આપણા તિર્થસ્થળો

પૌરાણિક મંદિર અને નાગ દેવતાનો રાફડો…શેરપુરા (સેંભર)…

વડગામ મહાલ માં  સરસ્વતી નદીના કિનારે આવેલ શેરપુરા (સેંભર) ગામ પાસે ગોગ મહારાજના મંદિર  તરીકે ખૂબજ જાણીંતુ પૌરાણિક મંદિર  છે. આ મંદિર માં  ગોગ મહારાજના સ્થાને નાગદેવતાનો પૌરાણિક રાફડો છે.ચમત્કારી અને ફળદાયી એવા આ સ્થળનો મોટો મહિમા છે.

શેરપુરા (સેં)ના સેજા માં  આવેલ આ પવિત્ર મંદિર મા જવુ હોય તો નદીની પેલે પાર થોડાક ચાલીને જવુ પડે છે.ચોમાસાની ઋતુ માં  નદીમા પાણીનો આવરો વધારે હોય તો પેલે પાર જઈ શકાતુ નથી.

આ મંદિર માં   એક સુંદર  ડેરી બનાવીને તેની આજુબાજુ શ્રધાળુઓ માટે પ્રાર્થના માં  બેસવા માટે પાકી વ્યવસ્થા કરાઈ છે.ડેરીમાં  નાગદેવતાનુ પ્રતિક છે.આ પ્રતિક ની નીચે રાફડો આવેલો છે.

સ્નાન કર્યા બાદ અંતરની શ્રધ્ધા સાથે મનન કરી જમણો હાથ રાફડામાં  નાખવાથી આખો હાથ અંદર  જતો રહે છે.અને હાથ ની આંગળીઓ પાસે ધીમા પવનનો અહેસાસ થાય છે.આ પૌરાણિક ગોગ મહારાજ ના મંદિર  વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે.લોકો દૂર સુદૂરથી અડગ શ્રધ્ધા સાથે અહી  દર્શનાર્થે આવે છે.

નાગપંચમીના દિવસે સૂર્યોદયના સમયે એક વિશાળ નાગદેવતા આવી રાફડામાં  પ્રવેશ કરીને અલોપ થઈ જાય છે.દર વર્ષે અહી આવો ચમત્કાર થાય છે.ઘણા વર્ષો પહેલા જગમાલજી રબારી નામના એક સદગ્રુહસ્થે ઘનઘોર જંગલમાંથી પગદંડી ઉપરથી પસાર થતા સૂર્યની પ્રથમ કિરણે ચાર થી પાંચ હાથ લાંબા  નાગદેવતાને રાફડા તરફ જતા જોયા હોવાની લોક્વાયકા છે.લોકોના જણાવ્યા મુજબ ,આ વિસ્તાર માં  નાગદેવતાએ ક્યારેય પણ કોઈ માનવી કે પશુને ડંખ માર્યો હોય તેવો બનાવ હજુ સુધી જાણવા મળેલ નથી.

આ પવિત્ર સ્થળ નજીક લક્ષ્મણગીરી પ્રતાપગીરી મહારાજની સમાધિ આવેલ છે.તેમના જ સમયમા ગોગ મહારાજ નાગદેવતાના રાફડાના સ્થાનનો મહીમા જાણી આ સ્થળની પવિત્રતા જળવાઈ રહે તેવા શુભ આશયથી તેની અભિવ્રુધી કરવામા આવી હતી.કુદરતી વનરાજીમાં  આવેલ આ પવિત્ર સ્થળ ઉપર દર્શન કરવા માટે  આવતા શ્રધ્ધાળુઓ માટે સારી એવી સગવડો ઉપલબ્ધ છે.તે સિવાય મહારાજને રહેવા માટે , મંદિર ની જાળવણી માટે તેમજ અન્ય વહિવટી નિભાવ માટેનો ખર્ચ શેરપુરા ગામના જાગીરદાર કમાલખાન બિહારી,હસાભાઈ બિહારી,આબીદખાનજી (ખાનસાબ) અને તેમની સાથે ગામના ઠાકોર, પંચાલ કોમના લોકો ઉઠાવી રહ્યા છે.અને સૌ સાથે હળીમળી એકબીજાના સાથ સહકારથી વહીવટ સંભાળી રહ્યા છે.

