં નગણ્ય સુધારો થાય. રાજ્ય સરકારની વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં  આવેલ સર્વે કામગીરીમાં એવું  જાણવા મળ્યુ છે કે તાલુકાના ૧૧૦ ગામોની કુલ ૧૦,૩૦૦ હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. વરસાદના મોટા રાઉન્ડ તો પુરા થઈ ગયા  હોય એવુ લાગી રહ્યુ છે ત્યારે હવામાન ખાતાની આગાહી જણાવે છે કે ૧૯ ઑગષ્ટ પછી મધ્યમ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. સરસ્વતી નદીમાં પાણીની આવક વધવાથી મોકેશ્વર ડેમ છલોછલ ભરાયો હતો અને નદીમાં અને કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. ૧૬ ઑગષ્ટ,૨૦૧૭ ના રોજ મળેલ આંકડા પ્રમાણે મોકેશ્વર ડેમની પાણીની ૬૬૧.૫૭ ફૂટની ક્ષમતા સામે ડેમમાં પાણીનું લેવલ ૬૬૦.૭૫ ફૂટ જેટલુ દર્શાવતું હતુ. ૨૫૦ ક્યુશેક પાણીની આવક સામે ૨૦૦ ક્યુશેક જેટલુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે ૫૦ ક્યુશેક જેટલુ પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યુ છે જો કે આ કેનાલોની ખેતીવાડી માટે પાણી નો જોઈએ એટલો લાભ વડગામના ગામડાઓને આજ સુધી મળી શક્યો નથી. ડેમમાં પાણીનું સ્તર વધુ હોવાથી ડેમનો ગેટ નં ૧ ને ૦.૧૩ ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. ૨૦૧૭ના ચોમાસાએ ખેડૂતોને આથિક પાયમાલ કર્યા છે એક માત્ર્ સંતોષ એ વાતનો માનવામાં આવી રહ્યો છે કે પાણીના ભૂગર્ભ્સ્તર સુધરશે.

 

૨૮.૦૭.૨૦૧૭ [ ૧૦ .૦૦ PM ]

 

Karmavad Talav-1

Photo By – Rameshbhai Patel કરમાવાદ તળાવ

૨૦૦૧ની ધરતીકંપ ની ધ્રુજારી બાદ તાજેતરની આકાશી સુનામી એ મજબૂત મનોબળનાં બનાસવાસીઓને ફરીથી હચમચાવી મુક્યા છે. કુદરતી પ્રકોપ સામે આજે પણ માનવી લાચાર છે જેની અનુભૂતિ આ બને અનુભવો પરથી બનાસવાસીઓ સારી પેઠે સમજી ચૂક્યા છે. ઘડીના છઠ્ઠા ભાગમાં જિંદગીની સફર ઉપર પૂર્ણવિરામ મૂકી દેતી કુદરતની થપાટ એટલી જોરદાર હોય છે કે તેની ભયાનક અસરો વર્ષો સુધી ભૂલી શકાતી નથી. આવા પ્રસંગોએ માનવીની માનવતા કસોટીની એરણ ઉપર ચડતી હોય છે. સરકારી વહીવટી તંત્ર ની સાથે સાથે  સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે પણ અનેક લોકો આવા પ્રસંગો એ આગળ આવી જરૂરીયાતમંદ લોકોને આપત્તિઓમાંથી ઉગારવા માટે મદદરૂપ બની માનવતાને દીપાવતા  હોય છે જે સર્વે સલામ ને પાત્ર છે.

આકાશી સુનામીની ભયાનક અસરોનાં અકાળે –અચાનક ભોગ બનેલા  બનાસકાંઠાનાં બનાસવાસીઓ કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે…માલમિલકત ગુમાવી છે તે સર્વે પ્રત્યે WWW.VADGAM.COM  સહાનુભુતી સાથે  દુ:ખની લાગણી અનુભવે છે અને તેઓ સર્વે સંકટ માંથી જલ્દીથી બહાર આવે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે.

