આપણા તિર્થસ્થળો

મધ્યકાળની પદ્માવતી નગરી આજનું પસવાદળ.

[ખૂણેને ખાંચરે વણદીઠા અંધારા  ઉલેચવા અને બંધ હોઠોમા કેટલીય છૂપાયેલી કથાઓ જાણવા,તાગવા અમે ઘણા ભટક્યા ક્યારેક અણધારી સામેથી જાણકારી મળી જતી તો ક્યારેક વારંવાર ધક્કા ખવડાવીને ખબર નથી તેવા જવાબો આપનારા પણ મળ્યા છે. અમોએ વડગામ મહાલની માહિતી મેળવવા અને તેની ખરાઈ કરવા સંજોગો સાથે સમાધાન નથી કર્યુ અને આવનારી પેઢીઓ ખોટી દોરાય નહિ તેનો ખ્યાલ રાખીને લોકોની મૌન હોઠોની વાણીને પ્રગટ કરવા અથાગ પ્રયાસો કરેલ છે. છતા ક્ષતિ જણાય તો દર ગુજર કરશો.-સૈયદ શરીફ ચશ્માવાલા-નેશનલ વેલ્ફેર ફાઉંડેશન,પાલનપુર ]

પાંચ સંતોની ભૂમિ પસવાદળ ગામ મધ્યકાળમા પદ્માવતી નગરી હોવાનુ કહેવાય છે. પદ્માવતી નગરી પછી સિધ્ધપુર વસેલુ તેમ કહેવાય છે. રૂદ્રમાળની ઉત્તર તરફ આવેલ દરવાજા પાસે પસવાદળની પોળ કહેવાય છે તે તેનો આધાર કહી શકાય. મૂળરાજસિંહ  સોલંકી એ રૂદ્રમાળના મુહુર્ત માટે વડગામ મહાલ ના કેટલાક ગામો ના બ્રાહ્મણો ને બોલાવેલા તેમા પદ્માવતી નગરી અને નાગરપુરાના બ્રાહમણો પણ હતા. તે બધા વખત જતા સિધ્ધપુર જઈ સ્થાઈ થયેલા. સિધ્ધપુરના નાગર બ્રાહ્મણોને વડગામ તાલુકા સાથે વડવાઈ નાતો કહેવાય છે.

પદ્માવતી નગરી હોવાના અનેક પુરાવા આજે પણ મળી આવે છે.અસલ પદ્માવતી નગરી હતી ત્યારે ગામ પશ્વિમ માં  હતુ. હાલ પસવાદળ નામે ઓળખાતુ ગામ પૂર્વ મા છે. ગામ લોકો ખેતીની જમીન લેવલ કરાવે છે ત્યારે અથવા અન્ય બાંધકામ  માટે પાયા ખોદતી વખતે ઇંટો, માટીની ગઢીઓ માટીના વાસણો ધાતુની થાળીઓની થપ્પીઓ મળી આવે છે. પરંતુ હાથ મા આવતી નથી વર્ષો જૂની ધાતુ નો આભાસ થાય છે,રાખ થઈ જાય છે એવુ અનેક ગામ ના વયોવૃદ્ધો  સાથે મુલાકાત માં  જાણવા મળેલ.

અમોને સૌથી વધારે આશ્રય તો ત્યારે થયુ જ્યારે એક શોખીન સંગ્રાહક પાસે સૂર્યવંશના સમયના ચાંદી ના સિકકા જેના ઉપર બોડીયા અક્ષરોને જેમ સંસ્કૃત  માં  લખાણ અને રામસીતાની સાથે હનુમાન ની પ્રતિમા સાથે સૂર્યવંશ  નું  પ્રતિક સ્પષ્ટ જોઈ શકાય તેવા સિકકા મળી આવ્યા.

