વડગામ તાલુકાના જળસ્ત્રોતો ….

[ વડગામ તાલુકાના જળસ્ત્રોતો બાબત વડગામ.કોમ વેબસાઈટ ઉપર માહિતી એકત્ર કરવાનું ચાલુ છે …જેમ જેમ માહિતી ઉપલબ્ધ થઈ રહી છે તેમ તેમ આ પેજ ઉપર અપડેટ કરવામાં આવી રહી છે આપની પાસે પણ વડગામ તાલુકાના જળસ્ત્રોતો બાબત કોઈ વિશેષ માહિતી કે ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ હોય તો વડગામ.કોમ ને મોકલી આપવા વિનતી છે …આ પેજ સતત અપડેટ થઈ રહ્યું છે ….આપ વડગામ.કોમ ને માહિતી ઈમેલ : myvadgam@gmail.com અથવા 9429407732 ઉપર વોટસએપ કરી શકો છો  ]

વડગામ તાલુકાના નીમ થયેલ તળાવોની યાદી

પાણીને લગતું કોઈ પણ અર્થપૂર્ણ અન્વેષણ અથવા સંશોધન વડગામ તાલુકા માટે અત્યંત ઉપયોગી અને લાભદાયી પુરવાર થઈ શકે છે. આવું સંશોધન પાયાનું હોય, વ્યહવારુ હોય કે પછી રોજીંદી બાબતોને લાગતું હોય, તો પણ તે લાભદાયી છે; કારણ કે આપણું મુખત્વે કૃષિપ્રધાન અર્થતંત્ર મહદઅંશે પાણી પર નિર્ભર છે. પાણી સબંધી પાયાના સંશોધન થકી આપણે પાક-પાણી-જમીન-હવામાનની જે સમગ્ર વ્યવસ્થા છે તેને વધુ સારી રીતે સમજી શકીએ. એનાથી આપણને નવા વિચારો અને નવી કાર્યયોજનાઓ સૂઝી આવશે. જેની મદદથી આપણે હાલની મર્યાદાઓમા રહીને પણ વધુ પ્રમાણમા માહિતી એકત્ર કરી શકીશું. પાયાની માહિતી થકી આપણને પાણી ની સમસ્યાને દૂર કરવાની રજૂઆત આર્થે બળ મળશે એનો લાભ તરત જ ન મળે એવું પણ બને.

આજના યુગમાં હાઈડ્રોલિક્સ અને સોઈલ મિકેનિકસ જેવી આધુનિક અભ્યાસ ની વ્યવહારૂ વિદ્યાશાખાઓ છે, એમાં પાયાનું સંશોધન અને તેમનો અભ્યાસ ખૂબ મહત્વના બનતા જાય છે. આ ક્ષેત્રમા આપણે હજુ લાંબી મજલ કાપવાની છે.. સમગ્ર વ્યવસ્થાની પાયાની બાબતોની વધુ સારી સમજણ અને સારી ઈજનેરી વિદ્યા થકી આપણે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ એનો વ્યવહારમ અમલ કેવી રીતે કરવો એ દિશામાં આપણી મુખ્ય ચિંતા વ્યહવારૂ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે વિશે છે.

વડગામ તાલુકો ૧૧૦ ગામોનો બનેલો વિશાળ ક્ષેત્રફળ ધરાવતો તાલુકો છે પણ સિચાઈ ની સગવડ નથી. મોકેશ્વર ડેમ વડગામ તાલુકામાં આવેલ હોવા છતાં તેના પાણી ની સિચાઈ નો લાભ ખેરાલુ, સિધ્ધપુર અને પાટણ તાલુકાના ગામોને મળે છે વડગામ તાલુંકાને પુરતો લાભ મળતો નથી. તળાવોનો પ્રકારો તેની ભેજ સંગ્રહ કરવાની લક્ષ ણીક્તાઓ, અમલમાં હોય એવી સિંચાઇ અને એમાં સુધારાવધારાની ગુંજાશ, આંતરિક જળ વ્યહવાર વગેરે જરૂરી માહિતી એકત્ર કરવાનું અને તે માટેની યોગ્ય પધ્ધતિ વિકસાવવાનું અત્યારથી શરૂ કરી દેવું એ ડહાપણભર્યું લેખાશે. આવનારા વર્ષો માં તાલુકાની વસ્તી કેટલી હશે ? ત્યારે પાણી અને ખોરાકની જરૂરિયાત કેટલી હશે ? આ જરૂરીયાત કેવી રીતે સંતોષાશે ? આ બધાની આપની સૃષ્ટિ ની સમતુલા (ઇકોલોજી) પર શી અસર પડશે .? એ વિષે અટકળો કરવી જોઈએ. કેટલાક પ્રશ્નો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને તેમના ઉકેલ માટેના ઉપાયો આત્યારથી વિચારી શકીએ એ મહત્વનું છે.

બધી જ વિકાસલક્ષી યોજનાઓ માટે રોજ-બ-રોજની માહિતીનું એકત્રીકરણ જરૂરી છે. આવી માહિતી ભેગી કરવી એ કામ ખાસ આકર્ષક કે રોમાંચક ભલે ન લાગે, પણ આવી માહિતી અત્યંત જરૂરી લાગે છે .જો આવી માહિતી આપણી જોડે ન હોય તો યોજનાનું આયોજન અને તેનો અમલ આડે પાટે ચડી જાય.

વડગામ તાલુકામાં ભૂગર્ભ જળ સમસ્યા એ થોડાક વર્ષોથી કાયમી સમસ્યા બની ગઈ છે માટે  વડગામ તાલુકામાં  ધણા વર્ષો સુધી  ડાર્કઝોન અમલમાં હતો.. પણ ભૂગર્ભ જળની અવેજીમાં પીવાના અને ખેતી માટે ના પાણીની કોઈ અન્ય વ્યવસ્થા ન થવાથી  ડાર્કઝોન ઉઠાવીને પાણીની જરૂરીયાતોને પુરી કરવા ખેડૂતોને નવા ખેત વિજ કનેકશનો આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને એ  આપવું પડે એમ પણ હતું જેનું એક માત્ર કારણ ભૂગર્ભ જળ એ જીવન નિર્વાહ માટે  પાણીનો એકમાત્ર વિકલ્પ રહી ગયો હતો. સિંચાઇની કોઈ વ્યવસ્થા ન હતી કે ન થઈ શકે એમ હતી. ડાર્કઝોન ઉઠાવી લેવાને પગલે અસંખ્ય નવા ખેત વીજ કનેકશનો મંજુર થયા અને વડગામ તાલુકામાં ઠેર ઠેરતું ટયુબવેલો ધમધમવા લાગી..ભૂગર્ભ પાણી પાતાળેથી ઉલેચાવા માંડ્યું સરવાળે પાણી ના તળ દિનપ્રતિદિન ઊંડે ને ઊંડે ઉતારવા લાગ્યા જોતજોતામાં ભૂગર્ભ પાણીની  સપાટી ૧૨૦૦ ફૂટ ઊંડે પહોંચી પણ હવે ? વડગામ પંથકમાં સતત ઘટી રહેલા  વરસાદને પગલે અને સામે ભૂગર્ભ માંથી સતત ખેંચાઈ રહેલા પાણીના લીધે ટૂંક સમયમાં ભૂગર્ભ જળના વિકલ્પ પર પણ પૂર્ણવિરામ મુકાઈ જવાનું છે એ દીવા જેવું સત્ય છે . આ  બાબતે સરકારશ્રી અને સ્થાનિક લોકસમુદાય આવનારી સમસ્યાના નિવારણ હેતુ જેટલા વહેલા જાગે તેટલું અત્યંત આવશ્યક છે.  વિકલ્પો તો અનેક છે પણ તેનો અમલ કઈ રીતે થઈ શકે તે બાબતે સર્વે કરાવી એક પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવાની મથામણ તાત્કાલિક ધોરણે આરંભવાની જરૂર છે.

સરકારશ્રીએ નર્મદા ડેમના પાણી વડગામ તાલુકા સુધી આવી શકે કે કેમ તે બાબત સર્વે માટે  જ્યારે ત્યારે બજેટમાં રૂ. પાંચ કરોડની જોગવાઈ કરી હતી આ બાબતે સરકારશ્રીએ સર્વે કરાવી નર્મદા ના જળ વડગામ તાલુકા સુધી કેવી રીતે આવી શકે તેનો એક રીપોર્ટ તૈયાર કરવાની  જરૂર છે. બીજી બાજુ  વડગામ વિસ્તાર નર્મદા નદીના કમાંડ એરીયા માં આવતો ન હોવાથી તાત્કાલિક ધોરણે વડગામ તાલુકાને નર્મદા કમાંડ એરીયામાં સમાવિષ્ટ કરવા કાર્યવાહી થવી જોઈએ…

વર્ષો પહેલા એવું આયોજન વિચારાયું હતું કે  કડાણા અપર કેનાલ માંથી પાણી કરમાવાદ તળાવમાં નાખી આ પાણી મુકતેશ્ચર ડેમમાં નાખવામાં આવે.. તો આ બાબતે પણ ફેરવિચારણા થવી જોઈએ.

