ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

લાખ્ખો નિરાશામાં એક અમર આશા : કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામમેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલકપર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જેઆભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે. “લાખ્ખો નિરાશામાં એક અમર આશા ” એ પુસ્તકનું દશમું પ્રકરણ છે.આઅગાઉ નવ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખનાલેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].

 

Uttambhai Maheta
ઉજળી આવતીકાલનો દ્રઢ સંકલ્પ

સુખમાં સાથી સહુ કોઇ ! દુ:ખમાં મળે ન કોઇ ! સુખમાં બધા આપણા સાથી-સંગાથી બનતા હોય છે. સગાંવહાલાં અને સામાન્ય લટકતી સલામની ઓળખાણ ધરાવનારા પણ સુખના દિવસોમાં સાથ આપતા હોય છે. દુ:ખના દિવસો એવા દોહ્યલા હોય છે કે દુ:ખી માણસને એનો પોતાનો પડછાયો પણ સાથ આપતો ન હોય તેવું લાગે છે !

આસપાસ-ચોપાસથી હૈયું કોરી નાખે તેવો ઉપહાસ ઉત્તમભાઈને મળતો હતો. અન્યના ઉષ્માભર્યા સાથને બદલે ઘોર ઉપેક્ષા જ હાથ લાગતી હતી. આમ છતાં ઉત્તમભાઈના દિલની ધગશ એવી હતી કે એમના જોશને, એમના ધ્યેયને કોઇ આપત્તિ કે અવરોધ રોકી શકે તેમ નહોતાં.

ઉત્તમભાઈના હર્દયમાં આશાનો અમર દીવો પ્રગટતો હતો. મહાત્મા ગાંધીજીએ કહેલું એક વાક્ય ઉત્તમભાઈના ચિત્તમાં ઘૂમતું હતું કે ‘આશા અમર છે, તેની આરાધના કદી નિષ્ફળ નથી જતી.’

એક દ્રષ્ટિએ જોઈએ તો જીવનમાં સિધ્ધિનું પ્રભાત ઊગશે એવી હર્દયમાં ઊંડે ઊંડે છુપાયેલી આશાએ જ ઉત્તમભાઈને અહર્નિશ કર્મનિષ્ઠ રાખ્યા. તેઓ એમ માનતા હતા કે એકવાર પોતે જરૂર અગ્રણી ઉદ્યોગપતિ થશે.

૧૯૫૮માં ઉત્તમભાઈએ જ્યારે ‘ટ્રિનિપાયરીન’ નામની દવા બજારમાં મૂકી, ત્યારે આમાં નસીબે ધાર્યો સાથ આપ્યો નહીં, આમ છતાં તેઓ એટલું તો સાબિત કરી શક્યા કે દવાના વ્યવસાયની એમની પાસે આગવી સૂઝ છે અને દવાના ઉત્પાદનથી તેઓ નફો રળી શકે તેમ છે. એમની અગાઉની નિષ્ફળતાઓ જોઈને એમને સદંતર નિષ્ફળ માનવી ગણનારી વ્યક્તિઓ પોતાના અભિપ્રાય અંગે વિચારમાં પડી ગઈ !

આ સમયે ઉત્તમભાઈ ગોરેગાંવની આઈ.આર.આઈ. કંપનીમાં લોન લાઇસન્સના ધોરણે દવાઓ બનાવતા હતા. આ સમયે શારદાબહેન દવાઓનું પેકિંગ કરતાં હતાં. મુંબઈમાં રહીને એમણે વેપાર ખેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કરોડપતિ થવાની કલ્પના કરતા ઉત્તમભાઈ ‘રોડપતિ’ થઈ ગયા ! તબિયતને કારણે એમને મુંબઈની દોડઘામ પણ ફાવતી નહોતી. મનોમન એમ પણ લાગ્યું કે પોતાને માટે મુંબઈ શહેર ફળદાયી નથી, આથી અમદાવાદમાં દવાઓનું ઉત્પાદન શરૂ કર્યુ.