તા. ૨૮.૦૭.૨૦૧૭ને સાંજે ૬ વાગ્યા સુધી વડગામ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૧૧૬૦ મી.મી. (૪૬ ઇંચ) નોંધાયો. છેલ્લા બે દિવસની ધોધમાર માંથી શ્રાવણીયો વરસાદ વરસે છે. પંથકમાં નુકશાનનું પ્રમાણ જિલ્લાની પશ્વિમ વિસ્તારની તુલનાએ નજીવુ છે. કાચા મકાનો ધારાશયી થયા છે. તકલાદી રસ્તાઓનું ધોવાણ થયુ  છે. નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. થોડાક પશુઓ મોતને ભેટ્યા છે. ખેતીની જમીનો કામચલાઉ તળાવ બની ગઈ છે. પાક નિષ્ફળ ગયો છે.વડગામ પંથક્માં વરસાદી પાણીના નિકાલની સમસ્યા માનવસર્જિત વધુ જોવા મળી રહી છે. આડેધડ થઈ રહેલા બાંધકામો, અવ્યવસ્થિત રસ્તાઓ , કાયમી ઘર કરી ગયેલી અનિયંત્રિત ટ્રાફિક સમસ્યા અને ગંદકી પાણીને કિચડનું સ્વરૂપ આપી રહી છે.

Mukteshwar - Pushkar Goswami

Photo By : Pushkarbhai Goswami (vadgam) મોકેશ્વર ડેમ

ઘણા વર્ષો પછી સલેમકોટ પાસેથી પસાર થતી જોયણ નદીમાં ખૂબ પાણી આવ્યુ હતુ. વડગામના બે મોટા તળાવ ફતેગઢનું બલાસર તળાવ અને જ્લોત્રાના કરમાવાદ તળાવ નહેરોથી ના ભરાયા પણ હાલ તો વરસાદી પાણીથી ભરાયા છે. વડગામ પંથકમાંથી પસાર થતી સરસ્વસ્તી નદીમાં નવા નીર આવવાથી મોકેશ્વર ડેમની સપાટીમાં વધઘટ થતી રહી છે. એક સમયે તો ડેમના સાત પૈકી ત્રણ દરવાજા ૨ ફૂટ જેટલા ખોલવાની જરૂર પડી હતી. મોકેશ્વર ડેમની સપાટી ૨૦૦.૫૯ મીટરે પહોંચી છે. ભયજનક સપાટી ૨૦૧.૬૫ મીટર છે. ૭૫૦ ક્યુસેક પાણીની આવક થઈ છે.

વડગામ તાલુકાના છાપી હાઈવે પર ફસાયેલા લગભગ ૧૫૦ નાગરિકોને  છાપી હાઈવે પર આવેલી અમી હોટલના માલીક દ્રારા મફતમાં ભોજન આપવા સાથે રોકાવાની વ્યવસ્થા પુરી પાડીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું તો છાપી જ્યોતિનગરમાં વસતા નવ પરિવારના ઘરમાં પાણી ઘૂસવા સાથે મકાન ધારાશયી થતા છાપી ગ્રામ પંચાયત દ્વારા તમામ પરિવારના ૫૦ અસરગ્રસ્તોને જ્યોતિનગર પ્રાથમિક શાળામાં આસરો આપી જમવા સહિતની વ્યવ્સ્થા કરવામાં આવી હતી.

આ સાથે આદરણિય તારલિકાબેને બહુ સરસ વાત કરી છે જે ગાંઠે બાંધવા જેવી છે.

કુદરત એ નળની ચકલી ( tap) નથી કે તમે કહો બહુ થયુ એટલે બંધ કરી શકાય . છેલ્લા થોડા વર્ષથી વરસાદ ની પૅટર્ન બદલાઈ છે. બધી ઋતુની બદલાઈ છે, વરસાદની વધારે અને તાત્કાલિક અસર દેખાય.
કુદરતનું આવું રૌદ્ર સ્વરૂપ થાય ત્યારે એકબીજાને જેટલી મદદ થાય એટલી તો કરીએ જ, પણ પરિસ્થિતિ થાળે પડે એટલે હતા તેવા ને તેવા થવાને બદલે વિચારીએ:
૧. આટલા વરસાદના પાણીના સંગ્રહ / જાવક માટે શું કરી શકીએ?
૨. ગામમાં તળાવો બૂરી શોપિંગ મૉલ કરવાને બદલે નદી/ તળાવ / ડૅમના કાંપ કઢાવી એમને ઊંડા કરી શકીએ?
૩. ટાઉન પ્લાનિંગ માં વધારે ધ્યાન આપી શકાય?
૪. અને આ બધી વાતમાં સરકારને ગાળો આપવાને બદલે આપણે સરકાર પાસે આ કામો કરાવી શકીએ જો આપણું ધ્યાન લાઉડસ્પીકર કેટલા વાગ્યા સુધી ચાલુ રખાવવા, કયા તહેવારની રજા મેળવવી વગેરે પર જ ન હોય.

