ખેતીવાડી

ખેતિ નફો કે નુકશાનનો ધંધો ? – નિતિન પટેલ

ગુવાર

આમદની આઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ આ વખતે ગુવારની ખેતિમાં અનુભવ્યો. ખર્ચ ઝાઝો થયો, ઉપજ ન જેવી મળી અને ગુવારના બજારભાવ તળિયે છે. વર્ષ ૨૦૧૩ની ચોમાસુ ગુવારની ખેતી નિષ્ફળ છે.આકાશી ખેતીની આ પરિસ્થિતિ છે..જગતનો તાત કુદરત સામે લાચાર હોય છે, તેનો પ્રત્યક્ષ અનુભવ આ વખતે અનુભવ્યો…કભી ગમ કભી ખુશી જેવો ઘાટ અવકાશી ખેતીનો હોય છે તે નક્કી…!!!અવકાશી ખેતિ એક જુગાર છે..પાસા સામા પડ્યા તો પડ્યા નહિતો ઘાટ કરતા ઘડામણ વધી જાય.. !!

વરસાદનો સમય અને પ્રમાણ ,ખેડ,ખાતર,મજૂરી, ઉપદ્રવી જીવાત,ઢોર-ઢાંખર, જમીનનો પ્રકાર, જેવા અનેક પરિબળોનો સામનો કર્યા બાદ પણ ચોર ખાય મોર ખાય અને ભાગે આવે તો આવે નહિ તો જય ગીરનારી….અમુક હકિકતો નજર અંદાજ કરવા જેવા નથી..ખેતરની યોગ્ય સંભાળ, મતલબ કે યોગ્ય સમયે ખેડાઈ, વાવણીનો સમય, શક્ય બને તો ખાતર, પાકની ફેરબદલી, એક સાથે એક જ પાક બધા ખેતરમાં ન વાવતા જુદા જુદા ચોમાસુ પાકો વાવવા જોઈએ, સાથે સાથે અન્ય ખેતીને લગતી માહિતીથી વાકેફ રહેવું જોઈએ અને દર ચોમાસે વિવિધ વૃક્ષોનું વાવેતર ખેતરની પડતર જગ્યાઓમાં કરતા રહેવું જોઈએ, જેથી કરીને લાંબાગાળે નુકશાનનું પ્રમાણ ચોક્કસ ઘટાડી શકાય.

ગુવાર

આ તબક્કે ચાલો થોડી ખેતિ અંગેની વાંચેલી શિખામણો જોઈએ કદાચ ઉપયોગી પણ સાબિત થાય.

(૧). કોઈ પણ પાકને પાણીની જરૂરિયાત, આબોહવા, જમીનનો પ્રકાર, વાવણી સમય અને જાત ઉપર આધાર રાખે છે.

(૨). પૂજ્ય મોટા એવુ કહી ગયા કે ખેડૂતો ખાસ કરીને તેરશ-ચૌદશ-પૂનમે વાવણી શરૂ કરે તો વધારે સારું. વાવણી સુદમાં કરે છે તો સારું. ચંન્દ્રમાની સારામાં સારી અસર સુદમાં હોય છે, તે વદમાં હોતી નથી.

(૩). ખેતિમાં છાંટેલી દવાઓ માત્ર ૧% નિયંત્રણના કામમાં લાગે છે, બાકીની હવા, પાણી, જમીન, વનસ્પતિ, ભૂચર અને ખેતરોને પ્રદૂષિત કરે છે.

(૪). સુકી ખેતિમાં જમીનની ઊંડી ખેડ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે. જેથી જમીન ઉપરથી વહી જતા પાણીનું પ્રમાણ ઘટે છે અને જમીનમાં પાણીનો સંગ્રહ વધુ પ્રમાણમાં થાય છે, ઉપરાંત જમીનની ઊંડી ખેડ કરવાથી પાકના મૂળ ઉંડે સુધી જઈ પાણીનું શોષણ કરી શકે છે અને પાણીની અછત સામે ટક્કર ઝીલી શકે છે.

(૫). ડ્રીપ મલ્ચિંગ પધ્ધતિ:- આ પધ્ધતિમાં માટીની પાળીઓ બનાવીને એની ઉપર પ્લાસ્ટિકની ચાદર પાથરી દેવામાં આવે છે તેમાં નાના કાંણા પાડવામાં આવે છે આ દરેક કાણાં એક એક બીજ મુકવામાં આવે છે. પછી તેની ઉપર પાણી ફેરવવાથી દરેક બીજના કાણા વાટે પાણી નીચે ઉતરે છે અને સીધુ બીજને જ પાણી મળે છે. બાકીની જમીનમાં બિનજરૂરી પાણી વેડફાતુ નથી. વળી જમીનમાં ગયેલા પાણીનું ઝડપથી બાષ્પીભવન થઈ સૂકાતુ પણ નથી. જમીનમા ભેજ જળવાઈ રહે છે.