આવે સમયે આર્થિક ભીંસ એમના અંતરમાં ખૂબ અકળામણ જગાવતી હતી. કોઈ વાર ઊંડા વિચારમાં સરી પડતા તો ક્યારેક એમ માનતા કે આ સંજોગો તો મારા પૂર્વભવની લેણદેણ સમાન હોવા જોઈએ. આજે એને ચૂકવી રહ્યો છું. હર્દય પર ઉપેક્ષા, અવગણના અને ઉપહાસથી થયેલા આધાતને “લેણું ચૂકવીએ છીએ’ એવો ભાવ રાખીને હળવું કરતા હતા, અને ઊજળી આવતીકાલ માટે ફરી મહેનત કરવા સજ્જ થતા હતા.

પ્રારંભમાં ઉત્તમભાઈ પાસે દવાનું ઉત્પાદન કરવા માટે કોઈ ફેક્ટરી નહોતી. પહેલા મુંબઈની ફેક્ટરીમાં દવા તૈયાર કરાવતા હતા. પછી લોન લાઈસન્સથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દવાનું નિર્માણ કરવા લાગ્યા ! અમદાવાદથી છાપી ગયા પછી છાપીમાં દવાઓના પાર્સલનું પેકિંગ કરતા. અમદાવાદ આવીને પોતાના પરિચિત ડૉક્ટરોને મળતા હતા. !

સમયનું વહેણ બદલાય છે. પરિસ્થિતિનો રંગ પલટાય છે. લાખો નિરાશામાં પણ અમર આશા છુપાઈ છે એમ માનનારા ઉત્તમભાઈ ના જીવનમાં આશાનું એક કિરણ ફૂટે છે.

૧૯૬૫માં ઉત્તમભાઈએ ‘ટ્રિનિકામ’ નામની માનસિક રોગની ‘ટેબ્લેટ’ બનાવવાનો વિચાર કર્યો. એમને લાગ્યું કે હવે આ દવા બજારમાં મૂકવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે. આ સમયે ‘એસ્કેએફ’ (સ્મિથ ક્લાઈન એન્ડ ફ્રેંચ ફાર્મા લિમિટેડ) નામની એક બહુરાષ્ટ્રીય કંપની બેંગલોરમાંથી સિઝોફ્રેનિયાના માનસિક રોગ માટે ‘એસ્કેઝીન’ (Eskazine) ટેબ્લેટ બનાવતી હતી. માનસિક રોગના દર્દીને રોજની આવી ત્રણ ગોળી લેવી પડતી હતી.

સિઝોફ્રેનિયા એક એવો રોગ છે જે સંપૂર્ણ મટતો નથી, પરંતુ આ દવાથી અસરકારક રાહત થાય છે. ‘એસ્કેએફ’ કંપનીની આવી એક ટેબ્લેટ ચોપન પૈસામાં આવતી હતી, એની સામે ઉત્તમભાઈએ માત્ર અઢાર પૈસામાં એક ગોળીના હિસાબે ‘ટ્રિનિકામ’ ટેબ્લેટ બજારમાં મૂકી. એની વિશેષતા એ હતી કે એનું ઉત્પાદન ઘણું ઓછું હતું અને તેથી ઓછી હરીફાઈ હોય એવી દવા સસ્તી કિંમતે બજારમાં મૂકવાની ઉત્તમભાઈની પધ્ધતિ આમાં કામયાબ બની.

માનસિક દર્દીઓ માટેની ગોળીની ગુણવત્તા જાળવવી અત્યંત મહત્વની ગણાય છે, કારણ કે માનસિક રોગના દર્દી માટે ડૉક્ટર પચાસ રૂપિયાવાળી દવા લખે, તેમાં બહુ તફાવત હોતો નથી, કિંતુ અસરકારક ગુણવત્તાવાળી દવા હોય તે જરૂરી છે. વળી માનસિક રોગોના નિષ્ણત ડૉક્ટરો આવી ગુણવત્તાવાળી દવાઓનો આગ્રહ રાખતા હોય છે. આમ કિંમતમાં સસ્તી અને ગુણવત્તાવાળી ‘ટિનિકામ’ ટેબ્લેટથી ઉત્તમભાઈએ આ ક્ષેત્રમાં નવો પ્રયોગ કર્યો.