જલાલપીરની દરગાહ

જૂની સેંભરમાં  જલાલીપીરની એક દરગાહ આવેલી છે. આ દરગાહ શહેનશાહ વલી તરીકે પ્રચલિત પીરની છે.લોકો શ્રધ્ધાપૂર્વક અહી આવે છે અને મન્નત માને છે.તેમની મન્નત પૂર્ણ થતા તેઓ સગા સબધીઓ સાથે સમુહ માં  અહી આવીને પ્રસાદરૂપે ભોજન લઈ ઉજાણી કરી કુદરતી વનરાજીમાં  ભરપુર આનંદ  મેળવે છે.આ જલાલીપીરના લોકોને અનેક પરચા મળ્યા હોવાથી તેમને લોકો શહેનશાહવલી તરીકે માને છે.

૧૯૯૯મા અસ્તિત્વમાં  આવેલુ ગોગ મહારાજનુ નવીન મદિર.

શેરપુરા (સેં) પાસે આવેલા પૌરાણિક મહારાજના મંદિર થી દૂર અંદર ના વિસ્તારમાં પૂર્વ મહેસાણા જિલ્લા અને વર્તમાન પાટણ જિલ્લાના કોઈ ખાનગી ટ્રસ્ટના ટ્રસ્ટી ધ્વારા સને ૧૯૯૯ની આસપાસ નવીન બાંધકામ કરી ગોગ મહારાજના નવીન મંદિર ની રચના કરવા માં આવી હોવાનુ જાણવા મળેલ છે. આ મંદિર વાસણા (સેં) થી આશરે ૩ કિ.મી. ના અંતરે આવેલ છે.

કોઈ વ્યક્તિને રાત્રે સ્વપ્ન આવતા તેની કલ્પના અને સ્વપ્નનો આધાર શ્રધ્ધા સાથે જોડી ચોક્કસ ગામ અને ચોક્કસ સ્થળ અંગે ધ્યાન કેન્દ્રિત કરી આ નવીન ગોગ મહારાજનું મંદિર બનાવવામાં આવ્યુ હોવાનુ જાણવા મળેલ છે.આ જાણકારી મળતા વડગામ ગાઈડના લેખક જ્યારે સ્થળની મુલાકાત લેવા ગયા તો મંદિર ના સંચાલક કે પૂજારી તેમને મળ્યા ન હતા.પરંતુ રવિવાર હોઈ કેટલાક શ્રધ્ધાળુઓ જોવા મળ્યા હતા.જેમા એક તો પાલનપુર તાલુકાના રતનપુર ગામનો રાજ્પૂત પરિવાર હતો.લોકો સૌ પ્રથમ નાગદેવતાના પૌરાણિક મંદિરે દર્શન કર્યા બાદ અહી આવે છે.

આ મંદિર ની સ્થાપના થયા બાદ સંચાલકોએ તેનો ઝડપથી વિકાસ હાથ ધર્યો હતો.જેમા જમીન ઓછી પડતા ટ્રસ્ટના સંચાલકે વન વિભાગની રિજર્વ ફોરેસ્ટની  જમીન મેળવવા ભલગામ – ભાંખરીની બે એકર ૧૬ ગુંઠા જમીન સામા સાટે આપી હતી. અને મોટી રકમનો ખર્ચ કરી માત્ર ધાર્મિક હેતુ માટે નવીન બાંધકામ કરેલ છે.આ મદિરના સંચાલકોને રેવન્યુ રાહે કોઈપણ કામ પડે ત્યારે તેમને શેરપુરા ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો પડે છે તેવુ લેખકને જયચંદભાઈ પંચાલ અને સરદારજી ઠાકોરે જણાવ્યુ હતુ.

આઝાદી પૂર્વે ચિત્રોડા તાલુકામાં આવેલ શેરપુરા (સેંભર)ની વસ્તી સને ૧૯૦૧ની વસ્તી ગણત્રી મુજબ માત્ર ૮૦ની હતી. આજે વર્તમાન વડગામ તાલુકામાં સમાવિષ્ટ શેરપુરા (સેં) ની વસ્તી ૫૫૦૦ની અંદાજી શકાય. શેરપુરા (સેં) નુ ઐતિહાસિક મહત્વ ઘણુ છે. વડગામ તાલુકામાં શેરપુરા નામના બે ગામ આવેલા છે.જેમ મજાદર ગામ પાસે આવેલુ શેરપુરા –શેરપુરા (મ) તરીકે જ્યારે સેંભર પાસે આવેલુ શેરપુરા (સેં) તરીકે ઓળખાય છે.