ટૂંક માં પાણી પહેલા પાળ બાંધવાની પહેલ કોઈએ તો કરવી જ પડશે નહી તો વડગામ તાલુકામાં  સપાટી પરના પાણી તો સુકાઈ ગયા છે હવે ભૂગર્ભ જળ સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવામાં ઘણું મોડું થઈ જશે….

ચોમાસાની ઋતું માં વરસાદી પાણી થી ભરાયેલ કર્માવાદ તળાવનું નયનરમ્ય દ્રશ્ય

ચોમાસાની ઋતું માં વરસાદી પાણી થી ભરાયેલ કર્માવાદ તળાવનું નયનરમ્ય દ્રશ્ય

૨૦૧૯ ના જુન ના પ્રથમ અઠવાડિયાની પ્રખર ગરમીમાં મળતા  સમાચાર મુજબ મુક્તેશ્વર ,ધરોઈ અને દાંતીવાડા ડેમમાં ૧૦% પાણી બચ્યું છે. અતિ ગરમીના પ્રતાપે ડેમના પાણીનું બાષ્પિભવન પણ ડેમના પાણીના સ્ટોક પર અસર કરે છે. સરકારી દફતરે વડગામ તાલુકાના  સરેરાશ ૭૭૮ મી.મી વરસાદની સામે ૨૦૧૮ માં માત્ર ૩૭૧ મી.મી (૧૪.૮૪ ઈંચ)  વરસાદ પડ્યો હતો જે સરેરાશ વરસાદ ના ૪૭.૬૮ ટકા જ થયો હતો એટલે ભૂગર્ભ પાણી ની સમસ્યામાં ૨૦૧૮મા ખાસ કોઈ સુધારો નોધાયો ન હતો અને એવું જ આપણી જળ સંચય બાબત માં જોવા મળ્યું. જેટલા પ્રયત્નો ભૂગર્ભ જળ ખેંચી લેવા માટે થયા એની સામે વરસાદી પાણી ના સંગ્રહ કે નર્મદાના નીર ના વડગામ સુધી પધરામણી ના ખાસ કોઈ સામુહિક પ્રયત્નો થયા જ નહિ. હોતી એ ચલતી હૈ પણ જો આ વર્ષે મેઘો મન મૂકીને વરસ્યો નહિ તો અબ આગે ચલને વાલી નહી હૈ અધુરામાં પૂરું જનજાગૃતિ ના અભાવે જળ સંગ્રહ બાબતે કે નહેરોના પાણી ની સિચાઈ બાબતે કોઈ નક્કર કામ વડગામ તાલુકામાં થયું નથી એટલે આગ લાગે એટલે કુવો ખોદવા જવું એવો ઘાટ ઘડાય તો નવાઈ નહી. આટલા વર્ષો તો કુદરતે માનવીય ભૂલો ને ચલાવી પણ કુદરતને પણ અવગણી પોતાના સ્વાર્થ માટે કુદરતી વ્યવસ્થામાં સતત કાંકરીચાળો કર્તા રહેતા માનવસમાજે એના ભયંકર પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે.

વર્ષોવર્ષ વડગામ પંથક વધી રહેલી વરસાદની અસમતુલા એ બાબત તરફ ઈશારો કરે છે કે આપણે એક મોટા પર્યાવરણકીય અસંતુલનમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો આવું જ રહ્યું તો જે જળસંકટની ચેતવણી આગામી દાયકાઓમાં આવવાની આપવામાં આવતી હતી એ બહુ જલ્દી આવી જશે. વડગામ પંથકમાં જે વરસાદ પડી રહ્યો છે તે ખેતી માટે પુરતો નથી. એક સમય એવો હતો કે અષાઢ મહિનો આવતા સુધીમાં તો નદીનાળા છલકાઈ જતા પરતું આજે બધું સુકુંભઠ્ઠ છે. વિકાસની મહત્વાકાંક્ષામાં આપણે પરંપરાગત જળસ્ત્રોતોને જ વિસરાવી દીધા છે. એક  સમયે દેશના મોટાભાગના ગામડા અને શહેરોના પાણીની જરૂરિયાત સ્થાનિક જળાશયો જ પૂરી કરી દેતા હતા પરતું રહેણાક માટે જમીનની જરૂરિયાતના કારણે જળાશયો પુરાવા લાગ્યા. પ્રાચીનકાળમાં વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવો કે કૂવાઓ ખોદવામાં આવતાં. આવા કાર્યોને પૂણ્યકારી પણ ગણવામાં આવતા અને રાજા મહારાજાઓથી લઈને શ્રીમંત લોકો પણ વખતોવખત કૂવા વાવ કે સરોવરો બનાડાવતા આજે તો જાણે એ પરંપરા જ વિસરાઈ ગઈ છે. હકીકતમાં તળાવ, કુવા કે અન્ય પરંપરાગત જળસ્ત્રોતો પાણીના સંગ્રહ ઉપરાંત ભૂગર્ભ જળનું સ્તર જાળવી રાખવામાં પણ મદદરૂપ બને છે પરંતુ જ્યારથી લોકોના ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચવા લાગ્યું છે ત્યારથી લોકોએ આવા જળસ્ત્રોતોને અવગણ્યા છે. વડગામને પીવાનું પાણી પૂરું પાડી  રહેલા ડેમો સુકાવાની તૈયારીમાં છે એવો પણ સમય આવે કે વડગામ પંથક ડે-ઝીરો ની નજીક પહોચી જાય કે જ્યારે પીવાના પાણીનું ટીપુંય ઉપલબ્ધ નહી હોય. દેશના નીતિ આયોગે આવનાર સમાયમાં સર્જાનારી પાણી ની સમસ્યા બાબત અવારનવાર ચેતવણી ઉચ્ચારી જ છે. વડગામ.કોમ પણ આ બાબતે સતત જનજાગૃતિ માટે પ્રયત્નશીલ છે પણ જ્યાં સુધી પાણી મળે છે ત્યાં સુધી ઠીક છે આગે આગે ગોરખ જાગે…આપણે કઈ જ કરવાનું નથી ઉપરવાળો બધુ આપશે  ન્યાયે પ્રજા નિર્ભય છે. સરકારે પણ એક રિપોર્ટમાં કહ્યું છે કે જો આ વર્ષે સારો વરસાદ ન થયો તો પાણીની ભારે તંગી સર્જાશે. આપણા વડાપ્રધાનશ્રીએ પણ જળ સરક્ષણને જન આંદોલન બનાવવાની હાકલ કરી છે..આપણે જેટલા વહેલા જાગીએ એટલું આપણા હિતમાં છે.

હવે વાત નર્મદાના નીર વડગામ તાલુકા ના તળાવો સુધી લાવવાની. નર્મદાના નીર થી વડગામ તાલુકાના તળાવો ભરવાનો કુલ મળીને અંદાજિત  ખર્ચ રૂ. ૨૨૦૦ કરોડ જેટલો થવા જાય છે તેવું જાણવા મળ્યું છે અને એ માટે આયોજન પચં મારફત આ કાર્ય થઈ શકે. વડગામ તાલુકામાં ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠાવાન  મહાનુભાવો છે જો તેઓ સામુહિક રીતે આ બાબતે સરકારશ્રી માં રજૂઆત કરે તો આ કાર્ય સરળ બની શકે. બીજો એક રસ્તો એ છે કે વડગામ તાલુકામાં જેટલી પણ ગ્રામપંચાયતો છે તેમાંથી મહત્તમ ગ્રામ પંચાયતો પાસે પાણી ની જરૂરીયાત બાબતે ઠરાવો કરાવી તેને અરજી સાથે જોડી સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રીને સુપ્રત કરવામાં આવે તો કાર્યપાલ ઈજનેરશ્રી તેને આગળ કાર્યવાહી હેતુ મોકલી શકે પણ આ બધું કરે કોણ એ મોટો પ્રશ્ન છે ??????

પાણીના બોર કરવા અને કરતા રહેવું એ પાણી ની સમસ્યાનો કાયમી ઉપાય નથી પણ જળ સંચય અને ડેમો મારફત વહેતી નહેરો એ જ એક માત્ર વહેવારૂ ઉપાય છે. આજે તો અમે અને તમે બોરવેલ થી ભૂગર્ભ જળ નો ધૂમ વપરાશ કરી રહ્યા છીએ. વડગામ તાલુકાની તો ખબર નથી પણ એક આંકડા પ્રમાણે ગુજરાતમાં ૭૨ ટકા ભૂગર્ભ જળ વપરાઈ ચૂક્યું છે. પર્યાવરણનો મત છે કે ભૂગર્ભ જળ ઉપર અંકુશ હોવો જોઈએ કારણ કે ગુજરાતમાં ભૂગભ જળનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ૬૭ ટકા કુવાઓમાંતો ભૂગર્ભ જળ ઊંડા ઉતર્યા છે અને પાણી ના બોર ફેઈલ થઈ રહ્યા છે. પાણીના એક બોર બનાવવા પાછળ દોઢ લાખ થી માંડી પંદરેક લાખ સુધીનો ખર્ચ થાય છે ….ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા, સીપુ, મુક્તેશ્વર અને ધરોઈ ડેમમાં સંગ્રહ થતા વરસાદી પાણી સમગ્ર વર્ષ માટે ઉત્તર ગુજરાતના લોકોને પીવા તથા સિચાઈ માટે આપવામાં આવે છે પણ વડગામ તાલુકાને એમાં પણ પુરતો જથ્થો આપવામાં આવતો નથી.

