આપણા તિર્થસ્થળો

વડગામમાં આવેલ પ્રાચિન અને ઐતિહાસિક બ્રહ્માણી માતાના સ્થાનકે શતચંડી યજ્ઞ યોજાયો.

વડગામમાં પ્રાચિન અને શ્રધ્ધાનું પ્રતિક સમું મા બ્રહ્માણીનું મદિર આવેલું છે. આશરે ૯૦૦ થી ૧૦૦૦ વર્ષો પહેલા આ મંદિર બનેલ હોવાનું માનવામાં આવે છે એ દ્રષ્ટિ એ તેનું ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે.એક સમયે આ મંદિરની જાહોજલાલી હતી નવરાત્રી ટાણે અહીં ગામના ગરબી મંડળ દ્વારા સુંદર ગરબીનું આયોજન થતું હતું જેને જોવો એક લ્હાવો હતો. તાલબધ્ધ રીતે અને નિયમોનુસાર રમાતી ગરબી આજે તો સ્વપન્ન બની ગઈ છે પણ માના મંદિર માં ગામલોકોની શ્રધ્ધા અકબંધ છે. એક માન્યતા મુજબ વડગામમાં આવેલ પ્રાચિન વાવના બાંધકામ સમયે જ આ મંદિરનું બાંધકામ થયેલ હોવાનું માનવામાં આવે છે. ચોક્કસ પુરાવાઓના અભાવે આ મંદિર કોણે બંધાવ્યું એ સ્પષ્ટ થઈ શકતુ નથી પણ મંદિરમાં બિરાજમાન મા બ્રહ્માણીના પરચા હાજરાહજુર છે તેવો અનુભવ શ્રદ્રાળુઓ વ્યકત કરી રહ્યા છે.

આજે પણ લગ્ન બાદ નવપરણીત દંપતી પોતાના મીંઢળ છોડવા માટે બ્રહ્માણી માતાજી મંદિરે જાય છે અને શ્રીફળ અને થાળી કરીને જ પોતાને ઘરે જાય છે.ગામમાં ઉજવાતા વિવિધ તહેવારો જેવા કે હોળી,નવરાત્રી,દિવાળી જેવા પ્રસંગોએ ગ્રામજનો અવશ્ય બ્રહ્માણી માતાના મંદિરે અચૂક દર્શને જાય છે.

 (૬૦ વર્ષ અગાઉ આયોજીત શતચંડી યજ્ઞના બાજુના ઐતિહાસિક ફોટોગ્રાફ્સમાં પ્રથમ લાઈનમાં વચ્ચે સ્વ.ઇશ્વરભાઈ ભટ્ટ સાહેબ બિરાજમાન છે.પાછળની લાઈનમાં સ્વ. ઉજમાભાઈ શામળભાઈ ખસોર,તેમના ધર્મપત્નિ અને તેમના પુત્ર શ્રી હરીભાઈ ઉજ્માભાઈ ખસોર બેઠેલા દ્રશ્યમાન થાય છે.)

આશરે ૬૦ વર્ષો પહેલા આ મંદિરમા એટલે કે સવંત ૨૦૧૦ના આસો સુદ ૧ થી ૯ સુધી વડગામના રહેવાસી અને મા ના પરમ ઉપાસક એવા સ્વ. ઉજમાભાઈ શામળભાઈ ખસોરે નવ દિવસ નવરાત્રીમાં આસો સુદ ૧૪ ના રોજ નવચંડી યજ્ઞ  કરાવ્યો હતો. આ નવ દિવસ દરમિયાન તેઓ શ્રી દ્વારા નવ નોરતા કરવામાં આવ્યા હતા અને દૂર દૂર થી લોકો બ્રહ્માણી મા ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ત્યારે એક મેળા જેવું દ્રશ્ય ઉભું થયું હતુ.