પાલણપુર સ્ટેટમાં નવાબના શાસન વખતે ક્યારેક અંદરોઅંદર તો ક્યારેક પાડોશી રજવાડાઓ સાથે રાજના સીમાડાઓ ઉપર હદમર્યાદા અને ખંડળીની વસૂલી બાબતે નાની-મોટી લડાઈઓ થતી.જેમા એક વખત જાગીરીના ગામોની મહેસૂલી આવક અને રાજની હદમર્યાદા બાબતે નાના વિવાદ માંથી મોટો વિવાદ થતા પાલણપુર સ્ટેટ અને ગાયકવાડ સ્ટેટનુ લશ્કર સામસામે આવી ગયુ હતુ. બાદરપુરા અને મેપડા ગામ વચ્ચે રાજગરાની થડોએ લડાઈ થયેલ. જેમા પાલણપુર સ્ટેટના લશ્કરની સાથે બાદરપુરાના પટાવત ઠાકોર નારખાનજીએ બહાદૂરીપૂર્વક ફરજ બજાવી. ગાયકવાડ સ્ટેટના લશ્કરના સરદાર સદાશિવરાવને તેના લશ્કર સાથે ભગાડી મૂક્યો હતો.વળી તેનુ વિજયનુ પ્રતિક સુરજમુખી પણ કબ્જે કરી લીધુ હતુ.

મૂળ સદરપુરના નારખાનજીને ત્રણ ભાઈઓ હતા.જેમના નામ સલાબતખાનજી,હેબતખાનજી અને ઉમરખાનજી હતા.જેમા હેબતખાનજીએ હેબતપુર ગામ વસાવ્યુ હતુ.નારખાનજીના વંશજો વિહારી ઉર્ફે બિહારી અટકથી ઓળખાય છે.તેમની જાગીરીમા શેરપુરા (સેં) , બાદરપુરા, નગાણા , અને ગીડાસણ ગામ હતા.

શેરપુરા (સેં)ના જાગીરદારોનુ પાલણપુર સ્ટેટમાં મહત્વનું સ્થાન હતુ. આલમખાનજી  કાસમખાનજી બિહારી નવાબ સાહેબ ના શાસનમાં એ.ડી.સી હતા ત્યારબાદ ઇબ્રાહીમખાનજી  ઉસ્માનખાનજી બિહારી એ.ડી.સી તરીકે રહ્યા તો શેરખાનજી કેસરખાનજી બિહારી પાલણપુર સ્ટેટમાં ફોજદાર હતા.અમીરગઢ પોલીસ સ્ટેશનની સ્થાપના શેરખાનજીએ કરી હતી.આજે પણ આ વાતના પુરાવારૂપે તેમના નામની તક્તી અમીરગઢ પોલીસ સ્ટેશન ઉપર જોવા મળે છે.

શેરપુરા (સેં)ને અડીને આવેલ નિઝામપુરાના જાગીરદારો સર્વધર્મ સમભાવમા માનતા હતા.જેમા ખુરમખાન નામતખાનજી ખુબ જ બુધ્ધિજીવી જાગીરદાર હતા.તેઓ દુરંદેશી દ્રષ્ટિ ધરાવતા હતા. તેઓએ પાંડવા ગામની સીમમા આવેલા ચામુંડા માતાના મંદિરના વિકાસ માટે તથા ગાયો માટેના ઘાસચારાની તંગી નિવારવા પોતાની માલિકીની ૧૦ વીઘા જમીન દાનમા આપી જીવદયા અને કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. નિઝામપુરા અને તેની આજુબાજુના ગામોના જાગીરદારો સાથે તમામ જ્ઞાતિના લોકો અષાઢી બીજના દિવસે ભેગા થઈને જૈન શ્રેષ્ઠીઓ ધ્વારા ઘઉની ઘૂઘરી બનાવડાવી પ્રસાદરૂપે સમુહભોજન લેતા હતા. આજે પણ મહદઅંશે આ પ્રથા ચાલી રહી છે, પણ લોકોનો સમૂહ નાનો થઈ ગયો છે.

ઐતિહાસિક દ્રષ્ટિએ શેરપુરા  (સેં)નુ મહત્વ જરાયે ઓછુ નથી. એ જ રીતે સેભર ગામ પણ શેરપુરાને અડીને આવેલ ગામ હોઈ એનુ પણ ઇતિહાસ માં  વિશેષ મહત્વ છે.