 

કરમાવાદ ને બાદ કરતા મોટા કુદરતી સરોવરો વડગામ તાલુકામાં બહુ સંખ્યામાં નથી, મધ્યમ કક્ષાના કેટલાક સરોવરો જેવા કે ફતેગઢ નું બ્લાસર તળાવ, મગરવાડા નું તળાવ, વડગામ નું સમશેર સાગર વગેરે ગણી શકાય તો નાના કદના તો અસંખ્ય હશે..? ચોમાસાની ઋતુમાં વડગામ તાલુકાના આ સરોવરમાં કેટલા પાણી નો આવરો હશે ? કેટલું પાણી ભરાતું હશે? કેટલા સમયમાં સુકાતા હશે ઉપરાંત આ સરોવરો નો પાણી સંગ્રહ કરવાની ક્ષમતા એ જાણવાનો પણ પ્રયાસ કરવો પડશે. આ બધા સરોવરોનું સ્થાનિક મહત્વ છે એ દિશામાં પણ વિચારવું પડશે. પાણીનો સંગ્રહ કરવા અને પાણીનો પ્રવાહનું નિયમન કરવાની દ્રષ્ટિએ પણ આપણા કુદરતી અને કુત્રિમ સરોવરો તેમજ આપણે બાંધેલા જળાશયો એ વધારે મહત્વના છે.. આપણા સામાજિક અને ભોતિક પર્યાવરણને અનુકૂળ આવે એ રીતે જમીન ધોવાણ અને નદી-તળાવો-બંધો વગેરેમાં થતો માટીનો ભરાવો એ બધા પર નિયંત્રણ લાવનારી પદ્ધતિઓ જો આપણે વિકસાવી શકીએ તો તેના ઘણા લાભ છે , ખરેખર તો એ આપણી તાતી જરૂરિયાત છે .

વડગામ તાલુકાના જલોત્રા ગામની પહાડીઓ માં આવેલું એટલે કે ટુંડેશ્ચરના ભાંખરાથી ગુરૂના ભાંખરા સુધી વિસ્તરેલું અને આશરે ૫૦૦ એકરમાં ફેલાયેલું વિશાળ કરમાવાદ તળાવ અનેક રહસ્યમય અને રસપ્રદ ઘટનાઓ ઈતિહાસના પાને ધરબીને બેઠું છે એટલું જ નહિ વડગામ તાલુકાની ભૂગર્ભ જળ સમસ્યાઓ ઉકેલવામાં આશીર્વાદરૂપ બની શકે એમ છે…કુદરતી ઘટનાકર્મના લીધે તળાવ એના નૈસર્ગિક જળ સ્ત્રોતો ગુમાવી ચૂક્યું છે સાથે જનજાગૃતિના અભાવે કુદરતી રીતે નિર્માણ પામેલા વિશાળ તળાવનો વડગામ તાલુકામાં સિચાઈ હેતુ કોઈ જ નક્કર પ્રયાસો , ટેકનીકલ વિગતો કે અન્ય મહત્વપૂર્ણ માહિતીનો અભાવ આજ સુધી નડતો રહ્યો છે. રજૂઆત કરવી તો પણ શું કરવી ? કેવી રીતે કરવી ? કોઈ પ્રોજેકટ રીપોર્ટ આજ દિન સુધી તૈયાર થયો હોય એવું ધ્યાને નથી…હવામાં વાતો ના ગુબ્બારા ઉડતા રહે છે. વડગામ પંથકમાં માં ઘણા એવા તળાવ છે જેના નૈસર્ગિક સૌન્દર્ય ને જાળવી તાલુકાની ભૂગર્ભ જળ ની સમસ્યા કંઇક અંશે હળવી કરી શકાય. પણ પણ સાર્વજનિક વિકાસના કામોમાં વિચાર કરવાનો સમય કોની પાસે છે ? એ પણ કડવું સત્ય છે. જુથવાદ અને થૂંકવાદનો વિકાસ સરવાળે નુકશાન કર્તા છે.અમુક જાણકાર વર્ગ એવું પણ માની રહ્યા છે કે કર્માવાદ માં વરસાદ નું પર્વતો નું જ કુદરતી પાણી ચોમાસામાં ભરાય તે જ સત્ય …બાકી આવી વિશાળ જગ્યા માં છૂટું પાણી ભરવું અવાસ્તવિક અને સમજણ વિનાનો રાજકીય નારો જ રહેછે… સમુદ્ર લેવલ થી વધુ ઉંચાઈ અને લિફ્ટ પદ્ધતિ થી પાણી ભરવું …તેના કરતાં વડગામ તાલુકા માં વચ્ચે નહેર જેવું કૈક વધુ વાસ્તવિક જણાય… અને પાણી નો સુચારુ ઉપયોગ થાય…આ બધું પણ. વરસાદ ની નિયમિત જરૂર તો ખરીજ….પાણીની ઉપલબ્ધિની સમસ્યા, જેને વિશે આપણે વાત કરી રહ્યા છે, તે મુખ્ય પ્રશ્ન સાથે આ બધી બાબતોને શું લેવા દેવા, એની સાથે આ બધાનેં શો સબંધ એવો કોઈ પ્રશ્ન ઊભો કરે એ સમજી શકાય તેમ છે…

છેલ્લા ત્રીસ વર્ષ કરતા પણ વધુ સમયથી સિચાઈ નું પાણી નર્મદા કેનાલ થકી અથવા કોઈ યોજના થકી પણ મળતું નથી. સમગ્ર વડગામ તાલુકાની જીવાદોરી બની શકનાર જલોત્રા પાસે આવેલું કરમાવત તળાવ છે જેની ભૌગોલિક પરિસ્થિતિ રૂબરૂ જોતા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે. સ્થાનિક લોકોએ આ બાબતે માંગણી કરતા મહત્વપૂર્ણ સૂચનો કાર્ય હતા જે નીચે મુજબ છે.કરમાવત જંગલ વિસ્તારમાં વરસાદી પાણી ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થાય છે જે પાણી વ્યર્થ રીતે આજુબાજુ ના ખેતરોમાં અને અનેક ગામોમાં ઘૂસીને નુકશાન કરે છે તે વરસાદી પાણીને મોટા પ્રમાણમાં સંગ્રહ કરવા માટે મોટા આડબંધની ખૂબ જ જરૂરિયાત છે તેમજ પાળા કરી અથવા મોટા ચેકડેમ બાંધી પીવાનું પાણી અને સિંચાઇ નું પાણી સંગ્રહ કરી શકાય તેમ છે. કર્માવત તળાવની આસપાસ જંગલ વિસ્તાર સર્વે નંબર નેચરલ લો લેન્ડ એટલે કે સમગ્ર જમીન નીચાણ વિસ્તાર કે જે એક રકાબી આકાર છે જે ખૂબ પ્રાકૃતિક વિસ્તાર છે જેની ત્રણ બાજુ પર્વત છે અને ત્યાં પર્વતોનું પાણી એકઠું થાય છે અને બીજી બાજુ વરસાદથી એકત્ર થયેલ પાણી લગભગ એક કિલોમીટર જેટલા ખુલ્લા વિસ્તારમાં વહી જાય છે. કરમાવતની આજુબાજુના જંગલ વિસ્તારમાં ૧૨ થી ૧૫ કિ.મી એટેચમેન્ટ એરીયામાં પાણી ચોમાસાની ઋતુમાં જમા થાય છે જે અદ્દભૂત જોવાલાયક દ્રશ્ય હોય છે. આ નીચાણવાળો ભાગ ભૌગોલીક રીતે કુદરતી છે જે આજુબાજુ પહાડોથી “સી” આકારમાં ઘેરાયેલું છે જેની એક સાઈડ “સી” આકારવાળો  જેમની સિંહના મુખવાળા ભાગ અને બીજી બાજુ ખુલ્લો ભાગ છે જેમાં મોટા પાળા અથવા માટી પાળા અથવા આડબંધથી વરસાદી પાણી સંગ્રહ કરી શકાય છે જેની લંબાઈ ૨ થી ૨.૫ કી.મી થાય છે જેના કારણે કરમાવાત તળાવ મોટું પ્રીરીઝવાયર બની શકે છે. કરમાવાત તળાવમાં વરસાદી પાણીના સંગ્રહથી ૧૦ થી ૧૫ કી.મીના અંતરના ગામોમાં અને મોટા તળાવમાં ભૂમિ જળ રીચાર્જ થાય તેમ છે જેના કારણે વડગામ તાલુકાના ૧૧૦ ગામોને સિચાઈ ના લાભ મળી શકે તેમ છે. બનાસડેરી ના આદ્યસ્થાપક સ્વ.શ્રી ગલબાભાઈ નાનાજી પટેલે બનાસકાંઠા જિલ્લા ના પશુપાલકોને મોટી રોજગારી આપી પગભર કર્યા છે પરંતુ પાણીના પ્રશ્ન ને લીધે ખેતીમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ત્યારબાદ ખેડૂત આગેવાન સ્વ. શ્રી લાલજીમામા થી શરૂ કરીને પૂર્વ કેબિનેટ મંત્રી અને વડગામના પૂર્વ ધારાસભ્ય સ્વ. શ્રી ફકીરભાઈ વાઘેલા સુધી તાલુકાના અનેક આગેવાનોએ સરકારમાં વડગામ તાલુકાના પાણી ના પશ્ન ને લઈ ને રજૂઆતો કરવામાં આવેલી છે. છેલ્લા ૩૦ વર્ષમાં વિવિધ પદાધિકારીઓ અને લોકજાગૃત સેવકો અને વિવિધ સંગઠાનો દ્વારા કરમાવતમાં નર્મદાનું પાણી નાખવા અને મોટું તળાવ બનાવવાની અનેકોનેક વખત માંગ કરી છે . સિંચાઇ અને વનવિભાગમાં રૂબરૂ ફરિયાદ કરતા જાણવા મળેલ કે આ માટે સરકારશ્રીમાં હલ પુરતી કોઈ યોજના નથી પરંતુ આ યોજનામાં ઓછા ખર્ચે માત્ર પાંચ થી સાત કરોડના ખર્ચમાં કામ થાય તેમ છે તેવું નિષ્ણાતોના મતે જાણવા મળ્યું છે તે ચકાસી કાર્યવાહી થાય તે જરૂરી. સરકારશ્રીના જનહિતના અભિગમ અંતર્ગત આ કરમાવત તળાવને  યોજનામાં સમાવેશ કરવાનું અત્યંત જરૂરી છે જેથી લોકોને ખેતી તથા પીવાના પાણીની મુશ્કેલીઓ નિવારી શકાય અને વન્ય પ્રાણીઓની પીવાના પાણીની મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે. કર્માવત જંગલ તથા કરમાવત તળાવની જમીન વનવિભાગમાં હોઈ આ યોજના વનવિભાગ દ્વારા અમલમાં થાય અથવા સિંચાઇ વિભાગ અથવા અન્ય વિભાગ દ્વારા કરી શકાય તેમ છે જેથી વડગામ તાલુકાના વર્ષો જૂની માંગણી પુરી કરવા લોકમાંગણી ને ધ્યાનમાં લેવા વિનંતી છે.

