સકલાણા ના મુઠી ઉંચેરા માનવીની ચીર વિદાય…….

IMG-20201019-WA0018કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ જેમ મહત્વનું છે તેમ આપણે તન-મન-ધન થી જીવનમાં સમાજને કેટલા મદદરૂપ થઈ શકીએ છીએ એના ઉપર આપણું વ્યક્તિત્વ નક્કી થતું હોય છે અને પરિણામે જીવન સાર્થક બનતું હોય છે. આવું જ એક વ્યક્તિત્વ એટલે વડગામ તાલુકાના સકલાણા ગામના નિવૃત પ્રાથમિક શિક્ષક/આચાર્ય આદરણીય શ્રી વાઘજીભાઈ ગોદડભાઈ વળાંગાંઠ. વાસણ, મેજરપુરા, કરશનપુરા તેમજ વરણાવાડા ગામની પ્રાથમિક શાળાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ સમયે પણ અન્યને ભારરૂપ બનવાની જગ્યાએ પોતાનો કિંમતી સમય ગામની સકારાત્મક પ્રવૃતિઓ પાછાળ પસાર કરવાનું નક્કી કરી ગામમાં નિવૃત કર્મચારી મંડળની સ્થાપના કરી જેના માધ્યમથી નિવૃત કર્મચારીઓ દ્વારા ગામમાં વિવિધ પ્રેરક સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે. જેમાં ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવી , ગરીબ લોકોને શિયાળાની ઠંડીમાં શાલો આપવી , ઉનાળાની ગરમીમાં ઠંડા મિનરલ પાણીની વ્યવસ્થા ઊભી કરવી, દારૂબંધી માટે પ્રયત્નો કરવા, નેત્ર યજ્ઞ થકી ગામના ૮૦ લોકોને મફત મોતિયાની સારવાર, દાંતના ડોક્ટર મારફત એક કેમ્પનું આયોજન થયું.. આ અગાઉ તેઓશ્રીના સઘન પ્રયાસોના પરિપાકરૂપે સકલાણા ગામમાં નવરાત્ર યુવક મંડળની સ્થાપના થયેલ આ ઉપરાંત તેઓશ્રી ગામના અંબાજી માતા મંદિરના નિર્માણ અને પ્રતિષ્ઠામાં પ્રમુખ ભૂમિકા ભજવી. આમ શૈક્ષણીક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે વિકાસલક્ષી પ્રવૃતિઓમાં લોક સહકા૨થી સુધારાલક્ષી પ્રવૃતિઓ સતત વ્યસ્ત રહી ગામમાં સકારાત્મક કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા તેઓશ્રીએ ભજવી. જીવનના અંત સુધી સતત પ્રવૃતિમય રહેલ મુઠી ઉંચેરા આદમીનો પ્રેરક અને આધ્યાત્મિક જીવનદીપ તા. ૧૮.૧૦.૨૦૨૦ ના રોજ નવરાત્રિના દિવસોમાં સદા માટે બુઝાઈ ગયો અને આત્મા અનંતની યાત્રા એ ઉપડી ગયો.
સ્વ. શ્રી શ્રી વાઘજીભાઈ ગોદડભાઈ વળાંગાંઠને www.vadgam.com શ્રધા સૂમન અર્પણ કરવાની સાથે સદ્દગતના આત્માને પરમ શાંતિ મળે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. ઓમ શાંતિ ………