આપણા તિર્થસ્થળો, શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર – ભાગ- ૩

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય ન હોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. આ અગાઉ  શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના ભાગ-૧, ભાગ-૨ આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યા છે. પુસ્તકમાંથી આ ત્રીજો ભાગ છે .  – નિતિન ]

 

આવા સાહસિક કુનેહબાજ વેપારીઓમાં શેઠ ધર્મપ્રિયનું નામ જૈન શ્રેષ્ઠી તરીકે ગુંજતું હતું. વીશા ઓશવાળ જ્ઞાતિના શેઠ ધર્મપ્રિય મૂળ રાજસ્થાનમાં આવેલા પાલી નગરના રહેવાસી હતા. અન્ય વેપારીઓની જેમ તેઓ પણ વેપાર અર્થે અવંતીમાં આવી વસ્યા હતા. અપાર સંપત્તિ, દોમ દોમ સાહ્યબી તથા પુષ્કળ નામના ધરાવતા શેઠ ધર્મપ્રિયનું ભારે વર્ચસ્વ હતું. કરુણા, વિનય, વિવેક તથા સરળતાના શેઠ સ્વામી હતા. ભૌતિક સંપત્તિ તથા અપાર કીર્તિ ધરાવતા ધર્મપ્રિય શેઠ યથા નામ તથા ગુણ પ્રમાણે જૈન ધર્મના પાકા અનુયાયી હતા. ધર્મરાગી શેઠે પોતાના વિશાળ સમૃધ્ધ ભુવનમાં ગૃહમંદિર પણ બનાવ્યું હતું. પ્રભાતના ઓસબિંદુ જેવી ક્ષણભંગુરતા ધરાવતા જીવનથી સભાન હોવાથી શેઠ દેવપૂજા, ધર્મધ્યાન, આરાધના ઉપાસના તથા ગુરુભક્તિ કરીને આ લોકની સાથે સાથે પરાલોકની મૂડી પણ ગાંઠે કરતા હતા.

ગૃહશાંતિ માત્ર મંત્રોચાર સહિત હોમહવન કરવાથી જ પ્રાપ્ત થતી નથી. જેના ઘરમાં આજ્ઞાંકિત વિવેકી સંસ્કારી, સુશીલ, સેવાભાવી અને ધાર્મિક અર્ધાંગિની જીવનસાથી હોય તેના ધરમાં શાંતિ કાયમી નિવાસ કરે છે. અને ત્યાં લક્ષ્મીદેવી પણ અનાયાસે અવિરત કૃપા વરસાવતા રહે છે. જ્યાં સુલક્ષણા સ્ત્રી વસે છે, ત્યાં સુખ, શાંતિ અને આનંદની અહર્નિશ વર્ષા થતી રહે છે.

ધર્મપ્રિય શેઠ ભાગ્યશાળી હતા. પૂર્વભવના સંચિત પુણ્યકર્મોના પ્રતાપે તેમને ધર્મનિષ્ટ, સુંદર, સંસ્કારી ને શીલવાન પત્નિ પ્રાપ્ત થઈ હતી. શેઠાણીનું નામ હતું જિનપ્રિયા, નિરભિમાની, સંવેદનશીલ, દૂરંદેશીને મિતભાષી જિનપ્રિયાને જૈન ધર્મ પ્રત્યે અપાર અનુરાગ હતો. ધર્મ આરાધના તેના જીવનનો પ્રાણ હતી. પ્રત્યેક ધર્મકાર્યમાં પતિ પત્ની સદાય તત્પર રહેતાં હતાં. આનંદપ્રમોદ સાથે ધર્મ ધ્યાન કરતાં શેઠ-શેઠાણી સુખરૂપ જીવન ગુજારતાં હતાં. સંસારમાં ઇર્ષા જન્માવે તેવી અદ્વિતીય એ સારસ બેલડી હતી.

દિવસો મહિના અને વર્ષો વીતતાં પૂર્વ જન્મનાં પુણ્ય કર્મોનો ઉદય થતાં વિ.સં.૧૫૪૧ ના મહાસુદપાંચમ-વસંતપંચમીના શુભ દિવસે, શુભ ઘડી પળ અને મુહૂર્તમાં શેઠ શેઠાણીની જીવનવાટિકામાં ઉલ્લાસપૂર્ણ વસંતના પગરણ થયા હોય તેમ સુંદર સુકોમળ પુષ્પ સમાન એક શિશુનું આગમન થયું. અવતરિત થયેલો આત્મા અસામાન્ય કોટીનો હતો. ગીતામાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું છે, કે ઉન્નત કોટીનો આત્મા હમેંશા ધર્મપરાયણ, શ્રીમંત, સુખી, સંસ્કારીને સંતોષી પરિવારમાં જ દેહ ધારણ કરે છે. આ વાત નવઅવતરિત શિશુના આત્માને પણ જાણે લાગુ પડતી હોય તેવું અદ્દભુત તેનું રૂપ હતું.