 

વડગામ તાલુકામાં જ્યાં કુદરતી અથવા વરસાદી પાણીનો આવરો રહેતો હોય અને ઓછામાં ઓછા એક કિલોમીટરના ઘેરાવામાં પાણીનો સંગ્રહ થઈ શકે તેવી જગ્યાઓનું સંશોધન કરી ચેકડેમોનું નિર્માણ કરવામાં આવે તો અનેક ગામડાઓના ભૂગર્ભ સ્તર ઉંચા આવી શકે સરવાળે ખેડૂતો માટે સિંચાઈની સુવિધા સરળ બની શકે. જો વડગામ તાલુકામાં આવેલ વન અભ્યારણ વિસ્તારોમાં આવા ચેકડેમો નિર્માણ કરવાનું શક્ય બને તો લોકોને બીજી પણ રાહ્ત મળી શકે એમ છે જેમ કે જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓને પણ જળસ્ત્રોત ઉપલબ્ધ થતા તેઓ પાણી અને ખોરાકની શોધમાં ગામડાઓમાં અને ખેતરોમાં ઘૂસતા બંધ થઈ શકે. આવા ચેકડેમોનું નિર્માણ કરવું શક્ય છે જેનો ઉત્તમ દાખલો  બાલારામ પાસેના ધારમાતા પાસે વનવિભાગ દ્વારા રૂ ૫૦ લાખના ખર્ચે કોચરી ચેકડેમનું નિર્માણ કાર્ય થશે તે છે જેનાથી આ વિસ્તારના અંદાજીત ૨૫ ગામડાઓના ભૂગર્ભ જળસ્ત્રોતો ઊંચા આવશે.

વડગામ પંથકમા ઠેર ઠેર કૂવાના અને બોરના તળ ઊંડા ઊતરી ગયા છે. વડગામ પંથકમાં બોરના તળ ખૂબ જ ઊંડા ગયા છે કેટલાક વિસ્તારોમા તો ૩૦૦ મીટરથી એટલે કે ૧૦૦૦ ફૂટથી વધુ ઊંડા બોર ગાળવા પડે છે. જેમ પાણી ઊંડા ઉતરે તેમ તેમાં વધારે ક્ષારો પીગળેલા હોય છે. અત્યંત કઠિન અને ક્ષારો વાળું પાણી પીવાલાયક હોતું નથી તેમ છતાં લોકોની મજબૂરી છે કે તે પીવું પડે છે. બોર એટલા ઊંડા ગયા છે કે તેમને તળિયેથી પાણી મહાભારતના સમયમાં સંગ્રહ પામ્યું હોય તટલું જુનું હોય છે. લોકો કૂવા અને તળાવના પાણી પર આધાર ન રાખે તો શું કરે ? સપાટી પરના પાણી જેવા કે નદીના પાણી , તળાવોના પાણી અને તલાવડીઓ તો પંથક મા સુક્કીભઠ્ઠ પડી છે . નહેરો કે સિચાઈ ની બીજી કોઈ સુવિધા નથી પાઈપ લાઈન મારફતે પીવાનું જે પાણી આવે છે તેની શુધ્ધ્તાની કોઈ ખાતરી નથી અને તે પૂરતું નથી આ સંજોગો મા ભૂગર્ભજળના પાણી ઉપર આવે તેવા પ્રયત્નો તળાવો, તલાવડીઓ , ચેકડેમો વગેરે પાઇપ લાઈન મારફતે મોટા ડેમો માંથી અને વરસાદી પાણી ના યોગ્ય આયોજનથી પાણીની જરૂરીયાતની પૂર્તિની સાથે સાથે લોકોની તંદુરસ્તીની જાળવણી પણ થઈ શકે . ભૂગર્ભ જળના સ્ત્રોતોના તળ ઊંડા ઊતરતા તેમાં અનેક હાનિકારક ક્ષારો ઓગળેલા હોય છે બીજી બાજુથી સપાટી પરન પાણીના સ્ત્રોતો વડગામ પંથકમાં બહુ ઓછા અને તે પણ પ્રદૂષિત થઈ રહ્યા છે આમ વડગામ પંથક મા આરોગ્યપ્રદ પાણી મેળવવું સમસ્યા બનતી જાય છે.

Mokeshwar DamPhotograph : Kartik Mistry

વડગામ તાલુકામાં ૧૯૮૦ ના દાયકામાં બાંધવામાં આવેલ મોકેશ્વર ડેમ એ એક માત્ર મોટો જળસ્ત્રોત અને જળસંગ્રહ નું સ્થાન છે પરંતુ એનો લાભ જોઈએ એ એવો વડગામ્ તાલુકાને મળ્યો નથી એટલું ચોક્કસ કહી શકાય કે ડેમ ના લીધે મોકેશ્વર આજુબાજુ આવેલ વડગામ તાલુકાના ગામડાઓ કે જેને નદીશેરા ના ગામડાઓ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગામડાઓમા ભૂગર્ભ જળસ્તર જળવાઈ રહ્યા છે અથવા તો જળ સ્તર ઊંચા આવ્યા છે પણ જ્યાં સુધી સિચાઈ ની વાત છે તેનો મોટો લાભ મહેસાણા જિલ્લા ના ગામડાઓને મળી રહ્યો છે. નહેર વાટે અસરગ્રસ્ત ગામડાઓ મા પાણી પહોંચાડવા પ્રયત્નો પુરા થયા નથી અને એવુંજ વડગામ તાલુકામાં આવેલા તળાવો ભરવાની બાબતમાં વિચારી શકાય. મોકેશ્વરથી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા ચિમનાબાઈ તળાવમાં પાણી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે પણ મોકેશ્વર થી વડગામ તાલુકાના કોઈ તળાવમાં પાણી લઈ જવાની કોઈ વ્યવસ્થા ગોઠવાઈ હોય તેવું જાણમાં નથી. તાલુકાના આ એક મોટા જળસ્ત્રોત કે જળસંગ્રહ નો લાભ વડગામ તાલુકાના અસરગ્રસ્ત ગામો નો મળે તે આવશ્યક છે.

