ખેતીવાડી

ખેતીની વાત : ભાગ-૧

[ જુદા જુદા પ્રચાર-પ્રસાર માધ્યમોમાં વાંચવામાં આવેલી ખેત અને ખેડૂત ઊપયોગી માહિતી ખેડૂત વર્ગ અને અભ્યાસુ લોકો માટે સંકલિત સ્વરૂપે અત્રે લખવામાં આવી છે. સમાયંતરે આ પ્રકારની માહિતી આ વેબસાઈટ ઉપર પ્રકાશિત કરવામાં આવશે.- નિતિન પટેલ ]

 

  • છાણિયા ખાતરમાં ૦.૫% નાઈટ્રોજન, ૦.૩% ફોસ્ફરસ અને ૦.૪% પોટાશ રહેલો છે.
  • કોઈ પણ પાકના પોષણ માટે નાઈટ્રોજન સૌથી અગત્યનું અને સૌથી વધારે જોઈતુ તત્વ છે. વિશ્વનો કોઈ પણ પાક નાઈટ્રોજનની ગેરહાજરીમાં વિકાસ કરી શક્તો નથી.
  • જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધારવામાં સેન્દ્રિય અને જૈવિક ખતરો ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે. આ ખાતરોના વપરાશથી જમીનની પ્રત સુધરે છે તેમજ જમીન પોચી, ભરભરી અને ફળદ્રુપ બને છે. જમીનમાં હવા અને પાણીની અવરજવર વધે છે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ સુધરે છે. જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરતાં વનસ્પતિના મૂળની વૃધ્ધિમાં કોઈપણ અડચણ ઉભી થતી નથી પરિણામે જમીનમાં રહેલા પોષક તત્વોનો છોડમાં શોષણનો વધારો થાય છે જેને કારણે પાકની વૃધ્ધિ સારી અને તંદુરસ્ત થાય છે. સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયું ખાતર, ગળતિયું ખાતર તથા લીલો પડવાશ જમીનમાં નાખવામાં આવે છે ત્યારે આ ખાતરોનું સુક્ષ્મ જીવાણુઓ મારફતે વિધટન થાય છે પરિણામે છોડની વૃધ્ધિ ખૂબ જ સારી થાય છે.
  • જમીનમાં ઘણા પ્રકારના જીવાણુઓ વસવાટ કરે છે જે વનસ્પતિને બહુ ઊપયોગી હોય છે. આવા જીવાણુઓ હવામાનાં નાઈટ્રોજનને જમીનમાં આપે છે. જે છોડને ઊપયોગી થાય છે.
  • નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પછી ખાતરનો ચોથો મુખ્ય ધટક સલ્ફર (ગંધક) છે. પાકને તંદુરસ્ત રાખી ઉત્પાદનમાં વધારો કરે છે. – યશવંત કે પટેલ (આણંદ)
  • આપણા ખેડૂતો ફસલમાં થતી જીવાતનો નાશ કરવા માટે ઝેરી જંતુનાશક દવાઓ જે છેલ્લા પચાસ વર્ષમાં વાપરતા થયા છે તેણે તો કાળો કેર વર્તાવ્યો છે. આ ઝેરો આપણા અનાજ, કઠોળ, તેલબિયાં, શાકભાજી ફળફળાદિ અને જમીન ઉપરાંત ખેતી કરતા કિસાનોના લોહીમાં પણ ફેલાઈ ગયા છે. હરિયાળી ક્રાંતિ માટે વિખ્યાત પંજાબના ખેડૂતોના લોહીનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે અત્યંત ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે મોટાભાગના ખેડૂતોના શરીરમાં જોખમી કહી શકાય તેવી હદે જંતુનાશક દવાઓ ફેલાઈ ગઈ છે. આ દવાઓ હવે ખેડૂતોનો જ નાશ કરવા લાગી છે.
  • આ દેશને ખેતીપ્રધાન દેશ કહે છે પણ આજે એવી હાલત છે કે શ્રમ અને ખેતીવાળા દેશમાં  કોઈને કિસાન બનવું નથી. કિસાનના પુત્રને કિસાન બનવું નથી. કિસાનનો ગ્રેજ્યુએટ પુત્ર જો ખેતી કરે તો તેને કોઈ કન્યા આપતું નથી. – કાન્તિ ભટ્ટ
  • આજના સ્વતંત્ર ભારતમાં વકીલ પોતાની ફી નક્કી કરે છે, ડૉક્ટર પોતાની ફી નક્કી કરે છે. માત્ર એક કિસાન એવો માણસ છે જે  પોતાની ખેતીવાડીની પેદાશના ભાવ નક્કી કરતો નથી. તેની ખેતપેદાશોના ભાવ દલાલો દ્વારા માર્કેટિંગ યાર્ડ અગર અનાજના ભાવ સરકાર નક્કી કરે છે. આવી હાલત છતાં ભારતનો કિસાન ગામડામાં રહીને દેશ માટે અનાજ પકવે છે. દેશમાં મોંધવારી વધે છે ત્યારે પણ દિલ્હીમાં બેઠેલા પ્રધાનો અનાજના ભાવ ઓછા કરવાની દાનત રાખે છે. ભારતમાં શ્રમ અને ખેતીની પ્રતિષ્ઠા નથી.- જસ્ટિસ ધર્માધિકારી.
  • સંયુક્ત રાષ્ટ્રસંધના ફૂડ અને અન્ન વિભાગના અંદાજ પ્રમાણે કાળક્રમે જગતમાંથી ૭૫% પાકોના મૂળ અસલ બિયારણો લુપ્ત થયા છે. આપણે ખાઈએ એ ઘઊં, બાજરો કે મગ અસલ બિયારણનો હોય એવુ માનવાને કોઈ કારણ નથી. જંતુનાશક દવાઓ બિયારણ પર પ્રયોગો, જમીનનું પ્રદુષણ, ખેતી માટેના પ્રતિકૂળ સંજોગો વગેરેને કારણે મૂળ અને મજબૂત બિયારણો સમય જતાં નબળા પડી જાય છે અને પડી ગયા પણ છે.
  • પાતાળ માંથી પાણી ખેંચી ખેંચી આપણે ધરતીને નપાણવી બનાવી દીધી.
  • આધુનિક ખેતીમાં ફક્ત મજૂરી જ નહિં. મગજ જોઈએ. જગતની પાયાની સમસ્યાને પર્યાવરણને નુકશાન કર્યા વિના વધતી વસ્તીનું પેટ ભરવાની. એ માટે દિમાગ વાપરવું પડશે. જે વર્ષોના અનુભવે અમે કર્યું છે. અમારે ફક્ત સ્વ-સામાન નથી વેચવો. એ જ્ઞાન વહેંચવું છે જેથી બીજા પણ આ રસ્તે ચાલીને દુનિયાને જીવવા જેવી બનાવે – ડેનિયલ કોર્મન (ઇઝરાયેલી સંસ્થા મશાવના વડા)