વ્યક્તિ-વિશેષ

પ.પૂ.હિતરૂચિવિજયજી મહારાજ સાહેબ

ભારત કૃષિ  અને રૂષિ સંસ્કૃતિ  નો દેશ છે.પરિવ્રાજકોની પંરપરાનો હજ્જારો વર્ષનો ઇતિહાસ છે.જૈન શ્રમણ પરંપરા તેના તપ અને ત્યાગ માટે લોકહર્દય  મા આદરનું  સ્થાન ધરાવે છે.ચક્રવર્તીઓ,રાજવીઓ,નગરશેઠો,અમાત્યો,સેનાપતિઓ, બુદ્ધિમાનો,બાહુબલીઓ,સન્નારીઓએ શ્રમણ પરંપરા મા સમર્પિત થઈને જીવન ને દિપાવ્યુ છે.વડગામના પનોતા પુત્ર શ્રી અતુલકુમાર દલપતલાલ એટલે આજના જાણીતા જૈન મુનિરાજ શ્રી હિતરૂચિવિજયજી મહારાજ.તેમના થકી વડગામ ધન્ય બન્યુ…… તીર્થભૂમિ  બન્યુ.

વિશા ઓશવાલ જ્ઞ્યાતિ પરિવારના સ્વ. પ્રેમચંદ  ઇશ્વરલાલ શાહ ના ચાર પુત્રો એટલે શ્રી દલપતલાલ,શ્રી છોટાલાલ,શ્રી રમણિકલાલ અને શ્રી સેવંતીલાલ,વડગામ ના મહાજન મોભી શ્રી દલપતલાલ ના જયેષ્ટ પુત્ર શ્રી અતુલ શાહ નો જન્મ માતૃશ્રી  શાંતાબેન ની કુખે તા.૧૦.૦૮.૧૯૬૧ ના રોજ થયો.ગત જન્મ ની અધૂરી સાધના છોડીને આવ્યા હોય તેમ બાલ્યાવયથી જ તેમને ધર્મ માર્ગ મા ઉંડો રસ. વિનય,વિવેક,નમ્રતા જેવા ગુણો આંખે ઉડીને વળગે.તીવ્ર બુધ્ધિ અને તર્કશક્તિ તથા વ્યહવારિક અને ધાર્મિક અભ્યાસ મા અત્યંત તેજસ્વી.

ધોરણ -૧૨ સુધી પાલનપુરના વિવિધલક્ષી વિધ્યામંદિર  મા અભ્યાસ કર્યો.ઉમદા ધર્મ શિક્ષક શ્રી દલપતભાઈ સી.શાહ પાસે પાઠશાળા મા ધાર્મિક અભ્યાસ કર્યો,બી.કોમ (ઓનર્સ) સુધીનો અભ્યાસ પૂર્ણ કરી કાકા સાથે હિરા ના ધંધા  મા જોડાયા.

ધંધા માં  ઉંડી સૂઝ અને વ્હ્યહવાર કુશળતાના કારણે સફળ બની રહ્યા પણ તત્વજ્ઞ્યાન,પર્યાવરણ,સાહિત્ય અને પ્રાચિન સંસ્કૃતિ ના મુલ્યો માં  ઉંડો રસ ધરાવતો તેમનો અંતરાત્મા કઈંક જુદુ જ પોકારી રહ્યો હતો.

જાણે કે કોઈ દિવ્ય હેતુ માટે જ તેઓ સર્જાયા હતા.યુવાની ના ઉંબરે પર્દાપરણ  કરતા જ લગ્ન ના પ્રસ્તાવો આવવા લાગ્યા. જો કે સમગ્ર વિશ્વ ને પોતાનો પરિવાર બનાવવા ઇચ્છતું  તેમનું  હૈયુ વૈરાગ્ય ના રંગો થી રંગાવા લાગેલુ.તેમનો મનોભાવ એક પત્ર મા લખીને પોતાના કાકા સમક્ષ રજુ કર્યો. વિચાર વલોણાના અંતે પરિવારજનો એ સંયમ સ્વીકારની અનુમતિ આપી અને મોહની સામે વૈરાગ્ય નો વિજય થયો.