થોડા ખાંખા ખોળા કરવાથી વડગામ.કોમ ને જાણવા મળ્યું કે ગુજરાતમાં પાણી ની સમસ્યાના સમાધાન હેતુ કેટલીક યોજનાઓ અસ્તિત્વ ધરાવે છે જેવી કે નર્મદા યોજના, કલ્પ્સર યોજના, સુજલામ સુફલામ યોજના,ચેકડેમની કામગીરી, જળાશયો/નદીઓના વધારાનું/સ્પીાલ પાણીનો સદૃઉપયોગ, નર્મદા મુખ્યગ નહેર આધારિત ઉત્તર ગુજરાતના હયાત બંધો અને નાના તળાવો ભરવા માટેની લાઇન યોજના, ધરોઇ ડાબા અને જમણાં કાઠાં નહેર એક્ષ્ટેબન્શનન યોજના વગેરે વગેરે હવે જાણવું એ જરૂરી છે કે કઈ કઈ સરકારી યોજનાઓ વડગામ તાલુકા માટે અનુકુળ આવી શકે તેમ છે. આ માટે નક્કર રજૂઆત અર્થે આપણી પાસે નક્કર ડેટાઓનો અભાવ છે આ તમામ યોજનાઓને કેવી રીતે કાર્યાવિન્ત થઈ શકે એ અભ્યાસ નો વિષય છે. આ યોજનાઓ માંથી વડગામ તાલુકામાં અત્યાર સુધી એકમાત્ર ચેકડેમની કામગીરી થઈ છે પણ એની ગુણવત્તા અને સ્થળ પસદંગી બાબત અનેક પ્રશ્નો છે કે એનું કોઈ સકારાત્માક પરિણામ આજ સુધી મળ્યું નથી કે ના કોઈ એના ડેટા ઉપલબ્ધ છે..

પાણી ની સમસ્યા નિવારણ હેતુ સરકારશ્રી ની વિવિધ યોજનાઓ વિશે આપણે ઉપરોક્ત માહિતી મેળવી . આ યોજનાઓ પૈકી એક યોજના સુજલામ સુફલામ યોજના છે . આ યોજના અંતર્ગત વડગામ તાલુકાના કર્માવત તળાવને હાલ પાણી મળી શકે તેમ નથી.

તા. ૧૭.૦૬.૨૦૧૪ ના પત્રથી વડગામના શ્રી કાનજીભાઈ ઘેમરભાઈ ધુળીયા એ અધિક્ષક્ ઈજનેર શ્રી કચેરી સુજલામ સુફલામ્ વર્તુળ -૧ ગાંધીનગર માં વડગામના ગુરૂના પર્વતની તળેટીમાં આવેલ કર્માવત તળાવમાં નર્મદાનું પાણી નાખવા રજૂઆત કરી હતી.

તેના પ્રત્યુતરમાં ઉપરોક્ત કચેરી દ્વારા તા. ૧૩.૦૮.૨૦૧૪ ના રોજ જણાવવામાં આવ્યું કે સુજલામ સુફલામ યોજના એ નર્મદા મુખ્ય નહેર આધારિત મૂળ આયોજન મુજબ મંજુર થયેલ પાઈપલાઈનોની કામગીરી છે. રજૂઆત હેઠળનું મોજે જલોત્રા ખાતેનું તળાવ બનાસકાંઠા જિલાના વડગામ તાલુકામાં આવેલ છે. આ તાલુકામાં હાલમાં નર્મદા મુખ્ય નહેર આધારિત કોઈ ઉદ્દવહન પાઇપ લાઈન ન હોઈ / મૂળ આયોજન હેઠળની કોઈ પાઇપ લાઈન પણ નજીકમાં ન આવતી હોઈ કર્માવત તળાવમાં નર્મદાનું પાણી નાંખવાની માંગણી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી જે વિદિત થવા વિનંતિ…

સરકારશ્રીની નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન પાઈપલાઈનો માંથી તળાવો ભરવાની પ્રવર્તમાન નીતિ અનુસાર પાઇપલાઈન ના સ્કાવર વાલ્વથી ૨ કિ.મી ની મર્યાદામાં આવતા તળાવો તાંત્રિક દ્રષ્ટિએ પાઇપ લાઈન સાથે જોડી ભરી શકાય છે …

ઉપરોક્ત નિયમ મુજબ સુજલામ સુફલામ યોજ્નાનો લાભ લેવા નર્મદાથી મુખ્ય નહેર તાલુકા માંથી પસાર થતી હોવી જોઈએ અથવા વડગામ તાલુકાનું કોઈ ગામનું તળાવ કે જ્યાંથી નર્મદા નહેર ની ઉદ્દ્વહન પાઈપલાઈનો નો સ્કેવર વાલ્વ ૩ કિ.મી ની મર્યાદા માં આવતો હોય તો જ વડગામ તાલુકાને સુજલામ સુફલામ યોજના અંતર્ગર પાઇપ લાઈન મારફત તળાવો ભરાવાની કામગીરી થઈ શકે ….

એટલે એ સ્પષ્ટ થાય છે કે સુજલામ સુફલામ યોજના એ નર્મદા નહેર આધારિત યોજના છે અને વડગામ તાલુકામાં નર્મદા ની કોઈ નહેર પસાર થતી ન કોઈ આ યોજાનાનો લાભ વડગામ તાલુકાને મળી શકે એમ નથી ….એટલે આપણે સલંગ્ન યોજનાઓનો લાભ લેવા વડગામ તાલુકામાં નર્મદા નહેર માટે માંગણી ચાલુ રાખવી પડે.

ઉપરાત વડગામ,કોમ નું એક સુચન એવું છે કે સરકારની સુજલામ સુફલામ યોજનામા સરકારશ્રી દ્બારા સુધારો કરી નર્મદા નહેર ની જગ્યાએ કોઈ પણ ડેમની નહેર એવું કરવામાં આવે અને વડગામ તાલુકાના એક માત્ર મુક્તેશ્વર ડેમ અથવા તો ધરોઈ કે બીજા કોઈ ડેમ માંથી નહેર પસાર થતી હોવી જોઈએ અને એમાં પણ વડગામ તાલુકાના થોડા ગામડાઓ સુધી તો મુક્તેશ્વરડેમ માંથી નહેરોનું કામ થયેલું જ છે તો જો આ સુધારો શક્ય બને તો મુક્તેશ્વર ડેમ કે અન્ય બીજા ડેમ ની નહેર મારફત સુજલામ સુફલામ યોજના અંતર્ગત્ પાઈપલાઈનો નાખી વડગામ તાલુકામાં આવેલા નાના મોટા તળાવો ભરવાનું સરળતાથી શક્ય બને એમાં શંકાને કોઈ સ્થાન નાથે એઅને એ થઈ શકે એવું છે એટલે આપણે આ પોઈન્ટ પણ નોંધ કરીએ કે વડગામ તાલુકાના એક માત્ર મોટા બંધ મુક્તેશ્વર થી કે અન્ય અનુકુળ ડેમની નહેર વાટે સુજલામ સુફલામ યોજ્ના નો લાભ આપો આમ પણ જ્યારે નર્મદા નું પાણી લાવવું શક્ય બનશે ત્યારે આ નહેરોનો ઉપયોગ કરી શકાશે …

જો કે સુજલામ સુફલામ યોજના અંતર્ગર કોઈ નવીન સુધારો થયો હોય તો જાણમાં નથી ……..

મુક્તેશ્વર યોજનાથી વડગામ તાલુકાના લાંભાવિત ગામડાઓમાં  નિઝામપુરા, તાજપુરા, શેરપુરા, પાંચડા, સલીમકોટ, બાદરપુરા, મેપડા, નગાણા, મોટી ગીડાસણ, નાની ગીડાસણ, પાલડી, ઉમરેચા, નાંદોત્રા વગેરે મળીને કુલ ૧૩ ગામડાઓનો સમાવેશ થાય છે. મુક્તેશ્વર યોજના ઇ.સ ૧૯૯૦ માં પૂર્ણ થઈ હતી ત્યારબાદ અત્યાર સુધી એટલે કે માર્ચ ૨૦૧૯ સુધી ૨૯ વર્ષો દરમિયાન વડગામ તાલુકાના ૧૧૦ ગામો પૈકી માત્ર ૧૩ ગામડાઓ માં નહેર અને પાઇપલાઈન ની વ્યવસ્થા ગોઠવાઈ છે અને ૧૩ પૈકી મોટા ભાગના ગામડા નદીશેરા વિસ્તારમાં આવે છે એટલે ત્યાં મોટેભાગે ભૂગર્ભ જળ ના તળ ઊંચા છે જ એટલે ખરેખર જ્યાં પાણીના તળ ઊંડા છે કે જ્યાં પાણી ની મહત્તમ જરૂરીયાત છે તેવા વડગામ તાલુકાના મોટાભાગના  ગામડાઓ છેલ્લા ૩૦ વર્ષ થી મુક્તેશ્વર જળાશય યોજનાના લાભ થી વંચિત છે. મુક્તેશ્વર ડેમ બન્યાને ૩૦ વર્ષમાં વડગામ તાલુકામાં ઓછામાં ઓછા ૩૦ ગામડાઓ તો જળાશય થી નહેર અને પાઇપલાઈન સાથે કનેક્ટેડ હોવા જોઈએ એમાં પણ ૫૦ % ઉપરની ઘટ છે …જનજાગૃતિ નો અભાવ ઘણો કે નિરશ નેતાગીરી આ બાતમાં આજે પણ વડગામ તાલુકો પછાત છે.

