વ્યક્તિ-વિશેષ

આજીવન સેવાના ભેખધારી સ્વાતંત્રયવીર શ્રી સ્વ.કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક કવિશ્રી આનંદી

[મૂળ વડગામ તાલુકાના વડગામ ગામનાં પનોતા પુત્ર સ્વ.કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક જેમણે આજીવન સેવાનો ભેખ ધરી પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ અને વડગામને એક સાચા સ્સ્વાતંત્રયવીર તરીકે ગૌરવ બક્ષ્યું છે.તેમના વિશે નો પ્રસ્તુત લેખ કવિ દયાશંકર ક.નાયક દ્વારા લખવામાં આવેલ છે,જે તા.૨૭.૧૦.૨૦૧૨ના બનાસવારિ સાપ્તાહિક માં પ્રસિધ્ધ થયો હતો.]

 

હમ લાયે હૈ તુફાન સે,કિસ્તી નિકાલ કે,યે દેશકો રખના,મેરે બચ્ચો સંભાલ કે ઘસમસતા ધાંધારની ધીંગી ધરા માથે કોઈ ચઢી કન્યાના લાવણ્ય સમુર્પા ફાટી રીયું છે.કોઈ અડભંગ જોગીના મોએ શોભતી ચલમમાંથી વેંત વેંતની ઉડતી જ્યોત સમા ઉગતા અરુણકિરણો આખી ભોમકા માથે પથ-રાઈરીયાં છે.ચોમેર વનરાયું.માંયલી કોર વિહંગોના લાલિત્ય સાથે કેસુંડાની અનેરી કેસરી શોભા જાણે કે વૃક્ષ આખુંય સોનાનું ન હોય.એવે ટાણે પ્રચંડ પુરૂષાર્થ ભર્યા પાલનપુરના ખોડા લીમડા ચોક માથે બે ત્રણ તંબુઓ નાખીને પડેલ અંગ્રેજ અફસર મેજર એકવીનો રાવઠીમાં બેઠો બેઠો ઘડી ઘડી સામેના મેજ પર પડેલા તમંચા પર હાથ નાખતો આવેલા કેદીઓ સામે ત્રાડ્યું નાખી રહ્યો છે.એની ક્રોધભરી માંજરી આખ્યું માંથી કામના અંગારા ઝરે છે.આખા રતુમડા મોંમાથે કાળઝાળ કામના શેરડા તણાયા છે. સને ૧૯૪૨ની હિંદ છોડો ચળવળ ટાણે આખા ઉત્તર ગુજરાતને પોતાના શાહી સત્તાના દમામના જોરે કડે કરી રહેલ છે.

આ અંગ્રેજ અમલદાર સામે ઉભેલા આ ગુજરાતી ગુનેગારના ઉડાઉ જવાબોથી એ અફસર અકળાઈ ગયેલ છે.એ ગુનેગાર બીજા કોઈ નહિ પણ વડગામના વતની સ્વ.કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક ‘કવિ આનંદી’ પોતેજ આ અફસરની આગળ પડેલા મોટા ટેબલ માથે જોરદાર હાથનો પંજો પછાડતો ફરીવાર સાર્જન્ટ બોલ્યો તુમારા નામ ક્યા હૈ ? કવિ કાળીદાસ ‘આનંદી’ નામ છે.કાળીદાસ અકડાઈથી બોલ્યા અચ્છા એમ કહે તો પંડની માંજરી આંખોના પણ હીરા થંભાવી ફરીવાર સત્તાવાહી અવાજે ગર્જ્યા અને પૂછ્યું. ઠીક હૈ ‘અચ્છા કલ શામકો સારે યે પાલનપુરમે મશાલ સરઘસ તુમ લોકોને નિકાલકે સારી યે જનતા કો બહેકાઈ હૈ.ઇસકા જવાબ ક્યા હૈ’ સાર્જન્ટે ફરીવાર ક્રોધથી ધમ ધમી જઈ પૂછ્યું. બડે સા’બ બે અદબી કે લીયે ક્ષમા ચાહતા હું મગર સા’બ આપકી જન્મભૂમિ,આપકા દેશ કોઈ પરદેશી સત્તા મે ગુલામ હોવે,ઉસ સમય અપને દેશ કી ગુલામીકી જંજીરો તોડને કે લીયે આપ નામદારભી ઐસા નહિ કરતે’ સિંહની છટાથી આ કાળીદાસ કવિએ જવાબ આપ્યો. અરે સુબેદાર ! યે ઇન્સાન બહુત કુછ ચબરાક ઔર નીડરસા માલુમ હોતા હે અચ્છા લે જાઓ ઉનકો યહાંકી ડીસ્ટ્રીક જેલમે,સાર્જન્ટે હુકમ કર્યો.

