ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

પડકાર અને પ્રતિકાર :- કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભાર સહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે. “ પડકાર અને પ્રતિકાર ” એ પુસ્તકનું ૧૪ મું પ્રકરણ છે.આ અગાઉ તેર પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].

 

u-n-mahetaસમયનું વહેણ વહેવા લાગ્યું હતું. સ્વાસ્થયની ગંભીર મુશ્કેલીઓ વચ્ચે ઉત્તમભાઈએ પ્રગતિની આગેકૂચ જારી રાખી હતી. આર્થિક અને શારીરિક પ્રશ્નોનો સામનો કરનાર ઉત્તમભાઈ સામે વ્યાવસાયિક સમસ્યાનો વિરાટ પડકાર ઊભો થયો.

ઇ.સ. ૧૯૭૮ની સાલ. આ સમયે અમદાવાદની એમની દવા બનાવવાની ફેકટરીમાં પંદર કામદારો કામ કરતા હતા. આ કામદારોને કેટલાંક બહારનાં પરિબળોએ ઉશ્કેર્યા.

સમાજમાં વ્યક્તિની પ્રગતિ બે પ્રકારના પડકાર ઊભા કરે છે. એક તો વ્યવસાયમાંથી જાગેલા બાહ્ય પડકારો અને બીજો આંતરિક ઇર્ષા-વૃત્તિમાંથી જાગેલો પડકાર. ઉત્તમભાઈની વ્યવસાયની કુનેહને કારણે બીજા લોકો દવાના નિર્માણમાં પા પા પગલી ભરતા હોય, ત્યારે ઉત્તમભાઈએ હરણફાળ ભરી હતી. આથી ઇર્ષાવૃત્તિ જાગી  અને કામદારોની આ હડતાળની આગેવાની એક અત્યંત આક્રમક મજૂર નેતાએ લીધી હતી. આવી હડતાળોને કારણે કેટલાય માલિકોએ થાકી-કંટાળીને ઉદ્યોગો બંધ કરી દીધા હતા.

કામદારોની આ હડતાળ અત્યંત સ્ફોટક બની જતી. માલિકવિરોધી બેફામ સૂત્રોચારથી આનો આરંભ થતો. ધીરે ધીરે કામ ઓછું કરવામાં આવતું. એટલાથી માલિક નમે નહીં તો એને તોફાની કામદારોનો સામનો કરવો પડતો એને ઘમકીઓ આપવામાં આવતી અને બીજા નવા કામદારને કારખાનામાં પગ મૂકવા દેતા નહીં. પરિણામે ઉત્પાદન બંધ થતું. માલિકને કાં તો કામદારોની માગણીને વશ થવું પડતું અથવા એ કારખાનાને તાળાં લગાવી દેતો હતો.

પરિસ્થિતિ એવી સર્જાતી કે ઉદ્યોગપતિને નમવું પડે અને મજૂરનેતાએ કરેલી દરખાસ્તો સ્વીકારવી પડે. આમેય એ વખતે યુનિયનોની ચળવળો પરાકાષ્ઠાએ હતી અને એમાં સૌથી વધુ આક્રમક આ યુનિયનના સૂત્રધાર મજૂરનેતા હતા !

આ સમયે એક બીજી કંપનીમાં હડતાળ પડી હતી અને તે કંપનીના અધિકારી પર કેટલાક ઉશ્કેરાયેલા મજૂરોએ એસિડ ફેંક્યો હતો. એને કારણે એ અધિકારીનું કરુણ મૃત્યુ થયું હતું, પણ એથીય વિશેષ તો ઉદ્યોગના ક્ષેત્રમાં સંચાલકોના મન ભયભીત બની ગયાં હતાં. વળી આ સમયે માલિકો પર તોફાની કામદારો ખોટા કેસ ઊભા કરતા હતા. તોફાન કરીને કારખાનાને નુકશાન પહોંચાડે. ઉત્પાદન ખોરવી નાખે. અધૂરામાં પુરું ખોટા ઉપજાવી કાઢેલા કેસો દાખલ કરીને ઉદ્યોગપતિને બને તેટલી રીતે હેરાન-પરેશાન કરવાના પ્રયાસો કરતા હતા.

ઉત્તમભાઈ સામે આ વખતે નાજુક તબિયતનો સવાલ તો ઊભો જ હતો. ડૉક્ટરે એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે એમણે અધિક શ્રમ કરવો નહીં. ઉત્તમભાઈની તબિયત એમને સાથ આપતી નહોતી, પરંતુ વણસતી પરિસ્થિતિને અટકાવ્યા સિવાય એમની પાસે અન્ય વિકલ્પ પણ નહોતો.