સેભરમાં  શેરાની પઠાણોનું  રાજ હતુ. આ શેરાની પઠાણ લડાયક કોમ હતી. બહાદુર લડવૈયાઓના મોટા સમુહને લઈ તેમની દાદગીરી અને જુલ્મના કિસ્સા વધી જવા પામ્યા હતા. એ જમાના માં  ગુરૂ રખેશ્વરના ભાંખરા ઉપર એક મહંત બિરાજમાન હતા. આ મહંતને અવારનવાર આ શેરાની પઠાણો પજવતા હતા.એક વખત આ પજવણી થી કંટાળીને મહંતે ક્રોધિત થઈને પઠાણોને શ્રાપ આપી દીધો કે,તમે નિર્દોષ સંતને પણ છોડતા નથી, જાઓ ઉપરવાળો પણ તમને છોડશે નહી, એક ચતુરી વાઘણ આજ ભાંખરામા પેદા થશે અને તમારા તમામ બહાદુરોને એક પછી એક ખતમ કરી નાખશે. “મહંતનો શ્રાપ લાગ્યો હોય તેમ થોડા જ સમય બાદ ભાંખરા માંથી રોજ રાત્રે એક વાઘણ આવતી અને પઠાણોના સમુહ માંથી રોજ એક એક પઠાણને ઉઠાવી જતી અને તેને ખતમ કરી નાખતી. આ વાઘણ એ બીજી કોઈ નહી પણ મહંતે શ્રાપ આપતી વખતે કહેલી ચતુરી વાઘણ જ હતી. ચતુરી વાઘણે એક પછી એક લડવૈયા પઠાણોને ખતમ કરી નાખતા પઠાણોની સંખ્યા ઘટી જવાથી તેમની કેડ ભાંગી ગઈ હતી.

આ શેરાની પઠાણોની દાદાગીરી અને જુલ્મની વાતો પાલણપુર સ્ટેટના નવાબ સાહેબ સુધી પહોંચતા દિવાન બહાદુરખાનજી પોતાના લશ્કર સાથે પઠાણો ઉપર તૂટી પડ્યા અને સેભરનો કબ્જો લઈ લીધો પરંતુ કેટલાક સમજદાર લોકોએ નરમ દિલના રાજવીઓને સમજાવતા આ શેરાની પઠાણોને રોજી રોટી માટે ભૂખલા,ભલગામ મુકામે જમીન આપી હતી.જેમાથી કેટલાક શેરાની પઠાણો પાછળથી વિસનગર તાલુકાના વડનગર મુકામે જઈ વસ્યા હતા.એમના વંશજો હાલ હયાત છે અને સરકાર મા સાર હોદ્દા ઉપર છે.નવાબ સાહેબે સેંભર નો કબ્જો લીધા બાદ બાદરપુરા,શેરપુરા (સેં),તાજ્પુરા અને નિઝામપુરા  જેવા ગામો બિહારી જાગીરદારોને જાગીરીમાં  સોપી દીધા. પઠાણોના  ગયા બાદ લોકો સુખ શાંતિથી રહેવા લાગ્યા હતા.

એ જમાનામાં  સેંભર એક સુંદર  નગરી હતી.આજે પણ આ ગામ માં  ઘોડાલ, પહાડખાંજીનો માઢ,દેવડાઓનુ પાદર,કુઈવાળો વડલો,જૈન દેરાસરના અવશેષો,ડોડીયાની કુળદેવી ચામાંડુ માતાનું  મંદિર  જેવી પાકી નિશાનીઓ મળી આવે છે.સરકારના પુરાતત્વ વિભાગને ફુરસદ નથી.જો આ વિભાગ ધ્વારા મન લગાવીને અહી ખોદકામ હાથ ધરવામાં  આવે તો અનેક ઐતિહાસિક અવશેષો મળી આવે તેમ છે.

સેંભર નગરી પાસે અવેલ ભાખરા ઉપર ખુબ જ ઉંચાઈએ ગુરૂ રખેશ્વરની સમાધિનું સ્થળ હોવાનુ કહેવાય છે.આ વાતને મધ્યકાળ કે તેના પહેલાથી લોકો માને છે.ગુરૂ ધૂંધળીમલ અને ગુરૂ રખેશ્વરનો ઉલ્લેખ ગુજરાત સરકારના ગેજેટીએરમાં પણ કરવામા આવેલ છે.

