આપણા તિર્થસ્થળો

ચમત્કારિક અવતાર રામદેવપીરનું મજાદરનું ભવ્ય મંદિર

ભક્તોની ભીડ ભાગનાર રામદેવપીરના અનેક પરચા જાણીતા છે.

આવા પરચાઓ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે ધના ભગત(પ્રજાપતિ)એ પણ અનુભવ્યા હતા.ધના ભગત નજીક રેલ્વેની ઘુમટીમાં નોકરી કરતા હતા.પગે અપંગ હોવાના કારણે ફરજ બજાવવામાં તેમને ઘણીવાર અગવડ પડતી પણ લાચાર બનીને સાચવીને એ ફરજ બજાવતા રહ્યા.એમની ફરજ દરમ્યાન એકવાર ચમત્કાર થયો.રામદેવપીરે એમને દર્શન દીધાં.થોડીવારમાં સામેથી ગાડી આવતી દેખાઈ.ફરજ ચૂકાઈ જશે ને અકસ્માત સર્જાશે એવા ભયે ધના ભગત દોડ્યા.ત્યારે પગે અપંગ છે એટલે દોડી શકાશે નહિ એનો ખ્યાલ ના રહ્યો.એ તો દોડ્યા એવો જ ચમત્કાર થયો,એમના પગ સાજા થઈ ગયા !

આ ધના ભગતને રામાપીરના બ્રાહ્મણ સ્વરૂપે દર્શન થયાં અને તેમને રણુજાની જાત્રાએ જવા કહ્યું. જાત્રાએ જવાના પોતાના પ્રતિકૂળ સંજોગની ધના ભગતે વાત કરી તેના જવાબ રૂપે તેમને રાણીછાપના અઢિસો રૂપિયા જમીનમાંથી પ્રાપ્ત થયા અને સાધુનું રૂપ લઈ ભગવાને તેમને ખભે કર્યા અને રણુજાની જાત્રા કરાવી.ત્યાંથી એક ઘોડો લઈ ધના ભગત પાછા ફર્યા ત્યારે એ ઘોડો પાંચ દિવસ ઘુમટીએ રાખ્યો ત્યાં ચમત્કાર સર્જાયો.ત્યાંના ઝાડ ઉપર પત્તા એટલા દીવા થયા જે સવા કલાક લગી પ્રકાશતા રહ્યા.

રણુજાની જાત્રા કરીને અને આવા ચમત્કારોનાં દર્શન કરીને ધના ભગતના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું.અને ધના ભગત નોકરી છોડીને મજાદર ગામના રામદેવપીરના મંદિરે સેવામાં લાગી ગયા.

મજાદર ગામે આવેલ રામદેવપીરનું આ ભવ્ય મંદિર અઢીસો વર્ષ જુનું હોવાનું કહેવાય છે.
રાજસ્થાનમાં આવેલ રણુજાના રાજા અજમલજીને એકપણ સંતાન ન હતું.આમ ને આમ વર્ષો વીતી જશે એ વાત એમને અને એમની રાણી મિણલદેને કોરી ખાતી હતી.એક દિવસ ભક્તિ કરતાં આ વાત એમણે પ્રભુ સમક્ષ મૂકી.અને આકાશવાણી થઈ કે તારા ત્યાં અવતારી પુરૂષ જન્મ લેશે.

એ પછીના નવ જ માસમાં માતા મિણલદેની કૂખે રામદેવનો જન્મ થયો.આ રામદેવ મોટો થતો ગયો તેમ તેમ એ અનેક દુ:ખીઓના દુ:ખ ભાગતો રહ્યો.પરોપકારી જીવ બનીને સમાજના દરેક વર્ગને મદદે પહોંચવા લાગ્યો.ગામના લોકોને ત્યાં રામદેવમાં કોઈક અજબ શક્તિના દર્શન થવા લાગ્યાં.જાત્રાએ જતા વાણિયાનો માલ લૂંટી ચોર તેને મારી ભાગી ગયા ત્યારે તે વાણિયાની પત્નીની વ્હારે રામદેવ ઘોડે ચડી આવી પહોંચ્યા.વાણિયાને જીવીત કર્યો અને ચોરના શરીરે કોઢ થઈ ગયો.ચોરાયેલો માલ વાણિયાને પાછો મળ્યો.