ઉત્તમભાઈની કર્મચારીઓ વિશેની નીતિ એવી હતી કે એમની વાત સાચી હોય તો માલિકીપણાનો ભાવ વચ્ચે લાવ્યા વિના તેને માન્ય રાખવી. કિંતુ જો એમની માગણીઓ ખોટી હોય તો, સહેજે ડગ્યા કે નમ્યા વિના જુસ્સાભેર છેક સુધી લડી  લેવામાં પાછી પાની કરવી નહીં. આવો કોઈ પડકાર જાગે એટલે ઉત્તમભાઈમાં એનો સામનો કરવાનું કોઈ નવું જ ખમીર પેદા થતું હતું.

એમ કહેવાય છે કે ઇશ્વર જેટલી મોટી જવાબદારી આપે છે, એટલા તે જવાબદારી ઊંચકવાના સશક્ત ખભા આપે છે. એ પછી બેંક સાથે આર્થિક સમસ્યાનો સવાલ હોય કે કામદાર મંડળનો ભલભલાને ધ્રુજાવતો પડકાર હોય – આ બધી જ ઘટનાઓના એક સાક્ષી શ્રી દિનેશભાઈ મોદીના કહેવા મુજબ ઉત્તમભાઈ એમ વિચારતા કે Worst come worst. What will happen ? (વધુમાં વધુ ખરાબ શું બની શકે ? )

હડતાળ ઉપર ઉતરેલા કામદાર મંડળે સારો એવો વધારો માંગ્યો હતો. ઉત્તમભાઈએ ફોન પર જ એના નેતાને આ બાબતનો સ્પષ્ટ ઇન્કાર સંભળાવી દીધો. એમને ધમકીઓ મળી કે તમારી ફેક્ટરીને સળગાવી નાખીશું અને તમને તબાહ કરી નાખીશું. ઊકળતા પાણીમાં વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ દેખાતું નથી, તેમ ઉશ્કેરાયેલા માનવીને પોતાનું હિત શામાં છે, તેનો કોઈ ખ્યાલ આવતો નથી.

વળી દવાની બાબતમાં તો એવું બને કે બજારમાં જો એ દવા ઉપલબ્ધ ન હોય તો દર્દી ડૉક્ટરને ફરી વાર દવા અંગે પૂછે અને ડૉક્ટર પણ બીજી કંપનીની આવી જ દવા લખી આપે . એક વાર એક કંપનીની દવા હોઠે ચડી જાય પછી તેને બદલાતા વાર લાગે. વળી આ ચળવળમાં એક અન્ય વ્યક્તિ પોતાનો અંગત સ્વાર્થ સાધવા સામેલ થઈ હતી. ઉત્તમભાઈએ પોતાના ઉદ્યોગની આર્થિક પરિસ્થિતિનો વિચાર કર્યો તો ખ્યાલ આવ્યો કે દવાઓથી સારો એવો નફો પ્રાપ્ત થયો છે. વળી વાર્ષિક પચાસ લાખનું વેચાણ થાય છે. મર્યાદિત ખર્ચાઓને કારણે બીજો કોઈ આર્થિક ભય એમને સતાવતો નહોતો. ઉત્તમભાઈ એમ માનતા હતા કે કોઈ પણ પ્રકારની સમસ્યા મોટી મૂંઝવનારી હોતી નથી, માત્ર એના ઉકેલની ચાવી તમાર હાથ કરી લેવી જોઈએ.

ઉત્તમભાઈ આના ઉકેલની ખોજમાં લાગી જતા. મેરી કી ( Mary Key ) એ માર્મિક રીતે જ કહ્યું છે કે –

” One of the secrets of success is to  refuse to let temporary setbacks defeat us.”

 

આમ, મુશ્કેલીને માનસિક વિચારશક્તિની કસોટીરૂપ માનતા હ્તા. હિંદીના પ્રસિધ્ધ નવલકથાકાર મુન્શી પ્રેમચંદજીએ કહ્યું છે – “ મુશ્કેલીથી મોટું અનુભવ જ્ઞાન આપનારું બીજું કોઈ વિદ્યાલય નથી.’ આ મુશ્કેલીના માર્ગની ખોજ પાછળ ઉત્તમભાઈ સતત પ્રવૃત રહેતા હતા.