(૬). સુકી ખેતિમાં ઢાળની વિરુધ્ધ દિશામાં ખેડ કરવી જેનાથી નાની પાળીઓ બંધાય છે, જે વરસાદના વહેતા પાણીની ગતિમાં અવરોધ પેદા કરે છે પરિણામે જમીનમાં પાણીનો સંગ્રહ વધે છે. જમીનનું ધોવાણ અટકે છે અને પાકને લાંબા સમય સુધી પાણી મળી રહે છે.

(૭). ઢાળની વિરુધ્ધ દિશામાં પાકોનું વાવેતર કરવાથી વરસાદનું વધારેમાં વધારે પાણી જમીનમાં સંગ્રહ થાય છે અને પાકના મુળને લાંબા સમય સુધી પાણી મળી રહે છે તેમજ જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ૫ થી ૬ ટકા સુધી જો જમીનનો ઢાળ હોય તો પટ્ટી પાક પધ્ધતિ વધારે અનુકૂળ પડે છે.

(૮). મોટા ભાગના ધાન્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ વિગેરે જમીનનું ધોવાણ અટકાવતા નથી કારણ કે આ પાકો હારમાં વવાતા પાકો છે જમીન પર ફેલાતા નથી અને મૂળ જમીનને જકડી રાખતા નથી. જ્યારે મોટાભાગના કઠોળ કે ઘાસ વર્ગના પાકો જમીન અવરોધક પાકો છે, કારણ કે આ પાકો જમીન ઉપર ફેલાય છે. પાકના મૂળને ઊંડે સુધી જઈ જમીનમાં ફેલાય છે અને જમીનને જકડી રાખતા હોઈ જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે.

(૯). જમીનમાં ભેજનું પ્રમાણ અને પાણી એ પોષક તત્વોના અવશોષણમાં ચાવીરૂપ પરિબળ છે. જમીનમાં માપસરના ભેજને કારણે પોષક તત્વોની લભ્યતા વધે છે અને છોડ સહેલાઈથી તેનુ અવશોષણ કરી શકે છે. આના પરિણામે પાક ઉત્પાદનમાં વધારો થાય છે.

(૧૦). જમીનમાં રહેલા તથા ખાતરો દ્વારા અપાયેલા પોષક તત્વોના કાર્યક્ષમ ઉપયોગ માટે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે તેથી ખેડૂતોએ તેમની પાસેના ખાતરના જથ્થાની ફાળવણી કરવામાં પિયતના પાકોની જરૂરિયાત પ્રમાણે પ્રથમ પસંદગી આપવી જોઈએ જેથી ખાતર પાછળ ખર્ચેલા નાણાં માંથી વધારેમાં વધારે વળતર મળી શકે. ખાતરોનો જથ્થો વધારે હોય તો જ બિનપિયત પાકોને ફાળવવો.

(૧૧). ભેજવાળી છિદ્રાળુ સિંચાઈ પધ્ધતિ:- જેને અંગ્રેજીમાં Porous Irrigation કહે છે જે ઇઝરાઈલમાં ખાસ્સી ઉપયોગમાં લેવામાં આવે છે. આમાં પાણી મૂળ સુધી પહોંચતુ હોવા છંતા પાઈપ માંથી ખલાસ થતું નથી. પાણીમાં આમાં ૯૦% જેટલી બચત થાય છે. આ પાણી વગરની સિંચાઈ પધ્ધતિ કહી શકાય.

ખેતિમાં નફો થાય કે નુકશાન પરતું સતત નવો વિચાર નવી માહીતીનું સંકલન, નવુ આયોજન, નવી ટેકનોલોજી વગેરે નો અમલ સભાનતાથી હિમત હાર્યા વગર કરતા રહેવાથી નુકસાનને પણ નફામાં પલટાવી શકાય. રોદણાં રોઈને બેસી રહેવાથી કોઈ ફાયદો નથી નુકશાન જ નુકશાન છે તો શા માટે પ્રયત્ન ના કરવો આગે આગે ગોરખ જાગે…!!!

www.vadgam.com