ગીડાસણ સુધી મુક્તેશ્વર નહેર અને પાઇપલાઈન આવેલી છે  તાલુકા મથક વડગામ થી ગીડાસણ ૧૦ કિમી ના અંતરે આવેલું છે એટલે તાલુકા મથક સુધી પણ લાઈન લંબાવવામાં કોઈ અડચણ આવે એવું કારણ દેખાતું નથી તે જ રીતે વડગામ થી કર્માવાત તળાવ ૧૫ થી ૨૦ કિ.મી ના અંતરે છે એટલે એ પણ થઈ શકે સરવાળે વડગામ તાલુકાના મોટા ભાગના વિસ્તારો વધુમાં વધુ ૨૫ થી ૩૦ કિ.મીના અંતરમાં વિસ્તરેલા છે અને એટલા વિસ્તારો સુધી સહેલાઈથી નહેર કે પાઇપ લાઈન મારફતે પહોંચી તાલુકાના મુખ્ય મુખ્ય તળાવો ભરી શકાય એમાં કોઈ મોટી સમસ્યા નડે એમ નથી…રહી ડેમમાં પાણીની ક્ષમાતાની તો મુક્તેશ્વરડેમમાં જરૂર જણાય તો ધરોઈ કે નર્મદા ડેમથી પાણી લાવી શકાય કે કેમ એ ટેકનીકલ દ્રષ્ટિએ જોવું પડે.

વડગામ તાલુકાનો વિસ્તાર પ્રમાણે ભૂગર્ભ જળની સપાટીનો સર્વે કરાવી જે વિસ્તારમાં ભૂગર્ભ જળનું પ્રમાણ સરેરાશ  ૫૦૦ થી વધુ  ફૂટ સુધી ઊંડે ઉતરી ગયું હોય તેવા વિસ્તારોમાં મુક્તેશ્વર ડેમથી નહેર / પાઇપલાઈન ની વ્યવસ્થા ગોઠવી ત્યાં આવેલા તળાવો ભરવાની કામગીરી શરૂ કરવી જોઈએ જ્યારે જ્યારે મુક્તેશ્વર ડેમ ઓવરફ્લો થવાની પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં વધારાનું પાણી આવી નહેરો મારફતે છોડી તાલુકામાં આવેલા  ખાલી તળાવો ભરી સંગ્રહિત કરી શકાય.

તળાવો

વડગામ.કોમ ને જાણવા મળેલ માહિતી મુજબ વડગામ તાલુકામાં કુલ 52 (બાવન) તળાવો નોંધાયેલા છે. વડગામ તાલુકો એ જિલ્લામાં અમીરગઢ બાદ બીજા નંબરના સૌથી વધુ તળાવો ધરાવતો તાલુકો છે.. જે તે સમયે ભૂગર્ભજળ રીચાર્જ માટે તળાવો બંધાતા.

૧. મેપડાનું પેપળીયું તળાવ

મેપડા ગામમાં ત્રણ તળાવ છે,  એમાં તળાવ નંગ-૨ મેપડા જાગીરી સમયે ખોદવામાં આવેલ જેમાં તળાવ નં. ૧ પેપળીયા તળાવ તરીકે ઓળખાય છે જે છપ્પનીયો કાલ પડ્યો તે સમયે પેપર અને મેપડા ના ઢોર ઢોખર,  જીવ જંતુને પાણી મલે તે હેતું થી ઠાકોર સાહેબ શ્રી બિહારી બાદરખાનજી દ્વારા બંધાવેલ જે તલાળ્ બાંધવા આવેલ લોકોને તે સમયે રોજગારી પુરી પાડેલ અને આઝાદી પછી બાદરખાનજી ના બંન્ને દીકરાની જમીનના ભાઈઓ ભાગની વહેંચણી થતાં આ તળાવ માટેની જગ્યા અડધા ભાગે કાયમી ખાતે જાહેર ઉપયોગ હેતુ રાખવામાં આવેલ છે જે અત્યારે એ બંન્ને ભાઈોઓના ખેતરના સાંઢે અઢી એકરમાં તળાવની જગ્યા આવેલ છે પણ તેને રિચાર્જ કરવાની તાતી જરૂરીયાત છે.  તળાવ નં. જે મેપડા પેપોળની હદ પર આવેલ છે જે આઝાદી પુર્વે 1930 થી 1942 વચ્ચે બાંધવામાં આવેલ છે જે અમારા ખેતરોમાં વહોણાનું પાણી આવતું હતું તે રોકવા હેતું આ બંધ બાંધી તલાળ ખોદવામાં આવેલ જે અર્થે સૌને રોજગારી પાડવામાં આવેલ છે, જેની નોંધ છે,  તળાવ નં. 3 જે મેપડા જુના ગામથી નવા ગામ તરફ જતા રસ્તા પર આવેલ છે જે મેપડાના પ્રથમ સરપંચ શ્રી શમસેરખાન બિહારી દ્વારા તેમના સમયગાળામાં બનાવવામાં આવેલ છે,   આમાં તલાળ નં. 1 માં ચોમાસામાં પાણી ભરાય છે,  તે બાદ ખાલી રહે છે,  અને તલાવ નં. ૨-૩ જે મોકેશ્વર થી પાટણ, સમી,  હારીજ જતી નહેર પાસે જ આવેલ હોવાથી નહેર દ્વારા પાણી ભરવામાં આવે તો થઈ શકે એમ છે કે। આ સિવાય ત્યાં ચોમાસામાં પાણી ભરાય જ છે.

૨. નળાસરનું દાતણીયું તળાવ

નળાસરમાં દાતણીંયુ તળાવ આવેલું છે જેમાં ભાંગરોડીયા અને ટીંબાચૂડીથી વહોળો આવે છે…આ તળાવ અંદાજીત ૨૭ વિઘામાં ફેલયેલું છે.

૩. જલોત્રાનું કરમાવાત તળાવ

વડગામ તાલુકાના જલોત્રા ગામની પહાડીઓ માં આવેલું એટલે કે ટુંડેશ્ચરના ભાંખરાથી ગુરૂના ભાંખરા સુધી વિસ્તરેલું અને આશરે ૫૦૦ એકરમાં ફેલાયેલું વિશાળ કરમાવાદ તળાવ.

કરમાવદ કે કરમાવત નો ઇતિહાસ

પાલનપુર રાજ્ય નો ઇતિહાસ ભાગ – ૧ ,પાન. નં. ૧૬૨ માં જણાવ્યા મુજબ

દીવાન કરીમદાદ ખાન ઈ. સ. ૧૭૧૯ થી ૧૭૩૫.

આશરે ઇ. સ. ૧૭૨૫ આસપાસ દીવાન કરિમદાદ ખાન ના રાજ્ય શાશન વખતે મરાઠાઓ ના જુલમ અને લૂંટફાટ થી ગુજરાત ની વસ્તી દુર્દશા માં આવી ગઈ હતી. આ ત્રાસ થી કંટાળી વડનગર, વિસનગર, વિજાપુર વગેરે કેટલાક ગામોના શાહુકારો તથા બ્રાહ્મણો એ પોતાના જાનમાલ અને આબરૂ બચાવવા અર્થે દીવાન કરીમદાદ ખાન નો આશ્રય લીધો. તેમણે આ ગભરાયેલી અને પીટાયેલી વસ્તી ને ખુબ દિલાસો આપી પાલનપુર ની પૂર્વે દસ માઈલ છેટે આવેલ પહાડો માં તેમના માટે એક ગામ વસાવ્યું, જેનું નામ તેમના નામ ઉપર થી કરીમાબાદ રાખવામાં આવ્યું. આ ગામ ત્યાં વસાવેલ. શાહુકારો તથા બ્રાહ્મણ લોકોને પહાડી હવાપાણી બિલકુલ માફક ન આવ્યા,
તેથી લોકો જુદા જુદા ગામો માં જઈ વસ્યા તે કારણે કરિમાબાદ વેરાન થઈ ગયું. અને તેનું ખંડેર હાલ પણ દીવાન કરીમદાદ ખાન ની ઉચ્ચ અને દયાળુ વર્તનુક નું સ્મરણ કરાવે છે.( જુઓ મિરાતે એહમદી )
કાળ ક્રમે કરીમાબાદ નું નામ અપભ્રંશ થઈ કરમાવદ કે કરમાવત થયું વળી એમ પણ કહેવામાં આવે છે કે તે લોકોની એક સ્ત્રી તરફ દીવાન કરીમદાદ ખાન ના કોઈ નોકરે દુષ્ટ નજર થી જોયું અને જુલમ ગુજાર્યો. આથી તેમના માં ખળભળાટ થયો. તેમણે આ વાતની ખબર દીવાન કરીમદાદ ખાન ને પણ આપી, પરંતું તે ખરી હકીકત થી અજાણ હોવાથી તેનો કંઈ બંદોબસ્ત કરી શક્યા નહિ. પરિણામ એ આવ્યું કે ત્યાં વસેલા લોકો ધીમે ધીમે તે ગામ છોડી બીજે જઈ વસ્યા. અને આમ કરિમાબાદ ગામ વેરાન થઈ ગયું, અને કાળક્રમે અપભ્રંશ થઈ કરમાવદ કે કરમાવત નામ રહી ગયું.