આ જે ૬૦ વર્ષોના વહાણા વહી ગયા બાદ ફરીથી ગામ લોકોને આવા જ એક શતચંડી યજ્ઞનું આયોજન કરવાનો શુભ વિચાર આવ્યો હતો અને તા.૨૧.૦૪.૨૦૧૩ થી ૨૩.૦૪.૨૦૧૩ દરમિયાન સમગ્ર વડગામના લોકો દ્વારા વિચાર અમલમાં મુકવામાં આવ્યો.

જોગાનુજોગ ૬૦ વર્ષ પહેલા વડગામ બ્ર્હમાણી માતાજીના મંદિરે શતચંડી યજ્ઞ  કરાવનાર સ્વ. ઉજમાભાઈ શામળભાઈ ખસોર ના પુત્ર શ્રી હરીભાઈ ઉજ્માભાઈ ખસોર પરિવારે આ વખતે પણ આ યજ્ઞના મુખ્ય દાતા બની રૂ. ૫૧૦૦૦/- નું દાન આપી પોતાની માતાજીમાં શ્રધ્ધા અકબંધ રાખી હતી. આ ઉપરાંત ગામ લોકો દ્વારા ૧૦૦૧ થી માંડીને ૩૧,૦૦૦ સુધીનું દાન આ યજ્ઞ માટે આપી પોતાનું યોગદાન આપ્યુ હતું.

તા.૨૧.૦૪.૨૦૧૩ના શુભ દિને રાધા-કૃષ્ણ  મંદિર માંથી બ્રહ્માણી માતા મંદિર સુધી જળયાત્રા નિકાળ્યા બાદ બ્રહ્માણી માતાજી મંદિરે હવનનો શુભાંરભ કરવામાં આવ્યો.ગામના ૨૫ દપંત્તિઓને હવનમાં બેસવાનો શુભ અવસર પ્રાપ્ત થયો હતો. તા.૨૩.૦૪.૨૦૧૩ના રોજ સમગ્ર ગામ માંથી દરેક જ્ઞ્યાતિ  ના લોકોને આ પવિત્ર જગ્યાએ એક સાથે પ્રેમથી હળતા મળતા જોઈ, સાથે પ્રસાદ લેતા જોઈને આ યજ્ઞની સાર્થક્તા સિધ્ધ થતી હોય તેમ લાગતું હતુ. આ ઉપરાંત ગામના તમામ અગ્રણીઓ અને યુવાનોની અથાક મહેનત થકી સમગ્ર આયોજન સફળતા પૂર્વક સપંન્ન થયું હતુ.

શતચંડી યજ્ઞ  એટલે દસ નવચંડી યજ્ઞ  બરાબર એક યજ્ઞ  થાય. આ યજ્ઞ  થી પાપદોષનું નિવારણ, સત્કર્મ ની પ્રાપ્તિ અને સર્વ મનોકામના સિધ્ધ થાય છે. મા બ્રહ્માણી એ મા જગદંબાના અનેક સ્વરૂપોમાનું એક સ્વરૂપ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ માટે, જીવનના સર્વ પ્રકારના સુખ અને સપંત્તિ માટે અને જ્ઞાન  સદબુધ્ધિ અને સદવાણી માટે આ યજ્ઞનું વિશેષ મહત્વ છે. શતચંડી એટલે માં જગદંબાની આરાધના.

વિશાળ પટાંગણમાં આવેલ આ મંદિરનો વહિવટ ગામના લોકોના બનેલા ટ્રસ્ટ દ્વાર કરવામાં આવે છે.વડગામ તાલુકામાં આવેલા અન્ય ધાર્મિક તિર્થ-સ્થળોની જેમ બ્રહ્માણી માતાના પ્રાચિન અને ઐતિહાસિક મંદિરનો પણ તિર્થ-સ્થાન તરીકે વિકાસ થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

યજ્ઞના વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લીક કરો.

નિતિન પટેલ (વડગામ)