સૂર્યવંશ  સિક્કાની સાથે અકબર બાદશાહ ના શાસનકાળના ચાંદી ના સિક્કા પણ મળી આવ્યા હતા તેની તસ્વીરો વડગામ ગાઈડ પુસ્તક માં  મુકવામા આવી છે. સુપ્રસિધ્ધ વિરપાનાથ દાદાના  મંદિર નો પ્રવેશ પૂર્વ તરફ છે , મંદિર  ની પશ્વિમે  તળાવ છે. તળાવની અંદર  એક પૌરાણિક કુવો મળી આવેલ છે. તળાવની ઉત્તરે એક પંચાલભાઈના ખેતર મા પણ આવો એક કુવો ખોદકામ દરમિયાન મળી આવેલ. આ બધા અવશેષો પદ્માવતી નગરી હોવાના અનુમાનને સમર્થન આપે છે.

સમગ્ર ભારતના ગૌતમ ગોત્રિય ઔદિચ્ય બ્રાહ્મણોની કુળદેવી શકટામ્બીકા (સંકટ સત અમ્બિકા) માતાનુ મંદિર પસવાદળ માં આવેલ છે. લોકો દૂર દૂર થી આ પવિત્ર દેવી ના દર્શન માટે અહિ આવે છે, એમ કહેવાય છે કે, બ્રાહમણોની આ કુળદેવી માતાને ઉજ્જૈન થી લાવતા હતા તે ગાડા નું પૈડુ અહિ તૂટી ગયેલ અનેક પ્રયાસો કરવા છતા સંકટ દૂર નહિ થતા આદેશ અનુસાર અહિ મંદિર ની સ્થાપના કરાઈ હોવાનુ કહેવાય છે.

પાંચ સંતોની આ ભૂમિ પસવાદળ ગામનો નાતો પદ્માવતી નગરી સાથે તેની સાથે રાજસ્થાનથી આવેલ રાઠોડ જાગીરદારોનો સીધો સબંધ હોવાનુ કહેવાય છે. પેસવા ઉપરથી પસવા અને દળ એટલે કાફલો આમ પેસવાદળ ઉપરથી પસવાદળ નામ પડી ગયા નું પણ કહેવાય છે.પણ તેનો પાકો આધાર નથી.

પસવાદળ ગામની દક્ષિણે પાતાળેશ્વર મહાદેવ,વિરેશ્વર મહાદેવ,ગણપતિ મહારાજ નુ મંદિર આવેલ છે. ઓલીયા મીરાદાતાર નું સ્થાન દક્ષિણ-પૂર્વ માં છે,સિધ્ધેશ્વરી શક્તિપીઠ,ચામુંડા મંદિર,રામજી મંદિર ગામ થી પૂર્વે છે. પસવાદળના લક્ષ્મીપરામાં ગુરૂ દત્તાત્રૈય નું મંદિર તેમજ પીપળ નું ઝાડ ટેકરી પર આવેલ છે, જેના સાત-આઠ કિ.મી દૂરથી દર્શન કરી શકાય છે. તેની નજીક બાલાસર તળાવ આવેલ છે,જ્યા સિગોંડા પુષ્કળ થાય છે.

આ ગામ મા નવરાત્રીના નવમા દિવસે ભવાઈ થાય છે તેમા નાયકો ને રૂ. ૧-૨૫ ઘુઘરા બાંધવા ના તથા દશેરા ના દિવસે રૂ. ૧-૨૫ મુસ્લીમ બિરાદરો આપે છે. એકતાના પ્રતિકરૂપેની આ પ્રથા મધ્યકાળ થી ચાલી આવે છે.

પસવદળ પાસે આવેલ કોટડી રાજ્પુર મઠ ની શાખા હતી. સિધ્ધ્પુરના બાર ગામ આ મઠની શાખા સાથે સંકળાયેલા હતા તેવુ કહેવાય છે. આજ થી એકસો સાત વર્ષ પહેલા મેતા તાલુકા માં આવેલ આ ગામ ની જનસંખ્યા માત્ર નવસો સત્તાવીસની હતી. આજે આ ગામ શિક્ષણ માં ,વહીવટ માં અને ધાર્મિક દ્રષ્ટિએ સદ્દભાવના નો નમુનો બની ગયેલ છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

(ફોટોગ્રાફ્સ:-રસિકભાઈ દવે)