આપણા તિર્થસ્થળો

મોકેશ્વર ડેમ ના પશ્વિમ-દક્ષિણ વિસ્તાર તરફ એક નજર – નિતિન પટેલ

તા.૧૬.૧૧.૨૦૧૪ ને રવિવાર.

મોકેશ્વર ડેમ – તા.વડગામ

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું અતિપ્રાચિન તિર્થ સ્થળ મુક્તેશ્વર કહો કે મોકેશ્વર કે પછી મોક્ષેશ્વર એ કુદરતના ખૂબસુરત નયનરમ્ય વાતાવરણ વચ્ચે નીરવ શાંતિનો અહેસાસ કરાવતુ સિધ્ધ સ્થળ તરીકે સુવિખ્યાત છે. ચોપાસ ફેલાયેલા ભેદી ખડકો અને અનેક પ્રકારના વ્રુક્ષો ઝાડીઓના જંગલ વચ્ચે વિસ્તરેલો સમગ્ર વિસ્તાર ઐતિહાસિક ધરોહરને પોતાની આગોશમાં સમાવીને બેઠેલો દ્રષ્ટિગોચર થાય છે. વડગામ તાલુકાના મોકેશ્વરમાથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદીના પટમાં ધાર્મિક ક્રિયાકાંડોને લઈને ગંદગીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. ધાર્મિક ક્રિયાકાંડોને લઈને માત્ર પોતાના સ્વાર્થ સિધ્ધ કરવા મથતી પ્રજાની નજરે સ્વચ્છતાનું કોઈ જ મૂલ્ય ન હોય તેમ જણાઈ રહ્યું છે. હમણા તો મોકેશ્વર ડેમના બધા જ દરવાજા સંપૂર્ણ બંધ છે જેને લઈને નદીમાં પાણીનો પ્રવાહ વહેતો નથી. માત્ર ધાર્મિક વિધીઓ કરીને સંતોષ માનતી પ્રજા સૂક્કી ભઠ્ઠ સરસ્વતી નદીમાં ધાર્મિક વિધીઓ થકી ફેલાયેલી ગંદકીને નજર અંદાજ કરીને ક્રિયાકાંડોમાં મશગૂલ છે. ધાર્મિક વિધીઓમાં સ્વચ્છતાના મૂલ્યને વણી લેવાની તાતી જરૂર જણાઈ રહી છે અન્યથા ભવિષ્યમા આ રમણિય સ્થળ ભૂતકાળ બની જશે.

મોકેશ્વર ડેમ – તા. વડગામ

વિધી વિધાનો થકી રૂપિયાને પાણીની જેમ વાપરતા શ્રધાળુઓ અને જીવન નિર્વાહ માટે આમથી તેમ મથ્યા વગર કંઈક મળવાની આશાએ આમથી તેમ ભટકતા કમનશીબ માનવદેહો. મનમાં પ્રશ્ન થયો કે આજના યુગમાં જ્યારે મજૂરી આટલી બધી મોંઘી બની છે તો તેનો ફાયદો આ લોકો કેમ નહી ઊઠાવતા હોય ? મંદિરથી નદી જવાના માર્ગે બન્ને બાજુ પાથરણા પાથરેલા જોયા. જાણવા મળ્યું કે શ્રધાળુઓ દ્વારા આ પાથરણા ઉપર દાણા નાખવામાં આવે છે જે સાંજે જે તે પાથરણા વાળા આવીને લઈ જાય છે. મોકેશ્વર ડેમથી થોડેક જ દૂર પાંડવા જતા માર્ગ ઉપર સર્પકાર કમનીય વળાંકોવાળા રોડને અડીને આવેલા વિશાળ અને વિવિધ આકારના વિશાળકાય પથ્થરોના સમૂહની શૃંખલાઓ અને તેમા ઊગેલા અનેક પ્રકારના અપરિચિત ઝાડી-ઝાંખરા ભૈદી મૌન ધારણ કરીને કોઇ તપસ્વીની અદામાં વર્ષોથી સાધના કરતા હોય તેમ લાગે છે આજ સ્થળે વિરમહારાજનુ નાની એવી દેરી છે. સપૂર્ણ નીરવ શાંતિ અને કુદરતી સૌન્દર્યની વચ્ચે સ્થિત આ દેરીની જગ્યા ઉપર અલૌકિક અનુભૂતિ થાય છે. મંદિર ઉપર સફેદ ધજાઓ અને શ્રીફળોના તોરણો વચ્ચે અખંડ જ્યોત જલતી હતી સાથે સાથે મંદિરમાં વિરમહારાજની સાથે સાથે વહાણવટી માતાની પણ તસ્વીર હતી જે કોઈ ઇતિહાસસૂચક હશે.

મોકેશ્વર ડેમ ઉપરથી પસાર થતા વાહનોની સંખ્યા વધી છે. સતત પસાર થતા વિવિધ વાહનો નીરવ શાંતિ વચ્ચે કુદરતનું તાલબધ્ધ સંગીત સાંભળાવામાં વિઘ્નરૂપ બની રહ્યા છે.