આવા અનેક ચમત્કારો સર્જાતાં રામદેવને સૌ રામદેવપીર તરીકે ઇશ્વર અવતાર સ્વરૂપે ઓળખવા લાગ્યા…

જીવનમાં અનેક ચમત્કારો સર્જીને લોકોના દુ:ખમાં મદદરૂપ થનારા રામદેવપીરને સમાધિ લેવાનો સમય લેવાનો સમય આવ્યો ત્યારે એમના પિતા અજમલજી અને માતા મિણલદેને સ્વપ્ન આવ્યું.એકદમ સફાળા ઝબકીને એ જાગી ગયાં ત્યારે રામદેવજી તેમના પલંગ પાસે દોડી આવ્યા અને માતા-પિતાને જણાવ્યું કે “તમને જે સ્વપનું આવ્યું તે સ્વપનું નહિ પણ સત્ય છે.મારો જીવનકાળ પૂરો થવા આવ્યો છે.હું સમાધિ લઈ નિર્વાણપદ પામવા ઇચ્છું છું.વિધિનું આ નિર્માણ છે.”

સવંત પંદરસો પંદરના ભદરવા મહિનાની અજવાળી બીજ હતી.તે વેળા દરબારગઢમાં પાટોત્સવનો આરંભ થયો.પાંચ દિવસ પછી ભાદરવા સુદ સાતમની રાતે અજમલજી અને મિણલદેવીની સ્વપનું આવ્યું.એ પછીના બે જ દિવસ બાદ ભાદરવા સુદ નોમના પ્રભાતે દરબારગઢના દ્વારે શરણાઈ અને ચોઘડીયાં વાગવા લાગ્યાં.રણુજામાં હર્ષ અને શોકનું મિશ્ર વાતાવરણ છવાઈ ગયું.ગામના અને આસપાસના ગામના લોકો દરબાર ગઢમાં આવી ભારે હૈયે રામદેવજીને પુષ્પોથી વધાવી ચોકમાં રોપેલ ધોળા નેજાને વંદના કરી જય જયકારથી વાતાવરણને ગજાવવા લાગ્યા.અને એ દિવસે વિશાળ ગ્રામજનો,સગા-સ્નેહીઓની હાજરીમાં વાજતે ગાજતે રામદેવજીએ સમાધિ લઈ લીધી.

એમની સાથે એમના પરમ સેવિકા ડાલીબાઈએ પણ સમાધિ લઈ લીધી.મજાદર ગામે પણ આ બંનેના મંદિરો છે.તેમાં રામદેવપીરના મંદિરે પહેલા દર મહિને મેળો ભરાતો.હાલ દર વર્ષે ભાદરવા સુદ ૯ થી ૧૨ સુધી મેળો ભરાય છે.જેમાં દરેક જ્ઞાતિ ના ભાવિકો રામદેવપીરના દર્શનાથે મોટી સંખ્યામાં ઉમટે છે.

શ્રદ્રાળુઓ બાધા-માનતા પુરી થતાં, ઝુમ્મરો અને ઘોડા ચઢાવે છે.મજાદર આવવા માટે બસની વ્યવસ્થા છે.આ ચમત્કારિક અવતારી પુરૂષના ગુણગાન ભાવિકો રસતરબોળ બનીને હેલા તરીકે ગાઈ રહ્યા છે કે-

રણુજાના રાજા;અજમલજીના બેટા; મિણલદેના જાયા;વીરમદેવના વીરા; રાણી નેતલના ભરથાર મારો હેલો સાંભળો…હોજી મારો હેલો સાંભળો….

શ્રી રામદેવ પીરની આરતી

એવા ધૂપને ધૂમાડે વહેલા આવજો, આવજો આવજો અજમલના કુંવર રે,
રણુંજાના રાજા આરતી ટાણે વહેલા આવજો,

એવા ધૂપને ધૂમાડે….

હે….એવા પિતા અજમલજી કાગળ મોકલે માતા મિનળદે જુએ તમારી વાટ રે….
રણુંજાના રાજા, આરતી ટાણે વહેલા આવજો….

ધૂપ ને ધૂમાડે….

હે….એવા વીરા વિરમદે કાગળ મોકલે…. બેની સગુણા જુએ તમારી વાટ રે…. રણુંજાના રાજા, આરતી ટાણે વહેલા આવજો….

ધૂપ ને ધૂમાડે….

હે….એવા ભાટી હરજી લાછા મોકલે…. બેની ડાળીબાઈ જુએ તમારી વાટ રે….
રણુંજાના રાજા, આરતી ટાણે વહેલા આવજો….

ધૂપ ને ધૂમાડે….

લેખ :-સ્વરાજ્ય દિપોત્સવી અંક-૨૦૦૭ માંથી સાભાર,લેખક:- શ્રી જીતેન્દ્ર સી.મહેતા
આરતી:-રામદેવપીર મંદિર,મજાદર સાભાર.