ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

માનવતાનો મોટો ગુણ – કુમારપાળ દેસાઈ

Uttambhai[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભાર સહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે. “માનવતાનો મોટો ગુણ” એ પુસ્તકનું ૧૩ મું પ્રકરણ છે.આ અગાઉ ૧૨ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].

 

સાગરમાં ઊભરાતી ભરતીના આકાશે પહોંચવા મથતા મોંજાંની વચ્ચે આમતેમ ફંગોળાતી, ઊંચે ઊછળતી અને વળી ઓટના સમયે પાછી પછડાતી ઉત્તમભાઈની જીવન નૌકા જીવન સાગરમાં આગળ ઘપતી હતી. વિધીની વિચિત્રતા પણ એવી કે એમના વ્યવસાયની પ્રગતિનો આલેખ સહેજ ઊંચો જતો હોય, ત્યાં જ ક્યાંકથી અણધાર્યુ આપત્તિનું વાવાઝોડું એકાએક ત્રાટકે અને સિધ્ધિના સ્વપ્નોની સૃષ્ટિ વેરણછેરણ કરી નાખે.

હજી માંડ સિધ્ધિના એક શિખર પર પગ મૂક્યો અને સ્થિર થયા હોય, ત્યાં જ જીવન નું આખું અસ્તિત્વ દોલાયમાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય, જીવન કે વ્યવસાયમાં સફળતા સાંપડે અને એમનું મન સિધ્ધિ અને સમૃધ્ધિ પામ્યાનો હજી થોડો શ્વાસ લેતું હોય ત્યાં જ કોઈ અણધારી આફત એમને ઘેરી વળતી હતી.

આપત્તિ વિશે સંસ્કૃત સુભાષિત કહે છે –

 

मित्र स्वजन बन्धुना बुध्धे  धैर्यस्य यात्मनः !

आपन्निकष पाषाणे नरो जानाति  सारताम !!

 

“ આપત્તિ તો આપણા માટે કસોટીનો પથ્થર છે. મિત્ર, કુટુંબીજન, બંધુ અને પોતાની બુધ્ધિ તેમજ ધૈર્યની પરીક્ષા આપત્તિ સમયે થાય છે.”

આપત્તિની વ્યાખ્યા અને પરિસ્થિતિની ઉત્તમભાઈના જીવનમાં નવી તરાહ નજરે પડે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામાન્ય રીતે એક પ્રકાર હોય છે. કોઈને અત્યંત પરિશ્રમ કરવા છતાં ભાગ્ય સતત એની સાથે સંતાકુકડી ખેલતું હોય છે. કોઈ વિરાટ પુરુષાર્થ ખેડે છે, છતાં એને પ્રાપ્તિ સામાન્ય જ થતી હોય છે, પરંતુ ઉત્તમભાઈના જીવનમાં કોઈ એક પ્રકારની આપત્તિ આવી નથી.

ક્યારેક વ્યવસાયની મુશ્કેલીઓ એમને ચારે બાજુથી ઘેરી વળી હતી. ક્યારેક અંગત જીવનની ઘટનાઓ એમને ઊંડા વિષાદમાં ડુબાડી દેતી હતી, તો ક્યારેક એકાએક કોઈ એવી બીમારી ઘેરી વળતી કે જેનું નિદાન સરળતાથી ન થાય. કેટલાય ટેસ્ટ થાય, ઘણા નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લેવાય, ક્યારેક તો ડૉક્ટરોનો સમૂહ એકઠો કરવો પડે, ત્યારે માંડ બીમારીનું કારણ હાથ લાગે ! આપત્તિ આવે અને તેને પરિણામે એમના જીવનમાં અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ જાય. આવી, ૧૯૭૬માં આવેલી બીમારી સમયે એકવાર ઉત્તમભાઈએ પોતાના એક સ્વજનને કહ્યું હતું, “ભગવાનને હું હંમેશા એટલી જ પ્રાર્થના કરું છું કે મને થોડા વર્ષનું આયુષ્ય આપ, જેથી મારા વ્યવસાયમાં પુત્રોને સ્થિર કરી શકું અને હું પ્રગતિનાં ઊંચા શિખરો આંબી શકું.”