સાંભળયા પ્રમાણે જલોત્રા ગામનો મતલબ જલ્ + ઉત્તર = જેની ઉત્તરે જળ છે એ જલોત્રા

પહેલાં સરેરાશ ૫૦ ઈંચ કરતાં વધુ વરસાદ પડતો હતો એટલે કરમાવાદ માં જળનો આવરો રહેતો હશે. ઉપરાંત ભુર્ગભ નાં ખડકો નાં પોલાણ થી વડઞામ નાં દક્ષીણ અને પશ્ર્ચિમ ભાઞો નાં ભુર્ગભ જળ ઉપર આવતાં હશે. કારણકે ઉત્તર ગુજરાત પ્રદેશ નાં જમીનસ્તર તેમજ ભુર્ગભ જળ નું વહેણ અરાવલી થી કચ્છ નાં નાનાં રણ તરફ નું છે. આ બાબતો થી સાઈન્ટીફીકલી પણ કરમાવાદ નાં જળભંડારણ મહત્વ નું બની શકે.

કરમાવાત એરિયાનો સવેઁ નંબર -76 છે. કુલ ક્ષેત્રફળ -107 હેકટર જેટલું છે કમાઁવત તળાવ -42 હેકટર તળાવ સીવાય નો સમતળ ભાગ 20 હેકટર આજુબાજુ બાકી નો જંગલભાગ જે તળાવ ના બાજુ ના ડુગર છે તે વિસ્તાર. તળાવ ની પાણી ની સમતા 42 +20 =62 હેકટર માં એકઠુ કરી શકાય મુળ પાણી સંગ્રહ 42 હેકટર બીજો 20 હેકટર કરમાવત તળાવ બાદ જલોતરા ગામ બાજુ આવે તે છે. કુલ ક્ષેત્રફળ ૧૮૦૦ એકર થી પણ વધુ….નવાબી રાજમાં કરમાવાદ નું મોટા ભાગનું પાણી જલોત્રા ગામ વચ્ચે થ‌ઇ વણસોલ ત્યાંથી છનીયાણા અને આ બાજુ ઘોડીયાલ.. છનીયાણા થ‌ઇ છેક ગીડાસણ સુધી પાણી જતું એવું મનાય છે. આ બાજુ ઘોડીયાલ થઈ આમદપુરા, હડમતીયા, ચિત્રોડા જ‌ઇ જોઇણ નદી માં મળી પાચડા,સલેમકોટ થ‌ઇ સરસ્વતી નદી માં ભળી જતું..

જલોત્રા ગામ માં પાણી પડતું હોઇ ગામ લોકો ને ખુબ તકલીફ પડતી હોવાથી એમણે નવાબ સાહેબ આગળ રજુઆત કરી વિસનાળા વિસ્તારમાં એક નેળીયુ પડે છે કુદરતી રીતે જેતે સમયે આ જગ્યા એ માટીના મોટા પાળા હતા નવાબ સાહેબે પાળા હરોડ તોડાવી પાણી નો મોટાભાગનો આવરો થુર,કરનાળા,ઘોડીયાલ તરફ કારાવ્યો. આ સિવાય કરમાવાદ નું કેટલુક પાણી ધાણધા નદી માં પણ જતું..

વધુંમા મળેલી માહિતી મુજબ કરમાવત વાળો વિસ્તાર જંગલ ખાતા માં અભયારણ્ય હેઠળ નો વિસ્તાર છે. તેને deforest કરાવવો પડે આ માટે સુપ્રીમ કોર્ટેની મંજૂરી મેળવવી પડે. જો મંજૂરી આપે તો પણ તે જમીન ની કિંમત અને double વળતર વનીકરણ ની રકમ. તથા તે જગ્યા એ પાણી પહોંચાડવા નું ખર્ચ સરકાર ને આથીક રીતે પરવડે નહીં. કચ્છ માં નર્મદા નું પાણી લિફ્ટ કરવા માં આવે ત્યારે તેનું ખર્ચ પીવા ના પાણી ની બોટલ થી વધુ આવે છે. જળસંચય એ મૂળભૂત વન વિભાગ ને લાગતો પ્રશ્ન છે પણ irrigation department e moti jal sanchay યોજના ઓ નું કામ કરે છે જ્યારે વન વિભાગ પાયા નું કામ કરે છે

 

૪. વડગામનું સમશેર સાગર તળાવ

૫. ફતેગઢનું બલાસર તળાવ

ફતેગઢમાં પસવાદળ,નાનોસણા,એદ્રાણા અને ફતેગઢની વચ્ચે વિશાળ બલાસર તળાવ આવેલું છે…આ તળાવને ઊંડું કરી પાણી ભરવામાં આવે તો ઉપરોક્ત ગામોના વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તર ઊંચા આવી શકે.

૬. મગરવાડાનું તળાવ

૭. પસવાદળનું તળાવ

પસવાદળ વિરદાદાના મંદિરની પાછળ એક મોટું તળાવ આવેલું છે.

૮. છાપી નું તળાવ

છાપી ગામ ગાયત્રી મંદિર સામે એક મોટું તળાવ આવેલું છે.

૯. માહી ગામનું તળાવ

૧૦. સેધણી ગામનું તળાવ

 

daataniyu talaav

ટીંબાચુડી
વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે નીચે મુજબના તળાવો કે જેમાં વરસાદ દરમિયાન પાણીની સારી આવક હોય છે અને આ તળાવો ઊંડા કરવાથી ખૂબ જ સારું જળ સંચયનું કામ થઈ શકે એમ છે. એવા તળાવો ની યાદી નીચે મુજબ છે.
1. મુખ્ય ગામ તળાવ (ઊંડું સાથે વિસ્તાર પણ વધી શકે એમ છે.)
2. ખારોડ નું તળાવ ( બહુ જ મોટું થઈ શકે એમ છે.)
3. ખેડ નું તળાવ
4. મૂળજી બોડા
5. ગોચરીનું તળાવ
   ઉપરોક્ત પાંચ તળાવ ખૂબ ઊંડા થઈ શકે એમ છે. જેની નોંધ લઈ ચોમાસા પહેલા સત્વરે કામ થાય એવી વિનંતી.
લિ. રમેશભાઈ માનજીભાઈ ભૂતડીયા
મુ. પો. ટીંબાચુડી, તા. વડગામ, જિ. બનાસકાંઠા પિન.:- 385210
મો. +91 84018 99175

Timbachudi

 

મારા પરમ મિત્ર સુધીર નાની ઉંમરમાં જળસ્ત્રોત સમસ્યા બાબત હિન્દી ભાષામાં ખૂબ સરસ લેખો લખે છે તેણે વડગામ.કોમને તાજેતરમાં તેમના દ્વારા હિન્દી ભાષામાં લખેલ લેખ મોકલી આપેલ જે માહિતીપ્રદ અને જનજાગૃતિ હેતુ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી તે લેખમાંથી થોડી માહિતી લઈને તેનો અનુવાદ સ્વરૂપે થોડા વધારા-ઘટાડા સાથે વડગામ.કોમ ઉપર રજુ કરું છુ જે વડગામની જળસમસ્યાઓને સમજવા માટે ખૂબ જ ઉપયોગી થશે.