પિતાના અવસાન બાદ ઉત્તમભાઈના ભાગમાં પોતાના ભાગમાં પોતાના ગામ મેમદપુરનું મકાન આવ્યું હતું. પોતાના બાપદાદાનું મેમદપુરનું આ મકાન એમણે વેચી નાખ્યું. એમાંથી છ હજાર રૂપિયા આવ્યા અને તે ‘ટ્રિનિકામ પ્લસ’ ના ઉત્પાદન અને પ્રચારકાર્યમાં નાખ્યા.

પહેલા ઉત્તમભાઈની દવાઓ એવી હતી કે જેના પ્રચાર માટે એમને ઠેર ઠેર ફરવું પડતું હતું. જુદા જુદા અનેક ડૉક્ટરોને મળવું પડતું હતું, પરંતુ હવે ‘ટિનિકામ’ જેવી દવા માટે માત્ર માનસિક રોગોના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરને જ મળવાનું રહ્યું. પરિણામે ચાર-પાંચ ડૉક્ટરોની મુલાકાત લઈ લે એટલે તેમનું મુલાકાત કાર્ય પૂર્ણ થઈ જતું. ઘણા ડૉક્ટરોને જોવાની જરૂર રહી નહીં. પરિણામે મર્યાદિત ક્ષેત્રમાં સધન કાર્ય કરવાની અનુકૂળતા સઘાઈ ગઈ. ટ્રિનિકામના વેચાણમાં સારો એવો નફો થતો હતો. ‘ટિનિકામ’ શરૂ કરી એટલે મહિને આસાનીથી દોઢ-બે હજાર મળવા લાગ્યા અને પરિણામે ઉત્તમભાઈને માટે આજીવિકાનો પ્રશ્ન સહેલાઈથી ઊકલી ગયો.

સિઝોફેનિયા માટે ‘ટ્રિનિકામ’ અસરકારક હતી, પરંતુ એની આડઅસર રૂપે આ ટેબ્લેટ લેનારને શરીરમાં ધ્રુજારી આવતી હતી. આવી ધ્રુજારી અટકાવવા માટે ડૉક્ટરો ટ્રિનિકામની સાથે ‘પેસિટેન’ નામની ‘ટેબ્લેટ’ આપતા હતા. આમ ડૉક્ટરોને આ દર્દમાં એકસાથે બે ‘ટેબ્લેટ’ આપવી પડતી હતી. વળી માનસિક રોગના દર્દીને આટલી બધી ‘ટેબ્લેટ’ લેવાની મુશ્કેલી પડતી હતી. દવાઓના અભ્યાસી ઉત્તમભાઈ આ સમસ્યા પર વિચાર કરવા લાગ્યા. કંઈક એવું શોધું કે જેમાં મારી મૌલિક્તા હોય અને એના પર મારી સફળતા સર્જાય. તેઓ જાણતા હતા કે દવાનિર્માણના ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ છે. એ હરીફાઈમાં ટકવા માટે ચીલાચાલુ પરંપરાગત પધ્ધતિને બદલે ભિન્ન પધ્ધતિ અપનાવીએ તો જ વિકાસની હરણફાળ ભરાય.

એમણે જોયું કે સિઝોફેનિયાના દર્દીને ડૉક્ટર બે દવા લખી આપે, તેમાં ઘણીવાર એક દવા મળતી હોય છે અને બીજી દવા નથી મળતી. એક કંપની એક દવા બનાવતી હતી અને બીજી કંપની બીજી દવા બનાવતી હતી. વળી આ બે દવા જુદી જુદી હોવાથી દર્દીને કિંમત પણ વધારે ચૂકવવી પડે છે. આને બદલે આ બંને દવાનું ‘કોમ્બિનેશન’ કરીએ તો ! બંનેને એક જ ગોળીમાં સમાવીએ તો ! આમ થાય તો બે દવાને બદલે એક દવા પ્રચારમાં આવે અને દર્દીને દરેક રીતે રાહત થાય. એક દવા મળે અને બીજી ન મળે તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઊગરી જાય. બે ગોળી લેવાની ઝંઝટ રહે નહીં. વળી સૌથી વધુ તો આવું બે ગોળીની અસર એક જ રૂપે ઓછા પૈસે દર્દીને મળી રહે.