વર્ષોની પ્રતીક્ષા પછી ઘરે પારણું બંધાયું હતું. શેઠ શેઠાણીના આનંદની કોઈ સીમા ન રહી. બાળકના જન્મ નિમિત્તે ભવ્ય મહોત્સવ યોજાયો. ગરીબોને અન્ન તથા વસ્ત્રનાં દાન અપાયાં, પક્ષીઓને ચણ નખાયું અને પશુઓને ઘાસ નિરાયું. નવજાત શિશુને સૌએ શુભાશિષને શુભકામના પાઠવી.

સમયાંતરે બાળક્નું નામ માણેક પાડવામાં આવ્યું. સુંદર શશી સમાન ગોળ મુખડું…કાળા ભમ્મર વાંકડિયા કેશ, વિશાળ આકર્ષક નેત્ર, નાજુક ગુલાબી ઓષ્ઠ તથા સપ્રમાણ અવયવો ધરાવતું બાળક અદ્દભુત રૂપ ને અપાર ક્રાંતિ ધરાવતું હતું. સૌના લાડકોડ સ્નેહ તથા સંભાળ પામતું બાળક ઉછરવા લાગ્યું. શિશુવસ્થા પૂર્ણ કરી માણેક શુક્લ પક્ષના ચંન્દ્રમાની જેમ વિકસવા લાગ્યો. રત્ન સમાન તેજસ્વી માણેકના રંગરૂપ, સૌંદર્ય તથા ગુણોમાં નિખાર આવવા લાગ્યો. પરિવારના ધાર્મિક સંસ્કારો પામતો માણેક મોટો થવા લાગ્યો. ધર્મપ્રિય શેઠનો પરિવાર સુખ સાગરમાં હિલોળા લેતો હતો.

‘ચક્રવત પરિવર્તન્તે સુખાનિ ચ દુ:ખાનિ ચ…’ સંસારમા સુખ:દુખનું ચક્ર ચાલ્યા જ કરે છે.

રાત પછી દિવસ, તડકા પછી છાંયડો, આનંદ પછી શોક જગતનો અચળ ક્રમ છે. કાળના ગર્ભમાં શું છુપાયું છે, તે તો મહા સમર્થ રાજા રામ પણ જાણી શક્યા નહોતા! એટલે જ કહેવાય છે- “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?” બાલ્યાવસ્થામાં નચિંત ભાવે ક્રીડા કરતા બેફિકર બાળક માણેકના માથે એક દિવસ આભ તૂટી પડ્યું. તેની છત્રછાયા છિનવાએ ગઈ. શાંત સુખી સંસાર સાગરમાં કાળનું પ્રચંડ વાવાઝોડું ફૂકાતાં માણેકની જીવન નૌકાનો આધારસ્થંભ ધારાશયી થઈ ગયો. શેઠ ધર્મપ્રિય દેવલોક પામ્યા. તેજસ્વી સૂર્ય સમાન ચમકતા માણેકના જીવનમાં વિષાદના વાદળ ઘેરાયાં. તેનું ભાવિ નિસ્તેજ થઈ ગયું. અકાળે જ અકલ્પનીય રીતે જિનપ્રિયાનું સૌભાગ્ય નંદવાતાં તે દુ:ખના દરિયામાં ડૂબી ગઈ. શેઠાણીનું જીવન નિષ્પ્રાણ પાનખર જેવું થઈ ગયું.

ધર્મપ્રિય શેઠનો માળો પીંખાઈ ગયો. સુખી પરિવાર પર શોક, સંતાપ, ગ્લાનિ ને વિષાદની કાલિમાનું સામ્રાજય છવાઈ ગયું. આઘાત અને પીડાથી જિનપ્રિયા કિંકર્તવ્યમૂઢ થઈ ગઈ. દિવસો વીતતા ધર્મનિષ્ટ, ધૈર્યશીલ જિનપ્રિયાની વિવેકબુધ્ધિ જાગૃત થતાં તેની કર્તવ્ય ભાવના સચેત થઈ. જિનપ્રિયાને ગુરુ ભગવંતોની બોધપ્રદ વાતો યાદ આવી….

“નામ તેનો નાશ છે જ. પ્રાણી માત્ર માટે મૃત્યુ અફર છે. સુનિશ્ચિત છે. પરંતુ જીવન એક સત્ય અને વાસ્તવિક્તા છે….જગતમાં પરમાત્મ-ભક્તિ જ શ્રેષ્ઠ છે…..મૃતાત્મા પાછળ શોક મનાવવાથી, આસું સારવાથી તે કદાપિ પાછા ફરતા નથી….મૃત્યુ સનાતન સત્ય છે….જીવનમાં ભાવનાઓથી અધિક મહત્વપૂર્ણ કર્તવ્યનિષ્ઠા છે…. “જિનપ્રિયાનું મન શાંત થવા લાગ્યું. સ્વસ્થ ચિત્તે વિચાર કરતી જિનપ્રિયા પુત્ર માણેકના જીવન ઘડતર તથા પતિના વેપારની જવાબદારી સંભાળવા સજ્જ થઈ ગઈ.  [ક્રમશ:]