પોતાના સ્વપ્નોને સિધ્ધ કરવા માટે આપત્તિઓને ઓગાળી દેતા હતા. અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના એ શબ્દો ઉત્તમભાઈનો જીવનમંત્ર હતા –

“ The future belongs to those who believe in the beauty of their dreams.

 

સ્વપ્ન સિધ્ધિના લક્ષને કારણે ઉત્તમભાઈને આફતો અટકાવી શક્તી નહીં. મૂંઝવણો હતાશ કરી શક્તી નહીં. તેઓ ફરી મેદાને જંગમાં ઝુકાવીને પોતાના વ્યવસાયમાં આગળ વધતા હતા.

વ્યવસાયના ક્ષેત્રે ‘ટ્રિનિકામ પ્લ્સ’ ને કારણે ધીરે ધીરે ઉત્તમભાઈને સારી એવી આવક થઈ હતી. ૧૯૭૨માં એનો પ્રારંભ કર્યા પછી બે-ત્રણ મહિનામાં જ આમાં કરેલું રકમનું રોકાણ પાછું મળી ગયું હતું. એ પછી જે કંઈ વેપાર થયો તેમાંથી નફો મળતો રહ્યો. ધીરે ધીરે આર્થિક સ્થિતિ સારી થતી હતી, તેથી ઉત્તમભાઈએ વિચાર કર્યો કે હવે અમદાવાદના પ્રીતમનગર વિસ્તારમાં આવેલો ન્યૂ આશિષનો ફ્લેટ છોડીને ટેનામેન્ટમાં રહેવા જઈએ, આ સમયે શારદાબહેન વિચારતાં હતાં કે કોઈ જમીન લઈને એના પર સ્વતંત્ર મકાન બનાવીએ, જેથા બધાં નિરાંતે રહી શકે, આખું કુટુંબ એમાં સમાઈ શકે,

૧૯૭૫માં એમણે એક જમીન લીધી, જોકે એ સમયે પણ ઉત્તમભાઈનો વિચાર જમીન લેવાને બદલે ટેનમેન્ટ લઈને વધુ રકમ વ્યવસાયમાં રોકવાનો હતો.

તેઓ આજ સુધી આર્થિક ભીડ અનુભવતા રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ હતી. એમના પુત્ર સુધીરભાઈએ કારોબાર સંભાળવા માંડ્યો હતો. આથી મનની ભીતરમાં એક પ્રકારની નિરાંતનો અનુભવ થતો હતો. પોતાના જીવનમાં કોઈ અણધારી આફત આવે તો પણ વ્યવસાય સંભાળનાર તૈયાર હતા.

૧૯૭૫ની ૧૨મી ઓક્ટોબરે પાલડીમાં આવેલી નીલપર્ણા સોસાયટીમાં જમીન ખરીદી. ૧૯૭૬ની ૧૪મી ડિસેમ્બરે એનો પાકો દસ્તાવેજ કર્યો. નીલપર્ણામાં ખાતમુહૂર્ત કર્યુ ત્યારે માત્ર અંગત સ્વજનોને જ નિમંત્રણ આપ્યું હતું. ખૂબ સાદી રીતે ખાતમુહૂર્ત કર્યુ. મકાન તૈયાર થતાં ઉત્તમભાઈ નીલપર્ણા સોસાયટીના મકાનમાં રહેવા આવ્યા.