ઉત્તમભાઈએ આ વિચારને અમલમાં મૂક્યો. ઉત્તમભાઈ પુસ્તકો વાંચવા લાગી ગયા. અદ્યતન સંશોધનોનો અભ્યાસ કર્યો. એમની મૌલિક સૂઝે એમના માનસમાં એવો વિચાર જગાડ્યો કે એ બનેં ટેબ્લેટનું ‘કોમ્બિનેશન’ તૈયાર કરીને એક ગોળી બજારમાં મૂકવી. આથી નવીન પ્રયોગ રૂપે અને પોતાના અભ્યાસ-સંશોધનના પરિપાક રૂપે ઉત્તમભાઈએ ‘ટ્રિનિકામ પ્લ્સ’ નામની ટેબ્લેટનું નિર્માણ કર્યુ. આના માટે સારી એવી રકમની જરૂર હતી. હવે એ રકમ લાવવી ક્યાંથી ? વ્યવસાયની નવી દિશા હાથ લાગી હતી, પણ એમાં કાર્ય કરવા અને એમાં પ્રગતિ સાધવા માટે એમની પાસે પૂરતી રકમ નહોતી. આખરે ધંધાના વિકાસને માટે સાહસ કરવાનો વિચાર કર્યો. સાહસિકને જ સિધ્દિ વરે. લુસા મે એલકોટના એ શબ્દો એમના જીવનમંત્રરૂપ હતા-

‘I am not afraid of storms, for I am learning how to sail my ship.’

ઉત્તમભાઈ માનતા હતા કે સમર્થ બુધ્ધિ વિશિષ્ટ કાર્યનો પ્રારંભ કરે છે, પણ પરિશ્રમ જ એને પાર પાડે છે.

કારમી આર્થિક ભીંસ વચ્ચે પણ ઉત્તમભાઈ સહેજે ડગ્યા વિના પોતાની મહેનત ચાલુ રાખી. કોઈ અજાણ્યા પાસે તો એમણે ક્યારેય માંગણી કરી નહોતી. નજીકના પરિચિતો પાસે કવચિત આશાભરી માગણી કરી, તો કોઈએ મદદ કરવાનો લેશમાત્ર ઉત્સાહ દાખવ્યો નહોતો. હવે અન્યના સાથ કે સહયોગના મૃગજળની પાછળ દોટ મૂકીને સમય વેડફવાને બદલે પોતે જ મૂડી ઊભી કરીને વ્યવસાયમાં પ્રગતિ કરવા લાગ્યા. પારકી આશા પર પરાવલંબી રહેવું શા માટે ?

ઉત્તમભાઈના સફળ વ્યવસાયી જીવનનું આરંભબિંદુ ‘ટ્રિનિકામ પ્લસ’ નામની ટેબ્લેટ બની એમને માટે આર્થિક રીતે ‘પ્લસ’ આપનારી, સધ્ધર કરનારી ‘ટ્રિનિકામ પ્લસ’ બની. આ પ્રયત્ન એમની સૂઝ-બૂઝ અને પ્રતિભાનો પૂર્ણ પરિચય આપનારો બની રહ્યો, પણ એમની સૂઝના ‘પ્લ્સ’ નો પણ સર્વને ખ્યાલ આવ્યો. આ સમયે એમની ઓફિસ છાપીમાં હતી. છાપીમાં ‘ડ્રગ લાઈસન્સ’ લઈને ત્યાં માલ મુકાવતા હતા. બે વર્ષ સુધી અમદાવાદમાં કામ કર્યું, પરંતુ ઓફિસના ખર્ચથી બચવા છાપીમાં ઓફિસ રાખી હતી. ટૂંકી મૂડીએ હરણફાળ ભરનાર પાસે ખર્ચાની સાવધાની જોઈએ. કરકસરને સમૃધ્ધિના વૃક્ષનું ખાતર માનતા હતા. ઉત્તમભાઈએ ખર્ચની લક્ષ્મણરેખા જાળવીને વિકાસની મંઝિલ ભણી આગેકૂચ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેઓ અમદાવાદમાં રહીને દવાના ઓર્ડર ભેગા કરતા અને પછી છાપી જઈને દવાઓ મોકલતા.