પાંડવોની કુળદેવી ચામુંડા માતાજીનું મદિર – મોકેશ્વર

ડેમની પશ્વિમ દિશામાં ડેમની અડોઅડ સરસ્વતી નદીના તટમાં પાંડવોના કુળદેવી ચામુંડા માતાજીનું અતિ પ્રાચિન મંદિર ગુફાની અંદર આવેલું છે તેની બાજુમાં જ નવીન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂજ્ય વાસુદેવગીરીના કરકમળો થકી કરવામાં આવી. આ ઉપરાંત આ જગ્યાએ શંકર ભગવાનનું મંદિર, સાધુ-મહાત્માઓનું રહેઠાણ છે. ત્યાં એક મહાત્મા સાથે પરિચય થયો. પોતે ખખડીને કહેતા હતા કે બેટા કેન્સરથી માંડીને કોઇ પણ રોગનો ઇલાજ મારી પાસે છે. જાણવા મળ્યું કે પોતે આર્યુવેદિક ડૉક્ટર છે અને અનેક લોકોના હઠિલા રોગો સાજા કર્યા છે તેમના રહેઠાણની અંદર મુલાકાત લેતા અનેક પ્રકારની વિવિધ જાતની દવાઓનો ભંડાર જોવા મળ્યો. લગભગ અડધો કલાક સુધી મહાત્મા અમને વિવિધ દવાઓ વિશે સમજાવતા રહ્યા અને અમે અનેક શંકાકુશંકાઓ વચ્ચે તેમને સાંભળતા રહ્યા. ભગવાન જાણે એમાં કેટલું તથ્ય હશે તે ? આ જગ્યાએ નવીન ધર્મશાળાના બાંધકામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત દાતાઓના દાન થકી પીવાના શુધ્ધ પાણીની ટાંકી તેમજ પંખી માટે ચણઘર નિર્માણ પામ્યું છે.

મોકેશ્વર ડેમ – તા. વડગામ

લહેરાતા ડેમની પસીતે ટોપલીમાં વેચાતા વનફળ એવા બોરડીના ખટ મધુરા મીઠા બોર અને શેકેલા હળદરી ચણા ખાવાની લહેજત આવી ગઈ. રાયણના પ્રાચિન વૃક્ષની પાસમાં ચા ની લારી અને ગલ્લો છે ત્યાં ભેગા થતા અપરિચિત શ્રધાળુઓ અને સ્થાનિકો વચ્ચે થતી અલક-મલકની રસપ્રદ વાતો ચાની ચૂસકી સંગ સાંભળવાનો લ્હાવો ગજબનો હતો. બિન્દાસ રીતે કોઈ પણ શેહશરમ વગર ફરતા વાંદરાઓના સમૂહનું પ્રમાણ ઠીક ઠીક છે માટે થોડી સાવધાની રાખવી જરૂરી હતી. ડેમના પુલ ઉપરથી પસાર થતાં રોડથી યુ ટર્ન લઈને આ જગ્યાએ આવવા માટે નવિન રસ્તો બની રહ્યો હોય એમ લાગતુ હતુ જો કે અકસ્માતની સંભાવના વાળો આ રોડ છે જો ખબર ના રાખવામાં આવે તો ફંગોળાવાની પુરી તૈયારી રાખવી.ઐતિહાસિક સાક્ષી સમુ રાયણનુ ઘટાદાર વૃક્ષ અને બિલીનુ ઝાડ આ જગ્યાને શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યા છે.

ખેરાલુ તાલુકાના ચિમનાબાઇ તળાવમાં મોકેશ્વર ડેમ માંથી નહેરો વાટે સિંચાઈ માટે અપાતા પાણી ની વિગતો દર્શાવતુ બોર્ડ મળ્યુ પણ ઘસાઈ ગયુ હોવાથી અક્ષરો ઉકલી ન શકવાથી વિગતો વાંચી શકાઈ નહી…આજુ બાજુ આ સિંચાઈ યોજના વિશે જાણવા કોઈ માહિતી હોય તો ખોળી પણ હરી હરી…

મોકેશ્વર ડેમ -તા. વડગામ

આધ્યાતિમક અનુભૂતિ કરાવતો ડેમથી દક્ષિણ-પશ્વિમનો સમગ્ર વિસ્તાર લહેરાતા ડેમના પાણી ,ડેમ ઉપરની ફ્રેશ નીરોગી હવા, ગગનમાં અને જળમાં ઘૂમરીઓ ખાતા પક્ષીઓ, ખડકોની હારમાળા, દેવસ્થાનો, કુદરતી તાલબધ્ધ સંગીતને લીધે અલૌકિક ભાસી રહ્યો હતો.મોકેશ્વર તિર્થના પશ્વિમ તટના આ વિકાસ પામી રહેલા સમગ્ર વિસ્તારનુ સંચાલન હાલ તો કોઈ ટ્રસ્ટ નહિ પણ ત્યાં ઉપસ્થિત સાધુ મહાત્મા કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું. આ તો થઈ મોકેશ્વરના ડેમના પશ્વિમ તટના વિકાસ પામી રહેલા સ્થળ તેમજ દક્ષિણ દિશાની મુલાકાતની વાત મોકેશ્વરના ઉત્તર-પૂર્વ દિશા તરફ ના હાલચાલ વિશે ફરી કોઈક વખત સમયે મળે ……?

મોકેશ્વર ડેમ – વડગામ

વડગામ તાલુકાના આ પ્રાક્રુતિક તેમજ ઐતિહાસિક સ્થળની એકવાર નહી પણ વારંવાર મુલાકાત લેવાનું મન થાય તેવી આ જગ્યા છે . ગુજરાત સરકારે આ જગ્યાને પર્યટન સ્થળ તરીકે જાહેર કરી જોઇતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તાત્કાલિક ધોરણે પગલા ભરવા આવશ્યક છે જેથી કરીને કુદરતી સંપતિની સાથે સાથે ઐતિહાસિક ધરોહરની પણ જાણવી થઈ શકે સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આ જગ્યાની મુલાકાત લેવાને આકર્ષી શકાય.

– નિતિન પટેલ (વડગામ)