જેવો તે સાર્જન્ટે હુકમ કર્યો ત્યાં તો મહેસાણાથી સુબેના રાણે સાહેબનો ફોન અને વાયરલેસ આવ્યો કે,મીસ્ટર સાર્જન્ટ એ કવિનો અને સુબેદાર તથા તમામ સ્ટાફ સાથે તાબડતોડ મહેસાણા આવી પહોંચો.ત્યાંના છ રાજદ્વારી કેદીઓને છોડી મૂકશો.અહીં મામલો બિચક્યો છે.ખુદ મહેસાણામાં મારામારી તથા સિધ્ધપુરમાં પણ સળગ્યુ છે.વિસનગર,વડનગર અને ખેરાલુમાં ખતરનાક તોફાનો છે.બેકાબુ ટોળાઓએ જ્યાં ત્યાં બધી રેલ્વેઓના પાટા ઉખેડી ફેંકી દીધા છે.આ જાણીને સાર્જન્ટ ચાર છ કેદીઓને છોડી મૂકી,આ સાર્જન્ટ એક્વીનો પોતાની પોલીસ ટૂકડી સાથે મહેસાણા તરફ પલાયન થયો. આવી કટોકટીને સમયે પણ હિંમતપૂર્વક અને અકડાઈથી સાર્જન્ટ એકવીનોને જડબાતોડ જવાબ આપનાર આ કવિ કાળીદાસ લક્ષ્મીચંદ ‘આનંદી’ પોતે જ હતા.અગાઉ તેઓ બાર વર્ષની ઉંમરે મુંબઈ ગુજરાતી નાટકમાં જોડાયા અને લોકમાન્ય તિલકના અવસાનથી તેમના અંતરે ઉંડો ઘા પડ્યો અને દેશદાઝ જાગી.કવિ રાધેશ્યામ અને મૂળશંકર મુલાણીના સાનિધ્યથી પિંગળનો ઉંડો અભ્યાસ કર્યો. ગાંધીજીની ચળવળ દરમિયાન વર્ધામાં તેમની કાવ્યકૃતિઓ જનજાગૃતિ સાહિત્ય તરીકે બહાર પડી અને તેમના આવા કાવ્યો સાંભળી ગાંધીજીએ તેમને ‘કવિ આનંદી’ નું બિરૂદ આપ્યું આવી પ્રવ્રુતિથી નાટક કંપનીની અનિયમિતતાના કારણે તેમને છુટા કરવામાં આવ્યા એથી ન ગભરાતાં તેમને છાપાં વેચીને તથા આ પ્રકારની દેશદાઝ ની કવિતાઓ દ્વારા હિંમતથી ગુજરાન ચાલુ કર્યું.

સને ૧૯૪૨ની આસપાસ શિરોહી રાજ્યમાં હાળી પ્રથા ચાલતી તે પણ કવિતાઓ દ્વારા બંધ કરાવેલ તેમને સીવેલા કપડા નહિ પહેરવાનું વ્રત લીધું.વિરોધીઓ એમને પેંડામાં ઝેર ભેળવીને તથા ઝાડોના ઝુંડોમાં સંતાઈ ગોળીબાર કરી મારી નાખવાના પ્રયાસ કર્યા,પણ ઇશ્વરક્રુપાએ તેમાંથી બચી ગયા.તેઓ માનતા કે “સેવા સેવા માટે છે.સેવા સત્તા માટે નહિ” સને ૧૯૭૨માં ભારત સરકાર વતી સ્વ.ઇન્દીરાબેન ગાંધીને હસ્તે સ્વાતંત્ર સંગ્રામના સ્મરણીય યોગદાન માટે એમને તામ્રપત્ર અર્પણ થયું.અગાઉ અભિનય માટે એમને અનેક ચંદ્રકો મળેલા.બાદ આકાશવાણી ઉપર તેઓએ પ્રોગ્રામ આપવા શરૂ કર્યા. છેવટે સને ૧૯૭૩ (તા.૩૦.૧૦.૭૩)ના રોજ પુરા ૬૮ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું.ધન્ય છે,એમની નિષ્ઠાને…જયહિંદ….

www.vadgam.com

ફોટો ગેલેરી / સ્વાતંત્ર્ય વીર કાળીદાસ ભોજક