૧૯૭૭-‘૭૮ના અરસામાં ઉત્તમભાઈને કમળાનો રોગ થયો. એ સમયે એક વાર તો લગભગ બેશુધ્ધ થઈ ગયા હતા. ધીરે ધીરે કમળો વધતો ગયો. દવાઓ થતી હતી, પરંતુ કેટલી કારગત નીવડશે તે સવાલ હતો. આ સમયે ડૉ. રસિકલાલ પરીખ એમની સારવાર કરતા હતા. એક સમયે એમની સ્થિતિ એટલી ગંભીર હતી કે બચશે કે નહીં તેનો પણ સવાલ હતો. એનું કારણ એ કે એમના કમળાના ટેસ્ટનો રિપોર્ટ પણ ઘણો ખરાબ હતો, પરંતુ અનેક આફતો વચ્ચે ઝઝુમનાર ઉત્તમભાઈ આખરે આ બીમારીને પણ પાર કરી ગયા. ફરી સાજા થયા. સ્વસ્થ બનીને પુન: કામ શરૂ કર્યુ. સવારે નવ વાગ્યે ઓફિસે પહોંચી જતા. વ્યવસાયના વિકાસ માટે ખૂબ મહેનત કરવા લાગ્યા.

આ સમયે પણ ઉત્તમભાઈના જીવનમાં ઘર્ષણ ચાલતું હતું. એમના હર્દયમાં પ્રગતિની અદમ્ય ઝંખના હતી. એમની શારીરિક સ્થિતિ જોઈને ઘરના સ્વજનો એમને કામ કરતા અટકાવતા હતા. આર્થિક સાહસ કરતાં પૂર્વે સો ગરણે ગાળીને પાણી પીવાની સલાહ આપતા હતા. આવી સલાહ પાછળ વાસ્તવિકતાનું પીઠબળ હતું. ઉત્તમભાઈ વિચારતા કે બહારથી તો મને કોઈ સાથ કે સહયોગ મળતા નથી. એકમાત્ર એમના જીવનસંગિની શારદાબહેન એમને સમજતાં હતાં. એ સમયે ઉત્તમભાઈની વાતો કે કોઈને દિવાસ્વપ્ન જ લાગે.

શ્રી દિનેશભાઈ મોદીના કહેવા પ્રમાણે એ સમયે એમનો કામનો ઘખારો એવો હતો કે સતત પ્રગતિ કરતા રહેવું. પરંતુ સામાજિક પરિસ્થિતિ અને ચીલાચાલુ વિચારસરણી એવી હતી કે તેઓ ઉત્તમભાઈની આ અદમ્ય ઇચ્છાને સમજી શક્તા નહીં. કારણ કે એમની આસપાસના સમાજે આવો કોઈ માનવી જોયો નહોતો કે જે આટલા બધા કથળેલા સ્વાસાથ્ય સાથે જીવનના ઊંચા શિખરો સર કરવા માટે સતત આરોહણ કરતો હોય.

વિખ્યાત ચિંતક નેપોલિયન હિલ કહે છે કે, “ Cherish your vision and your dreams, as they are the children of your soul; the blueprint of your ultimate  achievements.”

સંઘર્ષનો એ કાળ ઘણો વિલક્ષણ હતો. એક બાજુ તેઓ નવી નવી દવાઓ બજારમાં મૂકવાનો વિચાર કરતા હતા અને એ દ્વારા અગ્રણી ઉદ્યોગપતિ બનવાનું સ્વપ્ન સાકાર કરવા ઇચ્છતા હતા, જ્યાર બીજી બાજુ એમના હિતેચ્છુઓ જ એમને કહેતાં કે આવી કથળેલી તબિયતે તમે નવું સાહસ કરવું રહેવા દો. માત્ર તબિયતને સાચવો તોય ઘણું. જેટલું મળ્યું છે એનાથી આનંદ માનો. હાથ-પગ દોરડાથી બાંધીને કોઈને દોડવાનું કહેવામાં આવે એવી ઉત્તમભાઈની પરિસ્થિતિ હતી.

