આપણા-રિવાજો

વડગામ દશનામ ગોસ્વામી સમાજની નવી પહેલ.

Goswami samuh Lagn -3

કોઈ પણ સમાજની પ્રગતિનો આધારસ્તંભ સમયાનુસાર અને જરૂરિયાત મુજ્બ વૈચારિક પરિવર્તનનો છે અને એ એટલુ જ જરૂરી પણ છે. સમયાનુસાર સમાજની ચીલાચાલુ રૂઢીઓથી અલગ વિચારી સમાજના લાભાર્થે નોખી કેડી કંડારનારા વિરલાઓ માટે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. શરૂઆત કરવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે. ચીલાચાલુ રૂઢીઓને ત્યાગી સમગ્ર સમાજ ના લાભાર્થે શરૂઆત કોણ કરે એ પેચીદો પ્રશ્ન દરેકને સતાવતો હોય છે. લોક ટીકાઓ સહન કરવાની અને પ્રતિષ્ઠા, માન – મોભો વગેરે નેવે મુકી હિંમતપુર્વક સમાજને યોગ્ય દિશા આપવાનું કામ પ્રવચન કરવા જેટલુ કે સલાહ આપવા જેટલુ સહેલુ નથી.

Goswami samuh Lagn -1આવી જ એક ઐતિહાસિક ગણી શકાય તેવી શરૂઆત વડગામ દશનામ ગોસ્વામી સમાજ દ્રારા કરવામાં આવી. અવસર હતો સમૂહ લગ્નનો. તા. ૦૩.૦૩.૨૦૧૬ મહાવદ નોમને ગુરૂવારના રોજ વડગામ પંથકમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આ પ્રકારના સમૂહ લગ્નની શરૂઆત સૌ પ્રથમ થઈ રહી હતી. ગામે ગામથી ગોસ્વામી સમાજના ભાઈ-બહેનો કઈંક નવા માહોલમાં નવી આશા સાથે પાંચ નવયુગલોને આશીર્વચન આપવા ઊમટી પડ્યા હતા. કોણ નાનુ કે કોણ મોટુ બધાજ ગોસ્વામી સમાજ ના ભાઈ-બહેનો એકસુત્રતાથી આ શુભ સામાજિકકાર્યમાં સાગમટે આનંદવિભોર બની પ્રસંગને દિપાવી રહ્યા હતા. જરા વિચાર કરો કે આજના યુગમાં એટલે કે મોંઘવારીના બિનજરૂરી સામાજિક ખર્ચાઓ વધી રહ્યા છે ત્યારે સામુહિક રીતે આયોજિત કરવામાં આવતા આવા લગ્નો કેટલા ફળદાયી અને યશદાયી નીવડી શકે એ માત્ર કલ્પનાનો વિષય નહી પણ ખરી વાસ્તવીક્તા છે.

Goswami samuh Lagn -6કોઈ પણ જાતની ચિંતાવગર , ઉચ્ચ્-નિચ્ચ ના ભેદભાવ વગર , રીસામણા-મનામણા વગર સામુહિક ભાવના સાથે આ રીતે સમગ્ર સમાજના સમૂહની વચ્ચે જ્યારે આ પ્રકારના લગ્નોનું આયોજન થઈ રહ્યુ હોય ત્યારે ચોક્કસ આવા સમૂહલગ્નો યશદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

સમગ્ર પ્રસંગને સફળ બનાવવા પ્રથમ તો આ સમૂહ લગ્નમાં પોતાનું નામ નોંધાવનારા પાંચ નવદંપતીઓ તેમના માતા-પિતા તેમજ કુટુબીજનો ધન્યવાદને પ્રાપ્ત છે કે જેમણે હિંમત કેળવી સમાજને ખોટા ખર્ચમાંથી બચાવવાની નવી પહેલ કરવા તૈયારી બતાવી તે જ રીતે વડગામના પૂર્વ સરપંચ તેમજ તાલુકા ડેલીગેટ શ્રી અમરતભાઈ જી. ગોસ્વામી તેમજ સમાજના આગેવાનો અને યુવાનોએ ખડે પગે રહી સમગ્ર આયોજનમાં સહકાર આપી જે રીતે રાત દિવસ જહેમત ઊઠાવી કાર્યક્રમને સફળ બનાવી સમાજને નવી દિશા ચિંધી છે તે સૌ અભિનંદન ને પાત્ર છે. સમાજને સમૂહ લગ્નો થકી નવી પહેલ નવી દિશા તરફ સુધારાલક્ષી પ્રયાણ કરવા બદલ www.vadgam.com સૌ વડગામ તાલુકા ગોસ્વામી સમાજને અભિનંદન પાઠવે છે તેમજ વર્ષોવર્ષ સમુહલગ્નોમાં ભાગ લેનાર નવદંપતીઓની સંખ્યામાં સતત વધારો થતો રહે તેવી શુભકામનાઓ પાઠવે છે.