વીસમી સદીના અંત્યત પ્રભાવક જૈનાચાર્ય શ્રી વિજયરામચન્દ્રસુરિશ્વરજી મહારાજ નું  શિષ્યત્વ સ્વીકારી જૈન શ્રમણ બનવા તત્પર બનેલા અતુલ શાહના નિર્ણય પછી વીસમી સદીના અત્યંત પ્રભાવક દિક્ષા પ્રસંગ ની  તૈયારીઓના મંડાણ થયા. રૂપ, સમૃદ્ધિ  અને બુદ્ધિ થી છલકાતા નવયુવાનના સાધુ બનવાના નિર્ણયથી ચોમેર થી હર્ષ અને વિસ્મયના ઉદ્દગારો  સરી પડતા હતા.માતા શાંતાબેનના હૈયાનો હરખ સમાતો નહોતો,સૌ પરિવારજનો પોતાનુ શ્રેષ્ઠત્વ ખર્ચીને આ અવસર ને અનમોલ બનાવવા થંનગની રહ્યા હતા.માદરે વતન વડગામ ના અઢાર કોમ ના મુખે થી એક જ ઉદ્દગાર  સાંભળવા  મળતો ……અમારા ગામ ના અતુલ શેઠ દિક્ષા લે છે.

હીરા ઉદ્યોગ ના વેપારીઓ રોમાંચ અને આદર ની લાગણી અનુભવી રહ્યા હતા. વિક્રમ સવંત ૨૦૪૭ દ્વિતિય  વૈશાખ વદ-પાંચમ તારીખ ૨જી જુન ૧૯૯૧નો નિર્ધારિત દિક્ષા દિન જેમ જેમ નજીક આવતો થયો તેમ તેમ આ દિક્ષા અવસર માત્ર પરિવાર કે પોતાના સમાજનો ન બની રહેતા સમગ્ર જૈન સંઘ નો બની રહ્યો.
અનેક ગામ,નગરો,શહેરોમા અને વિદેશની ધરતી પર પણ મુમુક્ષુ અતુલકુમાર ની શોભાયાત્રા અને સન્માન સમારોહ ના સ્વયંભુ આયોજન થયા.શાસ્ત્રોના પાને વર્ણવાયેલા ભુતકાળના પ્રભાવક દિક્ષા અવસર ના ઇતિહાસનુ જાણે કે પુંનરાવર્તન થઈ રહ્યુ ન હોય ! અમદાવાદ ના સરદાર પટેલ સ્ટેડીયમમા હજજારો ની મેદની વચ્ચે રમાયેલ ક્રિકેટ મેચો વિશે ઘણાને જાણ હતી પરંતુ આ સ્ટેડીયમ મા માનવ મહાસાગર વચ્ચે સૌ પ્રથમ વાર જૈન દિક્ષા વિધિનુ આયોજન થયુ હતુ.અનેકવિધ વિશેષતાઓ ધરાવતી મુમુક્ષુની વર્ષીદાન યાત્રાને નિહાળવા જાણે કે આખુ અમદાવાદ રસ્તા ઉપર આવી ગયુ હતુ.આ અવસરે પીરસવાપૂર્વક યોજાયેલ આશરે બે લાખ લોકો ના સભાંરભની નોધ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ મા પણ લેવામા આવી હતી. આ સફળતા ના કેન્દ્ર મા પરિવારજનો નો ઉત્સાહ અને સેવંતીભાઈનુ પ્લાનીંગ હતુ. દેશ-વિદેશ ના અગ્રણી અખબારો, મેગેઝીનો માં  સમગ્ર અવસર સુપેરે ઝીલાઈ  રહ્યો હતો.સેકંડો સાધુ,સાધ્વીજી,ભગવંતો,ભારતભરના જૈન સંઘોના અગ્રણીઓ ,બે રાજ્યો ના મુખ્યમંત્રીશ્રીઓ ,વિવિધ સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ,મહાજનો અને ઉલ્લાસ થી ઉભરાતા હજ્જરો ભાવિકો ની વચ્ચે અતુલકુમાર જ્યારે મુનિ શ્રી હિતરૂચિવિજયજી બન્યા ત્યારે માતૃશ્રી  શાંતાબેને હસતા મુખે દિકરાને વિદાય આપતા કહ્યુ હતુ કે,
બેટા….તુ એવુ સંયમ   પાળજે કે,હવે તારે બીજી મા ન કરવી પડે અને હુ જ તારી છેલ્લી મા ગણાઉ. મારા આશીર્વાદ તારી સાથે  છે. દિક્ષા દાનેશ્વરી તરીકે જાણીતા જૈનાચાર્ય શ્રી વિજયરામચન્દ્રસુરિશ્વરજી મહારાજના અંતિમ શિષ્ય રતન બનવાનુ સૌભાગ્ય પણ તેઓને સાંપડ્યુ.
પર્યાવરણ અને સંસ્કૃતિ  પરના વિવિધ અખબારો અને સામયિકોમા પ્રગટ થયેલા અતુલ શાહ ના લેખોએ અનેક બૌધિકોને વિચારતા કરી મુકેલા તો મુનિ શ્રી હિતરૂચિવિજયશ્રીના પ્રવચનો અને તેમની વિશુધ્ધ સંયમી જીવનશૈલીએ સેકંડો લોકોના જીવન પરિવર્તન કર્યા છે,અને ભૌતિકતા,ઉપભોક્તા સંસ્કૃતિ અને વેસ્ટર્ન કલ્ચરના પ્રચંડ આક્રમણ વચ્ચે પણ ભારતીય જીવન શૈલીને જીવંત રાખતા સમર્પિત પરિવારો ને સર્જ્યા છે.પર્યાવરણ,શિક્ષણ અને સમાજ કલ્યાણ ક્ષેત્રે પ્રવ્રુત વિવિધ કર્મશીલો અને વિચારકો મુનીશ્રીને મળવા ઉસ્તુક હોય છે.ધીમી પણ મક્કમ ગતિએ તેમના ધ્વારા થઈ રહેલી આ પ્રતિક્રાંતિ ભારતીય જીવન શૈલીના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આશાનુ કિરણ છે.