ચાલો આ વર્ષે અત્યાર સુધી વડગામમાં મોસમનો ૧૫૦% વરસાદ વરસ્યો છે એટલે લોકો વાતો કરે છે કે હવે ભૂગર્ભજળ પાંચ વર્ષ ચાલશે. પણ કેવી રીતે તે સમજ નથી પડતી…!!પાણી તો વહી ગયા….!!પાણી પહેલા પાળ કોણ બાંધશે..?

 

Vadgam Weather૨૫.૦૭.૨૦૧૭ [ ૮.૦૦ AM ]

વડગામ પંથકમાં તા. ૨૫.૦૭.૨૦૧૭ ને સવારે ૬.૦૦ વાગ્યા સુધી મોસમનો કુલ વરસાદ ૧૦૫૩ મી.મી (૪૨ ઇંચ) નોંધાયો છે. છેલ્લા ૧૨ કલાકમાં ૧૬૪ મી.મી (૬.૫ ઇંચ) જેટલો વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે પંથકમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે ચોમાસુ ખેતી મોટાભાગે  નિષ્ફળતાના આરે છે. વડગામ પંથકમાં થયેલ નુકશાની અંગે કોઈ આધારભૂત માહિતી મળી શક્તી નથી. મોકેશ્વર ડેમ કંટ્રોલરૂમનો ફોન ઉપર સ્મ્પર્ક ના થઈ શક્વાથી ડેમની તાજા સ્થિતિની કોઈ માહિતી ઉપલબ્ધ થઈ શક્તી નથી. મેધરાજા હજી થાક્યા લાગતા નથી અવિરત વરસી રહ્યા છે. લોકોની દૈનિક જીવનની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે…! છેલ્લા ૧૦૦ વર્ષોમાં પ્રથમ વખત આવી વરસાદી સીસ્ટમ જોવા મળી રહી છે. એવુ કહેવાય છે કે આવા પ્રકારની સીસ્ટમ ૧૦૦ વર્ષે ક્યારેક જ નિર્માણ થાય છે. અરબી અને બંગાળી સીસ્ટમ એક સાથે સક્રિય થવાથી પંથકમાં લીલા દુષ્કાળનો ભય સતાવી રહ્યો છે. વેધર એનાલિસ્ટ માનનિય શ્રી અશોકભાઈ પટેલ સાહેબના જણાવ્યા અનુસાર ૨૫ અને ૨૬ તારીખ પછી વરસાદી એરીયા થોડો પૂર્વ બાજુ ફરી શકે છે.

 

૨૪.૦૭.૨૦૧૭ [ ૭.૨૩ PM ]

સરકારી આંકડા પ્રમાણે વડગામ પંથકમાં  એવરેજ વરસાદ લગભગ ૭૩૮ મી.મી (૨૯ ઇંચ) જેટલો થાય છે. ગત વર્ષે ૨૦૧૬ની સાલમાં ૫૮૬ મી.મી (૨૩ ઇંચ) જેટલો વરસાદ નોધાયો હતો જે એવરેજ વરસાદ નાં લગભગ ૮૧% જેટલો હતો જે બતાવે છે કે ગત વર્ષે ૧૯% જેટલી વરસાદની ઘટ પડી હતી.

આ વર્ષે ૨૦૧૭ નાં વર્ષમાં અત્યાર સુધી ૨૪.૦૭.૨૦૧૭ને સાંજે ૬ વાગ્યા સુધી વડગામ પંથકમાં મોસમનો કુલ ૮૮૯ મી.મી (૩૫.૫૬ ઇંચ ) જેટલો વરસાદ વરસી  ચુક્યો છે જે એવરેજ વરસાદ ની સામે ૧૨૦ % જેટલો થવા પામ્યો છે. હજી ચોમાસાના ઓછામાં ઓછા બે મહિના બાકી છે તે જોતા આ વર્ષે સારો વરસાદ મળી શકાવાના એંધાણ છે. દર વર્ષે યોગ્ય આયોજન નાં અભાવે સહેવું પડતું વરસાદી નુકશાન સહન કરીને પણ જો વડગામ તાલુકા માં આવેલા તળાવો અને એકમાત્ર ડેમ પાણીથી પુરેપુરા ભરાય તેમજ પંથક માંથી પસાર થતી નદીઓ જીવંત બને તો કદાચ હાલ પુરતી વડગામ તાલુકામાં ભૂગર્ભ જળની સમસ્યા હળવી બની શકે…!!!