૧૯૬૬-‘૬૭માં ઉત્તમભાઈએ પોતે બનાવેલી ૨૦,૦૦૦/- રૂપિયાની દવાનોનું વેચાણ કર્યું. પછીના વર્ષે આ દવાનો વેપાર વધારવા માટે ગામડે ગામડે ફર્યા. પરિણામે ૧૯૬૭-‘૬૮માં કુલ ૬૬૦૦૦/- રૂપિયાની દવાનું વેચાણ થયું. આમ એક જ વર્ષમાં ત્રણગણું વેચાણ કરવાની સિધ્ધિ મેળવી શક્યા.

’ટ્રિનિકામ પ્લસ’ ઉત્તમભાઈની દવા-વેપારની સૂઝને બતાવી ગઈ. ઉત્તમભાઈ એમના જીવનકાળ દરમ્યાન જ્યારે જ્યારે ‘ટિનિકામ પ્લસ’ ની વાત કરતા ત્યારે એમના ચહેરા પર જુદી જ ચમક તરી આવતી હતી. નિરાશા અને નિષ્ફળતા માંથી બહાર નીકળીને સફળતાની કેડી કંડારનારી આ દવાએ એમના આત્મવિશ્વાસ પર મંજૂરીની મહોર મારી અને એનો જ ઉત્તમભાઈને આનંદ હતો. સફળતાની ચાવી પરિશ્રમ છે. પણ કેટલાક લોકો તે ચાવી વાપરવાને બદલે તાળું તોડી નાખતા હોય છે. ધીરે ધીરે ઉત્તમભાઈની આર્થિક ભીંસ હળવી થઈ હતી, પરંતુ જંગી સાહસ કરાય એવું આર્થિક પીઠબળ હજી એમની પાસે નહોતું. એકલે હાથે વિરાટ મહાસાગરમાં ખેપ કરતા ઝઝૂમતા નાવિક જેવી તેમની સ્થિતિ હતી.

પ્રગતિની રાહ પર તેઓ મક્કમ પગલે આગળ વધી રહ્યા હતા. જેમ જેમ પ્રગતિનો આંક ઊંચે જતો હતો, તેમ તેમ ઉત્તમભાઈના અંતરમાં રહેલો શ્રધ્ધાનો દીવો વધુ પ્રકાશમાન બની રહ્યો.

૧૯૭૨-‘૭૩માં ‘ટ્રિનિકામ પલ્સ’ બજારમાં મૂકી અને પછીના વર્ષે એનું ચારગણું વેચાણ થયું. ૪,૪૭,૦૦૦/- રૂપિયાનું વેચાણ થતાં આ એક જ દવાએ ઉત્તમભાઈની સૂઝ, અનુભવ અને દૂરંદેશીનો પુરાવો આપ્યો. પછીનું ૧૯૭૩-’૭૪નું વર્ષ એ યશસ્વી વર્ષ બની રહ્યું. આ વર્ષે ૭,૮૦,૦૦૦/- રૂપિયાનું વેચાણ થયું. ૧૯૭૪-’૭૫માં તો એમની દવાઓના વેચાણનો આંકડો અગિયાર લાખને આંબી ગયો.

ઉત્તમભાઈની આત્મશ્રધ્ધા વધતી હતી. એમના લલાટે નિષ્ફળતાના લેખ લખાયેલા છે એમ માનનારાઓ એમની આ સફળતાને આશ્ચર્યચકિત બનીને નિહાળી રહ્યા !

આ વેબસાઈટ ઉપર લખાયેલા ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવાઅહીં  ક્લીક કરો.