દેશના હવામાન વિભાગે વર્ષ ૨૦૧૯માં દેશમા ચોમાસાના ચાર મહિના (જુન-સપ્ટેમ્બર) ધુંઆધાર વરસાદની ભવિષ્યવાણી કરી છે ત્યારે સવાલ એ છે કે શું આપણે વરસાદ દ્વારા પ્રાપ્ત વધારાના પાણીનો સંગ્રહ કરી શકીશું?
આપણા દેશમાં મોટેભાગે વરસાદના પાણીનો માત્ર ૩૫ ટકા ભાગ જ ખેતી અને જળસ્ત્રોતોમાં પ્રવેશ કરી શકે છે જ્યારે બાકીના ૬૫ ટકા ભાગ કોઈ પણ પ્રકારનો ઉપયોગ થયા વિના સમુદ્રમાં વહી જાય છે. બિનઉપયોગી વેડફાઈ રહેલા આ પાણીનો આપણે સમુદ્રમાં વહી જતું રોકવું પડશે પણ કેવી રીતે ? નદી, તલાવડીઓ અને તળાવો મોટે ભાગે થળાઈ ગયા છે અને ગંદકીથી ખદબદી રહ્યા છે. સરકારી દ્ફતરે વડગામ તાલુકામાં કુલ બાવન તળાવો છે પણ એવું કહી શકાય કે બહુ જુજ તળાવો કાર્યક્ષમ હશે. થળાઈ ગયેલા અસમતોલ, ઝાડી ઝાંખરા અને ગંદકી થી ખદબદતા વડગામ તાલુકાના મોટા ભાગના તળાવો અને તલાવડીઓ વરસાદી પાણીનો સારી રીતે સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં નથી એ જ રીતે વહોળા અને નદી નાળાઓ પણ ગંદકીરૂપી અનેક અવરોધોથી ખદબદી રહ્યા છે. ધાર્મિક વિધીને નામે મોકેશ્વર ડેમ વિસ્તારમાં જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે તેનું નિરિક્ષણ કરો તો એનો પુરાવો આપવાની જરૂર નહી જણાય. નદી, નાળા, તળાવો, તળાવડીઓ, વહોળાઓ જે ગંદકીથી ખદબદી રહ્યા છે તે વધુ પડતા વરસાદ પછી અનેક સમસ્યાઓને જન્મ આપશે. વધુ પડતો વરસાદ પુર અને ભુસ્ખલન જેવી આપત્તિઓને આમંત્રણ આપે છે. શું આનો સામનો કરવાની આપણી પુરી તૈયારી છે ? દેશમાં નક્કર જળનિતિના અભાવે દર વર્ષે વરસાદી પાણીનો એક મોટો હિસ્સો વ્યર્થ બની જાય છે. આમ જોવા જઈએ તો આજના યુગમાં શિક્ષણ અને પ્રચાર-પ્રસારનું પ્રમાણ વધવા છતાં લોકો હજુ સુધી જળ સરક્ષંણ પ્રતિ જાગૃત બન્યા નથી એ આપણે મોટી રાષ્ટ્રીય સમસ્યા છે. આજે જળ સરક્ષણના તમામ પ્રયાસો માત્ર જાહેરાતો અને ભાષણબાજી સુધી સમેટાઈને રહી ગયા છે. હડપ્પા સંસ્કૃતિથી દેશમાં કુવાઓ અને તળવો ખોદાવી આપણા પૂર્વજોએ જળ સરક્ષણ ઉપર ધ્યાન આપ્યું હતું પરંતુ ઔધ્યોગિક અને આધુનિક થઈ રહેલા વર્તમાન સમાજમાં જળ સરંક્ષણની પરંપરાગત પધ્ધતિઓ વિસરાઈ ગઈ છે જે જળસંકટ વ્યાપક બનવાનું મુખ્ય કારણ છે. આજે દેશમાં આપણી પ્રાચીન તળાવ સંસ્કૃતિને પુન:જીવિત કરવાની જરૂરિયાત છે. તળાવ, તળાવડીઓ (વડગામમાં એક ભાત તળાવડી આવેલી છે) અને કુવાઓ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તરને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. વર્ષાઋતુ પહેલા વડગામ તાલુકામા આવેલ તળાવો, તળાવડીઓ, નદી નાળા ની સારી રીતે સફાઈ કરી તેને જરૂરી માત્રામાં ઊંડા કરી સમતોલ બનાવવાની સાથે વરસાદી પાણીનો આવરો તેમા વળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ગાયકવાડના રજ્ય શાસનમાં વરસાદી પાણીને under ground પાઈપ લાઈન મારફતે સુરસાગર તળાવમાં નાખવાની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરંતુ કહેવાતા આધુનિક યુગમાં હાલ તેને ગટરલાઈન સાથે જોડી ગટરનું પાણી નાખવામાં આવે છે આનાથી મોટી કમનસીબી પ્રજા માટે કઈ હોઈ શકે. હાલ મોટે ભાગે તળાવો ગટરલાઈન સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યા છે જે તળાવનો મુખ્ય ઉદ્દેશ હતો તેનાથી વિપરીત છે. ભૂજળ પુન:ભરણનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે અને જ્યાં સુધી વરસાદી પાણી ધરતી ઉપર રોકાય નહી તો ભવિષ્યમાં આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીશું ?
નોધ : વડગામ.કોમ ને મળતી માહિતી મુજ્બ ઉપર બતાવેલ ફોટોગ્રાફ્સ મુજબ વડગામ તાલુકાના નળાસર ગામમાં અવેલ દાતણિયા તળાવને ઊડું કરવાની કામગીરી ચાલે છે જો કે ટેકનિકલ રીતે આયોજનબધ્ધ રીતે કામગીરી થાય તે અત્યંત જરૂરી છે આ જ રીતે વરસાદ પહેલા વડગામ તાલુકામાં આવેલ તમામ તળાવોનો સર્વે કરાવી યુધ્ધ્ના ધોરણે તેને ઊંડા કરવાની તેમજ સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવાની જરૂર જણાઈ રહી છે.

ભારતના વોટરમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રી રાજેન્દ્રસિંહે તાજેતરમાં ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી છે જે વડગામ તાલુકામાં આવેલ તળાવો સંદર્ભે મહત્વપૂર્ણ ગણી શકાય. ચોમાસામાં કુદરતી રીતે તળાવો ભરવા હોય તો શું જરૂરી છે એ બાબત તેમના વિચારો અક્ષરશ નીચે મુજબ છે.

The source of water for the lake is forests and they are in a degraded state now. So there is need to ensure greenery in the catchment area for smooth flow of water.

જંગલો એ તળાવો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે પણ તાલુકામાં જંગલો ઉજ્જડ થઈ ચુક્યા છે…કુદરતી રીતે તળાવો ભરવાની પહેલી પૂર્વ શરત કે જ્યાં વરસાદી પાણીનો આવરો રહેતો હોય કે જેને આપણે અંગ્રેજીમાં કેચમેન્ટ એરિયા તરીકે ઓળખીએ છે તે જગ્યાને અનુકુળ તળાવોનું સ્થાન હોવું જોઈએ એટલે વડગામ તાલુકામાં જે જગ્યાએ તળાવો છે જે  કેચમેન્ટ એરિયાની વાખ્યા તળે આવે છે કે કેમ તે જોવું પડે આ ઉપરાંત Greenery એટલે કે તે વિસ્તાર માં વૃક્ષોનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવું જોઈએ જેથી વરસાદી પાણી સપાટ અને સીધી રીતે તળાવોમાં વહી શકે …આ બધી શરતો નું પાલન થાય તો અને તો જ વડગામ તાલુકામાં આવેલા તળાવો કુદરતી પાણી થી છલોછલ ભરાઈ શકે પણ કમનસીબે બેફામ વસ્તીવધારાની સાથે જે તે કેચમેન્ટ એરિયામાં દબાણોનો રાફડો ફાટ્યો છે..નવા વ્રુક્ષો ઉગવાની કે ઉગાડવાની જગ્યાએ હયાત વ્રુક્ષોનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું જાય છે અને એ વિસ્તારો માં સિમેન્ટ ક્રોન્ક્રિટના જંગલો ચણાતા જાય છે આવી સ્થિતિમાં વડગામ તાલુકામાં આવેલ તળાવો વરસાદી પાણીથી છલોછલ ભરાય એવી શક્યતા ખુબ ઓછી છે…એવું કહેવાય છે કે ગાયકવાડ શાસનમાં વડગામની સરહદ નજીક ખેરાલુમાં આવેલું ૧૬૦૦ એકરનું ક્ષેત્રફળ ધરાવતું ચિમનાબાઈ તળાવ માત્ર ૧૨ ઇચં વરસાદમાં છલોછલ ભરાઈ જતું એવી તેની રચના હતી..એટલે કહેવાનો આશય એ કે નવા તળાવોના ખોદકામ વખતે અથવા તો હયાત તળાવો સંબંધે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી અત્યંત આવશ્યક ગણી શકાય. વડગામ તાલુકાના મોટાભાગના તળાવો થળાઇ ગયેલા છે તેમજ ઉપરોક્ત શરતોની મર્યાદા બહાર છે એટલે વડગામ તાલુકામાં અસ્તિત્વ ધરાવતા તળાવોનું સર્વે કરાવી વિગતો એકઠી કરવામાં આવે અને જ્યાં જણાવેલ શરતોની પૂર્તિ થઈ શક્તિ  હોય તેવા તળાવોને  વરસાદી પાણી થી ભરવાની કાર્યવાહી કરવામાં આવે તો સરકારી નાણાનો વ્યય અટકવાની સાથે સકારાત્મક પરિણામ મળી શકે …પંથકમાં ભૂગર્ભ જળ વધારવા માટે જેટલું બને તેટલું વરસાદી પાણી યોગ્ય રીતે જમીનમાં ઉતરે તેવા પ્રયત્નો હાથ ધરવા પડે એને એના માટે તળાવો ,ચેકડેમો, ખેત તલાવડીઓ ખાસ કરીને ચોમાસાની ઋતુ માં છલોછલ રહે તેવા પ્રયત્નો કરવા પડે, કુવા રીચાર્જ કરવા પડે.

વડગામ.કોમ નો એક નમ્ર પ્રયાસ છે કે સકારાત્મક વિચારસરણી સાથે તાલુકાના વિકાસમાટે જરૂરી ઉપયોગી માહિતીની પણ એક ડેટાબેંક બને જેમાં જે પણ બાબતો સાર્વજન હિતાય , સર્વજન સુખાય ની વાખ્યામાં આવતી હોય અથવા તેના માટે પ્રયત્નો થયા હોય તેની વિગતો વડગામ.કોમ વેબસાઈટ ઉપર એક પ્રયાસરૂપે અપડેટ કરતા રહેવું. સૌ ના સાથ-સહકાર ની અપેક્ષા સહ……

વડગામ તાલુકાના જળસ્ત્રોતો બાબત  તેમજ અન્ય બાબતો  વાંચવા નીચેની લીંક ઉપર ક્લિક કરો .

ધરોઈ વાયા વરસંગ તળાવ ટુ મુક્તેશ્વર ડેમ પાણી નાખવા બાબત .

સુજલામ સુફલામ યોજના અંતર્ગર કરેક રજૂઆત ના પગલે મળેલ પ્રત્યુતર.