આ સમયે યુનિયન સામે યુધ્ધે ચડેલા ઉત્તમભાઈના વ્યક્તિત્વનો એક જુદો જ મિજાજ જોવા મળ્યો. તેઓ હિંમતભેર ફેક્ટરીમાં જતા. કામદારોના તોફાનોની  નોંધ રાખતા. તેઓ માનતા હતા કે ખોટુ કામ કરનારી વ્યક્તિ ખુદ ગભરાતી હોય છે.

शरदी न वर्षति गर्जती, वर्षाति वर्षासु नि :स्थनो मेघ :  I

नीचो वदति न कुरुते न वदति  सूजन: करोत्येव  II

“ શરદઋતુમાં વરસાદ ગાજે છે, પણ વરસતો નથી અને વર્ષાઋતુમાં ગાજ્યા વિના વરસે છે. એ પ્રમાણે અધમ માનવી બોલે જ છે અને કંઈ કરતો નથી, અને સજ્જન માનવી વગર બોલ્યે  જ બધું કરે છે.”

આથી ઉત્તમભાઈએ સીધો પ્રતિકાર કર્યા વિના જ કુનેહપૂર્વક કામદારોને ખામોસ કર્યા. બીજી બાજુ એમણે અખબારમાં જાહેરખબર આપીને હડતાળ તોડવા માટે નવ કામદારોની જગ્યાએ ચાલીસ કામદારો રાખી લીધા. એક કેમિસ્ટની જગ્યાએ છ કેમિસ્ટની નિમણૂક કરી દીધી. પરિણામે ફેક્ટરી દિવસને રાત ચાલુ રહેવા લાગી. અગાઉ કરતા ચાર ગણુ ઉત્પાદન અને ચાર ગણુ વેચાણ થવા લાગ્યું. ઉત્પાદન ઓછું કે બંધ કરીને ઉદ્યોગપતિની કરોડરજ્જુ તોડવાનો પેંતરો નિષ્ફળ ગયો. બન્યું એવું કે એક ટેબલ ઉપર હડતાળ પર ઉતરેલો કર્મચારી બેઠો હોય અને બાજુના જ ટેબલ ઉપર બીજો નવો આવેલો કર્મચારી ઝપાટાબંધ કામ કરતો હોય. ધીમે ધીમે હડતાળનુ જોર ઘટવા માંડ્યું. ચળવળમાં મુખ્ય ભાગ ભજવનારને સૌ પ્રથમ દૂર કર્યો. એ પછી સમાધાન માટે કામદારો તરફથી દરખાસ્ત આવી, પરંતુ ઉત્તમભાઈ સહેજે પીગળ્યા નહીં. એમણે તોફાની કામદારોને રુખસદ આપી. આમ છ મહિના સુધી મજૂર સમસ્યા ચાલી, પરંતુ આ સમસ્યાને કારણે એમની ફેક્ટરીને એક નવી તાકાત મળી. ચોતરફ ઉદ્યોગોને રૂંધી નાખે તેવા સંજોગો હતા, ત્યાર ઉત્તમભાઈએ ડર્યા વિના આવા કપરા સંજોગો વચ્ચે  માર્ગ કર્યો.

કામદારોની હડતાળ સમેટાઈ ગઈ, એટલે પરિસ્થિતિનું પૂર્ણવિરામ આવ્યું. પણ ઉત્તમભાઈએ સમસ્યાનાં મૂળ કારણોનો વિચાર કર્યો. એ મૂળ કારણો દૂર થાય તો જ ફરી આવી સમસ્યા સર્જાય નહીં. એ સમયે ઉત્તમભાઈની ફેક્ટરી અને ઑફિસ એકદમ નજીક હતાં. આને કારણે કેટલાક પ્રશ્નો ઊભા થતા હતા, આથી એમણે ઑફિસ અને ફેક્ટરી જુદા જુદા સ્થળે રાખવાનો નિર્ધાર કર્યો. પોતાની ફેક્ટરી વટવામાં રાખી અને ઑફિસ અમદાવાદના આશ્રમરોડ પર આવેલી બી.જાદવ ચેમ્બર્સમાં ત્રીજા માળે શરૂ કરી. પરિસ્થિતિના મૂળમાં જવાની આ એમની પારગામી દ્ર્ષ્ટિ.

આ વેબસાઈટ ઉપર લખાયેલા  ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવાઅહીં  ક્લીક કરો.