વડગામ પંથકમાં વરસાદી પાણીનાં  સંગ્રહ માટેની કોઈ નક્કર  સામુહિક યોજના બનાવવાનો વિચાર આજ સુધી કોઈને  આવ્યો નથી એટલે અમલ ની વાત તો બહુ દૂર ની ઘણી શકાય. એટલે ૨૫,૫૦ કે ૧૦૦ ઈચ વરસાદ ખાબકે તો પણ ૧૦૦% તો જમીન માં ઉતારવાનું નથી થોડું ઘણું ઉતરશે અને મોટા ભાગનું વહી જશે સમુદ્રભણી…બે ત્રણ કે અઠવાડિયું નદી-નાળા છલકાતા જોઈ લોક વાતો કરી હરખાશે અને પાછું હતું એમ ને એમ દર વર્ષની જેમ  ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખતા ટ્યુબવેલોનો ધમધમાટ અને ભૂગર્ભમાં ઊંડે ને ઊંડે પાણી શોધતા અસંખ્ય ટોળાઓ  અને એની એજ હવામાં ધુમાડા ઉડાડતી વાતો કેટલા ફુવારા ઉપડે છે ? કેટલી કોલમ ઉતારી ? ચેટલા ફૂટ હેડ્યું ? કરમાવાદ માં પાણી નોસ્યું હોય તો આ તળ ઊંચા આવત….તો અને જો …!

દીર્ઘદ્રષ્ટિ નો અભાવ ખૂબ જ નડે છે. થોડું ઘણું ઇઝરાયલ પાસેથી શીખવા જેવું ખરું …!! જ્યોતિષ વિજ્ઞાન એવું કહે છે કે રાબડીયા નક્ષત્ર માં પડેલ વરસાદ અમૃત સમાન હોય છે અને ફળદાયી નીવડે છે અમારું કહેવું એવું છે કે એ તો સમય પુરતી ફળદાયી હશે પણ કોઈ પણ નક્ષત્ર માં પડતા  વરસાદી પાણીનો સંગ્રહ કરવાનાં  સામુહિક પ્રયત્નો  સર્વ જીવાત્માઓ માટે પેઢી દર પેઢી કલ્યાણકારી બની શકે છે….!! શું  કેવું થાય છે તમારું ?……..!

 

૨૪.૦૭.૨૦૧૭

વડગામ પંથકમાં અવિરત વર્ષા…….!! તા. ૨૪.૦૭.૨૦૧૭ને સવારે ૬.૦૦ વાગ્યા સુધી વડગામ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૭૦૦ મી.મી (૨૮ ઇંચ) નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ મી.મી. ( ૮ ઇંચ) આકાશી પાણી ખાબક્યુ છે.

તા. ૨૩.૦૭.૨૦૧૭

વડગામ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હેલી જેવી સ્થિતિ સરજાણી છે. આ લખાય છે એટલે કે તા.૨૩.૦૭.૨૦૧૭ ની સાંજ સુધી વડગામ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૬૦૫ મી.મી (૨૪ ઇંચ) સુધી પહોંચ્યો છે. તા.૨૩.૦૭.૨૦૧૭ ના દિવસે સાંજ સુધી દિવસનો ૧૦૯ મી.મી (૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.

જાણીતા વેધર એનાલિસ્ટ માનનિય શ્રી અશોકભાઈ પટેલ સાહેબે  મેસેજ કરીને જણાવ્યું છે કે બધાને સાવધ રહેવાનું કહેજો અને ધ્યાન રાખજો… અતિ ભારે વરસાદ આવશે…પવન પણ વધુ રહેશે !! So Please Take care…!!!

 

This Post Has 0 Comments

Leave A Reply