નદી નું મુળ અને સાધુ નું કુળ નહિ પુછવાની ભારતીય પરંપરા છે પરંતુ હિતરૂચિવિજયજીના વતન તરીકે નો વૈભવ અને વિશેષાધિકાર પામીને વડગામ હમેંશા ગૌરવની લાગણી અનુભવશે તે નિ:શક છે.

સંપાદક :- સૈયદ શરીફ ચશ્માવાલા (વડગામ ગાઈડ પુસ્તક માંથી સાભાર)

————————————————————————————

નોધ:-અમદાવાદ ના સરદાર પટેલ સ્ટેડીયમ મા આયોજીત (અતુલ શેઠ )પ.પૂ.હિતરૂચિવિજયજી મ.સા. ના દિક્ષા પ્રસંગે સમગ્ર વડગામ ગામ ને પણ આમંત્રણ આપવામા આવ્યુ હતુ તેમજ વડગામ ના ગ્રામજનો ને લાવવા લઈ જવા માટે લક્ઝરી બસોની વિશેષ વ્યવ્સ્થા કરવા મા આવી હતી.વડગામ ના લોકો માટે અમદાવાદ મા રહેવા ની સુન્દર વ્યવ્સ્થા કરવા મા આવી હતી. હુ પણ (અતુલ શેઠ )પ.પૂ.હિતરૂચિવિજયજી ના દિક્ષા પ્રસંગ મા ઉપસ્થિત હતો અને સમગ્ર ભવ્ય પ્રસંગ નજરે નિહાળવાનો આનંદ માણ્યો હતો. — નિતિન