વ્યવસાય કરનારને ઘણાં પ્રલોભનો હોય છે. ક્યારેક નાનકડી અપ્રમાણિકતા મોટી રકમ મેળવવાનું પ્રલોભન જાગતું હોય છે. ઘણી વાર તો કેટલાંક માત્ર અપ્રમાણિકતાથી જ સંપત્તિ એકઠી કરતાં હોય છે. પોતાની આસપાસનો સમાજ ભ્રષ્ટાચારથી ભરેલો હોય, ત્યારે પ્રમાણિક્તા જાળવવી એ કપરી અગ્નિપરીક્ષા સમાન ગણાય. ‘ઑનેસ્ટી ઇઝ ઘ બેસ્ટ પૉલિસી’  એ ઉક્તિથી સાવ અવણી ગંગા ચાલતી હોય, ત્યારે ઉત્તમભાઈએ કયારેય અપ્રમાણિક્તાથી આવક મેળવવાની કલ્પના સુધ્ધાં કરી નહોતી.

આનું કારણ એ કે બાળપણમાં ઉત્તમભાઈને ધર્મના સંસ્કારો મળ્યા હતા. ભગવાન મહાવીરે પોતાના માર્ગને અનુસરનાર વ્યક્તિઓ માટે ચોત્રીસ ગુણો આવશ્યક હોવાનું જણાવ્યું છે. જૈન શાસ્ત્રો આને ‘માર્ગાનુસારીના ચોત્રીસ ગુણો’ તરીકે ઓળખાવે છે. આ ગુણોમાં પ્રથમ સ્થાને ‘ન્યાય સંપન્ન: વિભવ: એટલે કે તમારો વૈભવ અર્થાત ધન ન્યાયના માર્ગે ઉપાર્જિત કરેલું હોવું જોઈએ. ઉત્તમભાઈએ હંમેશા નીતિની રોટીનો વિચાર કર્યો હતો. અનીતિથી ક્યારેય કોઈની રોટી છીનવીને ધનવાન થવું નહી અથવા કશુંય મેળવવું નહીં એવો એમનો નિર્ધાર હતો. ૧૯૭૦માં ઉત્તમભાઈએ મોટર લીધી ત્યારે ઉત્તમભાઈને ડૉ. રસિકલાલ પરીખના એક સ્નેહી મળવા આવ્યા હતા. તેઓ અમેરિકાથી ભારત આવ્યા હતા. એમણે ઉત્તમભાઈને એમની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય પૂછ્યું.

આ સમયે ઉત્તમભાઈએ કહ્યું, “વ્યવસાયમાં સફળ થવા માટે સૌથી મુખ્ય બાબત એ છે કે ગમે તેટલા અવરોધો કે મુશ્કેલી આવે તો પણ સહેજે ગભરાયા વિના સતત પ્રયત્ન ચાલુ રાખવો. નિષ્ફળતાથી નિરાશ થવું નહીં. પ્રમાણિકતાથી વર્તવું. જે કંઈ પુરુષાર્થ કરો તે વ્યવસ્થિત અને બુધ્ધિપૂર્વક કરવો. બહુ શૉ-મેનશીપ કે દેખાડો કરવાં નહીં.”

ઉત્તમભાઈએ જીવનભર એમના વ્યવસાયની આવી રીત અને ઊજળી પરંપરા જાળવી રાખી હતી.

વિચારક નેપોલિયન હિલની આ ઉક્તિ એમના જીવનમાં પ્રગટ થાય છે:

“ Effort only fully release its reward after a person refuses to quit.”

એથીયે વિશેષ તો ઓછી કિંમતે દવાઓ આપીને એમણે સામાન્ય માનવીઓને મહત્વની સહાય કરી છે. અમદાવાદના આનંદી, હસમુખા અને વિખ્યાત સર્જન ડૉ. હરિભક્તિ ઉત્તમભાઈને મળવા આવે ત્યારે હંમેશા કહેતા,

“મહેતા તમને આપું એટલા અભિનંદન ઓછા છે. કેવી સારી દવાઓ વ્યાજબી ભાવે આપીને તમે જનસેવા જ કરો છો. મારી દ્રષ્ટિએ તો ધંધામાં નીતિ જાળવવી તે પણ માનવતાનો મોટો ગુણ છે.”

આ વેબસાઈટ ઉપર લખાયેલા  ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવાઅહીં  ક્લીક કરો.