એક લોકવાયકા મુજબ ગુરૂ રખેશ્વરના ભાંખરા પાસેથી પાલનપુર નિવાસી એક સૈયદપીર હાજરાહજુર વલી બળદગાડામા બેસી વાસણા તરફ જઈ રહ્યા હતા.ત્યારે સંધ્યાનો સમય થઈ રહ્યો હતો.એવામાં બળદગાડાના માળી ચાલકે મોટા સાદે ગુરૂ રખેશ્વરના નામની બૂમ પાડતા વલી એ તેને સવાલ કર્યો “ભાઈ શા માટે આટલા મોટા સાદે બૂમો પાડે છે ?” ત્યારે ચાલકે કહ્યુ “ગુરૂ રામેશ્વરને યાદ કરુ છુ.” અ સાંભળી વલી એ માળીને કહ્યુ, “બોલ ગુરૂ રખેશ્વરને અહી બોલાવી આપુ તો ?”ત્યારે માળીએ કહ્યુ “બાપજી દિવસ આથમી રહ્યો છે અને ગુરૂ રખેશ્વર તો સામે ભાંખરાની ઉંચી ટોચ ઉપર હશે, આ શક્ય નથી.” ત્યારે વલી એ ધીમા અવાજે માત્ર ગુરૂ રખેશ્વર બોલતા બીજી પળે ગુરૂ રખેશ્વર સામે ઉભા હતા.આ દ્ર્શ્ય જોઈ માળી તો આભો બની ગયો હતો,ગુરૂ રખેશ્વર વલી સાથે કોઈ વાર્તાલાપ કરી કઈંક ચમકદાર પદાર્થ તેમને આપી પલકવારમા તો અલોપ થઈ ગયા હતા,થોડા આગળ ગયા બાદ વલીએ પેલો ચમકદાર પદાર્થ દક્ષિણ દિશા તરફ જોરથી ઘા કરીને નાખી દીધો ત્યારે માળીએ નવાઈ પામી પૂછ્યુ “બાપજી એ તો પારસમણી હતો,કેમ ફેંકી દીધો ?” ત્યારે વલી એ કહ્યુ, કે “દુનિયાની ચમક અને દૌલત અમારા શા ખપની ?”

એમ કહેવાય છે કે, આ બનાવની વાત કોઈને પણ કરવાની વલીએ માળીને મનાઈ ફરમાવી હતી.તેમ છતા માળીએ પારસમણીની લાલચે આ વાત સૌને કરી દેતા તે જીવ્યો ત્યા સુધી મૂકબધિર  (બહેરો મુંગો ) બનીને જીવ્યો હતો.

આમ શેરપુરા અને સેંભર સાથે આવી તો અનેક ઐતિહાસિક વાતો જોડાયેલી છે. આજે શેરપુરા (સેંભર) ગામમા મુખત્વે જાગીરદાર મુસલમાન અને ચૌધરી પટેલોની મુખ્ય વસ્તી છે. તો ઈત્તર કોમના કેટલાક લોકો પણ હળીમળીને સાથે રહે છે.

નોધ:- વાસણ-સેભર-સલેમકોટ રજવાડાઓના સમયમા મોટી નગરી હતી તેવુ પણ કહેવાય છે તેના અવશેષો આજે પણ મળી આવે છે. એ  સમય મા ત્રણસો ઘર તો માત્ર કંસારાના જ હતા. કાંસા,તાંબા,પિત્તળની કારીગરીમાં તેઓ નિપુણ હતા.કોદરામ વ્યાપારી મથક હોવાથી ત્યા તેમનો માલ ખરીદ કરવા વેપારી લોકો આવતા હતા.

લોહાણી પરબતખાનજી હિમતખાનજીને પાંચ દિકરા હતા,તેમા ઉસ્માનખાનજીના વંશજો વાસણા (સેંભર) મુકામે હયાત છે,તે ગામ પરબતખાનજીનુ વાસણા (સેંભર) કહેવાતુ.તેની સાથે સલેમકોટ પણ જાગીરદારીનું કહેવાતુ તેનો વહીવટ પણ વાસણાથી થતો હતો.

વડગામ મહાલના રાજ પરિવારના ગામો:-

હેતાણી-લોહાણી પરિવાર

વરણાવાડા-વરવાડીયા-નાનોસણા-વાસણા (સે)-છનીયાણા-નાવિસણા

બિહારી પરિવાર

શેરપુરા (સે)-બાદરપુરા- નિઝામપુરા-તાજ્પુરા-મેપડા-નગરી-ગિડાસણ-નગાણા-ઉમરેચા-પાલડી-ડાલવાણા-થલવાડા-પરખડી-વેસા(પી)-તીનીવાડા-વડગામ-મોરીયા-સલેમકોટ (સે)

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)